|
દિન
૧૪
જ્ઞાનીઓ તમારા
વિશ્વમોહન સ્વરૂપનો અનાદર કરે છે ને તમારા સાકાર રૂપને મિથ્યા માનીને ઉડાવી
દેવાનો પ્રયાસ કરે છે.
પણ તે સાચા
જ્ઞાની નથી. તે તો જ્ઞાનીના વેશ નીચે છૂપા રહેલા અજ્ઞાની જ છે.
જે સાચા
જ્ઞાની છે તે તો તમારામાં ને વેદના બ્રહ્મમાં કાંઇ જ ભેદ માનતા નથી, શાસ્ત્રો
ને મહાપુરુષો એકી અવાજે આનું સમર્થન કરે છે, ને તમારા સાકાર સ્વરૂપનું પણ
પ્રતિપાદન કરે છે.
શુકદેવ ને
પ્રહલાદ જેવા પરમહંસો પણ તમારા પ્રેમથી વિભોર બનીને તમારા સ્વરૂપના દિવ્ય
સૌંદર્યની પાછળ પાગલ બન્યા હતા, ને તમારી સાથે એક થવા છતાં પણ તમારા પ્રેમનો
આસ્વાદ લેવા તમારા પ્રેમી બનીને જીવનભર તમને ભજી રહ્યા હતા.
જ્ઞાનીઓ કહે
છે કે બ્રહ્મતત્વના અનુભવમાં તો આનંદ છે જ પરંતુ તમારા મંગળ ને રસનીતરતાં
સ્વરૂપમાં તેથી પણ વધારે રસ અને આનંદ છે.
ને મારો તો
અનુભવ છે કે ધ્યાન, ધારણા ને શ્રવણ, મનન તથા નિદિધ્યાસન કરીને પોતાની અંદર
બ્રહ્મતત્વનું દર્શન કરવાના કઠિન કામથી પણ તમારા જ્ઞાન, આનંદ, સૌંદર્ય ને
સત્યની મૂર્તિ જેવા રૂપનું દર્શન ને સાક્ષાત દર્શન કરવાનું કામ વધારે કઠિન છે
ને તેમાં વધારે પરિશ્રમ પડે છે.
કોઇક
પુણ્યશાળી ને બડભાગીના દિલમાં તમારા આવા સાક્ષાત દર્શનની લ્હે લાગી જાય છે.
બાકી વધારે ભાગના જ્ઞાની તો તમારા નિરાકાર સ્વરૂપથી સંતોષ પામી બેસી જાય છે.
જ્ઞાનના
ગુમાનથી જેને ભારેખમ બનવું હોય ને બ્રહ્મનો વિચાર કરીને જેને કૃતાર્થ થવું હોય
તે ભલે ભારેખમ બને ને કૃતાર્થ પણ થઇ જાય, મને તો તેટલી કૃતાર્થતામાં જ પૂરાઇ
રહેવાનું પસંદ નથી, એ તમે જાણો જ છો.
મને તો તમારા
દૈવી સ્વરૂપના દર્શનની લગની લગાડીને તમે મારા પર મોટો ઉપકાર કર્યો છે.
તમારે માટે
મારા હૃદયમાં કદીયે ના તૂટે ને કોઇ કાળે ના ખૂટે એવો રાગ જગાવીને તમે મારા પર
મોટો અનુગ્રહ કર્યો છે.
એ મહાન
ભાગ્યથી મને સંતોષ છે.
તમારા નિર્ગુણ
નિરાકાર રૂપનો આનંદ તો મને મળ્યો જ છે. પરંતુ તમારા સાકાર સ્વરૂપના સાક્ષાત
દર્શન માટે દિવાના જેવો કરી દઇને તમે મને જે આનંદ આપ્યો છે તે પણ ખરેખર અજોડ ને
અદભૂત છે.
તો હવે એ
આનંદને પૂર્ણ કરી દો, પરમાનંદમાં પલટાવી દો, ને તમારા સાક્ષાત દર્શનનો લાભ
આપીને મારા લોચનને ને મારા જીવનને સાચા અર્થમાં સુખી ને સફળ કરો.
-
આસો સુદી ૧૪, બુધવાર ૨૧-૧૦-૧૯૫૩
☼
☼ ☼ ☼ ☼ |