Shri Yogeshwarji's biography in Gujarati on

રમણ મહર્ષિ

Bhagavan Ramana Maharshi : Life and works

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 
   
< BACK

ભગવાન રમણ મહર્ષિ

NEXT >

૧૦. અવતાર વિશે

 

મહર્ષિ પોતે અરુણગિરિના અવતાર તો નહોતા ? અરૂણાચલ પર્વત પર રહેનારા એ સર્વસમર્થ મહાયોગી અરુણગિરિ પોતે જ અરૂણાચલનો અને એની સાથે સાથે આધ્યાત્મિકતાનાં મહત્વનાં મૂલ્યોનો જયકાર કરવા એમના રૂપમાં પાર્થિવ શરીર સાથે નહોતા પધાર્યા ? ભક્તોના મનમાં એવા પ્રશ્નો અવારનવાર પેદા થયા કરતા. એમના પ્રશ્નો આધારરહિત અથવા અસ્થાને નહોતા. એમને કેટલાક બીજા ભક્તો સુબ્રહ્મણ્યમના અવતાર પણ માનતા. એ બાબત એમની પોતાની દૃષ્ટિ કેવી વિલક્ષણ હતી એ જાણવાનું રસપ્રદ થઈ પડશે.

મહર્ષિ પોતાને અવતાર માનવા-મનાવવાથી મુક્ત હતા. એવી પદ્ધતિ એમને પસંદ ના પડતી એમ કહીએ તો ચાલે. એમને અવતાર માનીને એમના મહિમામાં અભિવૃદ્ધિ કરવા માગનારા એવું કરવા સ્વતંત્ર હતા, પરંતુ એના વિના પણ એ મહિમામય હતા જ.

એકવાર એક સંન્યાસીએ એમની મુલાકાત લીધી. એ સંન્યાસી એવું માનતા કે એમના ગુરૂ સિવાય બીજા કોઈને આત્મસાક્ષાત્કાર થયો જ નથી ને ના થઈ શકે. એટલે એમણે એમને ઉત્તેજનાયુક્ત સ્વરે પૂછ્યું :

લોકો માને છે કે તમે સુબ્રહ્મણ્યમના અવતાર છો. તમારે એ સંબંધી શું કહેવાનું છે ?

મહર્ષિ મૂક રહ્યા એટલે એમણે ફરી પૂછ્યું :

જો એ હકીકત સાચી હોય તો એ બાબત મૌન શા માટે રાખી રહ્યા છો ? તમે સત્યની જાહેરાત કેમ નથી કરતાં ?’

મહર્ષિએ એનો પણ ઉત્તર ના આપ્યો એટલે એમણે કહ્યું :

અમારે જાણવું છે એટલે તમારે કહેવું જ પડશે.

મહર્ષિ કોઈ પણ પ્રકારની ઉત્તેજના સિવાય શાંતિપૂર્વક બોલ્યા :

અવતાર તો ઈશ્વરનો આંશિક આવિર્ભાવ હોય છે, પરંતુ જ્ઞાની ઈશ્વર પોતે હોય છે.

સંન્યાસી એ ઉત્તર સાંભળીને શાંત બની ગયા.

એ શબ્દો દ્વારા મહર્ષિની પૂર્ણ પરમાત્મનિષ્ઠ અભેદભાવયુક્ત અલૌકિક અવસ્થાનો પરિચય થાય છે. એ બધી જ જાતના ભેદભાવો અને સામાન્ય અથવા અસામાન્ય આધ્યાત્મિક અહંકારોથી મુક્ત હતા અને અહર્નિશ અખંડ આત્માનુસંધાનમાં મગ્ન રહેતા. એ પોતાને અવતાર તરીકે ઓળખાવવામાં જરા પણ ગૌરવ ના લેતા. એમનું વર્તમાન જીવન ખુલ્લી કિતાબ જેવું હતું અને એમની અસાધારણતાની પ્રતીતિ કરાવવા માટે પર્યાપ્ત થતું.

* * *          * * *          * * *          * * *

દક્ષિણ ભારતનાં લગભગ સઘળાં શિવમંદિરોમાં દક્ષિણામૂર્તિની પ્રતિમા જોવા મળે છે. એની પૂજાની પરંપરા પણ પ્રચલિત છે. એ વિશાળ વટવૃક્ષની નીચે શાંતિપૂર્વક વિરાજ્યા હોય છે. એમની સામે ચાર શિષ્યો હોય છે. મહર્ષિના અનેક પ્રશંસકો કે ભક્તોને એમની સંનિધિમાં દક્ષિણામૂર્તિનું સ્મરણ થઈ આવતું અને એ એમને દક્ષિણામૂર્તિના અવતાર માનતા. એ દક્ષિણામૂર્તિની અભિનવ આવૃત્તિ જેવા શાંત બેસી રહેતા, એમની ઉપસ્થિતિથી જ બીજાની શંકાઓનું સમાધાન કરતા, બીજાને પ્રેરણા તથા શાંતિ આપતા ને આત્માથી આત્મા સાથે આવશ્યક્તાનુસાર વાતો કરતા. કેટલાય લોકો એમને પ્રશ્નો પૂછવા આવતા પરંતુ એમની પાસે બેસીને જરૂરી માર્ગદર્શન મેળવી લેતા ને કોઈ પણ પ્રકારના પ્રશ્નો પૂછ્યા વિના જ સંતોષપૂર્વક પાછા ફરતા. કેટલીક વાર એમના સહજ રીતે બોલાયેલા થોડાક શબ્દો જ સાધકોના જીવનમાં પ્રકાશ ભરતા. એ કહેતા કે મૌન જેવો સર્વોત્તમ સદુપદેશ બીજો કોઈ નથી; પરંતુ આગળ વધેલા સાધકોને જ એ અનુકૂળ આવે છે. બીજા તેમાંથી પૂરી પ્રેરણા નથી પ્રાપ્ત કરી શકતા તેથી સત્યને સમજાવવા શબ્દોનો ઉપયોગ કરવો પડે છે. વ્યાખ્યાનો અમુક વખત સુધી લોકોને આનંદ આપે અને એ છતાં પણ અસર ના પહોંચાડે એવું બની શકે, પરંતુ મૌનની અસર શાશ્વત હોય છે અને સૌને લાભ પહોંચાડે છે. એ ના સમજાય તો પણ હરકત નહિ. સત્ય શબ્દોથી પર હોય છે. વ્યાખ્યાનો મૌન જેટલાં સહજ અને અસરકારક નથી હોતાં. દક્ષિણામૂર્તિ આદિ અને આદર્શ ગુરૂ છે. એમણે મૌન દ્વારા ઉપદેશ આપેલો.

દક્ષિણામૂર્તિના સંબંધમાં એક કથા પ્રચલિત છે કે બ્રહ્માનું મન સૃષ્ટિરચનાના કાર્યમાંથી ઉપરામ થઈ ગયું હોવાથી એમાંથી મુક્તિ મેળવવાની ઈચ્છાથી એમણે ચાર કુમારોને પ્રકટ કર્યા. એ ચારે કુમારો સનક, સનંદન, સનાતન, સનત્કુમાર આત્મજ્ઞાનથી અલંકૃત હોવાથી સૃષ્ટિકાર્યમાં રસ લેવાને બદલે મુક્તિની શ્રેયસ્કર સાધનાની દીક્ષા માટે તૈયાર થયા. બ્રહ્માએ એમને દીક્ષા આપવાની ના પાડવાથી એમનો ત્યાગ કરીને એ કોઈક બીજા સદ્ ગુરૂની શોધમાં નીકળી પડ્યા. એમના સદ્ ભાગ્યે એમની દૃષ્ટિ વિશાળ વટવૃક્ષ નીચે બેઠેલા સદ્ ગુરૂ દક્ષિણામૂર્તિ પર પડવાથી એમને આપોઆપ શાંતિ મળી. એમણે એમની પાસે રહીને જ્ઞાન મેળવ્યું. એ જ્ઞાન મૌન દ્વારા જ મળેલું.

મહર્ષિ અર્વાચીન ભારતીય સાધનાના દક્ષિણામૂર્તિ હતા. દક્ષિણામૂર્તિ પોતે જ જાણે કે એમના રૂપમાં પ્રકટ થયા છે ને કાર્ય કરી રહ્યા છે એવું કેટલાયને લાગ્યા કરતું. એ લાગણી કાંઈ અસ્થાને નહોતી જ. એમનું મૌન સાચા સાધકોને કેવી રીતે સહાયતા કરતું એ વિશે જૂના હોલમાં વરસો પહેલાં બનેલો એક પ્રસંગ યાદ કરવા જેવો છે.

એકવાર એક કાશ્મીરી સદ્ ગૃહસ્થે એમના નોકર સાથે આશ્રમની મુલાકાત લીધી. એ આશ્રમના સંચાલકોની અનુમતિ મેળવીને આશ્રમમાં રહેવા લાગ્યા. એમને કામકાજમાં થોડીક મુશ્કેલી પડવા માંડી કારણ કે એ પોતાની માતૃભાષા કાશ્મીરી વિના બીજી ભાષાનો શબ્દ પણ ના સમજતા.

એક દિવસ રાતે હોલમાં અંધકારને અજવાળતું એક માત્ર ફાનસ સળગી રહેલું ત્યારે એ સદ્ ગૃહસ્થનો નોકર મહર્ષિ પાસે પૂજ્યભાવે ઊભો રહીને એની ભાષામાં કશુંક ઉતાવળા સ્વરે બોલવા લાગ્યો.

મહર્ષિ કાંઈ પણ બોલવાને બદલે એના તરફ શાંતિથી જોતા પડી રહ્યા.

થોડાક વખત પછી નોકરે સંપૂર્ણ સમાધાન થયું હોય એવા સંતોષ સાથે નમસ્કાર કરીને એમની વિદાય લીધી.

એના મનોભાવની બીજા કોઈ કાર્યકર્તાઓને માહિતી ના મળી.

બીજે દિવસે સવારે પેલા સદ્ ગૃહસ્થે હોલમાં પહોંચીને મહર્ષિના આશ્ચર્ય વચ્ચે કહ્યું :

ભગવાન, તમે કાશ્મીરી બોલી શકો છો એ તો મને કદી કહ્યું નહિ. એ સારું કહેવાય ?

મહર્ષિએ પૂછ્યું : એટલે ? તમે શું કહેવા માગો છો ? મને તમારી ભાષાનો એક અક્ષર પણ નથી આવડતો.

મહર્ષિએ એમના વિધાનની સ્પષ્ટતા માગી તો એ સદ્ ગૃહસ્થે જણાવ્યું :

કાલે રાતે મારા નોકરે તમારી પાસે આવીને કાશ્મીરી ભાષામાં કેટલાક પ્રશ્નો પૂછેલા. એણે જણાવ્યું કે તમે એના સઘળા પ્રશ્નોના ઉત્તરો આપીને એની શંકાઓનું સમાધાન કરી દીધું.

પરંતુ મેં તો મારું મોઢું જ નથી ઉઘાડ્યું.  મહર્ષિએ ખુલાસો કર્યો.

આત્મવિકાસની ઉચ્ચોચ્ચ અવસ્થા પર પહોંચેલા મહાપુરૂષ મુખને ખોલ્યા વિના કેવળ મૌન દ્વારા અને શાંત શક્તિસંક્રમણની મદદથી બીજાને કેટલી બધી નક્કર ને સત્વર સહાયતા કરી શકે છે એની સમજ એ નાનાસરખા પ્રસંગ પરથી સારી પેઠે પડી શકે છે. એ સહાયતાના સૂક્ષ્મ મંગલમય માર્ગમાં દેશ, કાળ કે ભાષા કશું જ અંતરાયરૂપ નથી થતુ. એમાં તો આત્મા બધી જ જાતનાં બાહ્ય બંધનોને તોડી નાખીને આત્મા પાસે પહોંચી જાય છે ને ધારેલા કાર્યની સિદ્ધિ કરે છે.

પોતાને અકાળે પૂર્ણ, મુક્ત ને મહાન માની બેઠેલા સાધકો તથા સંતોએ આ પ્રસંગમાંથી ઘણું શીખવાનું છે ને જરૂરી બોધપાઠ લઈને મિથ્યાભિમાનને મૂકીને આત્મવિકાસને માર્ગે આગળ વધવાનુ છે.

 

(શ્રી યોગેશ્વરજી કૃત 'રમણ મહર્ષિ : જીવન અને કાર્ય'માંથી)

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer