Shri Yogeshwarji's biography in Gujarati on

રમણ મહર્ષિ

Bhagavan Ramana Maharshi : Life and works

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 
   
< BACK

ભગવાન રમણ મહર્ષિ

NEXT >

૧૧. મહર્ષિની નમ્રતા

 

મહર્ષિ એટલા બધા મહાન તથા શક્તિશાળી હતા ને ભક્તોની દૃષ્ટિએ અવતાર જેવા મનાતા તો પણ બાળક જેવા નિર્દોષ ને નમ્ર હતા એમનામાં અહંકાર કે આડંબર નહોતો દેખાતો. કેટલાક લોકો અમુક પ્રકારની સિદ્ધાવસ્થાએ પહોંચ્યા પછી સ્વૈરવિહારનું લાયસન્સ મળી ગયું માને છે ને સમજે છે કે હવે આપણે જેમ ફાવે તેમ વર્તી શકીએ : આપણને હવે કોઈ યે જાતનું બંધન નથી રહ્યું. પરંતુ મહર્ષિ એવા અંધ સ્વૈરવિહારમાં નહોતા માનતા. એમનો સ્વભાવ શરૂઆતથી માંડીને છેવટ સુધી પવિત્ર ને પારદર્શક રહ્યો.

એ કોઈ પ્રકારની પૂજામાં રસ ના લેતા. લોકો એમના શરીરને કે ચરણને સ્પર્શ કરતા તો એથી પણ એ પ્રસન્ન ના થતા. કેટલાય ભાવિક લોકો એમના ચરણ પર મસ્તક મૂકવા અને એમને માળાઓ પહેરાવવા માગતા. કેટલાક તો મહર્ષિ એમની અંગત મિલકત હોય તેમ એમના પર સર્વાધિકાર સ્થાપિત કરવા અને એમને એમની ઈચ્છાનુસાર ચલાવવા માગતા. એ મહર્ષિની અનુકૂળતા અથવા અભિરુચિનો વિચાર એટલો ના કરતા. પરંતુ મહર્ષિ પોતાની પદ્ધતિને પકડી રાખતા અથવા એના પાલનમાં સદા મક્કમ રહેતા. એથી કેટલાક અજ્ઞ માણસોને ખોટું પણ લાગતું. ધર્મ ને સંતસેવાને નામે સમાજમાં પ્રવર્તતી મિથ્યા ધારણાઓ તથા પરંપરાઓને એ કદી પણ ના પોષતા એ તો ખરું જ, પરંતુ એથી આગળ વધીને એમનો મક્કમ વિરોધ પણ કરતા રહેતા.

કેટલાક લોકો ગુરૂ કે સંતના ચરણપ્રક્ષાલનના પાણીને પવિત્ર ને પુણ્યપ્રદાયક માનીને એનું આચમન કરે છે તો બીજા કેટલાક એમના ખાધેલા અન્નને મહાપ્રસાદ સમજીને ગ્રહણ કરવાનો આગ્રહ સેવે છે. મહર્ષિના સમયમાં પણ એવા શ્રદ્ધાળુ લોકો ન હતા એમ નહિ. એમના સંસર્ગમાં આવનારા કેટલાક લોકો એવી પ્રથાઓના પાલનનો આગ્રહ રાખતા. એમના પ્રત્યેની એમની પ્રતિક્રિયા જાણવા જેવી હતી. કેટલીક વૃદ્ધાઓ એમના સ્નાન કર્યા પછીના પાણીનું આચમન લેવા સ્નાનાગારની બહાર પ્રતીક્ષા કરતી, તો કેટલીક પર્વત પરથી એ પરિભ્રમણ કરીને પાછા ફરતા ત્યારે એમના પાદપ્રક્ષાલનના પૃથ્વી પર પડેલા પાણીની અંજલિ લઈને કૃતાર્થ થવાની કોશિષ કરતી. કેટલાક એમણે ભોજન માટે વાપરેલા પતરાળામાંથી પ્રસાદ લેવા માટે આતુર રહેતા અને એવી પ્રસાદપ્રાપ્તિમાં સૌભાગ્ય સમજતા.

મહર્ષિ એવાં સ્ત્રીપુરૂષોને જરા પણ ઉત્સાહિત ના કરતા. એમના તરફથી એમને કોઈ પણ પ્રકારનું ઉત્તેજન ના મળતું. આશ્રમમાં ભોજન કર્યા પછી બધા પોતપોતાના પતરાળાને પોતાની મેળે જ ઉપાડી લેતા. ફક્ત મહર્ષિનું પતરાળું નોકર દ્વારા ઉપાડવામાં આવતું. એ પતરાળું નોકર કે પરિચારક દ્વારા બરાબર ઉપાડીને ફેંકી દેવામાં આવે ને કોઈનાય હાથમાં ના જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવતું. કેટલીકવાર મહર્ષિની જાણ બહાર એ પતરાળાનો પરિચારક દ્વારા પોતાના ભોજન માટે ઉપયોગ કરવામાં આવતો પણ એવો ઉપયોગ અપવાદરૂપે જ થયા કરતો. લાગતાવળગતા પરિચારકને એ ઉપયોગ મહર્ષિથી છુપાવીને જ કરવો પડતો.

એકવાર મહર્ષિએ ભોજન કરતી વખતે એક નાની છોકરીને એમનું રસપૂર્વક નિરીક્ષણ કરતી જોઈ. એની સાથે એનાં માતાપિતા પણ હતા. મહર્ષિના પૂછવાથી એમણે સ્પષ્ટીકરણ કર્યું કે છોકરી એ ભોજન પૂરું કરી લે તેની પ્રતીક્ષામાં છે કારણ કે એમણે ઉપયોગમાં લીધેલા પતરાળામાં ભોજન કરવાની એની અભિલાષા છે.

મહર્ષિને એ ખુલાસો જરા પણ પસંદ ના પડ્યો. એથી એ રોષ વ્યક્ત કરવા લાગ્યા. એમણે એ ઘટના સાથે સંકળાયેલા સૌને દંડ દેવાનો વિચાર કર્યો ને જણાવ્યું કે આજથી રોજ ભોજન કર્યા પછી મારા પતરાળાને હું મારી મેળે જ નાખી દઈશ, જેથી કોઈના હાથમાં એ આવે જ નહિ ને કોઈ એને પવિત્ર માનીને એનો ઉપયોગ જ ના કરી શકે.

ભક્તો એ નિર્ણય સાંભળીને દુઃખી થયા. ખાસ તો એટલા માટે કે મહર્ષિને સંધિવા હોવાથી ભોજનાલયની બહારનાં પગથિયાં પરથી લાકડીના ટેકા વગર પસાર થવાનું એમને માટે મુશ્કેલ હતું, અને બંને હાથમાં પતરાળું પકડીને ચાલતી વખતે લાકડી સાથે ચાલવાનું જરા પણ શક્ય ન હતું. એમણે એમને સમજાવવાનો બનતો બધો જ પ્રયાસ કરી જોયો પરંતુ એ ના સમજ્યા. એમનો નિર્ણય અફર રહ્યો. એથી એમની ચિંતા વધી ગઈ.

બધાએ વિચાર્યું કે આ પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી કોઈ પ્રકારે રસ્તો કાઢવો જોઈએ. પરંતુ રસ્તો કેવી રીતે કાઢવો તેની સમજ એમને ના પડી. આખરે એક સ્ત્રીભક્તે પ્રસ્તાવ મૂક્યો કે મહર્ષિના પતરાળાનું ધ્યાન પોતે જ રાખશે અને એનો નિકાલ એવી રીતે કરશે કે એ કોઈના હાથમાં આવશે જ નહિ. શરૂઆતમાં તો મહર્ષિએ એ પ્રસ્તાવને માન્ય ના રાખ્યો; કારણ કે એમના સંબંધમાં આવો અપવાદરૂપ વ્યવહાર કરવામાં આવે એ એમને પસંદ ના પડ્યું, પરંતુ પાછળથી બીજો વચગાળાનો રસ્તો કાઢવામાં આવ્યો.

પછી તો એવી પ્રથાનો પ્રારંભ કરવામાં આવ્યો કે ભોજન ખંડમાં જમનારા બધાએ પોતાનાં પતરાળાં મૂકી રાખવાં. એમનો નિકાલ કરવાની જવાબદારી એ સ્ત્રીભક્તે ઉપાડી લીધી. થોડા વખત સુધી તો એ પ્રથા ચાલી પણ ખરી, પરંતુ પાછળથી પતરાળાનો નિકાલ કરવાનું મહત્વનું કામ એ સ્ત્રીભક્તને બદલે આશ્રમના સેવકે ઉપાડી લીધું. એ પ્રથા અનુકૂળ થઈ પડી, ચાલુ રહી અને આજ સુધી ચાલુ છે.

* * *          * * *          * * *          * * *

મહર્ષિ પોતાને માટે કોઈપણ પ્રકારનો પક્ષપાત બતાવવામાં આવે તો તેનો મક્કમ રીતે વિરોધ કરતા. એ ભોજનાલયમાં સૌની સાથે જ જમવા બેસતા. જે સૌને પીરસાતું એ એમને પણ પીરસવામાં આવતું. એ સંબંધી કોઈ વિશેષ છૂટછાટ લેવાનું એમને બિલકુલ પસંદ ના પડતું. એ કહેતા કે આશ્રમ પર મારો કોઈ પ્રકારનો અધિકાર નથી એટલે મારે માટે ખાનપાનની વિશેષ વ્યવસ્થા ના કરવી જોઈએ. એમને માટે કોઈ ખાસ ખાદ્યપદાર્થ લાવવામાં આવતો તો એ જણાવતા કે મારે માટે એ ઉપયોગી હશે તો બીજાને માટે પણ એટલો જ ઉપયોગી હશે, માટે એ બધાને વહેંચી દો : હું એકલપેટાવૃત્તિથી એનો ઉપયોગ કદાપિ નહિ કરી શકું. એમને કોઈ પણ વસ્તુની મમતા અથવા આસક્તિ ન હતી.

એમનું જીવન એકદમ સાદું, સરળ અને આડંબરથી રહિત હતું. એ પોતાની મહત્તાને બતાવવાનું કદી પણ પસંદ ના કરતા. સ્વભાવથી જ એ પરમ દયાળુ, કૃપાળુ ને નિઃસ્વાર્થ હતા, અને એટલા માટે તો બીજાના મંગલ મહાન કાર્યમાં તત્પર  બનેલા. પોતાના જાજ્વલ્યમાન જીવનમાં પ્રાપ્ત કરેલી કે પકાવેલી આત્મવિકાસની સામગ્રીને પોતાની જ સુખશાંતિ માટે વાપરવાને બદલે બીજાને માટે વાપરવા તૈયાર થયેલા. સમાજ પાસેથી શરીરધારણ પૂરતું ઓછામાં ઓછું લઈને બદલામાં વધારેમાં વધારે આપવાની એમની તૈયારી હતી. એ સાચા અર્થમાં સ્થિતપ્રજ્ઞ હતા. એમના સ્વભાવ પ્રમાણે સૌની સાથે જમીન પર બેસવાનું એમને પસંદ પડતું તો પણ ભક્તો તથા દર્શનાર્થીઓની સગવડનો ખ્યાલ રાખીને એ કોચનો ઉપયોગ કરતા. વરસો સુધી એ કોચ જ એમના ઘરના નાનકડા ખંડ જેવો બની ગયેલો.

 

(શ્રી યોગેશ્વરજી કૃત 'રમણ મહર્ષિ : જીવન અને કાર્ય'માંથી)

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer