મહર્ષિની
સાધનામાં બાહ્ય સંન્યાસનું સ્થાન કેવું ને કેટલું હતું તેની થોડીઘણી કલ્પના
એમના જીવનના પ્રસંગો પરથી સહેલાઈથી કરી શકાય છે. એ પોતે બાહ્ય સંન્યાસના
વિરોધી ના હોવા છતાં એવા વિધિપૂર્વક લેવાતા બાહ્ય પરંપરાગત સંન્યાસથી મુક્ત
રહેલા, કારણ કે એમને એની આવશ્યકતા નહોતી લાગી. સંન્યાસ શરીરનો નહિ પણ મનનો
હોવો જોઈએ ને ઘર, કુટુંબ, નામ તેમજ વસ્ત્રોના પરિવર્તન પૂરતો મર્યાદિત
રહેવાને બદલે સ્વભાવના પરિવર્તન, લૌકિક પારલૌકિક લાલસાઓના તથા અહંતા-મમતાના
પરિત્યાગ, તેમજ આત્મવિકાસની સાધનાના અનુષ્ઠાનની અભિરુચિવાળો હોવો જોઈએ એવી
એમની માન્યતા હતી અને એ માન્યતા એમના સમસ્ત જીવનમાં વણાઈ ગયેલી.
એમનું
આરંભથી અંત સુધીનું સમગ્ર જીવન એક આદર્શ સર્વોત્તમ સંન્યાસીનું જ જીવન હતું.
પરંતુ એ સર્વ પ્રકારના વર્ણાશ્રમજન્ય, સાંપ્રદાયિક અહંકારોથી પર અને ગુણાતીત
હોવાથી સંન્યાસી કરતાં પણ શ્રેષ્ઠ હતા. પ્રત્યેક વસ્તુની પેઠે એ સંન્યાસના
આંતર સ્વરૂપ અથવા લક્ષ્ય પર ભાર મૂકતા. એમની તપઃપૂત પ્રજ્ઞાયુક્ત દૃષ્ટિ ઉપર
રમવાને બદલે એના હાર્દ અથવા આત્મા સુધી પહોંચી જતી. પરિણામે એને માટે ભ્રાંત
અથવા વિપથગામી બનવાનો ભય નહોતો રહેતો.
* *
* * * * * * * * * *
મહર્ષિના
આંતર ત્યાગની અવસ્થા આરંભથી જ એટલી બધી અદ્
ભૂત
હતી કે વાત નહિ. એ બાહ્ય જગતના વિષયોનું વિસ્મરણ કરીને અસાધારણ પ્રેમ, ઉત્સાહ
અને લગનપૂર્વક આત્માનુસંધાનમાં મગ્ન અને આત્મનિષ્ઠામાં ડૂબેલા રહેતા. એ
અવસ્થા એમને માટે છેક જ સ્વાભાવિક બની ગયેલી. અરૂણાચલેશ્વરના મંદિરમાં ને
બીજા સ્થળોમાં રહીને સાધના કરતી વખતે એ આત્માનુસંધાનમાં એટલા બધા લીન બની
ગયેલા કે દિવસો સુધી શરીરભાનથી પર રહેલા. સાધનાના એ સોનેરી દિવસો દરમિયાન
સ્નાન કરવાનો સમય પણ એમને ભાગ્યે જ મળતો હોવાથી એમના વાળ ગૂંચળાંવાળી જટામાં
પલટાઈ ગયાં. એમની તરફ એમનું ધ્યાન જ ના રહ્યું. એક દિવસ એક ભાવિક સ્ત્રીનું એ
તરફ ધ્યાન ખેંચાવાથી એને ખૂબ જ લાગી આવ્યું. એ એક ડોલમાં પાણી તથા સાબુ
લાવીને એમની જટાને પ્રેમપૂર્વક ધોવા લાગી. તો પણ એ પથ્થરની પ્રતિમા જેવા અચળ
અથવા સ્થિર બેસી રહ્યા. વાળ સૂકા ને ગૂંચવાયલા હોવા છતાં એ સ્ત્રીએ અત્યંત
ધીરજ તેમજ ભાવભક્તિપૂર્વક એમને ધોયા, સાફ કર્યા ને દાંતિયાની મદદથી સરખા
બનાવ્યા. એ બધાના તટસ્થ પ્રેક્ષક તરીકે એ શાંત બેસી રહ્યા.
એ પ્રસંગ
પરથી સમજાય છે કે દેહભાવને તિલાંજલિ આપીને એ પૂર્વસંસ્કારોના પરિપાકરૂપે
લાંબા વખતથી જ આત્મભાવમાં સ્થિત હતા. લૌકિક લાલસાઓ કે વાસનાઓ તો શું પરંતુ
શરીરની મમતા પણ એમને નહોતી સ્પર્શી શકતી. એની આસક્તિથી એ પૂરેપૂરા મુક્ત હતા.
એ સંન્યાસના સાચા સારતત્વને જીવનમાં ઉતારી ચૂકેલા. એમનું નિર્મળ ને નિર્મમ મન
સંન્યાસની સર્વશ્રેષ્ઠ દીક્ષા દ્વારા પરમાત્માભિમુખ બનીને પરમાત્મામાં મળી
ગયેલું, એટલું પૂરતું હતું.
* *
* * * * * * * * * *
સંન્યાસ
વિશેના વિચારો
કેટલાક સંતો પોતાના શિષ્યો અને અનુયાયીઓને માટે બાહ્ય ત્યાગ અથવા સંન્યાસનો
ખાસ આગ્રહ રાખે છે અને એના વિના કોઈનું આત્મિક કલ્યાણ ના જ થઈ શકે એવું માને
છે. પરંતુ મહર્ષિમાં એવા હઠાગ્રહ કે દુરાગ્રહનો અભાવ હતો. એમની દૃષ્ટિ લેશ પણ
સંકુચિત ન હતી. સંન્યાસ વિશેનો એમનો દૃષ્ટિકોણ પરંપરાગત કે જડ નહિ પરંતુ
પ્રાણવાન હતો.
એમણે જિજ્ઞાસુઓ અથવા ભક્તોના સંન્યાસ અથવા બાહ્ય ત્યાગવિષયક પ્રશ્નોના
પ્રત્યુત્તરરૂપે વ્યક્ત કરેલા વિવિધ વિચારોમાં પણ એ જ અભિપ્રાયનો પડઘો પડે
છે.
જિજ્ઞાસુ
: આત્મસાક્ષાત્કારની પ્રાપ્તિ માટે સંન્યાસ લેવાનું આવશ્યક છે
?
મહર્ષિ
: સંન્યાસનો અર્થ પોતાની વ્યક્તિગત અહંતાનો ત્યાગ કરવો તે છે, ને કેવળ
માથું મૂંડાવવું ને કાષાય વસ્ત્રો પહેરવાં એટલો જ નથી થતો. માણસ ગૃહસ્થી હોય
છતાં પણ પોતાને ગૃહસ્થી ના માને તો સંન્યાસી જ છે. એથી ઊલટું, એ ભગવાં
વસ્ત્રોને ધારણ કરે ને આમતેમ ફરે તો પણ પોતાને સંન્યાસી માનતો હોય ત્યાં સુધી
સંન્યાસી નથી થયો. ત્યાગનો વારંવાર વિચાર કરવાથી ત્યાગ કરવાનો હેતુ નથી
જળવાતો.
સંન્યાસ લેવો એટલે શું સમજો છો
?
ઘરનો પરિત્યાગ કરવો અને અમુક ચોક્કસ રંગ ધારણ કરી લેવો એ સંન્યાસ છે
?
તમે ગમે ત્યાં જાવ. અધ્ધર અવકાશમાં ઉડ્ડયન કરો તો પણ, તમારું મન તમારી સાથે
નહિ જાય ?
એને તમારી પાછળ મૂકીને તમે એના વિના જ આગળ વધી શકો તેમ છો
?
તમારો
વ્યવસાય અથવા જીવનમાં તમારાં કર્તવ્યો તમારા આત્મોન્નતિના પ્રયત્નોમાં
અંતરાયરૂપ શા માટે થાય છે ?
ઘરમાં અને ઑફિસમાં રહીને તમે જે કર્મો કરો છો તેમાં ફેર હોય છે. ઑફિસની
પ્રવૃત્તિ દરમિયાન તમે અલિપ્ત રહો છો ને એ પ્રવૃત્તિ હાનિ કે લાભમાં પરિણમે
છે તેની ચિંતા નથી કરતા. પરંતુ ઘરની પ્રવૃત્તિઓને આસક્તિ સાથે કરો છો અને
તમારા કુટુંબને એ દ્વારા મદદ મળે તેનું સદાય ધ્યાન રાખો છો. પરંતુ જીવનની બધી
જ પ્રવૃત્તિઓને અલિપ્ત ભાવે કરવાનું અને આત્માને મૂળભૂત વાસ્તવિક્તા તરીકે
માનીને કરવાનું શક્ય છે. આત્મનિષ્ઠ પુરૂષ સંસારનાં કર્તવ્યોને સારી પેઠે નહિ
કરી શકે એમ માનવું ભૂલ ભરેલું છે. એની અવસ્થા એક અભિનેતા જેવી હોય છે. એ
વસ્ત્રો પહેરે છે, અભિનય કરે છે, અને પોતાના પાઠને અનુરૂપ લાગણી અનુભવે છે.
તો પણ સદા સમજે છે કે વાસ્તવિક જીવનમાં તો એનું સ્થાન તદ્દન જુદું જ છે. એવી
જ રીતે એકવાર તમે જાણી લીધું કે તમે શરીર નથી પરંતુ આત્મા છો પછી દેહાધ્યાસ
તમારા વિકાસની વચ્ચે શા માટે આવવો જોઈએ
?
શરીરથી જે પણ થાય એની અસર તમારી આત્મનિષ્ઠા પર ના પડવી જોઈએ.
અભિનેતા
પોતાની અસલ અવસ્થાને યાદ રાખીને સ્ટેજ પર જુદા જુદા અભિનયો કર્યા કરે છે તેવી
રીતે આત્મનિષ્ઠા અકબંધ રહેશે ને શરીરની મદદથી જુદાં જુદાં જરૂરી કર્મો થયા
કરશે.
જિજ્ઞાસુ : સાંસારિક પ્રવૃત્તિઓમાં નિરંતર પરોવાયેલા ગૃહસ્થાશ્રમીને
વધારે ને વધારે પ્રવૃત્તિઓની આવશ્યકતા હોય છે ત્યારે પ્રવૃત્તિમાંથી ઉપરામ
થવાનો ને પરમ શાંતિની પ્રાપ્તિનો અનુભવ કેવી રીતે થઈ શકે
?
મહર્ષિ
: આત્મિક પ્રકાશની પ્રાપ્તિ કરી ચૂકેલો ગૃહસ્થાશ્રમી બીજાને અનેક
પ્રકારની પ્રવૃત્તિઓથી વીંટળાયેલો દેખાય છે પરંતુ ખરેખર તેવું નથી હોતું.
વિભિન્ન પ્રકારની પ્રવૃત્તિઓમાં રત રહેવા છતાં તે વાસ્તવિક રીતે કોઈ પણ
પ્રવૃત્તિથી મુક્ત હોય છે. બાહ્ય પ્રવૃત્તિ એની ઉપરામતા અને આત્મશાંતિની
વચ્ચે નથી આવતી, અને પ્રવૃત્તિ કરતાં છતાં પણ એનું મન પ્રવૃત્તિની બેચેન
બનાવનારી લાલસાથી મુક્ત હોય છે.
જિજ્ઞાસુ : મૌનવ્રત ઉપયોગી છે
?
મહર્ષિ
: આત્મસમર્પણ અંદરનું મૌન છે અને એનો અર્થ અહંભાવ વિના જીવવું એવો
થાય છે.
જિજ્ઞાસુ : સંન્યાસીને માટે એકાંતની આવશ્યકતા છે
?
મહર્ષિ : એકાત તો માનવના મનમાં છે. એક માણસ સંસારના કોલાહલમાં રહેતો
હોય તો પણ મનને સંપૂર્ણ સ્વસ્થ તથા શાંત રાખી શકતો હોય છે. બીજો માણસ વનમાં
વસતો હોય તો પણ પોતાના મનનો સંયમ નથી કરી શકતો. એ એકાંતમાં રહે છે એવું ના
કહી શકાય. એકાંત મનનું વલણ છે, ને મન પર આધાર રાખે છે. દુન્યવી વસ્તુઓના
રાગવાળા માણસને એ ગમે ત્યાં હોય તો પણ એકાંતનો લાભ નથી મળી શકતો, પરંતુ
રાગરહિત માણસ હંમેશાં એકાંતનો આનંદ લેતો હોય છે.
આ વાર્તાલાપ
પરથી પ્રતીત થાય છે કે મહર્ષિની દૃષ્ટિ અત્યંત વેધક, માર્મિક અને સૂક્ષ્મ
હતી. એ કોઈ પ્રચલિત ચિંતનચીલા પર ચાલનારા સંત નહોતા પણ અસરકારક અભિનવ
વિચારધારાથી સંપન્ન સર્વોત્તમ સત્પુરૂષ હતા. એટલા માટે તો એ કોઈ પણ વિષય,
વ્રત કે પરંપરાની વિષય, વ્રત કે પરંપરાને ખાતર પુષ્ટિ કરવાને બદલે એને નવી ને
મૂળભૂત રીતે મૂલવે છે ને એના જડ અથવા અંધ આરાધક બનવાને બદલે જીવનના સર્વાંગીણ
આધ્યાત્મિક વિકાસના આદર્શને સદાય નજર સમક્ષ રાખીને એની ઉપયોગિતા અથવા
અનુપયોગિતાને સિદ્ધ કરે છે. એમની એ અંતર્દૃષ્ટિ ખરેખર અને ખૂબ ખૂબ કલ્યાણકારી
છે. એવી દૃષ્ટિથી સંપન્ન પ્રજા ધર્મ, સાધના અથવા આધ્યાત્મિકતાના નામ પર
પથભ્રાંત નથી બની શકતી ને જીવનના મૂળભૂત આદર્શનું સ્મરણ કરતાં હંમેશાં આગળ
વધે છે. એ પ્રજાની જીવનદૃષ્ટિ સાચી ઠરે છે ને જીવનના સર્વતોમુખી વિકાસમાં
મદદરૂપ બને છે.