Shri Yogeshwarji's biography in Gujarati on

રમણ મહર્ષિ

Bhagavan Ramana Maharshi : Life and works

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 
   
< BACK

ભગવાન રમણ મહર્ષિ

NEXT >

૨૬. રમણ ગીતા

       

રમણ ગીતા એના નામ પરથી સૂચિત થાય છે તેમ, મહર્ષિ રમણની રચના નથી. એ સંસ્કૃત પદ્યરચના મહર્ષિના સંનિષ્ઠ શિષ્ય વિદ્વાન કવિવર શ્રી ગણપતિ શાસ્ત્રીએ કરેલી છે. એનો ઈતિહાસ જાણવા જેવો છે. મહર્ષિ જ્યારે અરૂણાચલ પર્વત પરની ગુફામાં વાસ કરતા ત્યારે ગણપતિ શાસ્ત્રીએ તથા બીજા ભક્તો ને શિષ્યોએ એમને શુદ્ધ જિજ્ઞાસાવૃત્તિથી પ્રેરાઈને કેટલાક પ્રશ્નો પૂછેલા. મહર્ષિએ આપેલા એમના ઉત્તરોને એ પ્રશ્નો સાથે ગણપતિ શાસ્ત્રીએ સંસ્કૃત પદ્યના રૂપમાં ભાષાબદ્ધ કર્યા અને એમને રમણ ગીતાનું નામ આપ્યું.

રમણ ગીતાના અઢાર અધ્યાય અને ત્રણસો શ્લોક છે. બીજા, પાંચમા અને છઠ્ઠા અધ્યાયના પ્રશ્નો કોઈએ પૂછ્યા નથી પરંતુ લોકહિતના હેતુને લક્ષમાં લઈને મહર્ષિએ પોતે જ તૈયાર કર્યા છે. સાધકોને માટે એ ગ્રંથ ખૂબ ખૂબ ઉપયોગી છે એમાં સંદેહ નથી. એની રચના દ્વારા ગણપતિ શાસ્ત્રીએ ઘણા મોટી સેવા કરી છે.

એ ગ્રંથની રચના મોટે ભાગે ઈ. સ. ૧૯૧૭ના ઑગસ્ટમાં થયેલી.

પ્રથમ પ્રશ્ન ઈ.સ. ૧૯૧૩માં પૂછાયેલો.

એમાં જુદે જુદે ઠેકાણે વ્યક્ત થયેલા મહર્ષિના વિચારો જોઈએ:

આત્મતત્વને જાણવા માગનારા મુમુક્ષુની આત્મલાભરૂપી અભીષ્ટ સિદ્ધિ કેવળ શાસ્ત્રચર્ચાથી નથી થતી. ઉપાસના સિવાય સિદ્ધિ નથી સાંપડતી એ સિદ્ધાંત છે. (અધ્યાય ૧, શ્લોક ૧૨)

સ્થિર મનથી નિરંતર કરાતા મંત્રજપથી કે પ્રણવજપથી શ્રદ્ધાભક્તિવાળા ભક્તને સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. (અધ્યાય ૩, શ્લોક ૧૦)

એક વાર રેચક કરે, એક વાર પૂરક કરે, કિન્તુ કુંભક ચાર વાર કરે. એ પ્રમાણે પ્રાણાયામ કરવાથી નાડીશુદ્ધિ થઈ જાય છે. (અધ્યાય ૬, શ્લોક ૭)

શુદ્ધ બ્રહ્મચર્યથી ગૃહસ્થાશ્રમ નિર્મળ થવાય છે. ગૃહસ્થાશ્રમ સઘળા આશ્રમોના ઉપકાર માટે છે. (અધ્યાય ૮, શ્લોક ૭)

દેહધારીઓને પારસ્પરિક ભ્રાતૃભાવથી શાંતિ મળે છે. એને લીધે આખી પૃથ્વી એક ઘરની જેમ શોભી ઊઠે છે. (અધ્યાય ૧૦, શ્લોક ૧૧)

સહજ સ્થિતિ પર આરૂઢ જ્ઞાનીપુરૂષ રોજ સ્વભાવથી જ તપ કરે છે. એની સહજ સ્થિતિ જ તપ છે. એમાં આળસ નથી હોતી. (અધ્યાય ૧૧, શ્લોક ૧૯)

ચૌદમાં અધ્યાયમાં જીવનમુક્તિનું વર્ણન કરતાં મહર્ષિએ જણાવ્યું છે.

શાસ્ત્રીય તથા લૌકિક જ્ઞાનથી અવિચલ એવી સ્વરૂપની સુદૃઢ નિષ્ઠાને જીવનમુક્તિ કહેવામાં આવે છે. (શ્લોક ૩)

તપના વિશેષ પરિપાકથી રૂપના અભાવની અથવા અદૃશ્ય થવાની સિદ્ધિ સાંપડે છે. એવી સિદ્ધિવાળો સિદ્ધ યોગી ચિન્મય બનીને વિહાર કરે છે. તપના પરિપાકથી વખત વીતતાં સશરીર હોવા છતાં યોગી સ્પર્શથી અતીત અવસ્થાની પ્રાપ્તિ કરે છે. એ બંને શારીરિક સિદ્ધિઓ દેવતાના અનુગ્રહરૂપે અલ્પકાળમાં જ આવી મળે છે. (શ્લોક ૯૧૦૧૧)

પરિપકવ મનવાળા સાધનાપરાયણ યોગીને ઈશ્વરની કૃપાથી સુષુમ્ણા નાડી દ્વારા ઉત્તમ ગતિની પ્રાપ્તિ થાય છે. (શ્લોક ૧૪)

એવો યોગી પોતાની ઈચ્છા પ્રમાણે જુદા જુદા લોકલોકાંતરોમાં પરિભ્રમણ કરી શકે છે, ઈચ્છાનુસાર અનેકવિધ શરીરોને ધારણ કરી શકે છે, અને બીજા પર અનુગ્રહ કરવાની શક્તિથી સંપન્ન બને છે.(શ્લોક ૧૫)

પંદરમાં અધ્યાયમાં કહેવામાં આવ્યું છે :

કોઈ શાસ્ત્રોના અર્થના ચિંતનને મનન કહે છે, પરંતુ વાસ્તવમાં પોતાના સ્વરૂપનું ચિંતન જ મનન છે. (શ્લોક ૭)

ભ્રાંતિ તથા સંશયથી રહિત હોવા છતાં પણ એકલા શાસ્ત્રજન્ય જ્ઞાનથી આત્માની અનુભૂતિ નથી થતી. સંશય ને ભ્રાંતિની સંપૂર્ણ નિવૃત્તિ કેવળ અનુભૂતિથી જ થઈ શકે છે, સેંકડો શાસ્ત્રોથી પણ નહિ. (શ્લોક ૯૧૦)

શ્રદ્ધાવાન પુરૂષના સંશય તથા વિપર્યયને શાસ્ત્ર દૂર કરી દે છે તો પણ શ્રદ્ધામાં ત્રુટિ પેદા થવાથી એમનો ફરીવાર ઉદય થાય છે. એ ઉભયનો મૂળ સહિત નાશ કેવળ સ્વરૂપના સ્વાનુભવથી જ થઈ શકે છે. એટલા માટે સ્વરૂપમાં સુપ્રતિષ્ઠિત થવું એ જ નિદિધ્યાસન છે. (શ્લોક ૧૧૧૨)

હે કુંડિનશ્રેષ્ઠ ! સ્વાભાવિક આત્મનિષ્ઠા થઈ જાય તો એ જ મુક્તિ છે, સર્વોચ્ચ સ્થિતિ છે અને સાક્ષાત્કાર પણ એને જ કહેવાય છે. (શ્લોક ૧૪)

સોળમાં અધ્યાયમાં ભક્તિની વિચારણા કરવામાં આવી છે :

આત્મા સૌને પ્રિય છે. આત્મા કરતાં અધિક કશું પ્રિય નથી હોતું. એમાં અખંડ તેલની ધારા સમાન પ્રીતિ તે જ ભક્તિ છે. (શ્લોક ૨)

તેલની ધારાની જેમ પરમાત્મામાં વહેનારી પ્રીતિ ઈચ્છા ના હોય તો પણ સાધકની બુદ્ધિને સ્વરૂપ તરફ લઈ જાય છે. (શ્લોક ૪)

ઈશ્વરના નામ અને રૂપની ભાવના કરીને ભક્ત એની મદદથી નામરૂપને જીતી લે છે અથવા એથી પર પહોંચી જાય છે. (શ્લોક ૭)

ભક્તિની પરિપૂર્ણતા થતાં એકવારનું શ્રવણ પણ પર્યાપ્ત થાય છે. એ પછી ભક્તિ પૂર્ણ જ્ઞાન પ્રદાન કરવામાં સમર્થ થાય છે. (શ્લોક ૮)

સત્તરમાં અધ્યાયમાં જ્ઞાન વિશે વિચારણા કરવામાં આવી છે :

આત્મજ્ઞાન પ્રતિદિન થોડું થોડું ક્રમવાર નથી મળતું પરંતુ અભ્યાસના પરિપાકરૂપે એકસાથે પૂર્ણપણે પ્રકટ થાય છે. (શ્લોક ૩)

હે વિદ્વાન, અંદર જનારી બુદ્ધિ જો ફરી બહાર જતી હોય તો એને અભ્યાસ કહેવાય છે. જ્ઞાન તો સ્થાયી અનુભૂતિને જ કહેવામાં આવે છે. (શ્લોક ૫)

પ્રારબ્ધને અનુસરીને કરાતી દેહ તથા ઈન્દ્રિયોની પ્રવૃત્તિ પરથી બીજા લોકો જ્ઞાનની ભૂમિકાઓની કલ્પના કરે છે કિન્તુ મૂળભૂત રીતે એમનામાં કશો ભેદ નથી હોતો. (શ્લોક ૮)

અઢારમા અંતિમ અધ્યાયમાં આરંભના ચોવીસ શ્લોકોમાં મહર્ષિનો મહિમા ગાવામાં આવ્યો છે. એ મહિમાયુક્ત ગુણાનુવાદના શ્લોકો ખૂબ જ ભાવમય ને સુંદર છે.

શ્રી ગણપતિ શાસ્ત્રીએ રચેલા મહર્ષિની પ્રશસ્તિના એ ચોવીસ શ્લોકોમાં એમના અસાધારણ અનુરાગપૂર્ણ અંતરનો પડઘો પડે છે. એ શ્લોકો વારંવાર વાંચવા, ગાવા તથા સમજવા જેવા છે. એમાંથી થોડાકનો આસ્વાદ લેવાનું અસ્થાને નહિ લેખાય :

 

अखिल संशयवारणभाषणं

      भ्रम मदद्विरदाकुशवीक्षणम् ।

अविरतं परसौख्य धृतोद्यमं

      निजतनू विषयेष्व सालसम् ॥

 

જેમનું સંભાષણ સમસ્ત સંશયોને શમાવનારું છે, જેમની દૃષ્ટિ ભ્રમરૂપી મદવાળા હાથીને માટે અંકુશમાન છે, જે અવિરત બીજાને સુખશાંતિ આપવા ઉદ્યમ કરે છે ને પોતાના શરીરના વિષયો પ્રત્યે અતિશય ઉદાસીન છે. 

       

मृदुतमं वचने द्दशि शीतलं

      विकसितं वदने सरसीरुहे ।

मनसि शून्यमहः शशिसंनिभे

      हृदि लसन्तमनन्त इवारुणम् ॥

 

વચનમાં અત્યંત કોમળ, દૃષ્ટિમાં શીતળ, વદનમાં વિકસિત કમળ જેવા, મધ્યાહ્ ન ચંદ્રસમાન શૂન્ય મનના, આકાશમાં અરુણની પેઠે પોતાના હૃદયમાં પ્રકાશમાન

       

विगत मोहमलोभम भावनं

      शमितमत्सरमुत्सविनं सदा ।

भवमहोदधितारण कर्मणि

      प्रतिफलेन विनैव सदोद्यतमम् ॥

મોહ તથા લોભ અને લાલસારહિત, મત્સર વગરના, સદા ઉત્સવ કરનારા, કોઈ પણ પ્રકારના બદલાની ઈચ્છા વિના હમેશાં બીજાને સંસારસાગરમાંથી તારવા માટે તૈયાર રહેનારા

 

शक्ति मन्तमपि शांतिसंयुतं

      भक्तिमन्तमपि भेदवर्जितम् ।

वीतरागमपि लोकवत्सलं

      देवतांशमपि नम्रचेष्टितम् ॥૨૩

       

જે શક્તિમાન હોવા છતાં શાંત છે, ભક્ત છતાં ભેદરહિત છે, વીતરાગ હોવા છતાં સમસ્ત સૃષ્ટિ પર પ્રેમ રાખે છે, ને દેવાંશી છતાં નમ્રાતિનમ્ર વ્યવહારવાળા છે એવા મહર્ષિને વંદન કરીને પૂછવામાં આવે છે.

 

(શ્રી યોગેશ્વરજી કૃત 'રમણ મહર્ષિ : જીવન અને કાર્ય'માંથી)

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer