|
દિન
૧૭
દિવસ પર દિવસ
પસાર થતા જાય છે ને મારી તાલાવેલી વધતી જાય છે.
પ્રત્યેક
પ્રભાતે પ્રેમના પુષ્પો લઇને તમારું સ્વાગત કરવાના કોડ સેવતો હું તૈયાર રહું
છું ને પ્રત્યેક સાંજે આરતીનો ઘંટ વાગે છે ત્યારે મારા દિલનો વેદનાઘંટ પણ વાગી
ને ગાજી ઉઠે છે કે એક દિવસ વધારે વહી ગયો ને તમારી પધરામણી થઇ નહિ.
પરંતુ વેદના
ને વ્યથાથી હતાશ થઇને બેસી રહેવાને બદલે, કોઇ કાળે કરમાય નહિ એવી કુસુમમાળાને
લઇને, સાંજ પડતાં હું વળી વધારે આતુર બનીને તૈયાર થઇ જાઉં છું ને રાતભર તમારી
આરાધનામાં લાગી રહું છું.
આવો છે મારો
પ્રેમ ને આવો છે મારો તલસાટ.
આ કાંઇ એકાદ
બે દિવસની સાધના છે ?
વરસોથી શરૂ
થયેલી સાધના મેદાની પ્રદેશમાંથી વહી જતી સંવાદી સરિતાની જેમ સંવાદ સાધતી ચાલી
જાય છે. છતાં હજી તેને તમારા મિલનનો આનંદ આપવા તમે તાલાવેલી બતાવતાં નથી એ શું
ઓછું આશ્ચર્ય છે ?
'જે
મને જેવા ભાવે ભજે છે તેને હું તેવા ભાવથી ભજું છું'
ને 'હે
અર્જુન, જે મને ભજે છે તેને મારી પ્રાપ્તિ જરૂરથી થાય છે'
એ વચનો તમે કુરુક્ષેત્રના મેદાનમાં કહેલા છે. તે શું સાચાં નથી
?
તો પછી હજી વિલંબ કેમ કરો છો ?
આખરે હું
બીજું માગું છું પણ શું ?
તમારું દર્શન તો માગું છું !
તે માગનાર પર
તો તમારે ખૂબ પ્રસન્ન થવું જોઇએ.
ન જાણ્યે
કેટલાય જન્મોના પુણ્યોદયથી જીવને તમારી પ્રીતિ કરવાનો ને તમારી પ્રાપ્તિ કરીને
ન્યાલ થવાનું મન થાય છે.
સંસારના
વિનાશી પદાર્થ ને રસમાંથી મનને પાછું વાળી લઇને તમારા ચરણમાં લગાડવાનું કામ
કપરું છે ને કેટલાય જન્મોના સત્કર્મોના ફળરૂપ થઇ શકે છે એ વાત શાસ્ત્રો ને
સંતોએ એકી અવાજે જાહેર કરી છે.
એટલે જે માણસો
તમારી પ્રાપ્તિ માટે પાગલ બનીને તમારી આરાધનામાં લાગી જાય છે તે તો તમને ખૂબ જ
પ્રિય હોવા જોઇએ, ને પ્રિય છે એમ તમે અનેક ઠેકાણે કહી દીધું છે.
તો પછી પોતાને
જે પ્રિય છે તેને તલસાવવામાં ને વ્યથા પહોંચાડવામાં શો લાભ કે આનંદ હોઇ શકે
?
એમાંય વળી હું
તો શરણાગત છું. એટલે મારા તરફ તો તમારે ખાસ ધ્યાન આપવું જોઇએ.
એટલે જ હું
પ્રાર્થના કરું છું કે બ્રહ્માંડની માતા ! તમારો વિલંબ અસ્થાને છે. તમારા
બાળકને શાંતિ આપવા જલ્દી જલ્દી દોડી આવો.
શિક્ષા તો
અપરાધીને થાય છે ને દંડ પણ જે ગુન્હેગાર હોય તેને જ કરવામાં આવે છે.
નિરપરાધીને
દંડ દેવાનું વિધાન અમારા સાધારણ સંસારમાં પણ હોય તેવું દેખાતું નથી.
છતાં આજે
વરસોથી તમે મને ચિંતા, વેદના, દર્દ ને તમારા વિરહતાપનો દંડ આપ્યા કરો છો ને
દેશનિકાલની સજા પામેલા પુરુષોની જેમ તમારા દિલથી દૂર ને દૂર રાખો છો, તો મારાથી
શું કોઇ અપરાધ થયો છે ?
હું તો તમારા
રૂપ રૂપના અંબાર જેવા સ્વરૂપનું દર્શન માગું છું, ને તમારા મધુભરેલા મુખનું
નિરંતર પાન કરવાની ઇચ્છા રાખું છું. એને જ જો અપરાધ માનતા હો તો તમારી મરજી.
તમારી કૃપાનો
ભંડાર સદાયે ભરપૂર રહે છે.
તો શું તે
મારે માટે ખાલી થઇ ગયો એમ સમજવું ?
તમારો પ્રેમ
ભક્તો પર નિરંતર વરસ્યા કરે છે, તે મારે માટે સુકાઇ ગયો એમ સમજવું
?
ને તમારું
અમૃત નીતરતું અંતર જે તમારા સંતાનોને માટે ઉત્સાહમાં આવી જઇને અખંડપણે ઉછાળા
માર્યા કરે છે તેમાં મારે માટે ઓટ આવી ગઇ છે એમ માની લેવું
?
શેરડીનો સાંઠો
જેમ સુકાઇ જાય, મધપૂડો મધ વિનાનો થઇ જાય, ને ફોરમવાળું ફુલ કરમાઇને ખરી જાય,
તેમ તમારું રસાળ પ્રેમથી મહેકી ઉઠતું અંતર મારે માટે સુકાઇ ગયું ને કરમાઇને ખરી
પડ્યું ?
તે કલ્પના જ
કેટલી ભયંકર છે ?
તો પછી મારી
સંભાળ લેતાં કેમ નથી ?
મારા તપેલા
તરસભર્યા અંતરને પ્રેમ ને કૃપાના અમૃતનો અભિષેક કરીને કેમ શાંતિ આપતા નથી
?
-
આસો વદી ૨, શનિવાર ૨૪-૧૦-૧૯૫૩
☼
☼ ☼ ☼ ☼ |