Shri Yogeshwarji's biography in Gujarati on

રમણ મહર્ષિ

Bhagavan Ramana Maharshi : Life and works

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 
   
< BACK

ભગવાન રમણ મહર્ષિ

NEXT >

૧૯. ભક્તિ તથા જ્ઞાન

 

મહર્ષિની જીવનસાધનાનું અધ્યયન કરવાથી એ કોરા જ્ઞાની નહોતા અથવા શુષ્ક વાદવિવાદયુક્ત જ્ઞાનમાર્ગનું પ્રતિપાદન નહોતા કરતા એ હકીકત સહેલાઈથી સમજી શકાય છે. જ્ઞાન અને ભક્તિમાં એ કોઈ ભેદ નહોતા સમજતા ને માનતા કે બંને પરસ્પર પૂરક હોવાની સાથે બંનેનું ધ્યેય એક જ છે. બંને આત્મવિકાસના સાધકને માટે કલ્યાણકારક છે.

ભક્તિ જ્ઞાનની પરંપરાગત પ્રણાલિની પેઠે જડ ક્રિયા કે પરંપરા અથવા રૂઢિ બનવાને બદલે જીવનમાં ક્રાંતિ કરે ને આત્મોન્નતિની સાધનામાં પોષક બને એને માટે એ ખાસ ભાર મૂકતા ને સંદેશ આપતા. એ સંદેશનું દર્શન એમના વાર્તાલાપોમાં સહેલાઈથી થઈ રહે છે.

 

ભક્ત           : સર્વવ્યાપક ઈશ્વરનું દર્શન કેવી રીતે કરી શકાય ?

મહર્ષિ          : ઈશ્વરનું દર્શન કરવાનો અર્થ ઈશ્વર થવું એવો થાય છે. ઈશ્વરને વ્યાપક બનવા માટે એમનાથી અલગ કશું જ નથી.

ભક્ત           : ગીતાને અવારનવાર વાંચવી જોઈએ ?

મહર્ષિ          : જરૂર. હમેશાં.

ભક્ત           : જ્ઞાન તથા ભક્તિનો સંબંધ કેવો હોય છે ?

મહર્ષિ          : આત્માની સનાતન, અમર, અખંડ, સ્વાભાવિક નિષ્ઠાને જ્ઞાન કહેવામાં આવે છે. આત્માની એવી નિષ્ઠા અથવા સ્થિતિ માટે તમારે આત્મા પ્રત્યે પ્રેમ જગાવવો જોઈએ. ઈશ્વર અને આત્મામાં વસ્તુતઃ તફાવત નહિ હોવાથી, આત્માનો પ્રેમ ઈશ્વર પ્રત્યેનો જ પ્રેમ કહેવાય છે, અને એ ભક્તિ છે. જ્ઞાન તથા ભક્તિ એવી રીતે એક જ છે.

 

મહર્ષિનો એ પછીનો વાર્તાલાપ ભક્તિમાર્ગના સાધકોને માટે ખાસ ઉપયોગી છે. એ વાર્તાલાપમાં વ્યક્ત થયેલા વિચારોથી કેટલાય સાધકોની શંકાનું સમાધાન થશે.

 

ભક્ત           : એકાદ કલાક અથવા એથી વધારે વખત સુધી નામજપ કર્યા પછી મારું મન નિદ્રા જેવી સ્થિતિમાં સરકી પડે છે. જાગ્યા પછી ખબર પડે છે કે મારા જપ અટકી પડ્યા છે. એટલે ફરીથી જપ કરવા માંડું છું.

મહર્ષિ          : નિદ્રા જેવી સ્થિતિમાં એ સાચું છે. એ દશા સ્વાભાવિક છે. અત્યારે તમારી સાથે અહંભાવનો સંબંધ હોવાથી તમને એવું લાગે છે કે સ્વાભાવિક દશા તમારા કામમાં ભંગ પાડે છે. એટલે જ્યાં સુધી તમને તમારી સ્વાભાવિક દશાનો સ્વાનુભવ ના થાય ત્યાં સુધી તમારા એ અનુભવનું પુનરાવર્તન થયા કરવું જોઈએ. એ અવસ્થામાં જપ આપોઆપ જ ચાલુ રહેશે. જપ કરનાર મનને તમારું સ્વરૂપ સમજો છો તેથી એ મિથ્યા સંબંધને લીધે જ વર્તમાન સંશય પેદા થયો છે. જપ એટલે બીજા બધા જ વિચારોમાંથી મનને મુક્ત કરીને અથવા પાછું વાળીને એક વિચારમાં તલ્લીન કરી દેવું. એ જ એનું પ્રયોજન છે. એવા જપધ્યાન આત્મસાક્ષાત્કાર અથવા જ્ઞાનમાં પરિણમે છે.

ભક્ત           : નામજપ કેવી રીતે કરવા જોઈએ ?

મહર્ષિ          : સાધકે ઈશ્વરના નામનો આધાર ભક્તિભાવ વગર ના લેવો જોઈએ. એનો ઉપયોગ જડતાપૂર્વક, યાંત્રિક રીતે ઉપર ઉપરથી, કેવળ દંભ કે દેખાવની ભાવનાને પોષવા ખાતર ના કરવો જોઈએ. ઈશ્વરના નામજપ કરનારના હૃદયમાં એમને માટેની તીવ્ર લગન હોવી જોઈએ. એણે ઈશ્વરના ચરણોમાં પોતાનું સંપૂર્ણ સર્વસમર્પણ કરી દેવું જોઈએ. એવા સમર્પણ પછી જ નામ સદા સાધકની સાથે રહે છે અને એના વ્યક્તિત્વનું અખંડ અવિભાજ્ય અંગ બને છે.

ભક્ત           : એ સંજોગોમાં સંશોધન અથવા આત્મવિચારનો અવકાશ ક્યાં રહ્યો ?

મહર્ષિ          : સાચું સમર્પણ એટલે શું છે એની પૂરેપૂરી જાણકારી સમજપૂર્વક કરવામાં આવે છે ત્યારે જ સમર્પણ સાચા અર્થમાં શક્ય બને છે. એવી સમજ ફક્ત સંશોધન અને વિચારથી જ પેદા થાય છે અને અને આત્મસમર્પણમાં પર્યવસાન પામે છે. જ્ઞાનમાં અને ઈશ્વરને કરાતા સંપૂર્ણ સર્વસમર્પણમાં એટલે કે વિચાર, વાણી ને વર્તનમાં કશો જ ભેદ નથી હોતો. પૂર્ણતાને માટે શંકારહિત આત્મસમર્પણની આવશ્યકતા હોય છે. ભક્તે ભક્તિને ઈશ્વર સાથેનો સ્વાર્થયુક્ત વ્યવસાય ના માનવો જોઈએ અને ઈશ્વરની કૃપા લૌકિક લાલસાઓની પૂર્તિ માટે ના માગવી જોઈએ. એવું સુંદર સર્વોચ્ચ સમર્પણ પોતાની અંદર સર્વકાંઈને સમાવી લે છે : એ જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અથવા ઉપાસના તથા પ્રેમ સર્વ કાંઈ છે.

 

(શ્રી યોગેશ્વરજી કૃત 'રમણ મહર્ષિ : જીવન અને કાર્ય'માંથી)

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer