Shri Yogeshwarji's autobiography

પ્રકાશના પંથે

Heart churning Prayers from 'Prakash Na Panthe'

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

ઉપવાસના દિવસના મનોભાવો

 

Ambe Ma | Goddess Amba | અંબા માતા

< Back | Index | Next >

 

 

દિન ૨૦

ઉજ્જડ વેરાન જેવાં દેખાતાં ને ખાવા ધાતાં વન વર્ષાના પ્રતાપથી લીલાંછમ થઇ ગયાં છે ને સૂકાં જેવા પર્વતો પણ હર્યાભર્યા બની ગયા છે.

દેવાદાર બની ગયેલો માણસ કોઇ કારણથી એકાએક શ્રીમંત ને સુખી બની જાય તેમ નાની નાની નદીઓ ને ઝરણાં જળથી ભરપૂર બની ગયાં છે.

લાંબા વખત સુધી તપેલી ધરતી શીતળ બની છે,  ને આંખને આનંદથી આંજી દે એવી શોભાને ધારી રહી છે.

બહુ ગવાયેલી ને વખણાયેલી શરદપૂર્ણિમાની રાતે થયેલી અમૃતવર્ષાથી જુદી જુદી ઔષધિઓ પણ અમૃતમય બની છે ને શોભાની ઝંખના કરતું આકાશ ચંદ્રની પૂર્ણતાથી સંપૂર્ણ શોભાવાળું બની ગયું છે.

ચારો ચણવા બહાર ગયેલા પંખી પોતાના બાળકોની પાસે પાછાં ફર્યા છે ને થનગનાટ કરતાં વાછરડાની પાસે પાછી ફરેલી ગાયો તેમના શરીરને સ્નેહથી ચાટી રહી છે.

છતાં મારો થનગનાટ હજી મટ્યો નથી.

શોભા ને શીતળતા તથા અમૃતની મારી ઝંખના હજી શમી નથી, ને જીવનની મારી નદી તમારા પ્રેમના પાણીથી હરીભરી બની નથી.

તમે હજી ક્યાં સુધી દૂર ને દૂર રહેશો ?

ક્યાં સુધી મારે હજી તમારી પ્રતિક્ષામાં બેસવું પડશે ને તમારા પ્રેમના તાપમાં તપવું પડશે ?

લીલાંછમ પર્વત, હરીભરી ધરતી અને સુશોભિત આકાશને અવલોકીને અંતરમાં આશા જાગે છે કે જીવન પણ એવી જ રીતે હર્યુંભર્યું બની રહેશે.

નદીના કિલ્લોલ કરતાં વહી જતાં પાણીની જેમ જીવન પણ ધન્ય, પૂર્ણ ને આનંદમય બનતાં વહ્યું જશે, અને એક વારના આ એકલવાયા વૃક્ષને લીલાંછમ પાંદડા ઉગ્યાં છે ને સુંદર પુષ્પો પણ પ્રકટ્યાં છે તેમ શક્તિ ને શાંતિના પર્ણ ને પુષ્પોથી જીવન શોભી ઉઠશે.

તમારા આશીર્વાદથી મનમાં ધારેલું બધું જ કામ શક્ય ને સફળ બનશે.

છતાં આમાં તમે વિલંબ ના કરો એ ઇચ્છા તો રહે છે જ.

છેલ્લાં ત્રણ દિવસથી મેં તમારે માટે ફક્ત થોડાક દૂધ પર રહીને પ્રાર્થવાનું શરૂ કર્યું છે.

તમારી પ્રેરણા પ્રમાણે હું તમારે માટે તલસ્યા કરું છું.

પણ મારા જેવા એક સાધારણ બાળકને માટે આ ઘણું કહેવાય.

માટે હવે તો આ તપ અને વિયોગનું આ પ્રકરણ પૂરું કરો.

જે જે દિવસ જાય છે તે તમારી કૃપાના ઇતિહાસની કસોટીરૂપ છે.

માટે દિવસોની વધારે આવૃત્તિ કરીને હવે દિલને ના દુભાવો.

-  આસો વદ ૫, મંગળવાર, ૨૭-૧૦-૧૯૫૩

 

☼         ☼         ☼         ☼         ☼

Shri Yogeshwarji

 

( શ્રી યોગેશ્વરજી લિખિત 'પ્રકાશના પંથે'માંથી )

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer