|
દિન
૧૨
વેદનાની આ
કહાની હજી કેટલા દિવસ કહ્યા કરવી પડશે તે તમે જ જાણો છો.
છતાં મારી
સ્થિતિ તો સ્પષ્ટ છે.
જ્યાં સુધી
તમારા અમૃતમય સ્વરૂપનું દર્શન નહિ મળે ત્યાં સુધી મને સંતોષ નહિ જ થાય ને શાંતિ
પણ નહિ મળે.
મારા જીવનનું
ધ્રુવપદ તમે જ છો.
એટલે તમારી
પ્રાપ્તિ વિના મને કેમે કરીને પણ આનંદ નહિ જ મળે.
માટે જ હું
તમને વારંવાર પ્રાર્થના કરું છું કે તમારા મધુર ને મંગલ મિલનના આનંદરસમાં મને
સદાને માટે નવરાવી દો.
તમારી કૃપાનો
મહિમા ગાતાં ભક્તો થાકતા નથી.
તેમના વચન પર
વિશ્વાસ રાખીને જ હું તમારે મંદિરદ્વારે આટઆટલાં દિવસથી મારો પ્રેમપોકાર
સંભળાવી રહ્યો છું.
તમારા પ્રેમી
બાળકોની સંભાળ લેવા તમે સદાયે તત્પર રહો છો ને તેમને જરાપણ દુઃખ દીધાં વિના સુખ
ને શાંતિનું દાન દો છો એવું તેમનું કહેવું છે.
તો શું મારે
તે બધું ખોટું માનવું ?
જેમના મન,
વચન, કર્મમાં સત્ય સિવાય બીજું કૈં જ ન હતું, ને જેમની વાણી વિશાળ અનુભવના આધાર
પર ઘડાઇ હતી, તેમનું કથન ખોટું હોઇ જ કેમ શકે
?
માટે જ એકવાર
ફરીથી પ્રાર્થું છું કે તમારા પ્રેમીભક્તોના વચનને સત્ય કરવાને માટે પણ તમે
મારી સંભાળ લેવા જલદી જલદી દોડી આવો ને મને ઇચ્છા પ્રમાણે શાંતિ આપી ઉપવાસ અને
સાધનાની લાંબી વેદનામાંથી ઉગારો.
તમે આજ લગી
અનેક ભક્તોના કામ કર્યા છે - ભગીરથમાં ભગીરથ જેવા કામ પણ કર્યાં છે.
ત્યારે આ કામ
તો ઘણું જ સાધારણ છે.
વળી ભક્તોને
દર્શન દેવાના ને તારવાના કામથી તો તમે ટેવાઇ ગયા છો.
એ તો તમારું
સ્વાભાવિક કામ છે.
માટે જ કહું
છું કે હવે વિલંબ ના કરો.
હું તમારા
પ્રેમી ભક્તોની હારમાં બેસી શકવાની લાયકાતવાળો નથી. છતાં પણ તમારો છું, તમારી
કૃપાની ભિક્ષા માંગતો જીવી રહ્યો છું, ને તમારામાં જ રસ ધરાવું છું.
એટલું યાદ
કરશો તો જરા પણ વિલંબ નહિ કરો.
તમે તો
જગન્માતા છો. માતા પોતાના બાળકની યોગ્યાયોગ્યતાનો વિચાર નથી કરતી.
પોતાના બાળકથી
ઘડીભર પણ દૂર રહે ને તેને તાપમાં તપાવે એવી માતા કેટલી કઠોર હશે
?
આ બધું તમને
પ્રેમના ઉભરામાં કહી રહ્યો છું.
કાલે એ કહેવું
ના પડે માટે આજે જરૂર જરૂર પધારો ને મને આનંદ આપો.
-
આસો સુદી ૧૨, સોમવાર તારીખ ૧૯-૧૦-૧૯૫૩
☼
☼ ☼ ☼ ☼ |