Shri Yogeshwarji's biography in Gujarati on

રમણ મહર્ષિ

Bhagavan Ramana Maharshi : Life and works

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 
   
< BACK

ભગવાન રમણ મહર્ષિ

NEXT >

૨૧. મહર્ષિનો પ્રભાવ

 

એમના પરમ પ્રેરક, કલ્યાણકારક, પ્રખર પ્રભાવના સંબંધમાં એક શ્રદ્ધાભક્તિસંપન્ન સંનિષ્ઠ શિષ્ય શ્રી આર્થર ઓસબર્ન એમના સુંદર પુસ્તકમાં લખે છે :

 ‘એમની ઉપસ્થિતિનો અનુભવ સર્વત્ર થઈ રહ્યો છે. એમની સમાધિ આગળ એ સશરીર હતા ત્યારના ક્રમ તેમજ ચોક્કસ સમય પ્રમાણે સવારે ને સાંજે વેદમંત્રોનું પારાયણ થયા કરે છે. ભક્તો ત્યાં ધ્યાનમાં બેસે છે ત્યારે એ જ શક્તિ, એ જ સૂક્ષ્મ પ્રેરક પથપ્રદર્શક બળ, જેની સંનિધિમાં તે પહેલાં બેસતા તે જ, તેમને દોરવણી આપે છે. વેદપારાયણ વખતે સમાધિની પૂજા કરવામાં આવે છે ને ભગવાનનાં એકસો આઠ નામનો પાઠ થાય છે. પરંતુ જૂના હોલમાં એમના લાંબા વખતના નિવાસના પરિણામરૂપે પેદા થયેલું એમના સાંનિધ્યનો સ્વાદ ચખાડતું એક જાતનું વધારે સુંદર સુસંવાદી વાતાવરણ જોવા મળે છે. મહાસમાધિના થોડાક મહિના પછી આગ લાગવાથી એ હોલને હાનિ પહોંચેલી, પરંતુ સદ્ ભાગ્યે એનો નાશ નહોતો થયો.

 ‘એમના અંતિમ દિવસો અને કલાકો જ્યાં પસાર થયેલા તે નાનો ખંડ પણ એવો જ વિદ્યમાન છે. એની દીવાલ પરનું મોટું ચિત્ર સજીવ લાગે છે ને ભક્તિભાવથી ભરપૂર બનાવે છે. એમાં કેટલાક એવા પદાર્થો રાખવામાં આવ્યા છે જેમનો ભગવાને સ્પર્શ કે ઉપયોગ કરેલો - એમનું જળપાત્ર, મોરપીંછવાળો પંખો અને એમનો નાનો સરખો ફરતો પુસ્તકસંગ્રહ. એમનો કોચ કાયમને માટે ખાલી પડ્યો છે. એ ખંડ એમના અનિર્વચનીય અનુગ્રહથી, અનંત આત્મિક સામર્થ્યથી, સંપન્ન લાગે છે.

 ‘નવા હોલમાં શ્રી ભગવાનની પ્રતિમા મૂકવામાં આવી છે. વીલમાં પ્રતિમાની પ્રતિષ્ઠાની અનુજ્ઞા આપવામાં આવેલી, પરંતુ આદર્શ બંધબેસતી પ્રતિમા તૈયાર કરી શકે તેવો શિલ્પી હજુ સુધી નથી મળ્યો. એ શિલ્પીએ ભગવાનથી અનુપ્રાણિત થઈને એમની અસાધારણતાનો અનુભવ કરીને કામ કરવું પડશે, કારણ કે એ પ્રશ્ન કેટલીક મનુષ્યોચિત વિશેષતાઓની અભિવ્યક્તિ કરવાનું જ નથી પરંતુ એમની અંદરથી પ્રકાશતા અલૌકિક સામર્થ્યને પ્રકટ કરવાનું છે.

 ‘એકલા આશ્રમના પ્રાંગણમાં જ નહિ પરંતુ આજુબાજુના બધા જ વાતાવરણમાં એમની આભા પ્રસરી રહી છે. ત્યાંની શાંતિ બધે ફરી વળે છે ને સૌને પ્રભાવિત કરે છે. એ શાંતિ જડ કે નિષ્ક્રિય નથી પરંતુ ધબકતી સજીવ શક્તિ છે. ત્યાંની હવામાં એમની હાજરીનો અનુભવ થાય છે.

 ‘એમની હાજરી કેવળ તિરુવણ્ણામલૈ પૂરતી સીમિત નથી લાગતી. એ કદી સીમિત હતી જ નહિ. ભક્તો જ્યાં હોય ત્યાં બધે જ, પહેલાં કરતાં પણ વધારે સજીવ ને શક્તિશાળી રીતે, એમની અંતરંગ હાજરીનો, કૃપાનો ને સહાયતાનો અનુભવ કરી શકે છે. અને એ બધું હોવા છતાં પણ, તિરુવણ્ણામલૈની મુલાકાતથી સાંપડતી સાંત્વના આત્માને ઊંડી અસર કરે છે અને આશ્રમના એ શાંત સ્થળનો નિવાસ અનિર્વચનીય આનંદ આપે છે ને લાભ પહોંચાડે છે.

 ‘જુદા જુદા જીવનમાં નવું પથપ્રદર્શન કરવા માટે પૃથ્વી પર પાછા આવવાની બાંયધરી આપનારા સંતો થયા છે, પરંતુ ભગવાન તો એવા પૂર્ણ જ્ઞાની હતા જેમની અંદર પુનર્જન્મનો નિર્દેશ કરનારા સૂક્ષ્મ અહંભાવનો સાધારણ અંશ પણ નહોતો રહ્યો. ભક્તોને એની ખબર હતી. એમની બાંયધરી જુદી હતી. હું વિદાય નથી થતો. હું ક્યાં જઈ શકું એમ છું ? હું અહીં જ છું. ભક્તોને એ શબ્દો કેટલા બધા સાચા છે એની ખાતરી કરતાં વાર ના લાગી. એ અવારનવાર આંતરગુરૂ તરીકે કામ કરી ચૂક્યા છે. એમનો આશ્રય લેનારને હવે વધારે સક્રિય તથા પ્રાણવાન રીતે એમના પથપ્રદર્શનની પ્રાપ્તિ થઈ રહી છે. એમના વિચારો એમની પ્રેરણાથી વધારે સારી ને સતત રીતે સભર બને છે. ધ્યાનથી ત્વરિત અનુગ્રહની વર્ષાનો લાભ મળે છે.

 ‘ડૉક્ટર ટી. એન. કૃષ્ણસ્વામી નામના એક ભક્ત ભગવાન સાથે કેવળ વ્યક્તિગત પ્રેમ અને ભક્તિભાવથી બંધાયેલા. એમણે મહાસમાધિ પછી શોકમાં ડૂબીને જણાવ્યું કે મારા જેવા માણસોને માટે સર્વ કાંઈ સમાપ્ત થઈ ગયું. થોડાક મહિના પછી તિરુવણ્ણામલૈની મુલાકાત લઈને પાછા ફરતી વખતે એમણે ઉદ્ ગાર કાઢ્યા કે પહેલાંના વખતમાં પણ ત્યાં આજના જેવી શાંતિ અને વિશેષતાનો અનુભવ નહોતો થતો. ભક્તોને ત્યાં તરત જ જવાબ મળે છે.

શ્રી ઓસબર્ને આપેલું બીજુ ઉદાહરણ ડૉકટર ડી. ડી. આચાર્યનું છે. એ ઉત્તર ભારતમાં ભારે સફળતાપૂર્વક કામ કર્યા પછી નિવૃત્ત થઈને, આત્મોન્નતિની અભીપ્સાથી પ્રેરાઈને દેશનાં જુદાં જુદાં સ્થળોમાં પર્યટન કરતા રમણાશ્રમમાં આવી પહોંચ્યા ને ત્યાં જ રહી ગયા. એ આશ્રમના ડૉકટરનું કામ કરવા લાગ્યા.

કેટલાક વખત પછી એમને જીવનમાં કશો મહત્વનો વિકાસ ના જણાવાથી નિરાશા થઈ, ઉદાસ ચિત્તે મહર્ષિની સમાધિ આગળ રડતાં રડતાં એમણે મૂક પ્રાર્થના કરી કે ભગવાન, તમારે મને શાંતિ નથી જ આપવી તો અહીં લાવ્યા જ શા માટે ? કૃપા કરીને મને વિના વિલંબ શાંતિ અવશ્ય આપો.

એ રાતે એમને સ્વપ્નમાં મહર્ષિ દેખાયા. એ કોચ પર બેઠેલા.

એ એમને પગે લાગ્યા. મહર્ષિએ એમના મસ્તક પર હાથ રાખીને એમની ચિંતાનું કારણ પૂછ્યું.

ડૉકટરની ચિંતાનું કારણ સાંભળીને એમણે કહ્યું :

 ‘તમારો વિકાસ નથી થતો એ વાત સાચી નથી. હું એને જાણું છું. તમે નથી જાણતા.

 ‘પરંતુ મારે અત્યારે જ, આ જ જીવનમાં સાક્ષાત્કાર કરવો છે ! હું શા માટે રાહ જોઉં ? એમાં શા માટે વિલંબ થવો જોઈએ ?’ ડૉકટરે ફરિયાદ કરી.

મહર્ષિએ સ્મિત સાથે જણાવ્યું : તમારું પ્રારબ્ધ એવું જ છે.

* * *          * * *          * * *          * * *

એવા અથવા એમને મળતા અનેકવિધ અનુભવો બીજા કેટલાયને થયા હશે, થતા હશે, ને થયા કરશે. એ મહાપુરૂષનો અસાધારણ પ્રભાવ એવી રીતે આજે પણ ચાલું છે ને અનંતકાળ સુધી ચાલુ રહેશે. એ પ્રભાવ નિત્ય નૂતન ને નિત્ય નવી અસામાન્ય શક્તિથી ભરેલો હશે.

મહર્ષિના આશ્રમની જગ્યાની માલિકી પોતાની છે એવું માનનારા એમના એક જુના ભક્તે આશ્રમ સામે એના કબજા માટે દાવો માંડેલો. વીસ વરસ પછી આશ્રમની તરફેઁણમાં એનો ચુકાદો આવ્યો એટલે મહર્ષિની અનુમતિથી આશ્રમના સંચાલકોએ એક વીલ તૈયાર કર્યું. સંચાલકોએ કહ્યું કે તમારી ઉપસ્થિતિમાં આવી હેરાનગતિ થાય છે તો અનુપસ્થિતિમાં શું નહિ થાય. ? એટલે મહર્ષિ માની ગયા. એમણે વીલના દસ્તાવેજ પર સહી કરી. એ વીલમાં જણાવ્યું કે આશ્રમને એક આધ્યાત્મિક કેન્દ્ર તરીકે જાળવી રાખવો. એને અનુસરીને એને આજે પણ જાળવવામાં આવે છે. એનો લાભ લઈને અનેક જિજ્ઞાસુઓ, ભક્તો ને સાધકો પ્રેરણા, પથપ્રદર્શન તથા શાંતિ પામે છે.

 

(શ્રી યોગેશ્વરજી કૃત 'રમણ મહર્ષિ : જીવન અને કાર્ય'માંથી)

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer