Shri Yogeshwarji's biography in Gujarati on

રમણ મહર્ષિ

Bhagavan Ramana Maharshi : Life and works

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 
   
< BACK

ભગવાન રમણ મહર્ષિ

NEXT >

૨૪. મહર્ષિનું સાહિત્ય

 

        મહર્ષિ કોઈ નાના મોટા  સાહિત્યકાર હતા ખરા ? એ પ્રશ્નનો ઉત્તર હકારાત્મક તથા નકારાત્મક બંને રીતે આપી શકાય. સાહિત્યકારનો અર્થ જો સાહિત્યરચનામાં સવિશેષ રસ અથવા રુચિ રાખનાર વ્યક્તિ એવો કરવામાં આવતો હોય તો એ દૃષ્ટિએ એમને સાહિત્યકારની પંક્તિમાં નહિ બેસાડી શકાય. એ એવી પંક્તિમાં બેસવાનું પસંદ પણ નહિ કરે. એ સંપૂર્ણપણે એમના સમસ્ત જીવનમાં આધ્યાત્મિક હતા. એમની એકમાત્ર અભિરુચિ કેવળ સ્વરૂપસાક્ષાત્કારમાં ને સ્વરૂપની નિષ્ઠામાં હતી. એમનો સમગ્ર સમય એ આદર્શની અનુભૂતિમાં જ પૂરો થતો હોવાથી બીજી પેટા વસ્તુઓ તરફ એમનું ધ્યાન નહોતું જતું. સાહિત્યસર્જન એમનો પ્રિય વિષય હોય અને એના વિના એ રહી જ ના શકતા હોય, એને માટે એમના અંતરમાં કોઈ અદ્ ભૂત અનિવાર્ય સંવેદન જાગતું હોય અને જ્યાં સુધી એની શાંતિ ના થાય ત્યાં સુધી એમને કળ ના વળતી હોય એવું પણ ન હતું. એ સાધનાના સતત અનુષ્ઠાન દ્વારા જીવનમુક્તિની અથવા તો પૂર્ણતાની પરમપ્રશાંત અવસ્થા પર પહોંચ્યા હોવાથી સર્વ પ્રકારનાં સંવેદનોથી પર તેમજ દ્વંદ્વાતીત હતા. એ સાહિત્યકાર નહોતા પરંતુ આત્મવિકાસની પરાકાષ્ઠાએ પહોંચેલા સંતશિરોમણિ હતા. સાહિત્યકાર બનવાની એમની અભિલાષા જ નહોતી.

પરંતુ સાહિત્યકારનો અર્થ એ શબ્દના વિશેષ ઊંડાણમાં ઊતર્યા સિવાય જો સાહિત્યની રચના કરનાર કરીએ તો એ અર્થમાં મહર્ષિને સાહિત્યકારની શ્રેણીમાં અવશ્ય મૂકી શકાય, કારણ કે એમણે એમના સાધનાત્મક અને સંસિદ્ધ જીવનમાં અવારનવાર સાહિત્યરચના કરી છે. એમનું સ્વરચિત સાહિત્ય પ્રમાણમાં કદની દૃષ્ટિએ ઘણું થોડું હોવા છતાં ગુણવત્તાની દૃષ્ટિએ મોટું કે મહત્વનું છે. એ સાહિત્ય સહજ રીતે સ્ફુરેલું હોવાથી સર્વ પ્રકારની કૃત્રિમતાથી રહિત છે એવું એના પ્રથમ પરીક્ષણ પરથી જ નિસ્સંકોચપણે કહી શકાય. એ સાહિત્યમાં એમની ભક્તિભાવનાનો પરિચય થાય છે અને સાથે સાથે એમના આત્માની અસાધારણ વિશુદ્ધ જ્ઞાનનિષ્ઠાનું દર્શન કરવાનું સૌભાગ્ય સાંપડે છે. એનું સર્જન શોખને લીધે નથી થયું કે પરંપરાને પોષવા માટે કે કલ્પનાવિહારની વૃત્તિને સંતોષવા માટે પણ નથી કરવામાં આવ્યું, પરંતુ જીવનની અનિવાર્ય આવશ્યક્તારૂપે, સાધનાના સવિશેષ પ્રયોજનથી પ્રેરાઈને, સહજ રીતે જ થયેલું હોવાથી, એમાં સ્વાભાવિકતા છે, અસરકારતા છે, ને પરમ પ્રેરકતા રહેલી છે. સાહિત્યના સુંદર સ્વરૂપમાં એ આત્મવિકાસની સાધનાનું અગત્યનું અંગ બની જાય છે અને એના અધ્યયનથી બીજાને લાભ થાય છે.

