Shri Yogeshwarji's biography in Gujarati on

રમણ મહર્ષિ

Bhagavan Ramana Maharshi : Life and works

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 
   
< BACK

ભગવાન રમણ મહર્ષિ

NEXT >

ભાગ - ૨ : સાહિત્ય અને સાધના

1. પ્રારંભ

 

આપણે ત્યાં શિક્ષિત અને અશિક્ષિત વર્ગમાં આધ્યાત્મિકતા અથવા સાધના વિશે ભાતભાતના ખ્યાલો પ્રવર્તે છે. એના સંબંધમાં સાધકોના વિવિધ વર્ગોમાં પણ ચિત્રવિચિત્ર વિચારો જોવા મળે છે. કોઈ સાધનામાં––અલબત્ત આત્મવિકાસની સાધનામાં, સર્વપ્રકારના બાહ્ય કૌટુમ્બિક કે સામાજિક સંબંધવિચ્છેદને મહત્વનો માને છે, કોઈ જુદી જુદી ઉપાસનાઓ, અલગ અલગ અનુષ્ઠાનો, તથા ક્રિયાપ્રક્રિયાઓમાં રસ લે છે અને એમાં જ સાધનાનું સારસર્વસ્વ સમજીને બેસી રહે છે, તો કોઈ જુદી જુદી સિદ્ધિઓને મહત્વની માનીને તેમની પ્રાપ્તિને માટે પ્રયત્નો કરે છે. કોઈક સાંપ્રદાયિકતામાં પડી જાય છે તો કોઈક વાદવિવાદમાં કે પછી પ્રમાદમાં પોતાના જીવનને પસાર કરે છે. એમનામાંના લગભગ સઘળા સાધનાના સારતત્વને સમજવાનો અથવા એના રહસ્યને હસ્તગત કર્યું હોવાનો દાવો કરે છે. એવા સંજોગોમાં મહર્ષિ પોતે સાધના વિશે શું માનતા હતા અથવા એ વિશે એમનો કેવો દૃષ્ટિકોણ હતો એ ખાસ જાણવા જેવું છે.

બીજા બધા જ જમાનાઓની જેમ જે જમાનામાં મહર્ષિ પોતાનું જીવનકાર્ય કરી રહેલા તે જમાનામાં પણ સાધના સંબંધી સામાન્ય રીતે સમાજમાં કેટલીય ભ્રાંત, અવાસ્તવિક ધારણાઓ કે માન્યતાઓ પ્રચલિત હતી. સાધનામાં રસ લેનારા મોટા ભાગના માનવો જપ, તપ, તીર્થાટન, યોગાભ્યાસ તથા બહારના ક્રિયાકાંડોને જ સાધના સમજતા અને એમનો અત્યંત રસપૂર્વક આધાર લેતા. મહર્ષિએ પોતાની વિચારધારા તથા મૂળભૂત સાધના દ્વારા એ પરંપરાગત પ્રાચીન પદ્ધતિમાં પરિવર્તનનો અભિનવ પવિત્ર પ્રવાહ પેદા કરીને ક્રાંતિ કરી. એ ક્રાંતિ અતિશય કલ્યાણકારક થઈ પડી. એણે સમાજમાં ફેલાયેલી ને ચિરકાળથી જામી ગયેલી જડતાના પાયા હલાવી અને હચમચાવી નાખ્યા, અનેક જીવનવિકાસના સાચા જિજ્ઞાસુઓ તથા સાધકોને પ્રેરણા પૂરી પાડીને પરમપવિત્ર પ્રાણવાન પથપ્રદર્શન પહોંચાડ્યું અને આત્મવિકાસને માટેની આવશ્યક સાધનાની સ્પષ્ટ તથા સંપૂર્ણ પ્રક્રિયા રજૂ કરી. એ પ્રક્રિયા અનેકને માટે આશીર્વાદરૂપ થઈ પડી. એનો આશ્રય લઈને અસંખ્ય આત્મોન્નતિની અભિલાષાવાળા સાધકો આગળ વધ્યા ને જીવનને સફળ તથા શાંતિમય કરી શક્યા. એને લીધે અનેકનો જીવનપથ નિષ્કંટક ને સરળ બન્યો.

