|
દિન
૫
આજે તો પાણી
પરનો પાંચમો દિન.
હજી તમારી
કૃપા નથી થઇ.
'મા'
તરીકેનું નામ તો તમે ઘણું મોટું ધાર્યું છે પણ કામ ઘણું ઢીલું છે.
બાળકની સંભાળ
લેવાનું કામ પણ વિના વિલંબ કરી દો ત્યારે જ તમારું જગદંબા કે જગતની જનનીનું નામ
સાર્થક થાય.
આટલી સાધારણ
ને સ્વાભાવિક વાતમાં આટલો વિલંબ શા માટે
?
જાણું છું કે
એક વામનને માટે ઊંચે લટકતાં ફળને લેવાનું કામ મુશ્કેલ છે.
તેને માટે બે
જ ઉપાય છે. કાં તો તે આળસ મૂકીને હિંમત ધરીને ઝાડ પર ચઢી જાય. કાં તો ફળ કોઇ
કારણથી પોતાની મેળે જ ઝાડ પરથી નીચે પડી જાય.
એ વિના ફળ
લેવાની તેની ઇચ્છા ભાગ્યે જ પૂરી થઇ શકે.
કદાચ તેનામાં
શક્તિ જ ના હોય ને કોઇ દયાળુ વટેમાર્ગુ તે ફળ પાડી આપે, કે પવનના સપાટાથી તે
તુટી પડે તો પણ તેનું કામ થઇ જાય. તેવી જ દશા મારી છે.
જે ફળને
લેવાની ને માણવાની મારી તૈયારી છે ને જેને માટે ઊંચા નીચા થવાનો સાધારણ જેવો
પરિશ્રમ કરી રહ્યો છું તે પરિશ્રમને તમે તટસ્થ થઇને જોઇ જ રહેશો તો તેથી ધારેલો
હેતુ ભાગ્યે જ સરશે.
માટે સંસારના
છેક સાધારણ વટેમાર્ગુના દિલમાં દેખાય છે તેવી દયા તમે પણ બતાવો ને મને સફળ
કરીને કૃતાર્થ કરો.
જગતમાં આજ
સુધી અનેક જાતનાં ફળ ચાખ્યાં છે.
પણ તે ફળ
વિનાશી છે, ને તેથી સંપૂર્ણપણે સંતોષ આપવાની શક્તિ વિનાનાં છે.
મને તો તમારી
જ લગની લાગી છે, ને તે કેટલાય સમયથી લાગી છે.
તમે જ એક
અમૃતફળ છો, ને તમને મેળવવા કે માણવાથી જ માણસ અમર ને સુખી બને છે, એ મારી
શ્રદ્ધા છે.
જીવન ને
જગતનું એકમાત્ર ફળ પણ તમે જ છો.
બીજા બધાંયે
ફળ વિનાશી, રસ કે કસ વિનાના છે. એટલે જ ડાહ્યાં માણસો તેમને છોડી દઇને એક તમારી
જ પાછળ પડે છે, તમારી ઝંખના કરે છે, ને તમારે માટે તલપાપડ બને છે.
તમે જ પ્રકાશ
છો, ને બીજા બધા જ પદાર્થો અંધકારથી ભરેલા છે. એટલે જ જ્ઞાની માણસો અંધકારથી
દૂર રહેવા પરમ પ્રકાશરૂપી તમારા સ્વરૂપનું સેવન કરે છે.
તમે જ એકમાત્ર
અવિનાશી અને અખંડ છો. તેથી અમૃતતત્વની ઇચ્છાવાળા માણસો તમારી સાથે મૈત્રી કરે
છે ને આગળ જતાં તમારી સાથે અભેદ સાધે છે.
મેં પણ મારી
જાતને તમારા પ્રેમના નાજુક છતાં પ્રબળમાં પ્રબળ તાંતણે બાંધી દીધી છે, તમારું
શરણ લીધું છે, ને મારી જીવનમિલ્કત તમને સોંપી દીધી છે. છતાં શું કારણ છે કે હજી
તમે મારી સામે પ્રકટ થઇને તેની સંભાળ લેતા નથી
?-
એક ને એક વાત
વારંવાર કહેવામાં કહે છે કે કાંઇ મઝા નથી.
પણ શું કરું
?
મારે માટે કોઇ ઉપાય જ નથી.
બગીચામાં
જ્યાં સુધી સુંદરતા ના આવે ત્યાં સુધી માળી જળસિંચન ને સફાઇ કર્યા જ કરે છે, ને
બગીચાની સજાવટના નવા નવા ઘાટ ઘડ્યા જ કરે છે, તથા વીણાના એકના એક તારને પણ આ
સંગીતકાર ઠીક કર્યા જ કરે છે, ને ત્યાં લગી ઠીક કર્યા કરે છે જ્યાં લગી તેમાંથી
સંવાદી ને કર્ણમધુર સૂર નથી છૂટતાં.
રસ ને કસ તથા
સમૃદ્ધિ માટે તલસી રહેલી જમીનને ખેડૂત પણ જરાયે કંટાળ્યા કે હતાશ થયા વિના
દિવસો સુધી એકનું એક પાણી પાયા કરે છે, ને બાળકના હિતનો વિચાર કરનારી મા પણ
બાળકને રાતદિવસ એક જ ખોળામાં સુવાડી એકનું એક પય પાયા કરે છે.
આ બધાની
પ્રવૃત્તિ ભલાઇને માટે જ થતી હોય છે.
તે જ પ્રમાણે
મારા સંબંધમાં પણ સમજી લેવાનું છે.
જ્યાં સુધી
મારા જીવનનો બગીચો પૂરેપૂરો ના ખીલે, મારી જીવનવીણામાંથી તમારી પરિપૂર્ણ કૃપાનો
સૂર ના ઉઠે, ને રસ, કસ, સમૃદ્ધિ માટે તલસી રહેલું અંતર પૂરેપૂરો સંતોષ ના માણે,
ને મારો પૂરેપૂરો ઉછેર ના થાય, ત્યાં સુધી એકની એક વાત મારે તમને કહ્યા જ કરવી
પડશે. ને ગમે કે ના ગમે પણ તમારે તે સાંભળવી જ પડશે.
છતાં માળી,
સંગીતશાસ્ત્રી, ખેડૂત ને સાધારણ માતા કરતાં તમે ઉત્તમ છો. તેથી જ કહું છું કે
હે સર્વસમર્થ ! તમારી શક્તિથી આજે જ મને સંતોષ આપી દો ને મારા કોડ પૂરા કરી દો,
જેથી એકની એક વાત જીવનમાં મારે તમને કદીપણ સંભળાવવી ના પડે.
-
આસો સુદી ૪ સોમવાર તારીખ ૧૨-૧૦-૧૯૫૩
☼
☼ ☼ ☼ ☼ |