|
દિન
૭
ગંગાનો દેખાવ
કેટલો સુંદર લાગે છે !
પવિત્ર હૃદયના
પ્રેમપ્રવાહ જેવી વહી રહેલી ગંગા આંખ ને અંતરને જોતાંવેંત જ આનંદ આપે છે, ને
મનની મરુભૂમિમાં ભાવનાની ઉત્તમોત્તમ ફોરમ ફેલાવી દે છે.
માણસો તેમાં
સ્નાન કરે છે, તેના નિર્મળ જળમાં ઊભા રહીને સૂર્યને સાંજ-સવાર અર્ઘ્ય આપે છે,
તેના તટ પર આસન વાળીને જપ, ધ્યાન, સંધ્યા ને પ્રાર્થના કરે છે.
કોઇ એની આરતી
ઉતારે છે, કોઇ પ્રસન્ન થઇને તેના પવિત્ર પાણીમાં પુષ્પો પધરાવે છે, તો કોઇ તેને
હાથ જોડીને વંદન કરીને તેના તરફની પૂજ્ય બુદ્ધિ પ્રકટ કરે છે.
માણસો તેને જડ
નહિ પણ ચેતનાથી ભરેલી માને છે, ને એ રીતે તેનું માન કરે છે.
ગંગાને આટલી
બધી મહત્તા મળી છે તેનું કારણ શું ?
કારણ એ જ છે
કે તે નિર્મળ છે, સરળ છે, ને બીજાને માટે મંગળ કે ઉપકારક છે.
તે ઉપરાંત,
સાગરના પરમ દેવની તરફ પ્રસન્નતાથી વહી જવામાં જ તેનો આનંદ છે.
જીવન પણ આવું
નિર્મળ, પ્રેમાળ, સરળ ને ઉપકારક થઈ જાય, તથા પોતાની બધી જ શક્તિથી તમારી તરફ
વહેતું થાય તો તેની મહત્તા થાય અને તે એવા આનંદ ને રસથી તરબોળ બને, જેની બરાબરી
કોઈની પણ સાથે ના થાય.
તમારી પૂર્ણ
કૃપા વિના એવું કેવી રીતે બને ?
માટે જ ગંગાને
પવિત્ર કિનારે બેસીને કહું છું - કહો કે વિનવું છું કે પ્રકાશનો પૂર્ણ ભંડાર
ભરીને હિમાલયની હરિયાળી પર્વતમાળાની પાછળથી જેમ પૃથ્વીના પ્રાણ જેવો સૂરજ પ્રકટ
થાય છે, તેમ પ્રેમીના પ્રાણ જેવાં તમે, કૃપાની પૂરેપૂરી પ્રસાદી લઈને મારી સામે
પ્રકટ બનો, ને મને પ્રકાશ, જીવન ને શાંતિ ધરો.
તમને વધારે
શું કહેવું ?
આ સમયમાં તો
અન્નસમા પ્રાણ કહેવાય છે.
પ્રાણીમાત્ર
અન્નના આધાર પર જ જીવે છે.
છતાં તમે મને
આટઆટલા દિવસથી દૂર ને દૂર રહીને તલસાવ્યા કરો છો ને શાંતિનો શબ્દસરખો કહેતાં
નથી એ ખરેખર અજબ જેવું છે.
છતાં મારે તો
તમારી કૃપાપ્રાપ્તિ ગમે તેમ કરીને કરવી જ છે, તે વિના મારા લગીર જેટલા જીવનની
સફળતા નથી, એટલે મારે તમારે માટે તલસ્યા વિના છૂટકો જ નથી.
છતાં મને એમ
થાય છે કે તમે આમ ને આમ આકરા કષ્ટમાં નાખ્યા કરશો, તો આ સમયના ચંચળ ને અશક્ત
માણસો તમારા પ્રેમી થવાની ઉમેદવારી કરવા કેવી રીતે તૈયાર થશે
?
ગંગામાં
પડેલું નાવડું આમતેમ અથડાય છે, ને હિંમત હાર્યું હોય તેમ ડોલ્યા કરે છે.
ઉપરાઉપરી
ઊછળતાં તરંગો તેને હલાવ્યા કરે છે, ને પવન તેમાં સાથ આપતો હોય તેમ સૂસવાટા કરતો
વહી રહે છે.
જોનારા
માણસોને આથી આનંદ થાય છે. પણ તેની અસહાય દશાનો કોઈને વિચાર આવતો નથી.
ત્યાં તો કોઈ
ખલાસી આવે છે, ને તેમાં કૂદી પડી, હલેસાં મારીને તેને હંકારવા માંડે છે.
આ વખતે નાવના
આનંદનો પાર રહેતો નથી, ને ઊડાં પાણીમાં પ્રેમ ને પ્રસન્નતાથી તે વહેવા માંડે
છે.
મારા જીવનનું
નાવડું પણ શું અત્યારે આવું નથી ?
તમારા પ્રેમ
ને વિરહના પાણીમાં તે ડોલ્યા કરે છે.
તેને કોઈ
તારણહારની જરૂર છે. પણ તમારા વિના તેનો તારણહાર બીજો કોણ થઈ શકે તેમ છે
?
માટે જ કહું
છું કે જલદી પધારો, ને જીવનની મારી નૈયાને સહીસલામત પાર કરો.
-
આસો સુદ ૬, બુધવાર તા. ૧૪-૧૦-૫૩
☼
☼ ☼ ☼ ☼ |