|
દિન
૨૩
તમારા ભક્તોને
મદદ કરવા માટે તમે ખડે પગે તૈયાર રહો છો, સ્વપ્ને પણ તમારા શરણાગતોનો વાળ વાંકો
થવા દેતા નથી, એવાં તમારા ગુણગાન મેં ઘણાં સાંભળ્યા છે.
વળી તમારી
ભક્તવત્સલતા અને અહેતુકી કૃપાના મહિમાગીત પણ સાંભળ્યા છે.
તેને
સાંભળવાથી મારું હૃદય તમારા પ્રત્યેના પ્રેમથી ભરાઇ ગયું છે.
કોઇપણ
સંજોગોમાં તમને ભજવામાં ને તમારે શરણે આવવામાં નુકસાન કે ગેરલાભ તો નથી જ, પણ
લાભ જ લાભ છે, એ વાત મારા મનમાં ઠસી ગઇ છે, ને તમારી પ્રાપ્તિ એ જ મારા અંતરની
ઇચ્છા ને જીવનની જરૂરત બની ગઇ છે.
આ માટે હું
મારી જાતને બડભાગી માનું છું. ને મને તમારા કૃપાપાત્ર તરીકે પસંદ કરવા સારુ
તમારો પણ અંતરપૂર્વક આભાર માનું છું.
પણ એ આભાર હજી
અધૂરો છે ને મારું ભાગ્ય પણ એવું જ અધૂરું છે.
તે પરિપૂર્ણ
ત્યારે જ બની શકશે જ્યારે તમારું અલૌકિક પ્રકાશથી પ્રકાશતું મુખ લઇને તમે મારી
સામે પ્રકટ બનશો, ને તમારી અમૃતથી ઉભરાયેલી આંખોને મારી આંખોમાં સ્થિર કરશો.
ઋષિમુનિ પણ
જેને જોવા ઝંખે છે અને આકરામાં આકરું તપ કરીને શરીરને સૂકવી નાખે છે છતાં જેની
ઝાંખી ભાગ્યે જ પામે છે, ને દેવોને માટે પણ જે દુર્લભ છે તે રૂપને લઇને મારા
લોચન સામે તમે સાક્ષાત બનશો ત્યારે જ મને નિરાંત વળશે, ચેન પડશે, ને શાંતિ મળી
શકશે.
તે વિના મારા
જીવનની ઝંખના ને સાધના અધૂરી જ રહેશે.
આંખમાં આતુરતા
અને અંતરમાં અનુરાગને લઇને તમારા મહિમાના ગીત ગાતાં સંસારમાં હું શ્વાસ લઉં
છું.
ગીત તમારે
માટેની પૂજાનો એક પ્રકાર ને સાધનાનું અંગ છે.
તે દ્વારા
મારા સંદેશને તમારે દ્વારે પહોંચાડી રહ્યો છું ને તમારા પવિત્ર ચરણોમાં મારા
પ્રેમામૃતની અંજલિ આપી રહ્યો છું.
- આસો વદી ૮, શુક્રવાર, ૩૦-૧૦-૧૯૫૩
દૂધ પરના ચાર
દિન ને આગળ
દિન
૨૪
તમારી વેદના
ને ધૂન લઇને હું કેટકેટલા પ્રદેશોમાં ફર્યો, કેટકેટલું તપ્યો ને હૃદયના
ઊંડાણમાં રડ્યો !
તમારા
પ્રેમમંદિરના પૂજારી બનીને જીવનનો આજ સુધીનો સમય મેં પસાર કર્યો છે ને તમારી
કૃપા માટે અહાલેક જગાવ્યો છે.
હવે તેની
પૂર્ણાહુતિ થવાની તૈયારી છે ત્યારે તમારે માટેનો અનુરાગ વધારે ને વધારે પ્રબળ
બનતો જાય છે.
પણ આખરે આ તો
બાળકનો અનુરાગ છે.
તેની શક્તિ
કેટલી હોય ?
માટે મારા
અનુરાગના આધાર પર મદાર બાંધીને બેસી રહેવાને બદલે તમારા અનુરાગનો જ વિચાર કરો.
તમારા દર્શન
વિના જીવન વૃથા છે.
તેની શોભા ને
કિંમત તમારી કૃપા વિના કશી જ નથી.
જીવનની સફળતા
તમે તેનો સપ્રેમ સ્વીકાર કરો તેમાં જ છે ને તેનું ગૌરવ પણ તમારા પ્રેમપાત્ર
થવામાં જ રહેલું છે.
જીવનનો
એકમાત્ર સ્વાર્થ એ જ છે કે તમારી કૃપાથી તે સંપન્ન, શાનદાન ને ઉજ્જવલ બની જાય,
ને બધા જ પ્રકારની ત્રુટિ ને તૃષ્ણાનો ત્યાગ કરીને પરમ શક્તિમાન ને શાંત થાય.
શરીરને ધારણ
કરવાનું ઉત્તમ કામ પણ ત્યારે જ સફળ બને છે જ્યારે તમારા પ્રેમાળ સ્પર્શથી તે
પાવન થાય છે ને તમારા અમૃતમય આશ્લેષથી અમૃતમય બની જાય છે.
આને લીધે જ
માનવને સાચી મહત્તા પ્રાપ્ત થાય છે ને સૃષ્ટિમાં તેને સૌથી બડભાગી માનવામાં આવે
છે.
તમારી કૃપા
વિના આ બધું ભાગ્યે જ થઇ શકે. માટે જ તમને વારંવાર કહ્યા કરું છું કે તમારી
કૃપાનો વરસાદ મારા પર સારી પેઠે વરસાવી દો, એવી રીતે વરસાવી દો કે કૃપાની ચાહના
જ પછી રહે નહિ. મારું જીવન તમારી કૃપા બનીને જ જીવી રહે.
-
આસો વદી ૯, શનિવાર ૩૧-૧૦-૧૯૫૩
☼
☼ ☼ ☼ ☼ |