Shri Yogeshwarji's autobiography

પ્રકાશના પંથે

Heart churning Prayers from 'Prakash Na Panthe'

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

ઉપવાસના દિવસના મનોભાવો

 

Ambe Ma | Goddess Amba | અંબા માતા

< Back | Index | Next >

 

 

દિન ૨૧

આજે તમે કૃપા કરીને સહેજ શાંતિ આપી છે પરંતુ આટલાથી જ મને પૂરો સંતોષ થાય તેમ નથી.

હજી યાત્રા ઘણી લાંબી છે.

તમારી પ્રેરણા પ્રમાણે ચાલુ છું. તે પ્રેરણા પ્રમાણે આજે અન્ન લઇશ.

પરંતુ તમારે માટેની વેદના ને અસંતોષની વૃત્તિ તથા તરસ તો દિલમાં કાયમ જ રહેશે.

તે તો ત્યારે જ મટશે જ્યારે તમારી રૂપ રૂપના અંબાર જેવી આકૃતિને જોઇને આંખમાં આનંદનું અમૃતમય અંજન અંજાશે, શરીરમાં તમારા સુવાસિત શીતળ સ્પર્શની સદાને માટે સુવાસ ફેલાશે ને સંગીતના સ્વરથી પણ મીઠો તમારો સ્વર સાંભળીને તન, મન, અંતરમાં અમી રેલાશે, ત્યારે મારો પ્રાણ નાચી ઉઠશે ને ઉત્સવ કરશે.

દિલને કોરી ખાતી વેદના અને અશાંતિ પણ ત્યારે જ દૂર થશે અને અંતરના આકાશ પર વ્યાપેલાં અસંતોષનાં વાદળ પણ ત્યારે જ વીખરાશે.

આજે મારા નસીબમાં યાતના ને દર્દ છે પણ એક સોનેરી સવારે એ જરૂર દૂર થશે ને જીવનમાં તમારા મિલનનો શાશ્વત ને અનંત આનંદ ફરી વળશે, અખંડ સુખની વૃષ્ટિ થશે, ને મુક્તિ તથા પૂર્ણતાના તરંગો ફરી વળશે.

એ વિશ્વાસથી જ હું આગળ ને આગળ વધ્યે જાઉં છું ને રોજ સવારે ગીત ને ભાવનાના નવા નવા શણગાર સજી, આશા ને ઉત્સાહનું પાન કરતો તમારી પ્રતીક્ષા કર્યા કરું છું.

- આસો વદી ૬, બુધવાર, ત૧રીખ ૨૮-૧૦-૧૯૫૩

 

દિન

તમારી કૃપાની કહાનીનો અંત કરુણ નહિ પણ તમારી કૃપાના મહિમા ને તમારી કીર્તિને અનુરૂપ હોવો જોઇએ, અથવા શરણાગત ભક્તોની લાજ રાખવાના ને નિર્બળને પણ તારવાના તમારા બાનાને બંધબેસતો થવો જોઇએ.

પૂર્ણ પ્રકાશને પંથે શરૂ થયેલો મારો પ્રવાસ પૂર્ણ પ્રકાશની પ્રાપ્તિ કરનારો ને એ રીતે તમારો મહિમા વધારનારો થવો જોઇએ.

આમાં મારા કરતાં તમારા માનનો પ્રશ્ન મુખ્યત્વે રહેલો છે ને તે માન કોઇ કાળે ને કોઇયે રીતે ઘટે નહિ પણ વધે એનું ધ્યાન રાખવાનું કામ તમારું છે.

એનું પૂરું ધ્યાન રાખશો ને વધારે વિપત્તિ વરસાવ્યા વિના જલદી જલદી મારો ઉદ્ધાર કરશો તો તમારું નામ વધારે ઉજ્જવળ બનશે, તમારું કામ વધારે કીમતી કહેવાશે, ને લાંબા વખતથી લુપ્ત થયે જતો તમારો મહિમા ફરી વાર તાજો થશે.

સંસારમાં તમારી સુવાસ ફેલાઇ જશે ને તમારાથી વિમુખ થયેલાં માણસો તમારા તરફ મોં ફેરવવાની શરૂઆત કરશે.

તમારું પરિપૂર્ણ સાધન બનીને સંસારમાં તમારા કીર્તિગાનનો ગુંજારવ કરતાં હું જીવી રહીશ ને તમારા નક્કી કરેલા કામને કરતો રહીશ.

એ દિવસ મારે માટે કેટલો બધો આનંદમય હશે !

તમારી પૂર્ણ કૃપાના પ્રતીક જેવો એ ધન્ય દિવસ મારા જીવનમાં યાદગાર બની જશે, પર્વ દિવસ થઇ જશે, ને સોનેરી અક્ષરે લખાઇ રહેશે.

તમારી કૃપાના ઇતિહાસમાં પણ એનું મહત્વ ઓછું નહિ હોય. સાચું જીવન ત્યારે જ શરૂ થશે.

-  આસો વદી ૭, ગુરુવાર, ૨૯-૧૦-૧૯૫૩

 

☼         ☼         ☼         ☼         ☼

Shri Yogeshwarji

 

( શ્રી યોગેશ્વરજી લિખિત 'પ્રકાશના પંથે'માંથી )

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer