|
દિન ૪૦
હું જાણું છું
કે મારામાં શક્તિનો છાંટોય નથી. લાયકાત પણ કાંઇ જ નથી.
પણ મારું
બધુંય બળ તમે છો. ને તમારો વિચાર કરતાં, તમારી દયાનો ખ્યાલ કરતાં, મારી હિંમત
વધી જાય છે ને શ્રદ્ધા વધારે બળવાન બને છે.
જે મહાન આદર્શ
મારા મનમાં રમી રહ્યો છે ને જીવનનો જે જાતનો ઘાટ હું ઇચ્છી રહ્યો છું, તે ખૂબ જ
વિરાટ, ભગીરથ, અભૂતપૂર્વ છે.
છતાં તે
તમારાથી પ્રેરિત છે ને તેને સફળ કરવા તમે કૃતસંકલ્પ છો, એ જાણીને મારો ઉત્સાહ
વધી જાય છે.
હું તો એક
સાધારણ બાળક છું, પણ તમારો બાળક છું, એ જ મારું આશ્વાસન ને બળ છે.
તો હવે મારી
શક્તિનો વિચાર કર્યા વિના તમારી શક્તિનો વિચાર કરો, ને મારા જીવનની સાધના પૂરી
કરો. તમારી અમૃતમયી આંખને લઇને મારી સામે પ્રકટ થઇને ઉભા રહો, ને જીવનની
શરૂઆતથી સેવેલા સ્વપ્નને સાકાર કરો.
- કારતક સુદી ૪, મંગળવાર, ૧૦-૧૧-૧૯૫૩
☼
☼ ☼ ☼ ☼
દિન ૪૧
તમારા
સૌંદર્યની સરખામણી સંસારના કોઇયે પદાર્થ સાથે થઇ શકે તેમ નથી.
તમારા
વચનામૃતની તુલના સંસારના કોઇયે રસ સાથે થઇ શકે તેમ નથી, ને તમારા પ્રેમની
બરાબરી પૃથ્વી તો શું પણ બ્રહ્માંડનો કોઇયે પ્રેમ કરી શકે તેમ નથી.
તમારી દૃષ્ટિ,
શક્તિ, તમારા ગુણ ને તમારું રૂપ બધું જ અજોડ છે, અનન્ય છે, અલૌકિક છે.
એ બધાના
મૂલ્યમાં વધારો કરનારી તમારી કૃપા પણ અનેરી છે, કહો કે તમારી જ છે.
જેના પર તે
વરસી જાય છે તે સર્વ રીતે સુખી થાય છે ને કૃતાર્થતાનો અનુભવ કરે છે. તેને પછી
કોઇયે વાતની કમી રહેતી નથી.
- કારતક
સુદી ૬, ગુરુવાર, ૧૨-૧૧-૧૯૫૩
☼
☼ ☼ ☼ ☼
દિન ૪૩
ખરેખર, જે
તમારામાં જ આનંદ માને છે, તમને સંસારમાં સારરૂપ સમજે છે ને તમારી સાથે પ્રેમના
પવિત્ર સંબંધથી બંધાઇ જાય છે, તે જ સંસારમાં સૌથી વધારે બડભાગી છે.
જેનું તન, મન,
સમસ્ત જીવનધન તમારી ને તમારી સૃષ્ટિની સેવામાં લાગી ગયું છે, તેવા તમારા
કૃપાપાત્ર પ્રેમીની ધન્યતાને કોણ કહી કે કલ્પી શકે
?
- કારતક
સુદી ૮, શનિવાર, ૧૪-૧૧-૧૯૫૩
☼
☼ ☼ ☼ ☼
દિન
૪૪
શરદ ઋતુના
દિવસો કેટલા સુંદર લાગે છે !
ગંગાના તટ પર
નિવાસ ને હિમાલયનું દર્શન. તેની સાથે જ્યારે તમારી પ્રેમભક્તિ ભળે ત્યારે જીવન
સ્વર્ગથી પણ વધારે સુખદ ને દેવદુર્લભ બને છે.
આજે તો
દેવદિવાળી છે.
દેવો કે માનવો
- બધાંની દિવાળી એક તમારી સાથે અનુસંધાન સાધવામાં જ છે.
તમે જેને
પ્રેમ ને કૃપાનો અધિકારી કરી દેશો તેને માટે સદાને માટે દિવાળી થઇ જશે.
બાકી તમારી
કૃપાથી જે રહિત છે ને રહિત રહેવા માંગે છે તેના જીવનમાં હંમેશની હોળી છે.
શરદ ઋતુના
દિવસોમાં તમે પ્રેમની મૂર્તિ શ્રીકૃષ્ણના રૂપમાં લીલા કરી ને ગોપીઓની સાથે આજની
રાતે રસનો રાસ શરૂ કર્યો હતો.
મારી સાથે પણ
આજે એવો જ રાસ રમો ને આજ સુધી પાવન કરેલા મારા જીવનને વધારે પાવન, ધન્ય ને
કૃપામય કરો.
-
કાર્તિકી પૂર્ણિમા, શુક્રવાર. ૨૦-૧૧-૧૯૫૩
☼
☼ ☼ ☼ ☼ |