મહર્ષિની
સૌથી પહેલી ગદ્યરચના આત્મવિચાર છે. એ ગદ્યરચના એમણે એમની યુવાવસ્થામાં લગભગ
બાવીસ વરસની ઉંમરે ઈ. સ. ૧૯૦૧ના વરસ દરમિયાન કરેલી છે. એ વખતે એ અરૂણાચલ
પર્વત પર નિવાસ કરતા, અને આત્મસાક્ષાત્કારના અસાધારણ આનંદનો અનુભવ કરી
ચૂકેલા. એમની સાથે બીજા કેટલાક સેવાભાવી ભક્તો તથા જિજ્ઞાસુઓ પણ વાસ કરતા. એ
વખતે એ મોટે ભાગે મૌન જ રાખતા. આ રચના જિજ્ઞાસુ શિષ્યની જિજ્ઞાસાના જવાબરૂપે
થયેલી છે. એ પ્રમાણભૂત રીતે તૈયાર થઈ હોવાથી આત્મસાક્ષાત્કારના અનુરાગીઓને
માટે અતિશય ઉપયોગી છે.
‘હું
કોણ’ની
રચના પણ લગભગ એ જ અરસામાં થયેલી છે.
અરૂણાચલનાં
પાંચ સ્તોત્રો લગભગ ઈ. સ. ૧૯૧૪માં લખાયેલાં. એ વખતે પણ એ પર્વત પર જ નિવાસ
કરતા. એ સુંદર ભાવમય સ્તોત્રો પરથી સહેલાઈથી પ્રતીતિ થાય છે કે મહર્ષિ
અરૂણાચલને પરમાત્માના પ્રતિનિધિ સમજતા. એમણે એવી ઉચ્ચતમ ભાવનાથી પ્રેરાઈને જ
એમની પ્રશસ્તિ કરી છે.
એમના અંતરની
જ્ઞાનનિષ્ઠા તથા ભક્તિભાવનાનો પરિચય કરવતી રચના
‘અરૂણાચલ
પરની પાંચ કડીઓ’નો
ભાવાર્થ ખાસ મનનીય છે :
‘સુધાના
સાગર, અનુગ્રહના અવતાર, સમસ્ત વિશ્વને પોતાના પરમ પ્રકાશથી વીંટી વળનાર, ઓ
અરૂણાચલ, પ્રત્યક્ષ પરમાત્મા પોતે
!
તું સૂર્ય
બનીને મારા કલ્યાણકારક હૃદયકમળને ખોલી દે
!’
‘ઓ
અરૂણાચલ, આ સમસ્ત
દૃશ્ય
સંસાર તારી અંદર જ પેદા થાય છે, ટકે છે, ને વિલીન બને છે. એ એક સનાતન સત્ય
છે. હૃદયમાં અહંરૂપે નર્તન કરનાર આત્મિક તત્વ તું જ છે. હે પ્રભુ, તારું નામ
હૃદય છે.’
‘મનને
સ્થિર કરીને અહંવૃત્તિનો ઉદ્
ભવ
ક્યાં થાય છે તે શોધવા માટે જે અંતર્મુખ કરે છે તે આત્મસાક્ષાત્કાર કરી લે છે
અને ઓ અરૂણાચલ, તારી અંદર મળી જાય છે. એની દશા સમુદ્રમાં સમાતી સરિતા સરખી થઈ
જાય છે.’
‘બાહ્ય
જગતમાંથી વૃત્તિને પાછી વાળીને, મનને તથા પ્રાણને વશ કરીને, તારું પોતાની
અંદર ધ્યાન કરનારા યોગીને તારી જ્યોતિની ઝાંખી થાય છે, ઓ અરૂણાચલ
!
એ તારી અંદર અનંત આનંદની અનુભૂતિ કરે છે.’
‘જે
તને પોતાના મનનું સમર્પણ કરે છે, તારું દર્શન કરીને સમસ્ત સંસારને તારા
સ્વરૂપ જેવું સમજે છે, અને તારી આત્મારૂપે પ્રશસ્તિ કરીને તને પ્રેમ કરે છે,
તે તારી સાથે એક થઈને પોતાની જાતનો સ્વામી બની જાય છે, ઓ અરૂણાચલ
!
એ તારા મહિમામાં, તારા પરમ કલ્યાણકારક સ્વરૂપમાં સમાઈ જાય છે.’
* *
* * * * * * * * * *
એકવાર
આશ્રમમાં જમણવાર હતો, એ અવસર પર અનેક સ્વાદિષ્ટ સામગ્રીઓ તૈયાર કરવામાં
આવેલી. એ વખતે એક ભક્તે તામિલ કવિ અવ્વયરની પેટ વિશેની નીચેની પંક્તિઓ કહી
બતાવી :
‘તને
ખોરાક વગર એક દિવસ પણ નથી ચાલતું ને એક સાથે બે દિવસનો ખોરાક પણ નથી લઈ
શકાતો. ઓ અધમ પેટ ! તારે લીધે મારે વેઠવી પડતી મુશ્કેલીનો ખ્યાલ તને લગાર પણ
નથી લાગતો. તારી સાથે કામ કરવાનું એકદમ અશક્ય લાગે છે.’
‘પેટની
ફરિયાદ’
નામની કૃતિમાં મહર્ષિએ તામિલ કવિની એ કવિતાપંક્તિઓ સાંભળીને એ જ વખતે પેટની
અહંકાર સામેની ફરિયાદને રજૂ કરતાં પોતાની સ્વાભાવિક સર્જનશક્તિનો પરિચય
કરાવતાં વિનોદપૂર્ણ છતાં જ્ઞાનયુક્ત ઉત્તર આપ્યો :
‘તું
મને, તારા પેટને, કલાકનો પણ આરામ નથી આપતો. પ્રત્યેક દિવસે, કલાકે, તું ખાયા
જ કરે છે. ઓ આપત્તિજનક અહંકાર ! મને કેટલી બધી મુશ્કેલી પડે છે તેનો ખ્યાલ
તને નથી લાગતો. તારી સાથે કામ કરવાનું એકદમ અશક્ય લાગે છે !
’
અહંકાર પણ
માનવના મનને અથવા જીવનતત્વને કોરી ખાય છે : એને લીધે માનવને એક ક્ષણનો પણ
આરામ નથી મળતો : એ કલ્પના મહર્ષિ સરખા કોઈક લોકોત્તર સૂક્ષ્મદર્શી મહાપુરૂષ જ
કરી શકે. સામાન્ય માણસનું એવા અસામાન્ય વિચારનો આધાર લેવાનું ગજું ના ગણાય.
* *
* * * * * * * * * *
એમની
‘નવ
છૂટક કવિતાપંક્તિઓ’
પણ એવા જ સુંદર સારગર્ભિત ભાવથી ભરેલી છે. એ પંક્તિઓમાંથી થોડીકનો સ્વાદ
ચાખવા જેવો છે :
‘આત્મારૂપ
એક અક્ષર હૃદયમાં કાયમને માટે વિરાજે છે. ક્યાંય રહેનારા કોઈનામાં એવું આલેખન
કરવાની શક્તિ ક્યાં છે ?’
‘સ્વરૂપની
સતત શોધને આપણે પરમાત્માના પરમપ્રેમ તરીકે ઓળખીએ છીએ. કારણ કે સૌના હૃદયમાં
સ્વરૂપના રૂપમાં એ જ વસી રહ્યા છે. ’
‘જે
પોતાની પ્રાપ્ત થયેલી પરિસ્થિતિમાં સંતુષ્ટ છે, ઈર્ષાથી મુક્ત છે અને
શુભાશુભની વચ્ચે સ્વસ્થ રહી શકે છે, તે કર્મબંધનથી નથી બંધાતો.
’
‘પ્રશ્ન
અને ઉત્તર વાણીના વિષયો છે. એમનું ક્ષેત્ર દ્વૈત છે : મૌનમાં એમનું અસ્તિત્વ
ક્યાંય પણ નથી રહેતું.’
‘સર્જન
કે વિસર્જન નથી, પ્રારબ્ધ કે પુરૂષાર્થ અથવા સ્વતંત્ર ઈચ્છા નથી, પંથ કે
પ્રાપ્તિ નથી : અંતિમ સત્ય એ જ છે.’
* *
* * * * * * * * * *
મહર્ષિએ
શંકરાચાર્યના સુપ્રસિદ્ધ દક્ષિણામૂર્તિ સ્તોત્રનો તામિલ ભાવાનુવાદ કરેલો છે.
એ ઉપરાંત એમના ‘હસ્તામલક’
સ્તોત્રને તથા ‘દ્દક્
દ્શ્યવિવેક’ને
પણ તામિલમાં રજૂ કર્યાં છે. એમની રચનાઓમાં
‘ઉપદેશસાર’
મહત્વનું સ્થાન ધરાવે છે. એ અત્યંત સરળ, ગંભીર તથા સૂક્ષ્મ વિચારધારાથી ભરપૂર
છે. એ રચનામાં સાધનાના સાધ્યનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું હોવાથી
આત્મવિકાસના સાધકોને માટે એ આશીર્વાદરૂપ અને અત્યંત ઉપયોગી છે. એ સાધકોના
જીવનપથને સરળ તથા સુપ્રકાશિત કરવાની શક્તિ ધરાવે છે. એમાં બધા મળીને લગભગ
ત્રીસ શ્લોકો છે. એમાંથી થોડાક શ્લોકો પર દૃષ્ટિપાત કરી જઈએ. એ દૃષ્ટિપાત
પરથી સમજી શકાશે કે એ રચનામાં એમણે તત્વજ્ઞાન અને આત્મસાધનાના અર્કને સમાવી
દીધો છે :
ईश्वरार्पित
नेच्छ्या कृतम् ।
चित्तशोधकं
मुक्तिसाधकम् ॥૩॥
‘કર્મ
જો ઈશ્વરને અર્પણ કરીને કામનાનો ત્યાગ કરીને કરવામાં આવે તો શુદ્ધિ સાધવામાં
મદદ કરે છે ને મુક્તિની પ્રાપ્તિ કરાવે છે.’
कायवाઙमनः
कार्य मुत्तमम् ।
पूजनं
जपश्चिंतनं क्रमात् ॥૪॥
‘કાયિક,
વાચિક ને માનસિક ત્રિવિધ કર્મ ઉત્તરોત્તર ઉત્તમ છે. કાયાનું કાર્ય પૂજન,
વાણીનું જપ તથા મનનું આત્મચિંતન છે. પૂજનથી જપ, જપ કરતાં આત્મચિંતન કે ધ્યાન
ઉત્તમ છે.’
जगत
ईशधीयुक्तसेवनम् ।
अष्टमूर्ति
भृदेवपूजनम् ॥૫॥
‘જગતમાં
ઈશ્વરબુદ્ધિ રાખીને એની સેવા કરવી જોઈએ. એવી બુદ્ધિને ધારણ કરીને આરાધના કરવી
એ પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, સૂર્ય, ચંદ્ર ને આત્મારૂપી આઠ મૂર્તિ અથવા
રૂપવાળા ઈશ્વરનું પૂજન કરવા બરાબર છે. સંક્ષેપમાં કહીએ તો બીજાની સેવા એ જ
ઈશ્વરની પૂજા છે.’
वेषहानतः
स्वात्मदर्शनम् ।
ईशदर्शनं
स्वात्मरुपतः ॥
‘વેશના
ત્યાગથી અથવા અવિદ્યાયુક્ત દેહાધ્યાસને તિલાંજલિ આપવાથી આત્મસાક્ષાત્કારનો
લાભ મળે છે. ઈશ્વરદર્શનનો આનંદાનુભવ પણ એથી જ પ્રાપ્ત થાય છે.
’