Shri Yogeshwarji's autobiography

પ્રકાશના પંથે

Heart churning Prayers from 'Prakash Na Panthe'

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

ઉપવાસના દિવસના મનોભાવો

 

Ambe Ma | Goddess Amba | અંબા માતા

< Back | Index | Next >

 

 

દિન ૩૧

ગઇકાલે તો સૌએ આનંદ કર્યો.

દુકાનદારોએ દુકાનોને શણગારી, સાફ અને આકર્ષક કપડાં પહેરીને માણસો બહાર નીકળી પડ્યાં.

દેવમંદિરો ને મકાનો દીપમાળાથી દીપી ઊઠ્યાં ને ગંગાના કિનારા ભાવિક લોકોએ મૂકેલાં ફૂલ-દીપથી શોભી ઉઠ્યાં.

પણ આજે બધું જ પાછું પૂર્વવત્ થઇ ગયું છે.

એનું એ જ રોજનું જીવન પાછું જીવાઇ રહ્યું છે.

દિવાળી આમ આવી ને ગઇ. પરંતુ લોકોના દિલમાં ઘર કરી ના ગઇ.

પર્વોનો આનંદ આવો અસ્થાયી છે, કેમ કે માણસોના દિલના પડીયામાં પ્રેમ અને જ્ઞાનનો દીવડો નથી, ને દિવાળીને નિરંતર માણી શકાય એવો આનંદનો ભંડાર પણ નથી.

આજે નવું વરસ છે.

અન્નકૂટનો મહિમા પણ છે. પરંતુ લોકોના દિલમાં તેનો આનંદ નથી.

જૂનાં ચીલાંને છોડીને જીવન જ્યારે નવા ચીલા પર ચાલવા માંડે ને પવિત્ર થયેલા જીવનના બંધન ને દુઃખદર્દ દૂર થાય ને આવરણ તથા કાલિમાનાં પડળ પણ હઠી જાય, તે જ દશામાં માણસની સાચી દિવાળી થઇ શકે. ને નવા વરસની શરૂઆતનો સાચો આનંદ પણ ત્યારે જ મળી શકે.

ત્યાં સુધી તો પ્રત્યેક વર્ષ જૂનું થતું જાય છે ને જીવનમાંથી ઊઠતું કે દૂર થતું રહે છે.

કાળ એ રીતે પોતાનું કામ કર્યે જાય છે.

- નૂતન વર્ષ, શનિવાર, ૭-૧૧-૧૯૫૩

 

☼         ☼         ☼         ☼         ☼

 

દિન ૩

મારા જેવા સાધારણ બાળકને તલસાવવામાં શી મઝા છે ?

રણમાં ઉતરવાનું તો જે મહારથી કે શૂરવીર હોય તેની સામે જ સારું ગણાય છે.

નિર્બળની સામે રણમાં ઉતરવામાં કયી બહાદુરી છે ?

રણની રમત તો બરોબરિયાની સાથે હોય. મારી શક્તિ તો કશી જ નથી.

જપ, તપ, યોગ, યજ્ઞ કે ઉપાસના કશાનું મારામાં બળ નથી.

જો બળ ગણો તો કાલીઘેલી ભાષામાં તમારે માટે પ્રાર્થવાનું ને 'મા મા' કરીને પોકારવાનું જ છે.

મા એટલે કરુણા ને મધુરતાની મૂર્તિ. આ વાત શું વિસરાઇ ગઇ ?

તો પછી માતા થઇને મારા જેવા બાળકને આટલું કેમ તપાવો છો ?

- ભાઇબીજ, રવિવાર, ૮-૧૧-૧૯૫૩

 

☼         ☼         ☼         ☼         ☼

 

દિન ૩

તમારા મધુમય ને મંગલ મુખનું દર્શન કરીને આજ સુધી કેટલાય ભક્તો ધન્ય બન્યા છે, ને તમારા પ્રેમામૃતના આસ્વાદથી કેટલાય પ્રેમીજનોના જીવન અમૃતમય ને પૂર્ણ થયા છે.

તમારા ભાવભંડારનાં બારણાં પોતાને માટે ઉઘડી જવાથી કેટલાય દરિદ્રી ધની થયા છે ને કેટલાય કંગાળ કદી પણ ના ખૂટે એવા વૈભવવાળા બની ગયા છે.

તમારી આંખની અમીદૃષ્ટિ, તમારા મુખનું સંગીતમય સ્મીત, ને તમારા મંગલ સ્પર્શ ને વચનની માધુરી માટે પાગલ થઇને કેટલાય પ્રેમીઓ કૃતાર્થ થયા છે.

તો શું મારે માટે જ તમારી કૃપાની સરિતા સુકાઇ ગઇ ?

તમારો ભાવભંડાર મારે માટે ખૂટી ગયો ?

એ બધા પ્રેમીની પંક્તિમાં હું પણ બેસી જઇશ તેથી તમારું ગૌરવ ઘટશે નહિ પણ વધશે.

- કારતક સુદી ૩, સોમવાર, ૯-૧૧-૧૯૫૩

 

☼         ☼         ☼         ☼         ☼

Shri Yogeshwarji

 

( શ્રી યોગેશ્વરજી લિખિત 'પ્રકાશના પંથે'માંથી )

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer