Shri Yogeshwarji's biography in Gujarati on

રમણ મહર્ષિ

Bhagavan Ramana Maharshi : Life and works

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 
   
< BACK

ભગવાન રમણ મહર્ષિ

NEXT >

. ગુરૂ વિશે

 

મહર્ષિને પોતાને કોઈ પણ પ્રકારના ગુરૂભાવની અસર નહોતી થઈ. એ સર્વ પ્રકારના નાના મોટા ગુરૂભાવના અહંકારથી પર હતા. એ પોતાને કોઈના ગુરૂ નહોતા માનતા. એવા અસંખ્ય સાધકો, જિજ્ઞાસુઓ અથવા સામાન્ય માનવો હતા જે એમને ગુરૂ તરીકે માનતા. આજે પણ શ્રદ્ધાભક્તિયુક્ત કેટલાય માનવો એમને પોતાના એકમાત્ર ગુરૂ માનતા હશે અને એવી માન્યતા દ્વારા લાભ પણ મેળવતા હશે. પરંતુ મહર્ષિએ કોઈનો શિષ્ય તરીકે સ્વીકાર નથી કર્યો. એમની અંદર એવી વૃત્તિ ને દૃષ્ટિ પેદા જ નથી થઈ. એમના સંસર્ગમાં આવનારા સાચા સાધકો તથા જિજ્ઞાસુઓને એ બનતી બધી જ રીતે મદદરૂપ થવા માટે તૈયાર રહેતા ને મદદ કરતા પણ ખરા. એ એમનો સહજ સ્વભાવ હતો. પરંતુ એ ગુરૂભાવથી મુક્ત રહેતા. આત્માનુભૂતિની જે ઉચ્ચોચ્ચ અવસ્થાએ એ આસીન થયેલા એ ભેદભાવરહિત પૂર્ણ વિશુદ્ધ અવસ્થાનો વિચાર કરતાં એમની એ સ્થિતિ સ્વાભાવિક લાગે છે.

એમના આશ્રમમાં રહેતા સાધુ અરૂણાચલ એમના સુંદર પુસ્તકમાં લખે છે કે ઘણા લોકોને લાગતું કે ભગવાન કોઈને દીક્ષા નથી આપતા કે કોઈ શિષ્ય નથી બનાવતા. જે એમની સાથે રહેતા તેમના મનમાં ભગવાનની ને એમની વચ્ચે જે સંબંધ હતો તે સંબંધી જરા પણ શંકા ન હતી. ભગવાન પોતે એ સંબંધી શું કહે છે તે જાણવામાં રસ હોવાથી એક દિવસ રાતે ભોજનથી પરવારીને હું એમની પાસે પહોંચી ગયો. અમારી વચ્ચે નીચે પ્રમાણે વાર્તાલાપ થયો.

 

સાધુ            : ભગવાન કહે છે કે એમને કોઈ શિષ્ય નથી.

મહર્ષિ          : હા.

સાધુ            : પરંતુ ભગવાન એવું પણ કહે છે કે મોટા ભાગના સાધકોને માટે ગુરૂ આવશ્યક છે ?

મહર્ષિ          : હા.

સાધુ            : તો પછી મારે શું કરવું જોઈએ ? હું આટલે બધે દૂરથી આવીને આટલાં બધાં વરસોથી ભગવાનનાં ચરણોમાં બેસી રહ્યો છું એ શું સમયની બરબાદી માત્ર છે ? હવે શું હું બહાર નીકળીને ભારતમાં ભ્રમણ કરીને કોઈક બીજા મનપસંદ ગુરૂની શોધ કરું ?

મહર્ષિ          : તમે આટલે બધે દૂરથી અહીં આવ્યા ને આટલા લાંબા સમય સુધી રહ્યા તે શા માટે અથવા શાનાથી પ્રેરાઈને ? તમે શંકાશીલ શા માટે થાવ છો ? તમારે માટે બીજે ક્યાંક ગુરૂને શોધવાની આવશ્યકતા હોત તો તમે ક્યારના ચાલ્યા ગયા હોત. ગુરૂ અથવા જ્ઞાનીને પોતાની તથા બીજાની અંદર ભેદ નથી દેખાતો. એની દૃષ્ટિમાં તો બધા જ જ્ઞાની છે, આત્મસ્વરૂપ છે. પછી જ્ઞાની એવું કેવી રીતે કહી શકે કે અમુક પોતાનો શિષ્ય છે ? પરંતુ જે બદ્ધ છે તે વિવિધતાનું દર્શન કરે છે ને બીજાને પોતાનાથી જુદો જાણે છે, એટલે ગુરૂશિષ્યનો સંબંધ એને માટે સાચો હોય છે. એને માટે દીક્ષાના ત્રણ પ્રકાર કામ કરે છે : સ્પર્શદીક્ષા, દૃષ્ટિદીક્ષા ને મૌનદીક્ષા (મહર્ષિએ એ દ્વારા સૂચવ્યું કે બીજા અનેક અવસરોની જેમ એમનો માર્ગ મૌનદીક્ષાનો હતો.)

સાધુ            : તો પછી ભગવાનને શિષ્યો છે ખરા ?

મહર્ષિ          : મેં કહ્યું છે તેમ, ભગવાનની દૃષ્ટિએ કોઈ શિષ્ય નથી, પરંતુ શિષ્યની દૃષ્ટિએ ગુરૂ હોઈ શકે છે. ગુરૂની કૃપા એને માટે મહાસાગર જેવી છે. જો એ પ્યાલો લઈને આવશે તો પ્યાલા બરાબર જ મેળવશે. મહાસાગરની સંકુચિતતાનો દોષ એમાં નથી કાઢવા જેવો. વાસણ જેટલું મોટું હશે તેટલું જ વધારે પાણી એમાં સમાઈ શકશે. એનો બધો જ આધાર એના પર––શિષ્ય પર રહે છે.

 

મહર્ષિએ સાધુ અરૂણાચલને પૂછી જોવાનું કહ્યું કે એમના મનમાં એ સંબંધી કશી શંકા છે ? અને પછી પોતાની વિનોદપ્રિય પદ્ધતિને અનુસરીને ઉમેર્યું કે એમને જરા પૂછી જુઓ કે મારી પાસેથી એ કોઈક લિખિત દસ્તાવેજની માગણી કરી રહ્યા છે ? એમ હોય તો જાવ, સબરજીસ્ટ્રારને બોલાવી આવો ને એમને માટે એવો દસ્તાવેજ તૈયાર કરવાનો આદેશ આપો.

થોડાક વખત પછી એમણે હસતાં હસતાં વળી પાછું ઉમેર્યું : જાવ, ઑફિસસ્ટેમ્પ લઈ આવો અને એમની ઉપર લગાડી દો. એથી એમને ખાતરી થઈ શકશે ?’

એ વાર્તાલાપને લીધે અનેકનાં મનનું સમાધાન થઈ ગયું. અનેકને થયું કે મહર્ષિ ગુરૂભાવનો અહંકાર નથી રાખતા તો પણ એમની પાસે શિષ્યભાવે જનારને મદદ મળે જ છે. એનો ફેરો નકામો નથી થતો. એ સૌને મદદ કરવા સદા તૈયાર રહે છે. ફક્ત એ મદદની પદ્ધતિ અંદરની અથવા આત્મિક અને છેક શાંત છે એટલે કેટલાકને એની ખબર નથી પડતી. એની પાછળ કોઈ નાની મોટી જાહેરાત નથી, સાચા ખોટા દાવાઓ નથી, કે ભક્તોને આકર્ષવા માટેના પ્રયોગો કે ચમત્કારોનાં પ્રદર્શનો પણ નથી કરાતાં. જ્યાં આત્માની અનંત શક્તિ વહેતી હોય અને આત્મા આત્મા સાથે વાતો કરતો કે સંબંધ બાંધતો હોય ત્યાં એવી બધી બાહ્ય વસ્તુઓની આવશ્યકતા પણ ક્યાં રહે છે ?

એમને સાચા અર્થમાં ના સમજી શકનારા કેટલાક એવા માણસો પણ હતા જે કહ્યા કરતા કે એમની પાસે જવાથી શો લાભ થાય તેમ છે ? એમની પાસે જવાનું તદ્દન નકામું ને વખતને બરબાદ કરવા જેવું છે, કારણ કે એ કોઈને દીક્ષા કે મંત્ર તો આપતા નથી, એ તો ઠીક પણ ગુરૂ શિષ્યના ભેદભાવનો સ્વીકાર પણ નથી કરતા ! એવા માણસો હજારો વરસોમાં માનવજાતિના આધ્યાત્મિક ઈતિહાસમાં કોઈક જ વાર પ્રકટ થતા ને જોવા મળતા એ મહાપુરૂષના દર્શનથી હાથે કરીને વંચિત રહ્યા હશે. એમણે એમની અનાવશ્યક અજ્ઞાનમૂલક આલોચના પણ કરી હશે. પરંતુ એથી શું ? એવું તો માનવના જડ જીવનમાં અવારનવાર બનતું રહ્યું છે. દેવતાઓ એને દિવ્યતાનો આનંદ આપવા અવારનવાર આવતા રહ્યા છે, પરમાત્માના પ્રેમભીના પાર્ષદો એને પ્રેમ પાવા અને એના જ્યોતિરહિત જીવનપથને પ્રેમળ ને પ્રકાશિત કરવા પ્રસંગોપાત્ત પ્રકટ થતા રહ્યા છે, પરંતુ એ એમને નથી ઓળખી શક્યો અને એમનો લાભ પણ નથી ઉઠાવી શક્યો. કેટલીકવાર એમનો અકારણ વિરોધ અને વિદ્વેષ કરતો પણ થયો છે.

* * *          * * *          * * *          * * *

એક બીજે પ્રસંગે મહર્ષિએ ગુરૂ વિશેના એમના વિચારો વિશેષ લાક્ષણિક, સરળ, સ્પષ્ટ તેમજ સચોટ રીતે વ્યક્ત કર્યા છે. એમની અંદર ગુરૂભાવ રાખનારા શિષ્યોને એથી મદદ મળે તેમ છે.

 

જિજ્ઞાસુ         : ભગવાન અમને સત્યનો સાક્ષાત્કાર કરવામાં મદદરૂપ થઈ શકે ખરા ?

મહર્ષિ          : મદદ તો હંમેશા કરાતી જ હોય છે.

જિજ્ઞાસુ         : તો પછી પ્રશ્નો પૂછવાની કશી આવશ્યકતા નથી રહેતી. મને હંમેશાં કરવામાં આવતી મદદનો અનુભવ નથી થતો.

મહર્ષિ          : સમર્પણભાવને પેદા કરો પછી એનો અનુભવ થઈ રહેશે. 

જિજ્ઞાસુ         : મેં તો સદાને માટે તમારાં ચરણોનો આશ્રય લીધો છે. ભગવાન શું કોઈ અમલ કરવા યોગ્ય ઉપદેશ આપશે ખરા ? એના સિવાય છસો માઈલ જેટલા દૂરના સ્થળમાં રહીને મારાથી મદદ કેવી રીતે મેળવી શકાશે ?

મહર્ષિ          : સદ્ ગુરૂ અંદર છે.

જિજ્ઞાસુ         : એ સત્યને સમજવા માટેના ઉચિત માર્ગદર્શન માટે પણ સદ્ ગુરૂની આવશ્યકતા હોય છે.

મહર્ષિ          : સદ્ ગુરૂ તમારી અંદર છે.

જિજ્ઞાસુ         : મારે તો પ્રત્યક્ષ ગુરૂની આવશ્યકતા છે.

મહર્ષિ          : એ પ્રત્યક્ષ ગુરૂ જ કહી રહ્યા છે કે એ અંદર છે.

જિજ્ઞાસુ         : સદ્ ગુરૂ મારા મસ્તક પર હાથ મૂકીને મને એમની મદદની ખાતરી કરાવી શકશે ? એમ થશે તો એમની બાંયધરી પૂરી થશે એવું આશ્વાસન મારાથી સહેલાઈથી મેળવી શકાશે.

મહર્ષિ          : આગળ પર તો તમે મારી પાસે મદદની માગણી કરશો ને એ મદદ નથી મળતી એવું લાગતાં મારી વિરુદ્ધ કોર્ટમાં કેસ કરશો !

 

એ ઉત્તર એમણે દેખીતી રીતે જ વિનોદ કરતાં આપેલો. એ ઉત્તરથી એ વાત ત્યાં જ અટકી પડી. પરંતુ એમની વીતરાગ તટસ્થ દૃષ્ટિનો પરિચય આપણા અંતરમાં આદરભાવ ઉત્પન્ન કરે છે.

* * *          * * *          * * *          * * *

        ગુરૂના સંબંધમાં એમના શ્રીમુખમાંથી પ્રસંગોપાત્ત વહેતા થયેલા વિચારો ખરેખર અનેકવિધ અને અધ્યયન કરવા જેવા છે. એમના અવલોકનથી એમના વિશાળ તથા વિશદ વ્યક્તિત્વનો સારી પેઠે પરિચય થાય છે. એ વિચારોમાંના કેટલાક ઉપયોગી માર્મિક વિચારોનું અવલોકન અસ્થાને નહિ ગણાય. એથી આપણા વિષયને વધારે સારી રીતે, સર્વાંગીણ રીતે, ન્યાય કરી શકાશે.

 

જિજ્ઞાસુ         : કોઈ પુરૂષ ગુરૂ થવા માટે યોગ્ય છે કે નહિ તે કેવી રીતે જાણી શકાય ?

મહર્ષિ          : એમની સંનિધિમાં અનુભવાતી મનની શાંતિની તથા એમને માટે અનુભવાતા આદરભાવની મદદથી.

જિજ્ઞાસુ         : અને જો પાછળથી એમ લાગે કે એ યોગ્ય નથી તો એમની અંદર સંપૂર્ણ શ્રદ્ધા રાખનારા શિષ્યની દશા કેવી થાય ?

મહર્ષિ          : દરેકની દશાનો આધાર એની ગુણવત્તા પર રહેતો હોય છે. દક્ષિણામૂર્તિની દશા કેવી અલૌકિક હતી ! એ શાંત બેસી રહેતા. એમની પાસે પહોંચનારા શિષ્યોની શંકાઓ એમની શાંતિના પ્રભાવથી શમી જતી. એ વ્યક્તિગત ભેદભાવથી અથવા દેહાધ્યાસથી પર થતા. જ્ઞાન એવી શાંત સમજ હોય છે, મોટે ભાગે દુનિયામાં એના નામે આપવામાં આવતી વાચિક વ્યાખ્યાઓ નહિ. મૌન કર્મ કરવાનું એક અત્યંત અસરકારક શક્તિશાળી સાધન છે. શાસ્ત્રો ગમે તેટલાં વિશાળ તથા ચોક્કસ અભિપ્રાયોને રજૂ કરનારાં હોય તો પણ એમની અસર સીમિત હોય છે. ગુરૂ શાંત હોય છે. એની નીરવતા સૌને શાંતિ આપે છે. સઘળાં શાસ્ત્રોને ભેગા કરીએ તો પણ એના મૌનની વિશાળતા અને અસરકારકતાની બરાબરી એમનાથી ના થઈ શકે. અહીં આટલા બધા લાંબા વખત લગી રહ્યા, આટલું બધું સાંભળ્યું અને આટલી બધી મહેનત કરી, તો પણ તમને કાંઈ મળ્યું હોય એવું નથી લાગતું. એવી લાગણીને લીધે જ આવા પ્રશ્નોનો ઉદ્ ભવ થાય છે. તમારી અંદર પ્રગતિ અથવા પરિવર્તનની જે પ્રક્રિયા ચાલી રહી છે તે તમને દેખાતી નથી એટલુ જ. સાચું જોતાં ગુરૂ સદા તમારી અંદર છે.

જિજ્ઞાસુ         : એવું કહેવામાં આવે છે કે મહાત્માનો એક જ દૃષ્ટિપાત પૂરતો હોય છે. મૂર્તિઓ, તીર્થો તથા એવું બધું એટલું અસરકારક નથી હોતું. અહીં ત્રણ મહિનાથી રહું છું તો પણ મહર્ષિના દૃષ્ટિપાતે મને શું લાભ પહોંચાડ્યો છે તે નથી સમજી શકતો.

મહર્ષિ          : દૃષ્ટિપાતથી પવિત્ર થવાય છે એ સાચું છે. પવિત્રતાને જોઈ નથી શકાતી. કોલસાના ટુકડાને સળગતાં લાંબો વખત લાગે છે, લાકડાના ટુકડાને એનાથી ઓછો વખત, અને દારૂગોળો તરત જ સળગી ઊઠે છે, એવું જ દૈવી મહાત્માના સમાગમમાં આવનારા જુદી જુદી પ્રકૃતિના પુરૂષોના સંબંધમાં સમજી લેવાનું છે.

જિજ્ઞાસુ         : પોતાની દીક્ષા વગેરેની મદદથી ગુરૂ આત્મસાક્ષાત્કારમાં મદદ કરી શકે ખરા ?

મહર્ષિ          : ગુરૂ તમારો હાથ પકડીને તમારા કાન ફૂંકે છે ? તમે કદાચ તેમને તમારા જેવા જ સમજતા હશો. તમે શરીરધારી છો એવું માની લઈને ગુરૂ પણ શરીરવાળા જ હોય છે એવું માની લો છો અને એમની પાસેથી કોઈક ચોક્કસ સ્થાયી સહાયતાની અપેક્ષા રાખો છો. પરંતુ એમનું કર્તવ્યક્ષેત્ર અંદર હોય છે––આત્મિક જગતમાં.

 

પોતાના એ બધા જ ગુરૂવિષયક વિચારપ્રવાહના ઉપસંહારરૂપે કહેતા હોય તેમ મહર્ષિ ફરી કહે છે:

જ્યાં સુધી તમે આત્મસાક્ષાત્કારની ઈચ્છા રાખો છો ત્યાં સુધી ગુરૂની આવશ્યકતા રહેવાની. ગુરૂને સત્ય તથા મૂળભૂત આત્મા અને તમને વ્યક્તિગત આત્મા માનો. એ ભેદભાવ દૂર થતાં અવિદ્યાનો અંત આવશે. દ્વૈતભાવ હાજર હશે ત્યાં સુધી ગુરૂની આવશ્યકતા રહેશે જ. તમે તમને દેહધારી માનતા હોવાથી ગુરૂને પણ શરીરરૂપે સમજી રહ્યા છો. તમે શરીર નથી ને ગુરૂ પણ શરીરથી પર છે. તમે જેને આત્મસાક્ષાત્કાર તરીકે ઓળખો છો તેની દ્વારા એ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તમે ગુરૂને શરીરવાળા માનીને ભૂલ કરો છો પરંતુ ગુરૂ પોતે એવી ભૂલ નથી કરતા. એ આકાર રહિત આત્મા છે. બહાર દેખાય છે તે તો ફક્ત તમને પથપ્રદર્શન કરવા માટે.

* * *          * * *          * * *          * * *

જિજ્ઞાસુ         : ગુરૂને ઓળખી શકાય એવી એમની ખાસ વિશેષતાઓ કયી કયી છે ?

મહર્ષિ          : ગુરૂ હમેશાં આત્માના ગહન અને અનંત ઊંડાણમાં રહેતા હોય છે. એ પોતાની અંદર અને બીજામાં કશો ભેદ નથી જોતા. એમની અંદર એવો વિચાર ભૂલેચૂકે પણ પેદા નથી થતો કે પોતે પૂર્ણ પ્રકાશપ્રાપ્ત કે મુક્ત છે અને આજુબાજુના બીજા બધા બદ્ધ અથવા અજ્ઞાનરૂપી અંધકારથી ગ્રસ્ત છે. એમની આત્મનિષ્ઠા અથવા સ્વરૂપસ્થિતિમાં કોઈ પણ સંજોગોમાં ભંગ નથી પડતો અને સ્થિરતા કે સ્થિતપ્રજ્ઞતાનો કદી નાશ નથી થતો.

જિજ્ઞાસુ         : ભક્તને સુખની અનુભૂતિ ગુરૂ મૂક હોય તો મળી શકે ખરી ?

મહર્ષિ          : ભક્ત ગુરૂના ચરણે પોતાની જાતનું સમર્પણ કરે છે અને એ રીતે એના વ્યક્તિગત અહંકારને ઓગાળી નાખે છે. સમર્પણ જો સંપૂર્ણ હોય છે તો અહંભાવની પૂર્ણપણે નિવૃત્તિ થઈ જાય છે ને કોઈ પ્રકારના શોક કે સંકટને માટે સ્થાન નથી રહેતું. એ આત્માની શાશ્વત સત્તા પરમ સુખસ્વરૂપ છે. એ સ્વાનુભૂતિથી સમજી શકાય છે.

જિજ્ઞાસુ         : કૃપાથી સાધકનો વિકાસ ઝડપી ના બની શકે ?

મહર્ષિ          : એ બધું ગુરૂ પર છોડી દો. એમને સંપૂર્ણ સમર્પણ કરી દો. બેમાંથી એક કામ કરવું પડશે : કાં તો તમારી અશક્તિને લીધે તમારી મદદ માટે કોઈ ઉચ્ચ શક્તિની ઈચ્છા રાખો છો માટે સમર્પણ કરો કે પછી દુઃખનું કારણ શોધી કાઢો, મૂળ સુધી પહોંચી જાવ અને આત્મામાં લીન બનો. બંને માર્ગ તમને દુઃખમાંથી મુક્તિ આપશે. પોતાના ચરણે સમર્પણ કરનાર ભક્તનો ત્યાગ ઈશ્વર અથવા ગુરૂ કદી પણ નથી કરતા.

જિજ્ઞાસુ         : ગુરૂ કે પરમાત્માને પ્રણિપાત કરવાનો અર્થ કહેશો ?

મહર્ષિ          : પ્રણિપાત અહંતાનો ત્યાગ સૂચવે છે અને મૂળભૂત આત્મામાં લીન થવાનો સંદેશ પૂરો પાડે છે.

જિજ્ઞાસુ         : મહર્ષિ પોતાના અનુગ્રહની નિશાનીરૂપે મને પોતાના પતરાળામાંથી થોડો પ્રસાદ આપવાની કૃપા કરશે ?

મહર્ષિ          : અહંભાવનો વિચાર કર્યા વગર ખાવ તો જે ખાશો તે પ્રસાદ થઈ જશે.

       

છેલ્લા બે પ્રશ્નોના પ્રત્યુત્તરો મહર્ષિની વીતરાગ, નિર્માનમોહ વૃત્તિનો પરિચય કરાવનારા હોવાથી ખૂબ જ મહત્વના છે. આ બધા જ વાર્તાલાપો પરથી એમની ગુરૂને માટેની ઉદાત્ત દૃષ્ટિનો પરિચય થાય છે. એ જુદી જુદી રીતે મૂળભૂત ધ્યેય તરફ સાધકોનું ધ્યાન દોરે છે અને એ રીતે ખરેખર ખૂબ જ ઉપયોગી ઠરે છે.

 

(શ્રી યોગેશ્વરજી કૃત 'રમણ મહર્ષિ : જીવન અને કાર્ય'માંથી)

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer