Shri Yogeshwarji's biography in Gujarati on

રમણ મહર્ષિ

Bhagavan Ramana Maharshi : Life and works

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 
   
< BACK

ભગવાન રમણ મહર્ષિ

NEXT >

૧૩. વિશાળ દૃષ્ટિકોણ

 

મહર્ષિની સાધના વિષયક દૃષ્ટિ ખૂબ જ વિશાળ હતી. એમાં સંકીર્ણતાનો એકદમ અભાવ હતો. એ કહેતા કે સાધનાનું અંતિમ ધ્યેય એક જ હોવા છતાં, જુદા જુદા સાધકોની રુચિ અથવા મનોવૃત્તિ પ્રમાણે જુદા જુદા માર્ગોની આવશ્યકતા રહેવાની. કેટલાક સાધકો જ્ઞાનમાર્ગની, કેટલાક ભક્તિમાર્ગની, કેટલાક કર્મમાર્ગની તો બીજા કેટલાક યોગમાર્ગની અભિરુચિ સાથે આગળ વધવાના. એવી રીતે પોતપોતાની પસંદગીના માર્ગનો આધાર લઈને સૌ કોઈ સરળતાપૂર્વક આગળ વધે કે વિકાસ કરે એમાં કશું ખોટું પણ નથી. સંસારમાં સાધનોની વિવિધતા તો રહેવાની જ; ફક્ત એ સાધનો સાધનાના મૂળભૂત સાધ્ય તરફ લઈ જાય ને સાધકને પથભ્રાંત ના કરે એટલે થયું. મહર્ષિ કહેતા કે ઈશ્વરને જાણવાની જેમ જરૂર છે તેમ ઈશ્વરને જાણવા માટે એમને ભજવાની કે પ્રેમ કરવાની પણ જરૂર છે. વળી સાચા અર્થમાં ને સર્વભાવે ભજવા માટે જાણવાની આવશ્યકતા પણ રહે છે જ. એ રીતે જ્ઞાન અને ભક્તિ પરસ્પર વિરોધી નથી પરંતુ પૂરક અથવા એકમેક સાથે સંકળાયેલાં છે. એ બંનેને અલગ ના પાડી શકાય. જ્ઞાન અથવા ભક્તિને પર્યાપ્ત પોષણ આપવા અને કેટલાક બીજા પેટા હેતુઓની સિદ્ધિ માટે યોગના અભ્યાસની ને કર્મના અનુષ્ઠાનની આવશ્યકતા પણ રહેતી હોય છે. એથી પણ અનેક સાધકોને એમની મુખ્ય સાધનામાં મદદ મળે છે.

મહર્ષિ એવી વિશાળ દૃષ્ટિથી સંપન્ન હતા. એટલા માટે તો કશાનું ખંડન ના કરતાં. એમના આશ્રમમાં પણ વેદપાઠ થતો, જુદા જુદા કર્મકાંડમાં ને વિભિન્ન સાધનાપ્રણાલિમાં રસ લેનાર અભ્યાસશીલ સાધકો રહેતા, ધ્યાન ને આત્મવિચાર દ્વારા આત્માનું સંશોધન કરવામાં આવતું, ને ભક્તિભાવથી ભરપૂર ભાવિકો દ્વારા માતૃભૂતેશ્વર મંદિરમાં અને અન્યત્ર સેવાપૂજા અથવા આરાધનાનો આધાર લેવાતો. ક્ષુધાર્તો ને ગરીબોને જુદી જુદી રીતે સેવા તે હમેશાં થતી જ; પરંતુ મહર્ષિ પોતે સાધકની અભિરુચિ અને આવશ્યક્તાને લક્ષમાં લઈને એને મદદરૂપ થવા માટે યોગમાર્ગનો ઉપદેશ આપતા એ હકીકતથી સુપરિચિત સાધકો, પ્રશંસકો ને ભક્તો બહુ ઓછા હશે.

મહર્ષિનું શરીર જ્યારે એકદમ અસ્વસ્થ રહેતું ત્યારે એમના જીવનના અંતિમ દિવસો દરમિયાન એક સાધકે એમની મુલાકાત લીધેલી. એ વખતે એમની પાસે કેવળ પરિચારકો જ જઈ શકતા તો પણ એ સાધકનું આગમન ઉત્તર ભારતના દૂરના પ્રદેશમાંથી થયેલું હોવાથી એમને એ મહાપુરૂષની મુલાકાતની મંજૂરી મળી.

મહર્ષિએ એમની સાથે દુભાષિયાની મદદથી વાત કરી.

એ સાધકે એમને કહ્યું કે પોતાને યોગવિદ્યામાં રુચિ હોવાથી પોતે લાંબા વખતથી કુંડલિની યોગનો અભ્યાસ કરી રહ્યા છે. એ યોગાભ્યાસ દ્વારા પોતાને થોડી ઘણી સફળતા પણ મળી છે. એને લીધે કુંડલિની શક્તિ જાગ્રત થઈ છે ને પોતે એને અમુક ચક્ર સુધી લાવીને સ્થિર કરી શકે છે. પરંતુ એનો વિકાસમાર્ગ કાંઈ એટલેથી જ પૂરો નથી થતો. એ શક્તિને ઉપર ઉઠાવીને ઉત્તરોત્તર આગળ વધારતાં છેવટે સહસ્ત્રદલ ચક્ર અથવા તો બ્રહ્મરંધ સુધી પહોંચાડવી પડે છે. ત્યારે જ નિર્વિકલ્પ સમાધિની મદદથી સાધનાની સિદ્ધિ મળે છે. પરંતુ એ બધી માહિતી હોવા છતાં પોતાનો આગળનો અંતરંગ વિકાસ અટકી ગયો છે ને કુંડલિની શક્તિ ચિર સમયથી સત્યાગ્રહ કરવા બેઠી હોય તેમ આગળ જ નથી વધતી. એ સમસ્યાનો ઉકેલ ઉત્સાહપૂર્વકના લાંબા વખતના પરિશ્રમ પછી પણ નથી મળતો એટલે હૃદય ઊંડી નિરાશાનો અનુભવ કરી રહ્યું છે ને સમજાતું નથી કે મારે શું કરવું.

મહર્ષિ સાધકની શુભ ભાવનાને અને સમર્પણ વૃત્તિને સહેલાઈથી ઓળખી શક્યા. આમ તો એ મોટી સંખ્યાના સાધકોને સ્વરૂપના સાક્ષાત્કારનો જ આદેશ આપતા અને એ રાજમાર્ગને છોડીને બીજા આડાઅવળા કષ્ટસાધ્ય ભ્રાંતિજનક સાધનામાર્ગોનો આશ્રય ના લેવાનું જણાવતા, તો પણ એ સાધકને માટે કુંડલિની યોગનો અભ્યાસ અનિવાર્ય છે એ હકીકતને સમજતાં એમને જરા પણ વાર ના લાગી. એમણે સાધકને એ સાધનાની સૂક્ષ્માતિસૂક્ષ્મ સમજ પૂરી પાડી ને પોતાની વિલક્ષણ રીતે મદદ કરી. સાધકને નવા રસ તેમજ ઉત્સાહની પ્રાપ્તિ થઈ. નવજીવન મળ્યું. આજુબાજુ બધે જ જે ઘોર અંધકાર દેખાવા માંડેલો તેને ઠેકાણે પરમ પાવન પ્રકાશનું દર્શન થયું. અંતરનું અણુપરમાણુ અવનવીન આશાથી ભરાઈ રહ્યું. પોતાનો ફેરો પૂરેપૂરો સફળ થયો હોવાથી એ મહાપુરૂષની ભાવવિભોર હૈયે ભીની આંખે સંપૂર્ણ સંતોષાનુભવ સાથે વિદાય લઈને એ ચાલી નીકળ્યા.

મહર્ષિનું સમસ્ત જીવન––આરંભથી અંત સુધી એવું પરદુઃખભંજન, પરેપકારી, પ્રશાંતિદાયક અને પ્રકાશપ્રદાયક હતું. એ જીવનની વિશાળતાનું અને સેવાભાવનાનું આ તે એક નાનું સરખું ઉદાહરણ છે.

 

સાધનાનું સરવૈયું

મહર્ષિ વારંવાર સ્પષ્ટ કરતા કે વાસનાઓની નિવૃત્તિ વિના આત્મસાક્ષાત્કારની સાધનામાં સફળ નથી થઈ શકાતું. સાધકે બહાર દૃષ્ટિગોચર થતી ને મનમાં સુષુપ્તરૂપે રહેનારી વિભિન્ન પ્રકારની વાસનાઓને એમના મૂળ સાથે દૂર કરવી જોઈએ. ત્યારે જ આત્મસાક્ષાત્કારની સાધના સરળ બની શકે છે ને જીવન ધન્ય બને છે. આત્મસાક્ષાત્કારની અમૂલખ સાધનાના ક્રમ વિશે સાધકોના મનમાં પ્રશ્નો પેદા થતાં એમના પ્રત્યુત્તરરૂપે એ જણાવતા કે સૌથી પહેલાં તો સાક્ષાત્કાર કરવાની ઈચ્છાવાળા સાધકે લાંબા વખત લગી નિયમિત રીતે ઉત્સાહ, ધીરજ ને ખંતપૂર્વક ધ્યાન કરવું પડે છે. સાધનાનો એ પહેલો ક્રમ છે. એ ક્રમમાંથી ધીમે ધીમે પ્રગતિ કરતાં બીજા આગળના ક્રમમાં પ્રવેશ થાય છે ત્યારે સાધક એક પ્રકારની ભાવસમાધિ કે અતીન્દ્રિય દશામાં ડૂબીને દેહભાનને ભૂલવા માંડે છે. એ વખતે સાધકને અવર્ણનીય આનંદ થાય છે.

મહર્ષિની પાસે આવનારા ભક્તો ને સાધકોમાંના કેટલાક એવું પણ ઈચ્છતા કે એ એમના મસ્તક પર હાથ મૂકીને એમને આશીર્વાદ આપે ને સહજ શાંતિ તથા સમાધિની અલૌકિક અવસ્થાની અનુભૂતિ કરાવે. એમનામાંના કોઈ કોઈ મહર્ષિને એમના અદ્ ભુત અનુગ્રહને માટે પ્રાર્થતા પણ ખરા. પરંતુ મહર્ષિની મદદ કરવાની પદ્ધતિ પૃથક હોવાથી એવી પ્રાર્થનાના પ્રત્યુત્તરરૂપે એ શાંત રહેતા. બીજાના મસ્તક પર હાથ મૂકવાની પદ્ધતિ એમને પસંદ નહોતી પડતી. તો પણ અપવાદરૂપે એમણે એકવાર એક સંન્યાસીના મસ્તક પર હાથ મૂકીને આશીર્વાદ આપેલો. એ પ્રસંગ સાધુ અરૂણાચલે એમનાં સંસ્મરણોમાં નોંધેલો છે. એ લખે છે કે એક વાર રમણાશ્રમમાં મૈસુર રાજ્યના એક વયોવૃદ્ધ સંન્યાસી આવ્યા. એ એમના પૂર્વ જીવનમાં સ્ટેશનમાસ્તર હતા. એ આશ્રમમાં આવ્યા ત્યારથી જ કોણ જાણે કેમ પણ મહર્ષિ એમના પ્રત્યે વિશેષ પ્રેમભાવ અને સહાનુભૂતિ બતાવવા લાગ્યા. એમણે કદાચ એમના શુભ સંસ્કારોને અને એમની સુયોગ્યતા અથવા શક્યતાને પોતાની દૈવી દૃષ્ટિથી ઓળખી લીધી હશે, તો પણ આશ્રમવાસીઓને એમનો એ સંન્યાસી માટેનો ભાવ તેમજ વ્યવહાર વિલક્ષણ લાગ્યો. એના રહસ્યને એ ના સમજી શક્યા.

સંન્યાસી એમના મિત્ર સાથે આશ્રમની વિદાય લેવા તૈયાર થયા ત્યારે મહર્ષિનાં દર્શન માટે હૉલમાં આવી પહોંચ્યા. એ વખતે હૉલમાં બીજું કોઈયે ન હતું. મહર્ષિ મધ્યાહ્ન ભોજન પછી થોડુંક ફરીને હૉલમાં પાછા ફરેલા ને કોચ પર બેઠેલા. હૉલમાં સર્વત્ર શાંતિ હતી.

સંન્યાસીના મનમાં એ વખતે કોણ જાણે શું થયું કે એમણે નીચા નમીને મહર્ષિના ચરણે પ્રણામ કર્યા ને મહર્ષિને પ્રાર્થના કરી કે મારા મસ્તક પર તમે હાથ મૂકો એવી મારી ઈચ્છા છે.

મહર્ષિ થોડાક સમય સુધી તો એ શ્રદ્ધાભક્તિયુક્ત સંન્યાસી તરફ ભારે ભાવપૂર્વક જોઈ રહ્યા ને પછી એમની સદ્ ભાવનાને સંતોષવા માટે તૈયાર થયા. એ કાંઈ પણ બોલ્યા નહિ પરંતુ એ સંન્યાસી પર અનુગ્રહનો વરસાદ વરસાવતા હોય તેમ પોતાના બંને હાથ એમણે એ બડભાગી સરલ હૃદયના સંતના મસ્તક પર મૂકી દીધા.

એમનો એ અભિનય ખરેખર અપવાદરૂપ હતો.

એથી સંન્યાસીને અસીમ શાંતિ મળી.

થોડાક વખત પછી એમણે પોતાના હાથ લઈ લીધા એટલે એ ધન્ય થયેલા સંન્યાસી ભારે ભાવવિભોર હૈયે ઊભા થયા ને હૉલની બહાર નીકળ્યા.

પરંતુ એવા પ્રસંગોનું દર્શન વધારે નહોતું થતું. મહર્ષિ બાહ્ય સ્પર્શનો આધાર લીધા વિના જ એમનું ધારેલું કાર્ય કરતા રહેતા. એ ઉપરાંત એમના સદુપદેશ દ્વારા સાધકોને સાધનાનું અનુષ્ઠાન કરવા અને આગળ વધવા ઉત્સાહિત કરતા.

બીજા બધા જ સ્વાનુભવી સત્પુરૂષોની પેઠે મહર્ષિ મનના સંયમ તેમજ વિજય પર ભાર મૂક્તા ને કહેતા કે મન વાંદરા જેવું ચંચળ છે. એક ક્ષણને માટે પણ સ્થિર ને શાંત નથી રહેતું અને એના પર અધિકાર જમાવીને એને શાંત કરવાનું કામ તોફાની પવન પર અધિકાર જમાવવા જેટલું કઠિન છે. પવન પર કદાચ અધિકાર કરી શકાય તો પણ મન પર અધિકાર કરવામાં મુશ્કેલી પડે છે. છતાં પણ એવા વિચારો સેવીને હતાશ નથી થવાનું. એને વશ કરવાનો કાર્યક્રમ ઘડી કાઢવાનો છે. એને નવરું રાખવાને બદલે જીવનવિકાસ વિષયક રચનાત્મક અભ્યાસ કરવાની ટેવ પાડવાની છે.

* * *          * * *          * * *          * * *

પાપ અને પાપાચારી પ્રત્યેનો એમનો દૃષ્ટિકાણ કેવો હતો ? જે લોકો એમની પાસે પહોંચીને પોતાનાં પાપોની કબૂલાત કરવાની પ્રવૃત્તિ કરતા તેમને એ કદી પણ ને લેશ પણ ઉત્તેજન ના આપતા. એ કહેતા કે ભૂતકાળ અથવા ભૂતકર્મોની નિરર્થક ચિંતા કરવાને બદલે વર્તમાનનો વિચાર કરો. પોતાની ભૂલોનું વારંવાર પારાયણ કરવા કરતાં એમનું પુનરાવર્તન ના કરવાનો સંકલ્પ કરીને આગળ વધવાનો એ સદા સંદેશ આપતા. અપરાધોને જાણી લઈને એમને માટે આત્મા કે પરમાત્મા પાસે પશ્ચાત્તાપ કરાય અને એવા અપરાધોથી અલગ રહેવાય તેવી તૈયારીને પર્યાપ્ત ગણતા.

 

(શ્રી યોગેશ્વરજી કૃત 'રમણ મહર્ષિ : જીવન અને કાર્ય'માંથી)

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer