સંત અથવા
યોગીપુરૂષના શરીરમાંથી સુવાસ આવે છે ખરી
?
ખાસ કરીને હઠયોગનો સારી રીતે અભ્યાસ કરનારા સાધકો, સંતો તથા યોગીઓના શરીરની
નિર્મળતા વધે છે. એમની પ્રાણશક્તિ પણ પવિત્ર બને છે અને એમનામાંના કેટલાકના
શરીરમાંથી દિવ્ય ગંધ અથવા સુવાસ પેદા થાય છે. એ પ્રકારનું વિધાન હઠયોગનું
પ્રતિપાદન કે વર્ણન કરનારા ગ્રંથોમાં જોવા મળે છે. એ સુવાસથી સંપન્ન વિરલ
અપવાદરૂપ યોગી પણ કોઈ વાર જોવા મળતા હોય છે. મહર્ષિએ એમના વર્તમાન જીવનકાળ
દરમિયાન હઠયોગની સાધના નહોતી કરી. શરીરનું એમણે પૂરતું ધ્યાન રાખેલું એમ પણ
ના કહેવાય. શરીર પર લગાડવાના સુવાસિત પદાર્થોનો પ્રયોગ પણ એ નહોતા કરતા અને
સુગંધિત સાબુ પણ નહોતા વાપરતા. તો પણ એમના શરીરમાંથી એક પ્રકારની વિલક્ષણ
સુવાસ આવતી એ સાધારણ રીતે આશ્ચર્યકારક હતું. જો કે એમને એની કોઈ પ્રકારની
મમતા કે આસક્તિ નહોતી : એને લીધે એમની મહત્તા વધારે સિદ્ધ થતી એવું પણ નહોતું
: પરંતુ એ એક વાસ્તવિકતા હતી અને એટલા પૂરતો જ એનો અહીં ઉલ્લેખ કર્યો છે.
એ મહાપુરૂષ
સર્વ પ્રકારના અવિદ્યાજન્ય ગ્રહણથી મુક્ત હોવા છતાં પણ સૂર્ય ને ચંદ્રગ્રહણના
બહારના સામાજિક નિયમોને પાળવાનો કેટલેક અંશે આગ્રહ રાખતા. આશ્રમમાં ગ્રહણ પછી
જ ભોજન તૈયાર કરવામાં આવતું. સૂર્ય કે ચંદ્રગ્રહણના સમય દરમિયાન એ કદી પણ
જમતા નહિ અને કહેતા કે એ વખતે જમવાનું ઉચિત નથી કારણ કે ગ્રહણના પ્રભાવથી
પાચનશક્તિ પોતાનું કામ બરાબર નથી કરી શકતી. ગ્રહણ વખતે કેટલાક બીજા માણસોની
પેઠે પ્રારંભમાં ને પાછળથી સ્નાન ના કરતા.
એમને છીંકણી
સૂંઘવાની થોડાક સમય સુધી ટેવ પડેલી, પરંતુ પાછળથી ઈ.સ. ૧૯૩૫ પહેલાં જ એમણે એ
ટેવને છોડી દીધેલી.
ભોજન પછી
પાચનશક્તિની દૃષ્ટિએ ઉપયોગી લાગવાથી શરૂઆતમાં થોડાક વખત સુધી એ પાન ખાતા.
પર્વત પર ફરવા જતાં પહેલાં પણ એનો ઉપયોગ કરતા;
પરંતુ એમને એનું બંધન ન હતું. એમણે કરેલા એના ત્યાગ પરથી એ સહેલાઈથી સમજી
શકાય છે. એ ત્યાગ અત્યંત વિલક્ષણ રીતે થયેલો.
એક દિવસ
સવારે એ રોજના ક્રમને અનુસરીને ફરવા જવા તૈયાર થયા ને સેવક પાન લઈ આવે એની
રાહ જોવા માંડ્યા. રોજ તો ફરવા જવાનો વખત થતો એટલે એમની પાસે પાન રાખવામાં
આવતું, પરંતુ એ દિવસે કોણ જાણે શું થયું કે પાન આવ્યું જ નહિ ને સેવક પણ ના
આવ્યો. હૉલમાં બેઠેલા બધા ભક્તો એ જોઈને વિચારમાં પડ્યા. એમને પાન લઈ આવવાનું
મન તો થયું પણ એમની હિંમત ના ચાલી. કારણ કે મહર્ષિની સેવાનું કામ આશ્રમના
સંચાલકો તરફથી જેમને સોંપવામાં આવેલું તે જ કરી શકતા.
મહર્ષિએ
થોડાક વખત લગી રાહ જોઈ પરંતુ પછી વધારે રાહ જોવાનું માંડી વાળીને ચાલવા
માંડ્યું.
પાનની
પ્રતીક્ષાનો એ એમના જીવનનો છેલ્લો દિવસ પુરવાર થયો.
એ દિવસથી
એમણે પાન ખાવાનું સદાને માટે છોડી દીધું.
આશ્રમના
સંચાલકો ને ભક્તોને એથી દુઃખ થયું.
એમણે એમને
પ્રેમપૂર્વક પ્રાર્થના કરી પરંતુ એ પ્રાર્થના નિરર્થક ઠરી.
એ કોઈ પણ
પ્રકારનું બંધન નહોતા ઈચ્છતા, કોઈ પણ ટેવના ગુલામ બનવા નહોતા માગતા ને પોતાને
માટે કોઈને કશી તકલીફ વેઠવી પડે એવું નહોતા ચાહતા.
પાન ખાવાથી
એમને એમની અવસ્થામાં થોડીક રાહત રહેતી, પરંતુ એની પરવા પણ એમને ન હતી. એ
પ્રસંગોપાત્ત કહેતા કે શરીર પોતે જ એક ખરાબમાં ખરાબ બીમારી છે : એનું કેટલુંક
ધ્યાન રાખવું ?
એ નાનકડા
પ્રસંગ પરથી એમના અસાધારણ મનોબળનો અને એમની વીતરાગ વૃત્તિનો પરિચય મળે છે.
નિર્ભયતાની તાલીમ
આત્મવિકાસની
સાધનામાં નિર્ભયતાની આવશ્યકતા સૌથી વધારે હોય છે. સાધકે સર્વ પ્રકારના
નાનામોટા ભયોમાંથી મુક્તિ મેળવવી જોઈએ, અથવા તો અભયની મૂર્તિ બનવું જોઈએ.
બહારના બીજા ભયોમાંથી મુક્તિ મેળવનારા સાધકો કેટલીકવાર ખોટા માનસિક ભયથી
પીડાતા હોય છે. મહર્ષિ એવા બધા જ ભયનો ત્યાગ કરવાનો ઉપદેશ આપતા.
સાધનાના
ક્ષેત્રમાં આગળ વધતાં સાધક જ્યારે સૌથી પહેલાં ધ્યાનના અંતરંગ અભ્યાસના
પરિપાકરૂપે અતીન્દ્રિય પ્રદેશમાં પ્રવેશીને શરૂઆતની સમાધિ અવસ્થાનો અનુભવ
કરવા માંડે છે ત્યારે કોઈ કોઈવાર, કોઈક અપવાદરૂપ પ્રસંગમાં ભયભીત બને છે. એ
ભયનું કારણ માનસિક હોય છે.
ભયની એ
ભાવનાનો ઉલ્લેખ કરતાં સાધુ અરૂણાચલે લખ્યું છે :
‘ભગવાનની
સંનિધિમાં થોડાક મહિના સુધી ધ્યાન કર્યા પછી મારા જીવનમાં એક એવી અવસ્થા આવી
પહોંચી જ્યારે મને ભય લાગવા માંડ્યો. મેં ભગવાનને એ વિશે પૂછી જોયું. હૉલમાં
બેઠેલા કેટલાકે -ભગવાને
નહિ -
મને
જણાવ્યું કે એ ખોટું અને ખરાબ છે. સાચું કહું તો મારી મૂર્ખતાને જોઈને એ
હસ્યા પણ ખરા. ભગવાને એવું ના કર્યું. એમણે તો સ્પષ્ટીકરણ કર્યું કે ભયનો
અનુભવ અહંકારને થઈ રહ્યો છે અને એ પણ એટલા માટે કે એને લાગે છે કે પોતાની પકડ
ક્રમે ક્રમે મટવા માંડી છે. સાચું કહીએ તો એ મરવા માંડે છે માટે જ પ્રતિકાર
કરે છે. એમણે મને પૂછ્યું કે ભય કોને લાગે છે
?
શરીરને સ્વરૂપ અથવા આત્મા માનવાથી જ ભય લાગે છે. એ માન્યતા, વિચારધારા કે
ભાવનાથી અલગ થવાના અવારનવારના અનુભવને લીધે એ અવસ્થાથી સુપરિચિત થવાશે અને
ભયની નિવૃત્તિ સ્વાભાવિક થઈ રહેશે. ’
મહર્ષિની એ
પદ્ધતિ જ્ઞાનયુક્ત છે. પોતાના આત્મસ્વરૂપનો વિચાર કરવાથી અને એ સ્વરૂપનું
અનુસંધાન સાધવાથી સાધક ભય જ નહિ પણ કામક્રોધ, અહંતા ને મમતા જેવી વિપરીત
વૃત્તિઓના પ્રભાવમાંથી સહેલાઈથી મુક્તિ મેળવી શકે છે. ઉપનિષદ કહે છે કે
द्वितीयाद्वै भयं भवति ।
એટલે કે
પરમાત્માના વિસ્મરણને પરિણામે પોતાને એમનાથી અલગ માનવાથી ને પરમાત્મભાવમાંથી
વિચલિત બનવાથી જ ભય લાગે છે. જેની નિષ્ઠા પરમાત્મામાં છે, જેણે પરમાત્માની
પ્રેમભક્તિ અને શરણાગતિનો આધાર લીધો છે, ને જે પરમાત્માની સર્વશક્તિમત્તા
તેમજ
સર્વવ્યાપકતાનો અનુભવ કરે છે તેને ભય નથી સતાવતો, મોહ નથી થતો, ને કામક્રોધ
અથવા અહંકારનો પ્રભાવ પણ તેના પર નથી પડતો. એ
દૃષ્ટિએ
વિચારતાં સમસ્ત પ્રકારના દોષો
તેમજ
દુર્ગુણોથી બચવામાં જ્ઞાન અને ભક્તિની સાધના ઉપયોગી નીવડે છે. એ સાધનાનો
આશ્રય લેવાથી ઈશ્વરની મંગલમયતામાં વિશ્વાસ વધતો જાય છે, આત્મભાવ ઉત્તરોત્તર
દૃઢ
બનતો
જાય છે, ને બધી જાતના નાનામોટા અંતરાયો દૂર થાય છે.