|
દિન
૨૯
જડ ને ચેતનમાં
તમારું દર્શન કરનારા પુરુષો પણ તમારા અલૌકિક એવા સાકાર સ્વરૂપનું દર્શન કરવાની
ઝંખના કરે છે એવો તમારો મહિમા છે.
પશુપક્ષી,
સરિતાસાગર, ફુલ, ધરતી, આકાશ બધે તમારા અસ્તિત્વનો નિરંતર અનુભવ કરનારા પુરુષો
પણ તમારા લોકોત્તર ને ઇશ્વરીય સ્વરૂપની ઝાંખીની ઇચ્છાથી સાધના કરે છે ને અવનીના
અણુએ અણુમાં વ્યાપેલા તમને આકૃતિના આહલાદક રૂપમાં મેળવી લઇ, તમારી સાથે લીલા
કરવાના કોડ સેવે છે.
એવો તમારા
અસીમ આકર્ષણનો મહિમા છે.
કેટલાક
કહેવાતા જ્ઞાની પુરુષો આ સામે શંકા કરે છે કે એમ કેમ
?
તમે તો બધે જ
વ્યાપક છો પછી તમારા ખાસ સ્વરૂપની ઇચ્છા રાખવાનું શા માટે બાકી રહે છે
?
પણ એનું
સમાધાન કેવળ શબ્દોથી નહિ થઇ શકે.
કેવળ જ્ઞાનની
દૃષ્ટિથી તેનો પ્રત્યુત્તર નહિ મળી શકે.
તે માટે તો
પ્રેમની દૃષ્ટિ પણ જોઇશે.
તે વિના તમારા
વિવિધ પ્રકારના આવિર્ભાવનું રહસ્ય કોઇને ભાગ્યે જ સમજાશે.
- આસો વદી ૧૪, કાળીચૌદસ, ગુરુવાર ૫-૧૧-૧૯૫૩
દિન ૩૦
તમારી આટલી
બધી દયા છતાં માણસ તમને ભૂલી જાય છે એ આશ્ચર્ય છે.
તમે ઉત્તમ
માનવતન આપ્યું છે તે તમારી સૌથી પહેલી દયા છે, એ તનનો સદુપયોગ કરીને માણસ
ઉત્તમમાં ઉત્તમ પદવીએ પહોંચી શકે છે ને તમારી ઓળખ પણ કરી લે છે.
તમારા સર્જનને
તમારા હાથનું હથિયાર થઇને તે વધારે સુંદર બનાવી શકે છે.
વળી સ્વર્ગ
જેવા બીજા લોકોથી જરાય ઉતરતી નહિ એવી આ પૃથ્વી પર માણસને જન્મવાની ને
હરવાફરવાની તક આપીને તમે તેના પર એથી પણ વધારે દયા કરો છો.
પૃથ્વીનો
મહિમા જ એવો છે કે તેમાં કર્મનો નિરંતર યજ્ઞ ચાલુ રાખીને તે પૃથ્વીનો શણગાર ને
પોતાના ભાગ્યનો વિધાતા બની શકે છે.
તે ઉપરાંત,
માનવને વિવેક ને પ્રેમની ભેટ આપીને તમે દયાની અવધિ કરી દીધી છે.
તેનો ઉપયોગ
કરીને તે સાચો માનવ બની શકે છે ને તમારી સાથે સંબંધ બાંધીને ધન્ય બની જાય છે.
જે તમને પ્રેમ
કરે છે ને તમારું શરણ લઇને તમને સાચા દિલથી ભજવા માંડે છે, તેનો બધો જ ભાર તમે
ઉપાડી લો છો ને તેને સુખી ને સફળ કરો છો.
તેના પર તમે
બધું જ વરસાવી દો છો ને તમે પોતે પણ તેના બની જાઓ છો.
તમારા ભંડાર
સદાયે ભરપૂર છે. તે ખૂટાડ્યાં ખૂટે તેમ નથી ને લૂંટ્યા લુંટાય તેવા પણ છે નહિ.
એ અક્ષય ભંડાર
તમારા ભક્ત બાળકને માટે તમે ઉઘાડી દો છો.
જે તમને પ્રેમ
કરે છે તેના પર તમે વારી જાઓ છો.
તેના બધાં જ
દુઃખદર્દ દૂર કરો છો ને તેને ન્યાલ કરો છો.
- દિવાળી,
શુક્રવાર, ૬-૧૧-૧૯૫૩
☼
☼ ☼ ☼ ☼ |