ભક્તો, યોગીઓ તથા જ્ઞાનીઓની જીવનસાધનામાં સાહિત્ય દ્વારા મદદ મળતી હોય છે. સાહિત્યસર્જન એમના અંતરની અભિવ્યક્તિનું અને એમની ભાવનાઓને પોષવાનું તેમજ પરિપક્વ ને પ્રબળ કરવાનું મહત્વનું સાધન બને છે. એટલે તો સાહિત્યની દુનિયામાં એમનો ફાળો એટલો બધો મોટો ને મહત્વનો છે. વાલ્મીકિ ને વ્યાસથી માંડીને છેક અદ્યતન કાળ સુધીની સાહિત્યની સૃષ્ટિની વિપુલતા અને સતતતા પરથી એની પ્રતીતિ થાય છે. જીવનવિકાસના સાધકોને માટે સાહિત્યસર્જન બાધક નથી બન્યું પરંતુ સદા સાધક થયું છે અને આગળ પર પણ અનંતકાળ સુધી સાધક થતું રહેશે. સાહિત્યસર્જન આત્મસાધનામાં ક્યારે, કયા કારણે ને કયાં બાધક કે સાધક બને છે એનો નિર્ણય સાધકે સ્વયં કરી લેવાનો છે.

મહર્ષિના સમકાલીન બીજા બે મહાન જીવનસાધકો અને સત્પુરૂષો મહાત્મા ગાંધીજી અને યોગીશ્રેષ્ઠ અરવિંદ પણ વિપુલ સાહિત્યસર્જન કરી ગયા છે. એમનું સર્જન એમને ને બીજાને માટે ઉપયોગી હતું. આજે પણ અસંખ્ય આત્માઓ એમાંથી પ્રેરણા કે પ્રકાશની પ્રાપ્તિ કરે છે. મહર્ષિનું સ્વરચિત સાહિત્ય એ બંને સમકાલીન મહાપુરૂષો કરતાં સંખ્યાની દૃષ્ટિએ ખૂબ જ સાધારણ હોવા છતાં નોંધપાત્ર છે. એ સાહિત્યમાં એમના ભાવો, વિચારો, અનુભવો અને એમની સમસ્ત સાધનાનો પડઘો પડે છે. એ પડઘો આજે પણ, એને રચાયે આટલાં બધાં વરસો વીત્યા પછી પણ, એટલો જ પ્રેરક અને કલ્યાણકારક લાગે છે. મહર્ષિની એ થોડીક સાહિત્યસામગ્રીને સાહિત્યના શાશ્વત સર્વસ્વીકાર્ય સામગ્રીભંડારમાં કોઈ પણ પ્રકારના સંકોચ સિવાય મૂકી શકાય તેમ છે.

 

[૨] પરિચય

મહર્ષિએ એમની મુલાકાત લેનારા એક કવિના સંબંધમાં વાત કરતાં જે કાંઈ કહેલું એમાં એમની સાહિત્યવિષયક દૃષ્ટિ અથવા વિચારધારાનું પ્રતિબિમ્બ પડતું હોવાથી એનું અવલોકન અસ્થાને નહિ ગણાય. એમણે આ પ્રમાણે ઉદ્ ગારો કાઢેલા :

આ બધી કેવળ મનની પ્રવૃત્તિ છે. મનને જેમ જેમ વધારે પ્રમાણમાં કામે લગાડો ને કવિતાની રચના કરવામાં વધારે ને વધારે સફળતા પ્રાપ્ત કરો તેમ તેમ શાંતિ એટલા પ્રમાણમાં ઓછી થતી જાય છે. શાંતિની પ્રાપ્તિ ના થતી હોય તો એ બધી યોગ્યતા મેળવવાનો શો અર્થ છે ? છતાં પણ એવા પુરૂષોને એવું કહેવા જાવ તો તેમને પસંદ નહિ પડે. એ શાંતિથી બેસી જ નહિ શકે. એ ગીતો લખ્યા જ કરશે.

મને પોતાને કોઈ પુસ્તક લખવાનું કે કવિતા કરવાનું મન નથી થતું. મેં જે કવિતાઓની રચના કરી છે તે બધી જ કવિતાઓ કોઈ ખાસ અવસરને અનુલક્ષીને એક યા બીજાની વિનંતિથી જ કરેલી છે. મેં લખેલી સત્ય પરની ચાલીસ કડીઓ પર કેટલીય ટીકાઓ તૈયાર થઈ છે અને એના અનુવાદો થયા છે. એને પુસ્તકાકારે તૈયાર કરવાનો સંકલ્પ મેં નહોતો કર્યો. એ સંગ્રહની કડીઓ જુદે જુદે વખતે તૈયાર થઈ છે. પાછળથી એને બીજાઓએ પુસ્તકાકારે પ્રસિદ્ધ કરી. અરૂણાચલની પ્રશસ્તિની અગિયાર અને આઠ કડીઓની મારી રચનાઓ કોઈના કહેવાથી નહિ પરંતુ સ્વાભાવિક રીતે પોતાની મેળે જ તૈયાર થયેલી. એમને અક્ષરદેહ આપ્યા વિના મારાથી રહી જ ના શકાયું.  અરૂણાચલની પ્રશસ્તિની અગિયાર કડીના શરૂઆતના શબ્દો એક દિવસ સવારે મારા મનમાં એકાએક સ્ફુરી આવ્યા. મારે એમનું શું કામ છે એવું માનીને મેં એમને દબાવવાની, અવગણવાની કે શાંત કરવાની કોશિષ કરી પરંતુ એ કોશિષ નિષ્ફળ ગઈ. મારે એમને સમાવી લેતા ગીતની રચના કરવી જ પડી. બાકીના બધા જ શબ્દો પાણીના પ્રવાહની પેઠે સરળતાપૂર્વક પ્રત્યક્ષ થવા લાગ્યા. એને માટે મારે કશી મહેનત ના કરવી પડી. એવી રીતે બીજે દિવસે બીજી કડીની રચના થઈ ગઈ, ને ત્રીજે દિવસે ત્રીજી કડીની. દરેક દિવસે વારાફરતી એકેક કડીની રચના થતી ગઈ. દસમે દિવસે દસમી અને અગિયારમી બંને કડીઓની રચના એકસાથે થઈ અને એમ એ આખીય રચનાની પરિસમાપ્તિ થઈ ગઈ.

મહર્ષિ જ્યારે આરંભના દિવસોમાં અરૂણાચલ પર્વત પરની વિરૂપાક્ષી ગુફામાં વાસ કરતા ત્યારે પલનિ સ્વામી તથા બીજા કેટલાક શિષ્યો સેવાભાવથી પ્રેરાઈને એમની સાથે રહેતા. એ શિષ્યો શહેરમાં રોજ ભિક્ષા માગવા જતા. એમણે એ વખતે ગાઈ શકાય એવું ગીત બનાવી આપવા માટે મહર્ષિને પ્રાર્થના કરી ત્યારે મહર્ષિએ જણાવ્યું કે પહેલાંના સંતો ને ભક્તકવિઓનાં કેટલાંય પદો પડેલાં છે. લોકો એમની ઉપેક્ષા કરી રહ્યા છે અને એમનો લાભ નથી ઉઠાવતા; તો એ સંજોગોમાં નવી પદરચનાનો શો અર્થ છે ? પરંતુ શિષ્યોએ પ્રાર્થના કરવાનું ચાલુ જ રાખ્યું ત્યારે એ શાંત રહ્યા. એક દિવસ કાગળ ને પેન્સિલ લઈને એ પર્વતની પ્રદક્ષિણા કરવા ચાલી નીકળ્યા. એ પ્રદક્ષિણા દરમિયાન એમણે એકસો આઠ કડીઓની રચના કરી. એ રચના અરૂણાચલ શિવ નામે ઓળખાઈ અને અત્યંત લોકપ્રિય થઈ. પલનિ સ્વામી ને બીજા શિષ્યોએ ભિક્ષા માગવા જતી વખતે એનો નિયમિત રીતે ઉપયોગ કરવા માંડ્યો. એ રચના ખૂબ જ હૃદયંગમ અને ભાવમય હોવાથી શ્રોતાઓ પણ એને સાંભળીને મંત્રમુગ્ધ ને ભાવવિભોર બની જતા.

એ સુંદર રસભર રચનાની એક વિશેષતા એ છે કે એની પ્રત્યેક કડીની પ્રથમ પંક્તિનો પ્રારંભ તામિલ કક્કાના ક્રમબદ્ધ અલગ અલગ અક્ષરથી થાય છે. એ આખીય રચના આડંબરરહિત સરળ અને સ્વયંભૂ છે. એ રચના પછી કેટલાક ભક્તોએ એમને એની કેટલીક પંક્તિઓના ગૂઢ ભાવાર્થ વિશે પૂછ્યું તો એમણે નમ્રતાયુક્ત ભાષામાં ઉત્તર આપ્યો કે તમે એનો અર્થ શોધી કાઢો ને હું પણ શોધી કાઢીશ. જ્યારે એમની રચના થઈ ત્યારે એમના ગૂઢાર્થ તરફ મારું એટલું બધું ધ્યાન નહોતું ગયું. હૃદયમાંથી સ્ફુરણા થઈ તેમ મેં લખી લીધેલું.

એ રચના ખરેખર સંવેદનશીલ અને અત્યંત અસરકારક છે. એની પ્રેમપૂર્ણ પંક્તિઓને કાગળ પર ટપકાવતી વખતે એ એટલા બધા તન્મય થઈ જતા કે વાત નહિ. અરૂણાચલ પ્રત્યેની એમની પ્રેમભક્તિ જાણે કે પરાકાષ્ઠા પર પહોંચતી. એમનું અંતર ભાવવિભોર બની રહેતું. એ લેખન કેવળ શોખથી પ્રેરાયલું પરંપરાગત જડ લેખન ન હતું પરંતુ ઊર્મિપ્રધાન પ્રેમાર્દ્ર પ્રાણનું પ્રકટીકરણ હતું એટલે એમના અંતરતારને હલાવી નાખતું. એ લેખન વખતે એમની આંખમાંથી અશ્રુધારાઓ વહેવા ને ટપકવા માંડતી, એમને રોમાંચ થઈ આવતાં, એમની પેન્સિલ અવારનવાર કાગળ પર જ અટકી પડતી, એમનો કંઠ ગદ્ ગદ બનતાં રૂંધાઈ જતો, તથા એ સ્તબ્ધાવસ્થાનો અનુભવ કરતા. પ્રશસ્તિના પદની એ પ્રેમમય પંક્તિઓ એમના પ્રાણમાંથી, રક્તપ્રવાહમાંથી, હૃદયના ધબકારમાંથી, એમના વ્યક્તિત્વના પ્રત્યેક પાસાંમાંથી અને એમના અણુપરમાણુમાંથી પ્રકટતી હોય એવું લાગ્યા વિના રહેતું નહિ. અરૂણાચલ પોતે જ જાણે પરમતત્વરૂપે પ્રત્યક્ષ થઈને જનતાના કલ્યાણને માટે એમને માધ્યમ બનાવીને એ રસમય રચના કરાવી રહેલા. ભક્તોને એ રચના-પંક્તિઓમાંથી પ્રેરણા મળી. એ પદપંક્તિઓ એમના જીવનની આરાધ્યદેવી જેવી બની.

એ પદપંક્તિઓમાં ભક્તના અંતરનો અદમ્ય અસીમ અનુરાગ તથા તલસાટ જોવા મળે છે તો સાથે સાથે કૃપાપ્રાપ્તિના અનંત આનંદનું પણ દર્શન થાય છે. એમની રચના શ્રદ્ધાભક્તિપૂર્ણ સાધકની ભૂમિકા પરથી કરવામાં આવી હોવાથી સાધકોને માટે ઉપયોગી ને શ્રેયસ્કર થઈ પડી.

એમની બીજી બધી જ કાવ્યરચનાઓના સંબંધમાં એ વિધાન સાચું ઠરે છે. એ રચનાઓ ઉચ્ચોચ્ચ તત્વજ્ઞાન તથા પરમપવિત્ર પ્રેમભક્તિના તાણાવાણાથી ભરેલી છે. એને લીધે વાચકને ભાવવિભોર બનાવવાની સાથે સાથે વિવેકી કરીને પરમસત્યના સાક્ષાત્કારથી સંપન્ન થવાની પ્રેરણા પૂરી પાડે છે. એ રચનાઓને પ્રેરણા તથા શક્તિની સનાતન સામગ્રી કહીએ તો ચાલે.

અરૂણાચલની પ્રશસ્તિની અગિયાર કડીઓની રચનામાં મહર્ષિએ એમના રચયિતા તરીકે પોતાનો પરિચય આપતાં જેને પરમ જ્ઞાનની પ્રાપ્તિ નથી થઈ તેવો એમ કહ્યું છે એ એમની જન્મજાત સ્વભાવસિદ્ધ નમ્રતા બતાવે છે. તો પણ એવા ઉલ્લેખ પરથી કોઈને શંકા થઈ આવે એ સ્વાભાવિક છે. એમના એક ભક્ત શ્રી બોઝે એમની એ રચનામાં લખાયલા શબ્દો ભક્તોની ભૂમિકા પરથી એમના જ મંગલ માટે લખાયલા છે કે કેમ એવી શંકા વ્યક્ત કરીને એના સ્પષ્ટીકરણની માગણી કરી તો એ માગણીને માન્ય રાખીને એમણે જણાવ્યું કે એ ભક્તોને માટે જ, એમની ભૂમિકા પરથી જ લખાયેલાં છે.

* * *          * * *          * * *          * * *

મહર્ષિ સંસ્કૃત ભાષામાં સિદ્ધહસ્ત હતા એવું ના કહી શકાય તો પણ અરૂણાચલની પ્રશસ્તિના પાંચ શ્લોકો એમણે સૌથી પહેલાં સંસ્કૃતમાં લખેલા ને પછી તામિલમાં અનુવાદિત કરેલા. એકવાર ગણપતિ શાસ્ત્રીએ એમને સંસ્કૃતમાં કવિતા કરવા કહ્યું તો એમણે સ્મિત કરતાં જણાવ્યું કે મને કોઈ સંસ્કૃત છંદોનું કે વ્યાકરણનું જ્ઞાન જ ક્યાં છે ? ગણપતિ શાસ્ત્રીએ એમને એક છંદ સમજાવ્યો અને એમાં કવિતા કરી જોવાનો પ્રયત્ન કરવાનો ઉત્સાહ આપ્યો. એ ઉત્સાહથી પ્રેરાઈને પોતાની અસાધારણ આત્મશક્તિનો પરિચય કરાવતાં એ જ દિવસે સાંજે એમણે સંસ્કૃતમાં પાંચ શ્લોકોની રચના કરી.

* * *          * * *          * * *          * * *

મહર્ષિના ગદ્યસાહિત્યમાં બે મહત્વની રચનાઓનો સમાવેશ થાય છે : આત્મવિચારણા અથવા તત્વવિચાર અને હું કોણ ?

એમના અરૂણાચલ પર્વત પરના નિવાસકાળ દરમિયાન એમની શાંત સહજ મૌનાવસ્થામાં શ્રી શેષય્યરને માટે એમણે કેટલીક સાધનાત્મક સૂચનાઓ લખેલી. શ્રી શેષય્યરના સ્વર્ગવાસ પછી એ પુસ્તકરૂપે પ્રસિદ્ધ થઈ. આત્મવિચારણામાં અથવા તત્વવિચારમાં રસ લેનારા જિજ્ઞાસુઓને માટે એ સંગ્રહ ખરેખર ને ખૂબ જ ઉપયોગી છે. એનું આકર્ષણ આજે પણ ઓછું નથી થયું.

એ જ દિવસો દરમિયાન એમની પાસે શુદ્ધ જિજ્ઞાસાભાવે આવતા એક બીજા ભક્ત શ્રી શિવપ્રકાશમ્  પિલ્લેના પ્રશ્નોના ઉત્તરો પણ બીજા સાધકોને માટે ઉપયોગી થઈ પડે તેવા છે. એમને હું  કોણ ?’ નામના પુસ્તકાકારે પ્રકાશિત કરવામાં આવ્યા ત્યારથી માંડીને આજ સુધી અનેક ભક્તોએ  તેમજ જિજ્ઞાસુઓએ એમનો લાભ લીધો છે.

એ ઉપરાંત એમણે સમય સમય પર પ્રશ્નોના આપેલા ઉત્તરો અને શંકરાચાર્યના વિવેકચૂડામણિ અને આત્મબોધ ગ્રંથોના એમના સરળ ભાવાનુવાદના સંગ્રહો પણ સુપ્રસિદ્ધ છે. એ આશ્રમ તરફથી પ્રકાશિત થયા છે. વિવેકચૂડામણિ ગ્રંથના પરિચયમાં એ અરૂણાચલ પર્વત પર રહેતા ત્યારે જ આવેલા. એ વખતે એમને મળવા આવેલા એક ભક્ત ગુફામાં એ સદ્ ગ્રંથ છોડી ગયેલા. એમણે એનું અવલોકન કરીને શ્રી શેષય્યરને એનું અધ્યયન કરવાની સૂચના કરી, પરંતુ શેષય્યર સંસ્કૃતથી એકદમ અનભિજ્ઞ હોવાથી એના તામિલ ભાષાંતરની માગણી કરી. પલનિ સ્વામીના હાથમાં એ દિવસોમાં એના તામિલ પદ્યાનુવાદની પ્રત આવી. એ પ્રત કોઈક બીજાની હોવાથી એમણે એના પ્રકાશકને બીજી પ્રત માટે લખ્યું પરંતુ એની સઘળી પ્રતો ખલાસ થઈ ગઈ હોવાથી બીજી પ્રત ના મળી શકી. એમણે એનું તામિલ ગદ્યમાં ભાષાંતર કરવાની પ્રાર્થના કરવાથી એ પ્રાર્થનાને લક્ષમાં લઈને મહર્ષિએ કાર્યનો આરંભ કર્યો, પરંતુ ત્યાં તો પ્રકાશક તરફથી પેલો પદ્યાનુવાદ પ્રાપ્ત થયો એટલે એ કાર્ય અટકી પડ્યું. એ વાતને કેટલાંક વરસો વીતી ગયાં પછી એક બીજા ભક્તની પ્રાર્થનાને માન આપીને એમણે એ અનુવાદકાર્ય ફરીવાર શરૂ કર્યું. એ અનુવાદ એક પ્રકારનો મુક્ત અનુવાદ હતો. એનું પ્રકાશન અનેકને માટે લાભકારક થઈ પડ્યું.

ઈ.સ. ૧૯૪૯માં આત્મબોધ ગ્રંથના તામિલ અનુવાદને જોયા પછી મહર્ષિને એનો અનુવાદ કરવાની ઈચ્છા થઈ આવી. એ પદ્યાનુવાદ ઉત્તમ કોટિનો ના હોવાથી જ એમને એવી ઈચ્છા થઈ. આત્મબોધનું અધ્યયન એમણે અરૂણાચલ પર્વત પર કરેલું પરંતુ એ વખતે એના અનુવાદની સહેજ પણ ઈચ્છા એમને નહોતી થઈ. કેટલાક વખત પછી એ લોકોપયોગી ઈચ્છા પૂરી થઈ. એ રચના એમના જીવનની છેલ્લી સાહિત્યરચના હતી.

એમણે રચેલા એક બીજા અનુવાદગ્રંથનો ઉલ્લેખ પણ કરવા જેવો છે. એ એક ભાવાનુવાદગ્રંથ કહી શકાય. એનું નામ વિચાર મણિમાલા.

હિંદી ભાષામાં સાધુ નિશ્ચલદાસનો લખેલો વેદાંતના ગહન સિદ્ધાંતોને સમાવી લેનારો વિચારસાગર ગ્રંથ ખૂબ જ લોકપ્રિય ને વિખ્યાત છે. એ ગ્રંથનો વિશાળ તામિલ અનુવાદ વરસોથી થઈ ચૂકેલો છે. જિજ્ઞાસુઓને એ અનુવાદ સમજવામાં મુશ્કેલી પડતી હોવાથી એનો પૂરો લાભ નહોતો ઉઠાવી શકાતો. એક ભક્તે એ સુંદર સદ્ ગ્રંથના સારભાગને સરળ અને લોકભોગ્ય ભાષામાં તૈયાર કરવાની પ્રાર્થના કરવાથી એના સુપરિણામરૂપે મહર્ષિ દ્વારા વિચારમણિમાળા ગ્રંથની રચના થઈ. સદ્ ગુરૂ ને શિષ્યના પ્રેરક વાર્તાલાપરૂપે રચાયલા એ ગ્રંથમાં વિચારસાગરના આત્મજ્ઞાનયુક્ત અર્કનો સમાવેશ કરવામાં આવ્યો છે. આત્મજ્ઞાન અને આત્મસાક્ષાત્કારના રસિયાઓએ એનું અધ્યયન ખાસ કરવા જેવું છે.

ભગવદ્ ગીતાના શ્લોકમાંથી પોતાના સંદેશને સમાવી લેનારા બેતાલીસ શ્લોકોને અલગ કરીને એમણે એક સ્વતંત્ર સંગ્રહ કર્યો છે તે પણ એમની જ્ઞાનદૃષ્ટિને સમજવા માટે જોવા જેવો છે.

* * *          * * *          * * *          * * *

એમની છેલ્લી કાવ્યરચનાનું નામ એકાત્મપંચકમ્. એ રચના ઈ. સ. ૧૯૪૭ માં થયેલી, એને માટે એમને કોઈએ પ્રાર્થના નહોતી કરી. એ રચના માટે એ એમની સ્વતંત્ર પ્રેરણાથી જ પ્રવૃત્ત થયેલા.  

એ રચના એમણે સૌથી પહેલાં તેલુગુમાં કરી અને પાછળથી એનો તામિલમાં અનુવાદ કર્યો.  આત્મજ્ઞાનની અભિવ્યક્તિ કરતી એ રચનાની પાંચે કડીઓ ખરેખર મનનીય છે.

 

(શ્રી યોગેશ્વરજી કૃત 'રમણ મહર્ષિ : જીવન અને કાર્ય'માંથી)

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer