|
દિન ૮
આજે આઠ આઠ
દિવસનાં વ્હાણાં વાઈ ગયાં છતાં મારી વેદના જોઈને તમારું રુંવાડુંયે હાલતું નથી,
ને બીજું તો ઠીક, પણ આશ્વાસનના બે શબ્દો બોલવા જેટલી દયા બતાવવાનું પણ તમને મન
થતું નથી, તે જોઈને મને અચંબો થાય છે.
સમજુ માણસોએ
સ્ત્રીના હૃદયને કુસુમ જેવું કોમળ ને પ્રેમમય તથા વહેલામાં વહેલી તકે પીગળી જાય
તેવું કહ્યું છે.
પણ મારી
આટઆટલી લાંબી ને આકરી પીડા છતાં તમારું હૃદય હજી લેશ પણ પીગળતું નથી, ને પ્રેમ,
કરુણા ને કૃપાનો અસ્ખલિત પ્રવાહ બનીને મારા તરફ વહેતું નથી. તેને મારે કરુણ,
પ્રેમાળ ને સહેજે પીગળે તેવું કેવી રીતે માનવું
?
શાસ્ત્રકારો
ને સંતોએ પણ આ યુગમાં તમારી સહજમાં થઈ જનારી કૃપાનો મહીમા સારી પેઠે ને સુંદર
શબ્દોમાં ગાઈ બતાવ્યો છે.
પણ તમારી કૃપા
એટલી સહજ ક્યાં છે ?
વિપત્તિ, વિરહ
ને વેદનાની ભઠ્ઠીમાં દિવસરાત જલતા રહીને પ્રેમીએ તમારે માટે ખાખ જેવા થઈ જવું
પડે છે.
તમારા પ્રેમની
ભભૂતિ ચોળી, બધા જ પ્રકારની ભોગેચ્છા ને વાસનાનો ત્યાગ કરી, તમારા ચરણોમાં
સ્વર્ગ, મુક્તિ ને વૈકુંઠનું સુખ માની, તમારે માટે દિવસોના દિવસો ને વરસોના
વરસો સુધી તલસવું પડે છે.
બધા પ્રકારની
મમતા ને આસક્તિનો ત્યાગ કરી, તમને જ સર્વસ્વ માની, તમારી પાછળ ફકીરી લેવી પડે
છે, ને ઉપાસનાના પવિત્ર થયેલા અગ્નિથી પોતાની જાતને જલાવવી પડે છે.
તમારા પ્રેમનો
પંથ એવો ભારે છે.
કાચાપોચા મનના
માણસો તેના પર ચાલવાનો પણ વિચાર કરતાં નથી. ને જે વિચાર કરીને બે ચાર પગલાં ભરે
છે તે પણ જો કાયર હોય છે તો અધવચ્ચેથી પાછા ફરે છે.
પોતાને બળીયા
માનતા માણસોના મનમાં પણ જો મોટાઈનો વિચાર આવી જાય તો તેમનું આવી બને છે ને એમની
દશા ખરેખર જોવા જેવી થઈ જાય છે.
તેમને તમારી
કૃપાના સિંધુના એક બિંદુનો પણ સ્વાદ મળી શકતો નથી.
મહાપુરુષો કહે
છે કે તમારા પ્રેમ ને તમારી કૃપાનો સ્વાદ તેને જ સાંપડી શકે છે, ને તમારા
પ્રેમનો પંથ તેને જ સારુ સરળ થઈ શકે છે, જે નિરહંકાર ને નમ્ર બનીને એક તમારે જ
માટે તલસ્યા કરે છે ને ચાતક જેમ લગની લગાવીને તમારી તરફ તાકી રહે છે.
એકાદ બડભાગી
ક્ષણે તેના બધા જ તપ તથા તલસાટનો અંત આવે છે, તેના મુખમાં તમારી કૃપાનો અમૃતરસ
ટપકી પડે છે, ને તેના દુઃખ તથા દર્દ સદાને માટે દૂર થાય છે.
આમ હોવાને
લીધે જ, એક તરફ વેદનાની સીમા નહિ હોવા છતાં, બીજી તરફ તમારા પ્રેમ ને
વિશ્વાસનું ભાથું ભરી તમારી કૃપાની આશામાં તમારી તરફ તાકી રહેતાં બેસી રહ્યો
છું.
છતાં તમે હજી
વાર કેમ કરો છો ?
મારામાં તમારા
માટેની યોગ્યતા કદાચ ઓછી હશે, પણ તે તો તમારા દર્શનમાત્રથી પૂરી થઇ જશે.
મારામાં કોઇ
દુષણ કે દુષ્કર્મો પણ ભરાઇ બેઠા હશે, પણ તે તો તમારી કૃપા થતાંવેંત જ દૂર થઇ
જશે.
તમારા દર્શન,
સ્પર્શ ને વચનામૃતના પ્રભાવથી મારો નવો જ ઘાટ ઘડાઇ જશે, મારું તન, મન, અંતર
બધું જ પલટાઇ જશે, ને મારું જીવન અલૌકિક બનશે.
માટે પ્રેમી
ભક્તોને માટે હે પારસમણિ ! હવે લેશ પણ વિલંબ કર્યા વિના પ્રકટ બનો, ને તમારા
શીતળ સુવાસિત સ્પર્શથી મને પણ સુવર્ણમય જ નહિ, પણ પ્રેમ, પવિત્રતા ને પૂર્ણતાનો
પારસ કરો.
-
આસો સુદી ૭, ગુરુવાર તારીખ ૧૫-૧૦-૧૯૫૩
☼
☼ ☼ ☼ ☼ |