મહર્ષિએ સાધનાને નામે પ્રચલિત જુદી જુદી વિચારધારાઓ અથવા ભ્રાંત માન્યતાઓ સામે બળવો ના કર્યો, વિરોધનો સૂર ના નોંધાવ્યો, કે કોઈ જાતનું વિચારયુદ્ધ ના આદર્યું. એમણે કશાનો દોષ ના કાઢ્યો, તિરસ્કાર ના કર્યો, કે કોઈની સામે કાદવ ના ઉછાળ્યો. કોઈને હલકી કહી બતાવવાની પદ્ધતિ પણ પસંદ ના કરી. એમની પ્રથા જુદી જ હતી. અંધકારનો અંત આણવા અંધકારનો વિરોધ કરવાની જરૂર નથી હોતી, અંધકારની આલોચના કરવાની કે એની સામે વિદ્રોહ જગાવવાની આવશ્યકતા નથી હોતી : આવશ્યકતા અને એકમાત્ર અનિવાર્ય આવશ્યકતા હોય છે પ્રકાશને પ્રકટાવવાની. એની રીતે એમની આસપાસના સમાજના વૈચારિક જીવનમાં એમણે એક અવનવીન પરમપવિત્ર પ્રકાશ પ્રકટાવ્યો. એ પ્રકાશ કોઈ સદ્ ગુરૂ પાસેથી નહોતો મળ્યો, કોઈ સદ્ ગ્રંથ દ્વારા પણ નહોતો સાંપડ્યો, પરંતુ આત્માનુભૂતિને પરિણામે પ્રાપ્ત થયેલો. એટલે જ એની મહત્તા વધારે હતી. એટલા માટે જ એ અત્યંત અસરકારક થઈ પડ્યો અને અમોઘ ઠર્યો. જીવનના પ્રારંભથી જ જે ઉજ્જવલ પ્રજ્ઞાપ્રકાશનો આધાર લઈને એ આગળ વધેલા ને ક્રમેક્રમે પોતાના ધ્યેયની સિદ્ધિ કરી ચૂકેલા તે પ્રકાશ એમનો પરમપ્રિય પ્રકાશ થઈ પડે અને એમાં એમની શ્રદ્ધાભક્તિ સતત તેમજ અચળ રહે એ તદ્દન સ્વાભાવિક હતું. એ સ્વાભાવિકતાથી પ્રેરાઈને એમણે એમની સાધનાવિષયક વિચારધારા રજૂ કરી અને એને પરિણામે કેટલોય અવિદ્યાજન્ય અંધકાર દૂર થયો, કેટલીય ભ્રાંતિઓ ટળી ગઈ, ને મોટા ભાગની સાધનાત્મક શંકાકુશંકાઓ છિન્નવિચ્છિન્ન થઈ ગઈ. આત્મવિકાસની સાધનામાં રસ લેનારા લોકોને એક નવી સરસ સુસ્પષ્ટ દિશા મળી ગઈ.

એમની એ સાધનાવિષયક વિચારધારા બીજી વિચારધારા કે ક્રિયાપ્રક્રિયાઓનો અનાદર નહોતી કરતી. એમને તિરસ્કારબુદ્ધિથી જોવાનો કે મૂલવવાનો પ્રશ્ન જ એને માટે નહોતો પેદા થતો. એનું કારણ એની ઉદારતા, વિશાળતા અને સહાનુભૂતિ હતું. એને લીધે એ કોઈ પણ પ્રકારની કટ્ટરતા કે કટુતાથી રહિત હતી. એમને માટે એવી સુયોગ્યતાથી સંપન્ન બનવાનું કામ સહજ બની ગયેલું. એમના અનુભવના આધાર પર એ સમજતા કે સંસારમાં સૌની પ્રકૃતિ પૃથક્ પૃથક્ હોવાથી સૌની સમસ્યાઓ અલગ અલગ છે અને રૂચિ કે રસવૃત્તિ પણ જુદી છે ને જુદી રહેવાની છે. એ જુદી રહે તેમાં કશી હરકત પણ નથી. એટલે સાધનાની પદ્ધતિઓ પણ એકસરખી નહિ જ રહેવાની. પોતપોતાની વ્યક્તિગત અભિરુચિને અનુસરીને સૌ જુદી જુદી પદ્ધતિઓનો આશ્રય લેવાના. કોઈ ક્રિયાઓ કરવાના, કર્મકાંડનો આશ્રય લેવાના, કોઈ જપતપ કરવાના, કોઈ તીર્થાટનમાં સફળતા સમજવાના, તો કોઈ સ્વાધ્યાયનો લાભ લેવાના. કોઈ બહિરંગ તો કોઈ અંતરંગ સાધનાનો આધાર લેવાના. જે અંતરંગ સાધનાનો આધાર નથી લેતા એમને માટે બહિરંગ સાધનાનું અંતરંગ સાધનાની જરૂરી ભૂમિકા તૈયાર કરવા માટે મહત્વ છે એમાં સંદેહ નથી. એવું મહત્વ સમજીને કોઈ પોતાની પસંદગીની બહિરંગ સાધનાનો આધાર લે તો તેમાં કશો દોષ નથી દેખાતો. મહત્વની વાત એ છે કે બહિરંગ અથવા અંતરંગ સાધનાની કોઈયે દશામાં સાધકને પોતાના સાધનાત્મક ધ્યેયનું વિસ્મરણ ના થવું જોઈએ, નહિ તો તેને માટે આડવાતમાં પડી જવાનો કે અધવચ્ચે અટકી જવાનો ભય રહે છે. વિકાસની જે ભૂમિકા પર સાધક ઊભો છે ત્યાંથી આગળ વધવા માટે એ ઈચ્છાનુસાર સાધનનો આશ્રય લે તો તેમાં કશું ખોટું નથી. પ્રત્યેક વચગાળાની આવશ્યકતા સ્વભાવની રચના પ્રમાણે અલગ અલગ હોય છે. માટે જ સાધનોની દુનિયામાં આટલી બધી વિવિધતા આગળ વધવામાં મદદરૂપ થતી હોય તો દૂષણરૂપ નથી પણ ભૂષણરૂપ છે. કોઈને રુચે કે ના રુચે તો પણ એ તો રહેવાની જ. એને સહાનુભૂતિપૂર્વક સમજવામાં આવે તો કટુતા, તિરસ્કાર કે ઘર્ષણને બદલે સુખશાંતિ, સંવાદિતા ને સહકારની સૃષ્ટિ થઈ શકે છે. માનવની વિચારશક્તિને જાગ્રત કરીને વિશુદ્ધ ને બળવાન બનાવવામાં આવશે તો પોતાના જીવનના વિકાસ માટે જે શુભ અથવા કલ્યાણકારક હશે તેનો નિર્ણય એ એની મેળે જ કરી લેશે. એને માટે કોઈ બળજબરી કરવાની, ધાકધમકી બતાવવાની, દુરાગ્રહ સેવવાની કે પ્રલોભન પૂરાં પાડવાની આવશ્યકતા નથી રહેતી. સાધનાની જુદી જુદી પ્રક્રિયાઓનું મહત્વ વિભિન્ન પ્રકૃતિ કે રુચિના સાધકો પૂરતું મર્યાદિત છે. એ મર્યાદા જેમ જેમ પૂરી થતી જશે તેમતેમ  સાધક સ્વતઃ એને મૂકીને આગળ વધતો રહેશે.

એ સંદર્ભમાં વિચારીએ તો મહર્ષિની વિલક્ષણતા સહેજે સમજી શકાય છે. એમણે એમના જીવનકાળ દરમિયાન કોઈ સાધનાપ્રણાલિ પર આક્ષેપ નથી કર્યો, એને હલકી ચીતરી બતાવવાનો પ્રયત્ન નથી કર્યો, તેમજ કશાનો અકારણ વિરોધ પણ નથી કર્યો. જુદી જુદી સાધનાપદ્ધતિઓનો આધાર લેનારા અને એમની દ્વારા આગળ વધવાની અભિલાષાવાળા માનવોને એમણે માર્ગદર્શન આપ્યું છે ને સર્વે પ્રકારની સાધનાના આત્યંતિક સાધ્યનું સ્મરણ કરાવ્યું છે, જેથી સાધનાને નામે કોઈ પણ પ્રકારની મિથ્યા ભ્રમણા પેદા ના થાય અને પોષાય પણ નહિ. એમની આકાંક્ષા માનવનું પરિપૂર્ણ, મૂળભૂત મંગલ કરવાની હોવાથી એમણે માનવને મંગલના એ મધુમય માર્ગે દોરવણી આપી છે. એમના ઉપદેશોમાં એને લીધે જ કોઈ પ્રકારની જડતા, કટુતા, સંકુચિતતા કે સ્વાર્થપરતા નથી દેખાતી. એમની વિચારસરણી અથવા સાધનાવિષયક દૃષ્ટિ હમેશાં પ્રકાશદાયક, પ્રેરણાત્મક અને મંગલ જ રહી છે.

એ વિચારસરણી કે દૃષ્ટિ ક્રાંતિકારક હતી. એ દ્વારા માનવના બાહ્ય પદાર્થો, વિષયો ને રસોની દિશામાં દોડતા જતા બહિર્મુખ મનને એમણે અંતર્મુખ કરવાનો આદેશ આપ્યો. માનવ અશાંત, બેચેન ને દુઃખી શા માટે છે ? એટલા માટે કે એને પોતાને જ નથી જાણતો. અંતર્મુખ વૃત્તિને વિકસાવીને એ જો પોતાના મૂળભૂત સત્ય સ્વરૂપનો સાક્ષાત્કાર કરે તો એની સમસ્ત અશાંતિનો અંત આવી જાય. એ ઉત્તમ આત્માનુભૂતિને માટે એ સાધકને ઉત્સાહિત કરતા ને કહેતા કે એની સિદ્ધિ થતાં બીજું બધું જ સિદ્ધ થશે, જીવનની આધ્યાત્મિક વિકાસ સાથે સંબંધિત સમસ્યાઓ શમી જશે, ને જીવન ઉત્સવમય બનશે.

* * *          * * *          * * *          * * *

એમની વિચારસરણી, દૃષ્ટિ કે સાધનાપદ્ધતિ નવી હતી ? ના. એવો દાવો એમણે પોતે પણ કદાપિ નથી કર્યો. એને નવી કહી બતાવવાથી એનું મહત્વ વધી નથી જવાનું ને જુની કહેવાથી લેશ પણ ઘટવાનું પણ નથી. એ નૂતન છે કે પુરાતન એને બદલે એ ઉપયોગી છે કે અનુપયોગી એ જ અધિક અગત્યનું છે. એ નૂતન એટલા માટે નહોતી કે વેદ અને ઉપનિષદકાળમાં એનો ઉપદેશ આપવામાં આવેલો, ગીતા તથા દર્શનશાસ્ત્રોમાં એના તરફ ધ્યાન ખેંચવામાં આવેલું, ને આદ્ય શંકરાચાર્યે પોતાની પ્રખર પ્રભાવોત્પાદક લાક્ષણિક રીતે એનું સમર્થન કરેલું. એ પછી પણ આત્મજ્ઞાન અથવા  વેદાંતમાં રસ લેનારા કેટલાય બીજા સ્વનામધન્ય મહાત્માપુરૂષોએ એનો સંદેશ આપેલો. વર્તમાન કાળમાં વેદાંતકેસરી સ્વામી વિવેકાનંદે ને રામતીર્થે એનો જ ઉદ્ ઘોષ જગાવેલો. મહર્ષિની વિચારધારા કે સાધનાપદ્ધતિ ભારતીય સંસ્કૃતિના એ સુદીર્ઘકાલીન સનાતન સર્વોપયોગી સાધનાપ્રવાહને અનુરૂપ અને એના ગૌરવને વધારનારી હતી. એ એના અદ્યતન અમૃતમય આશીર્વાદાત્મક સુંદર સંસ્કરણરૂપ હતી.

ભારતની સુદીર્ઘકાલીન શ્રેયસ્કર સાધનાત્મક પરંપરાને અનુરૂપ એ મહર્ષિપ્રણીત સાધના પદ્ધતિને નવી કહેવી હોય તો એટલા પૂરતી અવશ્ય કહી શકાય કે એમના પ્રાદુર્ભાવ તથા પ્રસિદ્ધિના કાળમાં એનું મોટે ભાગે વિસ્મરણ થયેલું. જનતાનું ધ્યાન એના પ્રત્યે આકર્ષવાને બદલે બીજે વળેલું. સાધકો અને ધર્મ અથવા અધ્યાત્મના અનુરાગીઓ પણ મોટે ભાગે એને ભૂલીને, એમાં રસ લેતા મટીને, બાહ્ય વિધિવિધાનો તરફ વળી ગયેલા અને એમાં જ કેદ થયેલા. એમના પ્રાદુર્ભાવના પ્રદેશ દક્ષિણ ભારતમાં પણ પરિસ્થિતિ એવી જ પ્રતિકૂળ અને અસંતોષકારક હતી. ત્યાં ધર્મ મોટે ભાગે મંદિરો પૂરતો સીમિત બની ગયેલો ને સાધના મંદિરોના મોટા મોટા ઉત્સવોમાં ને કંઠી, તિલક, કીર્તનાદિ બહારના વ્યવહારમાં જ અટકી ગયેલી. મોટા ભાગના લોકો ધર્મના વાસ્તવિક મહિમાને ને સાધનાના સાચા રહસ્યને ભૂલી ગયેલા. મહર્ષિએ એ મહિમા તથા રહસ્યને એમની આગવી રીતે લોકોની આગળ રજૂ કર્યું. શાસ્ત્રોના સદુપદેશના સારરૂપે અથવા સંતપુરૂષોના સ્વાનુભવના સનાતન સંદેશ સમી એમની એ સાધનાપદ્ધતિ એ સંજોગોમાં લોકોને માટે અવનવી અને આકર્ષક થઈ પડી. એણે અધ્યાત્મમાર્ગના જિજ્ઞાસુ જનોને નવી દિશા ધરી.

 

(શ્રી યોગેશ્વરજી કૃત 'રમણ મહર્ષિ : જીવન અને કાર્ય'માંથી)

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer