ભારતવર્ષના નામને આધ્યાત્મિક રીતે સમસ્ત સંસારમાં છેલ્લે છેલ્લે ઉજ્જવળ જ નહિ
પરંતુ ખૂબ ખૂબ ઉજ્જવળ કરનારા ભારતના સાંપ્રતકાળના એ ત્રણ મહાપુરૂષો : મહર્ષિ
રમણ, મહાયોગી અરવિંદ ને મહાત્મા ગાંધીજી : એ ત્રણે યુગોમાં કોઈક જ વાર કોઈ
વિરલ પળે પ્રકટનારી મહાન વિભૂતિઓ હતી. માનવજાતિના એ ત્રણે અસાધારણ
જ્યોતિર્ધરો એમના પાવન પ્રદીપ પ્રકાશથી પૃથ્વીને પ્રકાશિત ને પાવન કરી ગયા.
ત્રણેએ એમની આગવી રીતે કાર્ય કરીને માનવને નવીન સંજીવનદૃષ્ટિ પ્રદાન કરી.
કોઈ
એક સંતની કોઈ બીજા સંત સાથે સરખામણી ના થઈ શકે. એવી સરખામણી કરવાનો આપણો આશય
પણ નથી. પ્રત્યેક સંતને પોતાની આગવી વિશેષતા હોય છે. એ પોતાની વિશિષ્ટ રીતે
મહાન હોય છે. મહર્ષિ, અરવિંદ ને ગાંધીજી ત્રણે મહાન હતા. ત્રણેએ પોતપોતાની
જીવનચર્યાથી ભારતના મુખને ઉજ્જવળ કરેલું. આપણે તો અહીં એમની સાધના પર જ ઊડતો
દૃષ્ટિપાત કરી લઈએ એટલે આપણો હેતુ સિદ્ધ થશે.
ગાંધીજી નીતિ, સદાચાર અથવા દૈવી સંપત્તિને આદર્શ આધ્યાત્મિક જીવનસાધનાના
મહત્વના પાયા તરીકે સ્વીકારતા ને નિષ્કામ, અનાસક્તભાવે કરાતા કર્મયોગનો આગ્રહ
રાખતા. એ વધારે ને વધારે પ્રમાણમાં બીજાની વ્યાપક સેવા કરવામાં રસ ધરાવતા.
એમના જીવનમાં સત્ય, અહિંસા અને નિરંતર પ્રખર ઈશ્વરપ્રેમનું મહત્વ હતું. એ
કર્મ કરતાં કરતાં ઈશ્વરના સાક્ષાત્કારનો લાભ મેળવવાની મહત્વકાંક્ષા રાખતા.
શ્રી અરવિંદ પણ નીતિ, સદાચાર ને લોકહિતના કર્મમાં માનતા, પરંતુ એ મુખ્યત્વે
યોગી હોવાથી કર્મ પ્રત્યેની એમની દૃષ્ટિ જરાક જુદી હતી. એ યોગસાધનાની
સર્વશ્રેષ્ઠ શક્તિને પ્રાપ્ત કરીને દેશ ને દુનિયાને - સમસ્ત માનવજાતિને દૈવી
બનાવવાની ને ઉપયોગી થવાની આકાંક્ષા રાખતા. લોકહિતના વિરાટ ઉપકારક મહાકાર્ય
પ્રત્યે એ જરા પણ ઉદાસીન ન હતા. એમણે એમનો મોટાભાગનો સમય સાધનાના સફળ
અનુષ્ઠાન માટે સ્વેચ્છાપૂર્વક સ્વીકારેલા એકાંતમાં જ પસાર કર્યો. એ પેલા
યોગગ્રંથોના સુપ્રસિદ્ધ સિદ્ધાંતમાં રુચિ ને વિશ્વાસ રાખતા અને એની સંસિદ્ધિ
માટે પ્રયાસ કરતા :
न मृतस्य
मृत्यु र्न जरा न व्याधिर्प्राप्तस्य योगाग्निमयं शरीरम् ।
‘જેને
યોગાગ્નિમય દૈવી શરીરની પ્રાપ્તિ થાય છે તેવા મહાયોગીને મૃત્યુ નથી આવતું,
વૃદ્ધવસ્થાનો અનુભવ નથી કરવો પડતો, ને વ્યાધિ નથી સતાવી શકતા.’
એ પરમ પ્રતાપી મહાયોગીએ જગતમાં પરમશક્તિના અવતરણમાં રસ લીધો.
મહર્ષિ મુખ્યત્વે આત્મજ્ઞાની, આત્મજ્ઞ અને આત્મભાવમાં આરૂઢ હતા. એ લોકહિતરૂપી
કર્મને કરતા પરંતુ કોઈ પણ પ્રકારની પૂર્વયોજના બનાવ્યા વગર, સંકલ્પનો આશ્રય
લીધા સિવાય, સહજ રીતે જ કરતા. એમને મન શરીર આત્મોન્નતિનું અગત્યનું સાધન હોવા
છતાં એની મમતા અથવા આસક્તિથી એ સર્વથા રહિત હતા.
એમના આશ્રમમાં થોડા દિવસ માટે એમની સંનિધિ ને સત્સંગતિનો લાભ લેવા ગયેલા
ગુજરાતના સુપ્રસિદ્ધ સંતપુરૂષ સ્વામી માધવતીર્થે એમને મહાયોગી અરવિંદની સાધના
વિશે પૂછેલું તો એના ઉત્તરમાં એમણે જણાવેલું કે સાધનાનું એમનું ધ્યેય
પરિપૂર્ણ થાય એવું નથી લાગતું : એ શક્ય નથી. છતાં પણ એ મહાયોગી પોતાની સાધના
એવી જ દૃઢતા કે મક્કમતાપૂર્વક છેવટ સુધી કરતા જ રહ્યા.
ત્રણેના માર્ગ અનોખા છતાં પણ માનવજાતિના મંગલમાં મદદરૂપ હતા. એ ત્રણે સમકાલીન
અને થોડા થોડા સમયને અંતરે સમાધિસ્થ થયેલા સત્પુરૂષો માનવજાતિના આધ્યાત્મિક
ઈતિહાસમાં ભારે ગૌરવરૂપ અને અમર બની ગયા. એમની સાધના અમૂલખ આશીર્વાદરૂપ અને
ઉપયોગી ઠરી. માનવજાતિ ગાંધીજીની શ્રદ્ધાભક્તિયુક્ત નિષ્કામ કર્મભાવના, શ્રી
અરવિંદની યોગધારણા તથા મહર્ષિની જ્ઞાનનિષ્ઠામાંથી પરમ પ્રેરણા મેળવી શકે તેમ
છે. એ ત્રણેનો સમન્વય કરવાથી વ્યક્તિ તથા સમષ્ટિને મહામૂલ્યવાન લાભ થાય તેમ
છે.