Shri Yogeshwarji's autobiography

પ્રકાશના પંથે

Heart churning Prayers from 'Prakash Na Panthe'

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

ઉપવાસના દિવસના મનોભાવો

 

Ambe Ma | Goddess Amba | અંબા માતા

< Back | Index | Next >

 

 

દિન ૩૪

જમનો ફેરો ના આવે, યમનું તેડું ના આવે, એવી આશાથી કેટલાક લોકો ભાઇબીજને દિવસે ગંગાજમનાના સ્નાન માટે વિદાય થાય છે ને ગંગાજમનાના પાવન પાણીમાં સ્નાન કરીને કૃતાર્થ થાય છે.

જેમણે ગંગા કે જમનાને કદી જોઇ નથી તથા ગંગાજમનાને કિનારે રહેવા છતાં જેમણે તેના જળથી પોતાની કાયાને ધોઇ નથી તેવા માણસો પણ અત્યંત પરિશ્રમ ઉઠાવીને પ્રવાસ કરે છે ને સ્નાન કરીને યમના ફેરામાંથી મુક્તિ મેળવ્યાનો આનંદ માને છે.

ભાવિક લોકોની ભાવના સાચી હોય કે ના હોય, તેની પાછળ વાસ્તવિકતાનું કોઇ પીઠબળ હોય કે ના હોય, એ વાત તો સોએ સો ટકા સાચી છે કે તમારી પ્રેમગંગામાં જે સ્નાન કરે છે ને તમારા જીવનને અમીમય કરનારા ભક્તિભાવના જમનાજળનું પ્રેમથી પાન કરે છે તેના બધાં જ દુઃખ દૂર થાય છે, તાપ ને પાપ ટળી જાય છે, ને તેનો ફેરો પણ ફળે ને ટળે છે.

જીવન તેને માટે આનંદમય બને છે, ને મૃત્યુ, શોક, દુઃખ કે બંધન કશાનો ભય તેને રહેતો નથી.

એ પ્રેમગંગા ને ભક્તિભાવની જમનાના પાવન પાનથી પાવન બનીને તમારા કૃપાપાત્ર થવાનું ને જીવન સફળ કરવાનું ભાગ્ય આપવા માટે તમારો ઋણી છું.

- કારતક સુદી ૪, મંગળવાર, ૧૦-૧૧-૧૯૫૩

 

☼         ☼         ☼         ☼         ☼

 

દિન ૩

જેમને જીવનમાં એક તમારો જ આધાર છે ને તમારામાં જ જેનું સુખ ને આરામ છે તેમને તમારા વિના ચેન ક્યાંથી પડશે કે શાંતિ પણ ક્યાંથી વળશે ?

સર્વસ્થળે ને સઘળી દશામાં તે તો તમારું જ શરણ લેશે, તમને જ ભજ્યા કરશે, ને એક તમારાં જ ગુણગાન ગાશે.

ચાતકને માટે પૃથ્વી પર કેટલાય પ્રકારનું પાણી છે, પણ તે તેને કામનું નથી.

તેની તરસ છીપી શકે તેવી સામગ્રી સંસારમાં ક્યાંય નથી.

તેની નજર તો એક આકાશ તરફ જ મંડાયેલી રહે છે, ને પોતાના પ્રાણપ્રિય પાણીની પ્રતીક્ષા કર્યા કરે છે.

તમારા ભક્તોએ પણ તમારી તરફ એ જ રીતે મીટ માંડી હોય છે.

તમારા કમલકોમળ ને શ્યામલ સ્વરૂપ તરફ નજર માંડીને તે બેસી રહે છે અને એ ધન્ય ક્ષણની પ્રતીક્ષામાં બેસી રહે છે જ્યારે તમારા દર્શનથી તેમનું દિલ ડોલી ઉઠે છે, જીવન ધન્ય બને છે, ને તમારી કૃપાવૃષ્ટિથી તેમની બધી જ તરસ મટી જાય છે, તેમના સઘળાં તાપ શાંત થાય છે.

હું પણ એ ધન્ય ક્ષણની પ્રતીક્ષામાં બેસી રહ્યો છું ને આશા છે કે તમારા અલૌકિક અમૃતવર્ષણથી તમે મારા કોડ પૂરા કરશો, જીવનને અમૃતમય કરી દેશો.

- કારતક સુદી ૬, ગુરુવાર, ૧૨-૧૧-૧૯૫૩

 

☼         ☼         ☼         ☼         ☼

 

દિન ૩

ગઇકાલે મેં એક દૃશ્ય જોયું જે ઘણું અનેરું હતું.

પૃથ્વી ને અનંત આકાશની વચ્ચે છેક અવકાશમાં એક નિસરણી હતી ને તેના પર ગૌર રંગની એક માતા ધીમે પગલે છતાં ગૌરવભેર ચઢી રહી હતી.

માતાની પીઠ પાછળ એક બાળક હતું, તેની આંખમાં અનંત શાંતિ હતી ને નૂર હતું.

માતાએ તેના હાથ પકડ્યા હતા ને તેણે માતાની કમરની આસપાસ પોતાના પગ ફેલાવી દીધેલા.

માતા નિસરણી પર ચઢ્યે જતી પણ નિસરણીની નીચે ખીણ જેવું ઊંડાણ હતું.

બંનેમાંથી કોઇયે તેમાં પડે તો સહીસલામત રહી શકે તેમ ન હતું.

એ ગહન દૃશ્યને જોઇને મને ખાતરી થઇ કે સંસારની વિકટ યાત્રામાં તમારાં બાળકો સદા સલામત છે.

અનંતની યાત્રામાં માણસને માટે પળે પળે પડવાની શક્યતા રહેલી છે.

પણ જે તમને જ વળગી પડ્યાં છે ને જેમનો હાથ તમે પકડી લીધો છે તે સદાને માટે સલામત છે.

તમે જેમની માતા બન્યાં છો ને જે તમારાં બાળક છે તેમને કોઇયે કારણથી ડરવાનું કારણ ક્યાં છે ?

- કારતક સુદી ૮, શનિવાર, ૧૪-૧૧-૧૯૫૩

 

☼         ☼         ☼         ☼         ☼

Shri Yogeshwarji

 

( શ્રી યોગેશ્વરજી લિખિત 'પ્રકાશના પંથે'માંથી )

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer