Shri Yogeshwarji's biography in Gujarati on

રમણ મહર્ષિ

Bhagavan Ramana Maharshi : Life and works

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 
   
< BACK

ભગવાન રમણ મહર્ષિ

NEXT >

૧૨. આહારવિહાર વિશે

 

કેટલાક સંતો પોતાના શિષ્યો ને સાધકો ગમે તેવો આહાર કરે તેને ચલાવી લે છે ને કહે છે કે આહારવિહારનું મહત્વ આત્મસાક્ષાત્કારની સાધનામાં કશું નથી. મુખ્ય મહત્વ મનનું છે. તેનું ધ્યાન રાખો એટલે થયું. પછી ગમે તેવો આહારવિહાર કરશો તો પણ સાધનામાં કે એની સિદ્ધિમાં કશી હરકત નહિ આવે.

કોઈ કોઈ સંતો તો માંસાહારનું ખુલ્લી રીતે કોઈ પણ પ્રકારના સંકોચ સિવાય સમર્થન કરે છે ને પોતે પણ એનો આધાર લેતા હોય છે. સાધનામાં મુખ્ય મહત્વ મનનું હોય છે એ સાચું છે, પરંતુ આહારવિહારનો પ્રભાવ મન પર પડે છે એ પણ એટલું જ સાચું હોવાથી એની ઉપેક્ષા સાધક તથા સામાન્ય મનુષ્યો સારુ આત્મઘાતક નીવડવાનો સંભવ છે. આહારવિહારનું સ્થાન આધ્યાત્મિક જીવનમાં અને સાધનામાં ખૂબ ખૂબ મહત્વનું અને ચિરસ્થાયી અસર કરનારું હોવાથી ભારતના પ્રાતઃસ્મરણીય મહાપુરૂષોએ એની પ્રત્યે આંખમીંચામણા ના કરવાનો ને એનું પર્યાપ્ત ધ્યાન રાખવાનો આદેશ આપ્યો છે. ભારતના તાજેતરમાં થયેલા સુપ્રસિદ્ધ સર્વોત્તમ સંતપુરૂષો શ્રી રામકૃષ્ણ પરમહંસદેવ, મહર્ષિ દયાનંદ, સ્વામી રામતીર્થ, યોગી અરવિંદ તથા મહાત્મા ગાંધીજી આહારવિહારનું ધ્યાન રાખવામાં માનતા. ધ્યાન રાખતા ને શુદ્ધ શાકાહારી હતા. એમની પરંપરાને પ્રકાશિત કરનારા ને શોભાવનારા શ્રી રમણ મહર્ષિના વિચારો એ વિશે કેવા હતા તે જાણવાની ઈચ્છા સૌ કોઈને થઈ આવે એ સ્વાભાવિક છે.

વ્યક્તિગત રીતે જોતાં મહર્ષિ શુદ્ધ શાકાહારી હતા. દક્ષિણ ભારતના કર્મકાંડયુક્ત વિશુદ્ધ વાતાવરણમાં બ્રાહ્મણ કુળમાં જન્મ થવાથી આહાર અને વિહારની જે વિશુદ્ધિ એમને વારસામાં મળેલી એ એમના સુદીર્ઘ જીવન દરમિયાન આરંભથી માંડીને અંત સુધી ચાલું રહી. એમનો આહારવિહાર શુદ્ધ, સાત્વિક અને સાદો હતો. પોતાના સાધનાકાળ દરમિયાન વચ્ચે કેટલોક વખત તો એ દૂધ તથા મંદિરના મહાપ્રસાદરૂપ ફળ પર જ રહેલા. એમના આશ્રમમાં શુદ્ધ શાકાહારી ભોજનસામગ્રી જ પૂરી પાડવામાં આવતી અને એમાં કોઈયે કારણે કોઈ પણ પ્રસિદ્ધ અથવા અપ્રસિદ્ધ, દેશી કે પરદેશી પ્રવાસી, દર્શનાર્થી અથવા સ્થાયી નિવાસીને માટે કોઈ પણ પ્રકારનો અપવાદ ના રખાતો. ભોજનાલયમાં ભોજન કરનારા સૌ કોઈને કોઈ પણ જાતના ભેદભાવ વગર એક જ જાતનું ભોજન આપવામાં આવતું ને મહર્ષિ પોતે પણ સૌની સાથે બેસીને સૌના જેવું જ જમતા દેખાતા. એ સંબંધમાં એમના વિચારો છેક જ સીધા, સચોટ ને સ્પષ્ટ હતા.

એ કહેતા કે સાધકનો ખોરાક સાત્વિક હોવો જોઈએ. સાત્વિક આહારનું સેવન કરવાની સાથે સાથે સત્સંગનો પ્રેમ જગાવવાનું ને વધારવાનું સાધકને માટે અનિવાર્ય છે એવી એમની માન્યતા હતી અને એ માન્યતાનો પડઘો એમના ઉદ્ ગારોમાં પ્રસંગોપાત્ત પડતો રહેતો. આશ્રમમાં અપાતો ખોરાક શાકાહારી હોવા છતાં દક્ષિણ ભારતની પરંપરા પ્રમાણે રહેતો. એમાં મરચાંનો અને આમલીનો ઉપયોગ સારા પ્રમાણમાં કરવામાં આવતો. એવા તીખા તમતમતા ખોરાકથી ના ટેવાયેલા હોય તેમને માટે આરંભમાં એ અરુચિકર પણ થઈ પડતો, પરંતુ ધીમે ધીમે એ એનાથી ટેવાઈ જતા. મહર્ષિ તથા આશ્રમના સંચાલકો ને સેવકો દક્ષિણ ભારતીય હોવાથી એવા ખોરાકને પસંદ કરે અથવા પ્રિય માને એ સ્વાભાવિક હતું.

મહર્ષિ આહારની બાબતમાં બીજાની ઉપર પોતાના વિચારોને લાદવામાં નહોતા માનતા તો પણ માંસાહારના વિરોધી હતા. સાધકોને માટે માંસાહાર વર્જ્ય છે એવું એ નિર્ભીક રાતે જાહેર કરતા. આશ્રમમાં કોઈને પણ માંસાહારની છૂટ ન હતી અથવા એની ઉપર પ્રતિબંધ હતો એવું કહીએ તો ચાલે. આશ્રમમાં રહેતા સાધુ અરૂણાચલના સંબંધમાં એકવાર કોઈએ એવી વાત ફેલાવી કે એ પોતાના રસોડામાં માંસ પકાવે છે. એ હકીકત તદ્દન ખોટી હતી, કારણ કે સાધુ અરૂણાચલ માંસાહારનો ત્યાગ કરી ચૂકેલા અને આશ્રમમાં મળતા ખોરાક કરતાં વધારે સારા સાત્વિક ખોરાકનો આધાર લેતા. મહર્ષિને કાને કોઈએ એ ખોટી અફવા પહોંચાડી તો એમણે તરત જ જણાવ્યું કે એવી વસ્તુને આપણે આશ્રમમાં કદી પણ નથી ઈચ્છતા. એના પરથી એમની આહાર વિષયક પવિત્ર દૃષ્ટિ કે વૃત્તિનો પરિચય મળે છે.

* * *          * * *          * * *          * * *

સાધકો તથા સાધુસંતોને માટે એ પવિત્ર વિચાર, ભાવ અને વ્યવહારની ભલામણ કરતા. આદર્શ અથવા પવિત્ર આચારવિચારવાળા સાધુપુરૂષો બીજાને માટે પ્રેરણાત્મક બને છે. અનુકરણીય ઠરે છે એવી એમની માન્યતા હતી. એમનું પોતાનું જીવન એવું પવિત્ર હોવાથી એવા જીવનને માટે એમનો સ્વાભાવિક રીતે જ પક્ષપાત અને આગ્રહ રહેતો. એ નીતિ કે સદાચાર વિષયક સીધા ઉપદેશો આપવાનું ભાગ્યે જ પસંદ કરતા. એવા સદુપદેશો એમના મુખમાંથી ક્વચિત જ નીકળ્યા હશે. પરંતુ એમનો જીવનવ્યવહાર એક આદર્શ ઉપદેશરૂપ હતો. એ નિરંતર બોલ્યા કરતો અને એની અસાધારણ અસર પણ ફેલાવતો. એમના સંસર્ગમાં  આવનારની ઉપર એની અસર અચૂક થતી.

સાધકોને એ સત્સંગનો આધાર લઈને સાધનાની રુચિ કેળવવાનું, પોતાની શક્તિનું માપ કાઢવાનું ને વિવેકપૂર્વક આગળ વધવાનું કહ્યા કરતા. સાધકોને માટે એ ગીતાના છઠ્ઠા અધ્યાયમાં સૂચવેલી આહારવિહારની મધ્યમ માર્ગની પદ્ધતિનું પ્રતિપાદન કરતા અને વધારે પડતા કષ્ટસહન તથા તપવ્રતથી દૂર રહેવાનો આદેશ આપતા. દીક્ષા લેવાની બાબતમાં અથવા જેને તેને ગુરૂ કરવાના વિષયમાં નિરર્થક ઉતાવળ ના કરવાની ને ક્ષણિક આવેગ, ઉશ્કેરાટ, પ્રભાવ કે રસવૃત્તિના શિકાર બનીને કોઈ અવિવેકી પગલું નહિ ભરવાની ખાસ સૂચના આપતા. જેને તેને ધનપ્રાપ્તિ અથવા અંગત પ્રતિષ્ઠા માટે દીક્ષા આપવાનો વ્યવસાય લઈ બેઠેલા અધકચરા, અવિવેકી, આડંબરી સંતો પણ એમને નહોતા પસંદ પડતા. એવા ધંધાર્થી સંતોથી ચેતવાનું ને દૂર રહેવાનું માર્ગદર્શન એ પ્રસંગોપાત્ત આપતા રહેતા.

એ સંબંધી એક પ્રસંગનો ઉલ્લેખ કરવા જેવો છે. એકવાર તિરુવણ્ણામલૈમાં એક સંન્યાસી આવ્યા. એ સંન્યાસી પોતાને આત્મિક વિકાસના માર્ગમાં ખૂબ જ આગળ વધેલા તથા સિદ્ધ કહેવડાવતા ને જેમની ઈચ્છા હોય તે સૌને દીક્ષા આપતા. એમની પાસે દીક્ષા લેવાની આકાંક્ષાથી અનેક માણસો એકઠા થતા. એમની યોગ્યતા કે અયોગ્યતાનો વિચાર કર્યા વિના એ સૌના ગુરૂ બનતા. તિરુવણ્ણામલૈ નગરમાં એને એની આસપાસના વિશાળ વિસ્તારમાં એ ખૂબ જ લોકપ્રિય બની ગયેલા. એ પ્રાણાયામની કોઈક ક્રિયા શીખવતા. તેમાં પણ શીખનારના અધિકાર અનાધિકારનો ખ્યાલ જરા પણ ના રાખતા હોવાથી એ ક્રિયાનો અભ્યાસ મોટા ભાગના માણસોને માટે નુકસાનકારક થઈ પડતો. એ ક્રિયાના સમ્યક્ અભ્યાસ માટે જે આવશ્યક નિયમોનું પાલન કરાવું જોઈએ તે પણ સૌ કોઈથી સ્વાભાવિક રીતે જ નહોતું કરાતું. એને લીધે કેટલાકનાં સ્વાસ્થ્ય કથળી ગયાં તો કેટલાક પોતાના ચિત્તતંત્ર પરનો કાબૂ ખોઈ બેસીને પાગલ જેવા બની બેઠા.

એ સંન્યાસીનું આકર્ષણ થોડા જ વખતમાં ઓસરી ગયું કારણ કે એ વિવેકયુક્ત ન હતું. એ સંન્યાસી શહેરમાં રહીને સૌને દીક્ષા આપવાનું ને પ્રણાયામ શીખવવાનું કામ કરી રહેલા અને એમની શિષ્યસંખ્યામાં દિનપ્રતિદિન વાયુવેગે વધારો થઈ રહેલો ત્યારે એમના બે શિષ્યોએ પોતાના ગુરૂના પ્રચાર માટે રમણાશ્રમની મુલાકાત લીધી. એ વખતે સાંજનો સમય થઈ ગયેલો છતાં પણ ભોજનવિધિને થોડીક વાર હતી.

એમણે મહર્ષિનાં દર્શનનો લાભ લીધા પછી એમને કેટલાક પ્રશ્નો પૂછ્યા.

મહર્ષિએ એ પ્રશ્નોના ઉત્તરો આપ્યા.

પરંતુ એ જિજ્ઞાસાવૃત્તિથી પ્રેરાઈને નહિ પણ નિરર્થક વાદવિવાદ કરવા, પોતાની બૌદ્ધિક પ્રતિભાનું પ્રદર્શન કરવા અને પોતાના મત કે પક્ષની પુષ્ટિ કરવા માટે જ આવેલા હોવાથી, એ ઉત્તરોને શાંતિપૂર્વક સારાસાર વૃત્તિથી પ્રેરાઈને સાંભળવાને બદલે એ ઉપરાઉપરી પ્રશ્નો પૂછતા જ રહ્યા. એમણે પોતાની ને પોતાના સદ્ ગુરૂની શ્રેષ્ઠતા અથવા સર્વોત્તમતા સાબિત કરવા માટે મહર્ષિની ભૂલો કાઢવા માંડી.

એમના એવા વિરોધી વર્તન છતાં મહર્ષિ ધીરજપૂર્વક ઉત્તરો આપતા ખૂબ જ શાંત રહ્યા. એમના દૃષ્ટિદોષને દૂર કરવાનો પુરૂષાર્થ એમણે શુભાશયથી પ્રેરાઈને ચાલુ રાખ્યો.

પરંતુ એમના શુભાશયપૂર્વકના પુરૂષાર્થનું કશું પરિણામ ના આવ્યું.

પેલા મુલાકાતીઓ એમનું અપમાન કરવા માટે કૃતનિશ્ચય હોય તેમ ભાતભાતના પ્રલાપો કરવા લાગ્યા એટલે મહર્ષિએ પોતાની અત્યાર સુધીની પદ્ધતિને બદલીને એમની સાથે થોડીક સખતાઈથી વાત કરવા માંડી. તો પણ એમણે એમની નીતિરીતિ ના બદલી ત્યારે મહર્ષિની અનુમતિ મેળવીને એમને હૉલની બહાર કાઢવામાં આવ્યા.

હૉલની બહાર જઈને પણ એમણે પોતાનું વર્તન ના બદલ્યું ત્યારે એમને આશ્રમની બહાર જવાનું ફરમાવવામાં આવ્યું. એ ફરમાનનો અનાદર કરવા તૈયાર થતાં એમને આશ્રમની બહાર જવા માટે બાધ્ય કરવામાં આવ્યા.

એ વખતે આશ્રમનું વાતાવરણ ઉત્તેજનાપૂર્ણ બની ગયેલું. સૌ રોષે ભરાયલા. મહર્ષિ પણ ઉપરથી જોતાં થોડાક સખત દેખાવા લાગ્યા પરંતુ એમના મનને એની અસર ના થઈ. એ એથી એકદમ અલિપ્ત ને શાંત રહ્યા. પોતાના મન અને આત્મા પર વિજય મેળવનારા એમના જેવા લોકોત્તર મહાપુરૂષને માટે એવી અલિપ્ત ને શાંત અવસ્થા લેશ પણ આશ્ચર્યકારક નહોતી. પેલા મુલાકાતીઓના વિદાય થયા પછી એમણે કહ્યું કે એ લોકો અહીં અપાતા ઉપદેશ અથવા માર્ગદર્શનની ઠેકડી ઉડાવવા આવેલા.

એ મુલાકાતીઓ હૉલ છોડીને બહાર ગયા એટલે મહર્ષિનું બહારનું કઠોર રૂપ પણ શાંત થઈ ગયું. એ લેશ પણ અસ્વસ્થ નથી થયા એ સાફ દેખાઈ આવ્યું. એ વખતે કોઈક જિજ્ઞાસુએ હૉલમાં આવીને કોઈક પ્રશ્ન પૂછ્યો. એમણે એનો શાંતિપૂર્વક ઉત્તર આપ્યો. એના પરથી પ્રતીત થયું કે પેલા ક્ષુબ્ધાતિક્ષુબ્ધ કરનારા પ્રસંગનો પ્રભાવ એમના પર જરા પણ નથી પડ્યો. એમનું મન નિરંતર સત્યરૂપી પરમાત્મામાં જોડાયલું હતું એથી જ એમની એવી શાંત અવસ્થા શક્ય બનેલી.

મહર્ષિએ એકવાર કહેલું :

માણસો સાધનાની સરળ, સીધી ને સચોટ વાતોને પસંદ નથી કરતા. એમને કશુંક આકર્ષક, રહસ્યમય તથા ચમત્કૃતિજનક જોઈએ છે. એટલા માટે તો આટલા બધા ધર્મ, સંપ્રદાય તથા પંથનો રાફડો ફાટ્યો છે.

એમનું એ કથન દુનિયાના મોટા ભાગના માનવોને માટે સાચું છે છતાં પણ સાચી હકીકત તો એ છે કે માનવનો અંતરાત્મા ધર્મ, સાધના કે આધ્યાત્મિકતાના મર્મને સીધીસાદી ભાષામાં સમજવા માગે છે, પરંતુ એને સીધી ને સરળ રીતે સમજાવવાને બદલે એના મનને મોટે ભાગે ગૂંચવી નાખવામાં આવે છે. એને લીધે મૂળ વાતને કે વિષયને ભૂલીને એ આડવાતમાં અટવાઈ જાય છે. તો પણ કેટલાક એવા આત્માઓ પણ છે, અને સર્વ સ્થળે સર્વ કાળમાં રહેવાના, જેમને સાધનાની સરળ સીધી સચોટ સારવાહી વાતો જ પ્રિય છે ને પ્રિય લાગવાની : પ્રભાવિત કરે છે ને કરવાની. મહર્ષિ જેવા લોકોત્તર મહાપુરૂષની આગળ આટલી મોટી સંખ્યામાં જે  જિજ્ઞાસુઓ આવતા ને સાધકો એકઠા થતા એના પરથી એને સમર્થન મળે છે.

 

(શ્રી યોગેશ્વરજી કૃત 'રમણ મહર્ષિ : જીવન અને કાર્ય'માંથી)

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer