|
દિન
૧૬
ફુલમાંથી બહાર
ફેલાઇ ગયેલી ફોરમ, વહી ગયેલો વાયુ, ને નદીનું આગળ વધી ગયેલું નીર, એ ત્રણેમાંથી
એકે પોતાના મૂળ સ્થાનમાં જેમ પાછાં આવી શકતાં નથી તેમ વહી ગયેલો વખત પણ પાછો
આવતો નથી.
એ નિયમને જે
જાણે છે તે સારા કામને શીઘ્ર અને અતિ શીઘ્ર કરવામાં પ્રમાદ કેવી રીતે કરી શકે
?
તે તો પોતાના
બધા જ જીવનને - વર્તમાનની ક્ષણે ક્ષણને તમારી પ્રાપ્તિ માટેના પુરુષાર્થમાં મન
મૂકી લગાવી દેશે ને તમારી અખંડ આરાધનામાં લાગી જશે.
તમને પ્રાપ્ત
કર્યા વિના તેને ચેન નહિ પડે.
સમયના મૂલ્યને
સારી પેઠે સમજી લઇ, વહેલામાં વહેલી તકે તમને મેળવવા તે તલપાપડ બનશે ને બીજા
બધાં જ કામને ગૌણ માની તમારી કૃપાપ્રાપ્તિના મુખ્ય કામને કરવા કમર કસશે.
આજે ... આજે
ને અત્યારે જ તમને મેળવી લેવાની તેને લગની લાગશે ને તે માટે જરા પણ હતાશ થયા
વિના વારંવાર પ્રયાસ કર્યા કરશે.
તમારી
પ્રાપ્તિના કામને જે મુલતવી રાખ્યા કરે છે તે સમયના મહત્વને સમજતા નથી.
અથવા તો તમારા
પ્રેમના પરમ રસને પ્રાપ્ત કરી શક્યા નથી.
નહિ તો
ક્ષણેક્ષણે પરિવર્તન પામતા સંસારમાં તે દીર્ઘસૂત્રી બનીને ભાગ્યે જ બેસી રહેત.
તમારી કૃપાની
પ્રાપ્તિનું કામ સહેલું નથી.
એવરેસ્ટને સર
કરવા માટે કેટલા અગણિત પ્રયાસ થઇ ચુક્યા
?
એવરેસ્ટના
કપરા ને અશક્ય કહેવાતા કામમાં મરજીવા જેવા માણસો મોતને હાથમાં લઇને એક નહિ પણ
અનેક વાર નીકળી પડ્યા, નવા નવા ઉત્સાહ, વિશ્વાસ ને સાહસની ભાવનાનું ભાથું ભરીને
વીર માણસો નીકળી પડ્યા.
તેમાંના
કેટલાક રસ્તામાં જ રામશરણ થઇ ગયા, તો કેટલાક પ્રતિકૂળ વાતાવરણને લીધે થોડે સુધી
જઇને જ પાછા ફર્યા, તો કેટલાક તૂટી પડતાં બરફના પર્વતો સાથે તણાઇ જઇ, ઊંડી
હિમગર્તામાં સરકી, સમાઇ ને અદૃશ્ય પણ થઇ ગયા.
પણ તેથી શું
?
માનવની
મહત્વકાંક્ષાએ આખરે અજેય કહેવાતા એવરેસ્ટને પણ સર કરી લીધો.
સાચું છે કે
તમારી પ્રાપ્તિનું કામ એવરેસ્ટને સર કરવાના કામ કરતાં વધારે કપરું, કિંમતી,
કૃતાર્થ કરનારું ને કષ્ટથી ભરેલું છે.
પરંતુ તમારી
કૃપા હોય તો માણસ તેમાં પણ સફળ થઇ શકે છે.
એવરેસ્ટને સર
કરવા માટે માણસને કેટકેટલી વાર પ્રયાસ કરવો પડ્યો
?
તમારા હૃદયને
પીગળાવવા ને સાધનાનું અંતિમ એવું એવરેસ્ટ શિખર સર કરવા, તે જ પ્રમાણે જો
વારંવાર પ્રયાસ કરવો પડે તો તેમાં આશ્ચર્ય જેવું શું છે
?
હતાશ થવાનું
કારણ પણ ક્યાં છે ?
પણ એવો ક્રમ
ક્યાં સુધી ચાલ્યા કરશે ?
એવરેસ્ટ
આરોહણની જેમ સાધનાનું કામ મારે એકલે હાથે કરવાનું નથી કે આટલી વાર લાગે.
આ તો તમારું
કામ છે. તમારા સાથ ને સામર્થ્યને આધારે હું આગળ વધી રહ્યો છું, તમે ધારો તો એક
જ ક્ષણમાં મને સાધનાના ઊંચામાં ઊંચા શિખર પર ચઢાવી શકો તેમ છો.
છતાં આટલી બધી
વાર કરો છો એ ખરેખર આશ્ચર્ય છે.
-
આસો વદ ૧, શુક્રવાર ૨૩-૧૦-૧૯૫૩
☼
☼ ☼ ☼ ☼ |