[૧]
કૃપાનું સ્થાન
આત્મવિકાસની
અસાધારણ, આશીર્વાદરૂપ, અમૂલખ સાધનામાં કૃપાના અનિવાર્ય મહત્વ ને સ્થાન વિશે
સંસારના મોટા ભાગના સંતો એકમત છે. સૌ કૃપાની પાછળ રહેલી ભાવનાનો સ્વીકાર કરે
છે ને માને છે કે પરમાત્માની કૃપા આત્મોન્નતિના મંગલમય માર્ગે સફળતાપૂર્વક
આગળ વધવા માગતા સાધકના જીવનમાં જરૂરી છે. સાધક પોતાની મેળે એકલે હાથે આગળ નથી
વધી શકે તેમ. પોતાની શક્તિ પર નિર્ભર સાધક કેટલીકવાર અહંકારમાં અટવાઈ જાય છે,
પોતાની અશક્તિનો અનુભવ કરે છે, ને પોતાના કરતાં વધારે મહાન કે શક્તિશાળી
સત્તાનું શરણ શોધે છે. એ શરણ ગુરૂનું હોય કે પરમાત્માનું, પરંતુ અમુક
અવસ્થામાં આવશ્યક બને છે. જ્ઞાન, ભક્તિ તથા યોગ ત્રણેમાં ઉપયોગી ઠરે છે. એ
શરણના પરિણામે પ્રાપ્ત થયેલી ગુરૂ અથવા પરમાત્માની પરમ કૃપાને લીધે સાધકનો
માર્ગ સરળ અને સફળ બને છે. એને લીધે આત્મજ્ઞાન, આત્મબળ, સિદ્ધિ, સાક્ષાત્કાર
તેમજ પરમ શાંતિની પ્રાપ્તિ થાય છે. એટલા માટે જ જુદાં જુદાં ધર્મશાસ્ત્રોમાં
પણ એની આવશ્યક્તાનું ને એના મહિમાનું જયગાન કરવામાં આવ્યું છે.
પરંતુ એ
બંને પ્રકારની કૃપાની સાથેસાથે આત્મકૃપાની પણ એવી જ આવશ્યકતા હોય છે ને
શાસ્ત્રો તથા સંતોએ એનો પણ સ્વીકાર કર્યો છે. પરમાત્માની કે ગુરૂની કૃપાની
પ્રાપ્તિ માટે સાધકે પોતાની જાતને તૈયાર પણ કરવી જોઈએ. એ જવાબદારીમાંથી સાધક
કદી પણ ના છટકી શકે. પોતાની વ્યક્તિગત તૈયારીની ઉપેક્ષા કરનારો સાધક
આત્મોન્નતિના મંગલમય માર્ગે ભાગ્યે જ આગળ વધી શકે.
સાધનામાં
કૃપાના મહત્વના સ્થાન વિશેની એ વિચારસરણી સાથે મહર્ષિ પણ સંમત હતા એવા નિર્ણય
પર પહોંચવામાં એમના વિવિધ વાર્તાલાપમાં વ્યક્ત થયેલા વિચારો મદદરૂપ થાય છે.
કૃપાના સિદ્ધાંતનો સ્વીકાર કરીને એ જણાવે છે કે પરમાત્માની કૃપા સાધક પર છે
જ. ફક્ત સાધકે એનો અનુભવ કરવા માટે પોતાનું આમૂલ દૃષ્ટિપરિવર્તન ને નિર્માણ
કરવું જોઈએ.
સ્વાનુભવસંપન્ન, સાક્ષાત્કારી, સફળ મનોરથ સંતપુરૂષોનું કહેવું છે કે આટલા બધા
સુંદર, સર્વોત્તમ, અનંત શક્યતાઓથી ભરેલા માનવશરીરની પ્રાપ્તિ એ પરમાત્માની
પરમ કૃપા જ છે. સદસદ્ વિવેકની જાગૃતિ અને આત્મવિકાસના મધ્યમ માર્ગે આગળ
વધવાની અભિલાષા પણ એ કૃપાના પરિણામ રૂપે જ પ્રકટ થાય છે. એ કૃપાની અધિકાધિક
અનુભૂતિ થતી જશે ને તેને મેળવવાના વધારે ને વધારે પ્રામાણિક પ્રયત્નો થશે તેમ
એનો વિસ્તાર વધતો જશે. પરમાત્મા પરિપૂર્ણ કૃપારૂપ હોવાથી એમની સાથે સંબંધ
બાંધવાથી અથવા એમની વધારે ને વધારે પાસે પહોંચવાથી એનો સ્વાદ સહજ બનશે ને
છેવટે પરિપૂર્ણ કૃપાના અનુભવથી જીવન સાર્થક થશે.
[૨]
આત્મશોધન
મહર્ષિ શુદ્ધ જ્ઞાનમાર્ગના ઉપાસક હોવાથી એ માર્ગની પરંપરાગત પદ્ધતિ પ્રમાણે
આત્મશોધન અથવા પોતાના સ્વરૂપના સંશોધન પર સવિશેષ ભાર મૂકે છે અને એના તરફ
અવારનવાર સાધકનું ધ્યાન દોરે છે. જીવનના સાધનાત્મક સંપૂર્ણ સાફલ્ય ને
સાર્થક્યનું એમનું સુમધુર ગૌરવગીત એ જ ધ્રુવપદની આસપાસ ફર્યા કરે છે ને
સાધકને સાચી શ્રેયસ્કર સાધનાનું સ્મરણ કરાવે છે.
એની
પ્રામાણિક પરિપૂર્ણ પુષ્ટિ માટે એમની સાથેની એક બીજી ટૂંકી મુલાકાતનો ઉલ્લેખ
કરી લઈએ.
જિજ્ઞાસુ
: આત્માનો
સાક્ષાત્કાર કેવી રીતે કરી શકાય ?
મહર્ષિ : કોના આત્માનો
? શોધી કાઢો.
જિજ્ઞાસુ : મારા આત્માનો. પરંતુ હું એટલે કોણ
?
મહર્ષિ
: તે તમારી મેળે જ શોધી કાઢો.
જિજ્ઞાસુ
: મને ખબર નથી કે કેવી રીતે શોધી કાઢું !
મહર્ષિ
: એનો બરાબર વિચાર કરી જુઓ.
‘હું
નથી જાણતો’
એવું કહેનાર કોણ છે ?
તમારા નિવેદનમાં ‘હું’
કોણ છે ?
શું નથી જાણી શકાતું ?
જિજ્ઞાસુ
: મારી અંદરનું કોઈક.
મહર્ષિ
: એ કોઈક કોણ છે ?
અને કોની અંદર છે ?
જિજ્ઞાસુ
: કદાચ કોઈ શક્તિ છે.
મહર્ષિ
: શોધી કાઢો.
જિજ્ઞાસુ
: મારો જન્મ શા માટે થયો ?
મહર્ષિ
: કોનો જન્મ થયો છે ?
તમારા સઘળા પ્રશ્નોના ઉત્તરો એક સરખા છે.
જિજ્ઞાસુ
: તો પછી હું કોણ છું ?
મહર્ષિ
: (સ્મિતપૂર્વક) તમે મારી પરીક્ષા કરવા આવ્યા છો
?
તમારે જ કહેવું જોઈએ કે તમે કોણ.
જિજ્ઞાસુ
: ગમે તેટલો પ્રયત્ન કરવા છતાં પણ મારાથી એ
‘હું’
ને નથી પકડી શકાતો. એ સ્પષ્ટ રીતે સમજી શકાય તેમ છે જ નહિ.
મહર્ષિ
: ‘હું’
ને સ્પષ્ટ રીતે નથી સમજી શકાય તેમ એવું કહેનાર કોણ છે
?
તમારી અંદર રહેનારા ‘હું’
બે છે કે એક તેને બીજાથી નથી સમજી શકાતો
?
જિજ્ઞાસુ
: ‘હું
કોણ છું ?’
એવો પ્રશ્ન પૂછવાને બદલે મારી જાતને એવું પૂછી શકું કે
‘તમે
કોણ છો ?’
એવું કરવાથી મારું મન હું તમને ગુરૂ રૂપે રહેલા ઈશ્વર માનતો હોવાથી, તમારામાં
સ્થિર થશે. ‘હું
કોણ છું ?’
એવો પ્રશ્ન પૂછવાને બદલે એવી જિજ્ઞાસાથી કદાચ મારી શોધના ધ્યેયની વધારે નજદીક
પહોંચી શકાશે.
મહર્ષિ
: તમે ગમે તે રીતે પ્રશ્ન પૂછીને આગળ વધો તો પણ આખરે તો તમારે એ
‘અહં’,
‘હું’
અથવા આત્મા પાસે જ પહોંચવાનું છે. ‘હું’
તથા ‘તમે’
અથવા ‘ગુરૂ’
કે ‘શિષ્ય’
ની વચ્ચે પાડવામાં આવતા ભેદભાવો ફક્ત અજ્ઞાનના પરિણામરૂપ છે. એકમાત્ર સર્વ
શક્તિમાન આત્મા જ છે. બીજી રીતે વિચારવાનું ભ્રાંતિમાં પડવા બરાબર છે. તમારે
સર્વરૂપ આત્માને જ શોધવાનો ને અનુભવવાનો છે.
* *
* * * * * * * * * *
હવે
મહર્ષિના આટલા સુંદર સચોટ સારવાહી વિચારોથી પ્રભાવિત થયેલા જિજ્ઞાસુએ બીજા
અસંખ્ય
સામાન્ય
શ્રેણીના સાધકોને સતાવતી પેલી સર્વસામાન્ય સમસ્યાની રજૂઆત કરતાં પૂછ્યું :
જિજ્ઞાસુ
: આ અનેક પ્રકારની મર્યાદાઓથી ભરેલા આધિવ્યાધિયુક્ત જટિલ જીવનમાં
મારાથી કદી આત્મિક કલ્યાણનો અનુભવ થઈ શકશે ખરો
?
મહર્ષિ
: એ આત્મિક કલ્યાણ સદા તમારી સાથે જ છે, અને જો પ્રામાણિકપણે
મેળવવાનો પ્રયાસ કરશો તો તમને તેની પ્રાપ્તિ થઈ રહેશે.
તમારા
દુઃખદર્દનું કારણ બાહ્ય જીવનમાં નથી સમાયેલું. એ અહંભાવના રૂપમાં તમારી અંદર
રહેલું છે. તમે તમારી જાત પર મર્યાદાઓનું આરોપણ કરો છો અને પછી એમનામાંથી
મુક્તિ મેળવવાનો વ્યર્થ સંઘર્ષ કરવા માંડો છો. બધું દુઃખ એકમાત્ર અહંભાવને
લીધે જ છે. એથી જ મુશ્કેલીઓ પેદા થાય છે. જે દુઃખનું કારણ ખરેખર તમારી પોતાની
અંદર છે તે દુઃખ સાંસારિક સંજોગોને લીધે ઉત્પન્ન થાય છે એવું શાથી માની લો છો
?
તમારી બહારની વસ્તુઓથી તમને શું અથવા કેવુંક સુખ મળી શકે તેમ છે
?
અને જો મેળવી શકો તો પણ તે સુખ કેટલાક વખત લગી ટકી શકશે
?
જો અહંભાવની
અવજ્ઞા કરીને એને શાંત કરવાનો પ્રયાસ કરશો તો તમે એનાથી મુક્તિ મેળવશો. એથી
ઊલટું, એનો સ્વીકાર કરશો તો એ તમારી ઉપર મર્યાદાઓની સૃષ્ટિ કરતો જશે અને તમને
એમાંથી મુક્તિ મેળવવાના વ્યર્થ સંઘર્ષમાં ધકેલી દેશે. તમારા પોતાના જન્મજાત
અધિકાર જેવા આત્મકલ્યાણની અનુભૂતિ માટે તમારા વાસ્તવિક આત્મસ્વરૂપમાં સ્થિતિ
કરવી એ એક જ ઉપાય છે.