Shri Yogeshwarji's autobiography

પ્રકાશના પંથે

Heart churning Prayers from 'Prakash Na Panthe'

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

ઉપવાસના દિવસના મનોભાવો

 

Ambe Ma | Goddess Amba | અંબા માતા

< Back | Index | Next >

 

 

દિન ૧૮

ગઇ કાલે તમારા અનુગ્રહની આશા જાગી હતી. પણ તે મિથ્યા થઇ છે ને તમારી કૃપા માટે પ્રતિક્ષા કરવાનું કામ હજી મારે માટે બાકી રહે છે.

તમારી કૃપા ખરેખર ક્યારે થશે તે એક તમે જ જાણો છો.

પરંતુ તે નહિ થાય ત્યાં સુધી હું તમારી પ્રાર્થના ને ઝંખના ચાલુ જ રાખીશ એ નક્કી છે.

તમારે બંધ મંદિરદ્વારે આવીને મારો પ્રેમપૂર્ણ પોકાર હું ફરી ફરી સંભળાવ્યા કરીશ ને તમારા ઉદાસીન જેવા અંતરમાં મારે માટે સહાનુભૂતિ જગાવવાનો પ્રયાસ કરતો રહીશ.

એમ કરતાં એક દિવસ તો તમારું મંદિરદ્વાર જરૂર ઉઘડી જશે ને તમારા અંતરમાં મારે માટેનો પ્રેમનો પવિત્ર ફુવારો ફુટી નીકળશે.

રાત ગમે તેટલી લાંબી ને ભયંકર હોય છતાં કાયમી નથી.

સમય આવતાં તેનું સામ્રાજ્ય પણ પૂરું થાય છે ને સોનેરી સવારનો ઉદય થાય છે.

જીવનના સુખદુઃખ, હર્ષ ને આંસુ તથા પરિતાપ ને છાયાનું પણ એવું જ છે.

એનું ચક્ર પણ નિરંતર ફરતું જ રહે છે.

તમારો વિરહ ને વિરહની વેદના પણ કાયમી કેવી રીતે હોઇ શકે ?

એનો અર્થ એમ નથી કે રાત પછી જેમ દિન ને દિન પછી વળી રાત આવે છે તેમ વિરહ પછી તમારું મિલન ને પાછો તમારો વિરહ પણ આવી રહે છે.

સંસારનો એ નિયમ તમારા સંબંધમાં લાગુ નથી પડતો.

તમારા વિરહને અંતે મિલનનો આનંદ માણસને જરૂર મળે છે. પણ તે મિલન ને મિલનનો આનંદ કાયમી હોય છે. તેનો કદાપિ નાશ નથી થતો કે નથી તેમાં ઘટાડો થતો.

જેને તમારા મિલનનો મીઠો આનંદ મળી ગયો તેને વિરહની વેદનાનો ભય ફરીવાર રહેતો નથી, ને જેનો તમારી સાથે સંયોગ થઇ ગયો તેનો વિયોગ પણ કદી થતો નથી.

એટલે જ તમારા રસને શાસ્ત્રો ને સંતોએ સનાતન કહ્યો છે ને તમારી પ્રાપ્તિની આનંદની કોઇ ઉપમા નહિ મળવાથી તેને અવિનાશી કહીને વખાણ્યો છે.

એની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરવામાં જ પરમ પુરુષાર્થ રહેલો છે એમ માનીને ડાહ્યા માણસો તમારે માટે તપે છે, તલસે છે, ને તમારી કૃપાની ઝંખના કરે છે.

એ અવિનાશી આનંદની પ્રાપ્તિ માટે જ જીવમાત્રની જાણ્યે અજાણ્યે પ્રવૃત્તિ થાય છે ને મેં પણ તેને માટે જ તમારી કૃપાના ચાતક બનીને આસન વાળ્યું છે.

હવે તમે ઢીલ કર્યા વિના એ અક્ષય આનંદની મોકળા મનથી વૃષ્ટિ કરો ને મારા તન, મન, અંતરને તેથી ભીંજવી દો.

હું વારંવાર તમારે માટે પ્રાર્થના ને પોકાર કર્યા કરું છું તે શું તમને સારું લાગે છે ?

તમારી કૃપાના ઇતિહાસમાં મારી વેદનાનો વારંવારનો ઉલ્લેખ શું સારો લાગે છે ?

તો પછી હિમાલય જેવાં ગંભીર ને ગહન સમાધિ ધરીને શું કામ બેઠાં છો ?

હિમાચ્છાદિત હિમાલય સૂર્યના તીખાં તાપથી તપીને જેમ પ્રવાહી બનીને વહેવા માંડે છે તેમ મારી વેદના ને પ્રાર્થનાથી પાવનકારી પ્રવાહ થઇને વહેવા માંડો.

-  આસો વદ ૩, રવિવાર ૨૫-૧૦-૧૯૫૩

 

☼         ☼         ☼         ☼         ☼

Shri Yogeshwarji

 

( શ્રી યોગેશ્વરજી લિખિત 'પ્રકાશના પંથે'માંથી )

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer