મન તથા
ઈન્દ્રિયોના સંયમ–નિયમનનું
મહત્વ મહર્ષિની સાધનામાં ઘણું મહત્વનું ને મોટું છે. માટે તો બીજા બધા જ
પ્રાતઃસ્મરણીય સ્વાનુભવસંપન્ન મહાત્મા પુરૂષોની પેઠે મહર્ષિ પણ મનોનિગ્રહ પર
ખાસ ભાર મૂકે છે ને મનની ઉપર અધિકાધિક કાબૂ કરવાની ભલામણ કરે છે.
એવા કાબૂ
માટે એ કોઈ કઠોર ક્રિયાઓ કે ઉગ્ર તપશ્ચર્યાની વિધિઓ નથી બતાવતા પરંતુ
આત્મવિચાર સાથે ધ્યાનનો અભ્યાસ કરવાનો આદેશ આપે છે. એમાં મદદ મળે તે માટે
મનની શુદ્ધિ અથવા સાત્વિકતાની સિદ્ધિનું ધ્યાન રાખવાની સૂચના આપે છે.
મનોનિગ્રહની એમની સાધના કોઈ જડ, સદ્
બુદ્ધિ વગરની, કેવળ બાહ્ય ક્રિયાકલાપો કે વ્રતો પર આધાર રાખનારી સાધના નથી
પરંતુ જીવનનું આમૂલ પરિવર્તન કરીને સ્વરૂપના સાક્ષાત્કારની પ્રેરણા પાનારી
સમજપૂર્વકની સાધના છે. એ દૃષ્ટિએ જોતાં એ અતિશય આશીર્વાદરૂપ અને અમૂલખ છે.
મનના સંયમ
સંબંધી એમને પુછાયેલા કેટલાક પ્રશ્નો અને એમના એમણે આપેલા ઉત્તરો એમની
દૃષ્ટિને સમજવામાં ઉપયોગી તથા બીજા સાધકોને કામના હોવાથી જોઈ જોઈએ :
પ્રશ્ન
: મનનો નિગ્રહ કેવી રીતે કરી શકાય
?
ઉત્તર
: આત્માનો સાક્ષાત્કાર થઈ ગયા પછી મનનો નિગ્રહ કરવાનો નથી રહેતો.
મનનો વિલય થાય છે એટલે આત્મા પ્રકાશી ઊઠે છે. સાક્ષાત્કાર કરી ચૂકેલા
મહાપુરૂષની અંદર મન ક્રિયાશીલ હોય કે ના હોય તો પણ કેવળ આત્માનું જ અસ્તિત્વ
રહેતું હોય છે, કારણ કે મન, શરીર અને સંસાર આત્માથી અલગ નથી અને આત્માથી અલગ
રહી શકે તેમ પણ નથી. એ આત્માથી જુદાં હોઈ શકે
?
આત્માને જો જાણતા હોઈએ તો આપણે એ પડછાયાઓની ચિંતા શા માટે કરવી જોઈએ
?
એ આત્માને કેવી રીતે અસર પહોંચાડી શકે
?
પ્રશ્ન
: મન જો માત્ર પડછાયો હોય તો આત્માને કેવી રીતે જાણી શકાય
?
મહર્ષિ
: આત્મા અથવા સ્વરૂપ હૃદય છે અને સ્વયંપ્રકાશિત છે. પ્રકાશ
હૃદયમાંથી પ્રકટ થઈને મસ્તકમાં પહોંચે છે. મનનું અધિષ્ઠાન એ જ છે. સંસારનું
દર્શન મનથી થતું હોય છે, તેથી આત્માના પ્રતિબિંબિત પ્રકાશથી મનનું દર્શન થાય
છે. સંસારનો અનુભવ મનની ક્રિયાથી જ થતો હોય છે. મન પ્રકાશિત થાય છે ત્યારે
સંસારનો અનુભવ કરે છે. જ્યારે પ્રકાશિત નથી બનતું ત્યારે સંસારનો અનુભવ નથી
કરતું. એ મન પ્રકાશના મૂળ ઉદ્
ભવસ્થાન તરફ વળે કે અંતર્મુખ બને છે ત્યારે બાહ્ય જ્ઞાનનો અંત આવે છે અને
હૃદયરૂપે એકલો આત્મા જ પ્રકાશી રહે છે.
સૂર્યના
પ્રકાશનું પ્રતિબિંબ પાડીને ચંદ્ર ચમકે છે. સૂર્ય અસ્ત થાય છે ત્યારે
પદાર્થોના અનુભવમાં ચંદ્ર ઉપયોગી થાય છે. સૂર્ય પ્રકાશે છે ત્યારે આકાશમાં
ચંદ્રની ઝાંખી થાય છે તો પણ ચંદ્રની જરૂર નથી પડતી. મન અને હૃદયના સંબંધમાં
પણ એવું જ સમજવાનું છે. મન પોતાના પ્રતિબિંબિત પ્રકાશથી ઉપયોગી થાય છે ને
પદાર્થોને જોવા કામ લાગે છે. એને અંતર્મુખ કરવામાં આવે છે ત્યારે એ
સ્વયંપ્રકાશિત પ્રકાશના મૂળ ઉદ્
ભવસ્થાનમાં મળી જાય છે. એ વખતે મન દિવસે દેખાતા ચંદ્રના જેવું હોય છે. અંધારુ
હોય છે ત્યારે પ્રકાશ પૂરો પાડનારા દીપકની જરૂર પડે છે. પરંતુ સૂર્યના ઉદય
પછી પદાર્થો દેખાવા લાગે છે. એટલે એની જરૂર નથી રહેતી. સૂર્યનાં દર્શન માટે
પણ કોઈને દીપકની જરૂર નથી પડતી : સ્વયં પ્રકાશિત સૂર્યની દિશામાં દૃષ્ટિપાત
કરો એટલું પૂરતું થઈ પડે છે. એવી રીતે મનનું પણ સમજી લેવાનું છે. પદાર્થોના
અનુભવ માટે મનથી પાછા વાળેલા પ્રકાશની આવશ્યકતા હોય છે. હૃદય અથવા સ્વરૂપનાં
દર્શન માટે મનને એ તરફ વાળવામાં આવે એટલું પૂરતું થઈ પડે છે. પછી મન ગૌણ બની
જાય છે, શાંત થાય છે, ને સ્વરૂપ પ્રકાશી રહે છે.
પ્રશ્ન
: ઑક્ટોબર મહિનામાં આ આશ્રમમાંથી વિદાય થયા પછી ભગવાનની સંનિધિમાં
અનુભવાતી આત્મજાગૃતિ મારા જીવનમાં લગભગ દસ દિવસ સુધી કાયમી રહી. એ દરમિયાન
કામ કરતો હોઉં ત્યારે પણ એકતાની અનુભૂતિની શાંતિનો આંતરપ્રવાહ મારા અંતરમાં
વહ્યા કરતો. પછી એ સંપૂર્ણ શાંત થયો, અને એને બદલે મને પહેલાંની ત્રુટિઓ ઘેરી
વળી. કામકાજને લીધે ધ્યાનને માટેનો સ્વતંત્ર સમય નથી મળતો. કામ કરતી વખતે
‘હું
છું’
એવું સતત સ્મરણ કરવાનું અથવા આત્મજાગૃતિને અકબંધ રાખવાનું શું પૂરતું છે
?
ઉત્તર
: (થોડીક વાર શાંત રહ્યા પછી) મનને જો બળવાન બનાવશો તો એ શાંતિનો
અનુભવ સઘળા સમયે થયા કરશે. એ શાંતિ કેટલા વખત લગી ટકશે એનો આધાર અવારનવારના
અભ્યાસ દ્વારા મેળવેલા મનોબળ પર રહેશે. એવા શક્તિશાળી મનમાં શાંતિનો પ્રવાહ
વહેતો રહેશે. પછી કામમાં મગ્ન હશો કે નહિ હો તો પણ એ પ્રવાહને કશી અસર નહિ
થાય ને હરકત નહિ આવે. કામ તમારી વચ્ચે નથી આવતું પરંતુ તમે કામ કરો છો એવો
અહંકારાત્મક વિચાર વચ્ચે આવતો હોય છે.
પ્રશ્ન
: મનને મજબૂત કરવા માટે અમુક ચોક્કસ ધ્યાન આવશ્યક હોય છે ખરું
?
ઉત્તર
: કામ તમારું નથી એ વિચારને સદાયે નજર સમક્ષ રાખી શકો તો એની
આવશ્યકતા નથી પડતી. પહેલાં એનું સ્મરણ કરાવવા માટે પ્રયત્ન કરવાની જરૂર રહે
છે પરંતુ પાછળથી એ સ્વાભાવિક તેમજ સતત બની જાય છે. કામ એની મેળે જ કરાતું જશે
અને તમારી શાંતિ અખંડ રહેશે.
ધ્યાન તમારો
સાચો સ્વભાવ છે. તમે અત્યારે એને ધ્યાનના નામથી ઓળખો છો કારણ કે બીજા વિચારો
તમારી વચ્ચે આવે છે. એ વિચારોનો અંત આવે છે ત્યારે તમે નિર્વિચાર બનીને
ધ્યાનની અવસ્થામાં એકલા રહો છો. એ જ તમારો સાચો સ્વભાવ છે અને બીજા વિચારોને
હઠાવીને એની પ્રાપ્તિ માટે જ તમે કોશિશ કરી રહ્યા છો. બીજા વિચારોને દૂર
કરવાની પ્રક્રિયાને અત્યારે ધ્યાનના નામથી ઓળખો છો પરંતુ સાધના પરિપક્વ બને
છે ત્યારે સાચો સ્વભાવ વાસ્તવિક ધ્યાનરૂપે પ્રત્યક્ષ થાય છે.
પ્રશ્ન
: ધ્યાનનો અભ્યાસ કરવામાં આવે છે ત્યારે બીજા વિચારો ખૂબ જ બળવાન
બનીને વેગથી પેદા થાય છે.
મહર્ષિ
: ધ્યાનમાં બધી જાતના વિચારો પેદા થાય છે એ સાચું છે. એ ઠીક પણ છે
કારણ કે તમારામાં જે કાંઈ છુપાયેલું છે તે બહાર આવે છે. એ બહાર ના આવે ત્યાં
સુધી એનો નાશ કેવી રીતે કરી શકાય ?
વિચારો જાણે કે પોતાની મેળે જ પેદા થાય છે પરંતુ થોડા જ વખતમાં પાછા શાંત થઈ
જાય ને મનને મજબૂત બનાવવા માટે જ ઉદભવે છે.
પ્રશ્ન
: બળવાખોર મનને નિરુપદ્રવી અને શાંત કેવી રીતે કરી શકાય
?
મહર્ષિ
: એનો લય કરવા માટે કાં તો એના મૂળ ઉદ્
ભવસ્થાનને પકડી પાડો કે પછી એની ઉપર વિજય મેળવવા તમારું સમર્પણ કરી દો.
આત્મસમર્પણ અને આત્મજ્ઞાન એક જ છે અને બંને આત્મસંયમના પર્યાય જેવા છે. પરમ
સત્તાનું જ્ઞાન થાય છે ત્યારે જ અહંભાવનો અંત આવે છે.