Raman Maharshi ni

 

'સુખદ સંનિધિમાં'

Gujarati translation of 'In days of Great Peace'

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 
   
< BACK

સુખદ સંનિધિમાં

NEXT >

. મનથી પારના પ્રદેશમાં

 

મન એટલા માટે જ માનવના બંધન અને મોક્ષનું કારણ છે. મન વાસનાથી સંપન્ન કે યુક્ત બને છે ત્યારે બંધનનું અને અજ્ઞાન, વાસના તથા અશુદ્ધિથી રહિત અથવા મુકત બને છે ત્યારે મોક્ષનું કારણ બને છે. મન એવી રીતે જીવનમાં ઘણો મહત્વનો ભાગ ભજવે છે.

- શ્રી આદ્ય શંકરાચાર્ય કૃત વિવેકચૂડામણિ, શ્લોક ૧૭૬નો ભાવાર્થ.

આશ્રમના મંદિરની આજુબાજુ પથ્થરની વિશાળ પરસાળ હતી. રાતના નવ વાગ્યા પછી આશ્રમનું જીવન લગભગ શાંત થઈ જતું અને મંદિરમાં પણ અંધારું ફરી વળતું. મહર્ષિ મંદિરથી કળાત્મક રીતે છૂટા પાડવામાં આવેલા હોલમાં સૂઈ રહેતા. એમની સાથે એમની સેવા માટે સદાય તૈયાર એકાદ-બે સેવકો પણ રહેતા. એમનું સ્વાસ્થ્ય ખૂબ જ કથળેલું હોવાથી એવી વ્યવસ્થા અત્યંત આવશ્યક થઈ પડેલી.

આશ્રમનાં આંગણામાં અને મંદિરની પરસાળમાં ચાંદની પથરાઈ ગઈ હોય ત્યારે રાતે કેટલીય વાર મારા ખંડમાંથી બહાર નીકળીને હું સ્વચ્છ અગાસી પર શાંતિપૂર્વક બેસતો. ભોજનાલયની બહારની કાચી ખુલ્લી જગ્યામાં કેટલાક આશ્રમની મુલાકાતે અથવા રમણ મહર્ષિના દર્શને આવેલા ગ્રામજનો સૂતેલા દેખાતા. સામે જ આશ્રમનું શાંતિપૂર્વક વિસ્તરેલું તળાવ દેખાતું.

એ પ્રશાંત, પવિત્ર, પ્રસન્ન વાતાવરણમાં મને ધ્યાન માટેનું સાનુકૂળ સ્થાન મળી રહેતું. મહર્ષિ સ્થૂળ રીતે મારાથી થોડેક જ દૂર છે એવી માહિતીને લીધે મારા વિચારો તથા ભાવો, સંકલ્પો અને વિકલ્પો વધારે વિશુદ્ધ તેમ જ ઉદાત્ત બનતા. રમણ મહર્ષિના પવિત્ર ચરણકમળમાં બેસીને મને જે કેટલીક મહત્વની વસ્તુઓ શીખવા મળી એમાં જે વસ્તુ વધારે મહત્વની લાગી એના પ્રત્યે અંગુલિનિર્દેશ કરવાનો તથા એને વિસ્તારથી આલેખવાનો પ્રયત્ન કરું તો એ અનુચિત અથવા અસ્થાને નહિ ગણાય.

ચારેક વર્ષ પહેલાં મેં રમણ મહર્ષિની સુખદ સંનિધિમાં પોલ બ્રન્ટને અનુભવેલી ભાવ સમાધિની અનોખી અવસ્થા વિશે વાંચ્યું ત્યારે હું ઊંડા વિચારમાં પડી ગયો. મને કશું સમજાયું નહીં. એમણે એ અનુભૂતિને વિચાર કરનારા મનથી અલગ કહી બતાવેલી. એ વાંચીને મને થયેલું કે કોઈ માનવ પોતાની મનોવૃત્તિથી અલગ અથવા સ્વતંત્ર કેવી રીતે થઈ શકે ?

હવે મને સ્વાનુભવથી સમજાયું કે એવું શક્ય છે.

મેં આગળ ઉપર કહી દીધું છે કે રમણાશ્રમમાં આવ્યા પછી મેં મારા પહેલાંના અભ્યાસને છોડી દીધેલો. એનું એક મુખ્ય મહત્વનું કારણ એ હતું કે મહર્ષિ સાથેના મહામૂલ્યવાન સમયનો સદુપયોગ જેટલી બને તેટલી સમજપૂર્વક કરવાનો મારો નિરધાર હતો. બીજો સાધનાત્મક અભ્યાસ તો આવશ્યકતા પ્રમાણે પાછળથી કરી શકાય તેમ હતો. પરંતુ મહર્ષિની સંનિધિમાં જે કાંઈ શીખવાનું મળી શકે તેમ હતું તેની સંભાવના પાછળથી બીજે ક્યાંયથી નહોતી લાગતી. પ્રસ્તુત પુસ્તકના ૨૩મા પ્રકરણમાં વર્ણવેલા પેલા નસીબવંતા ન્યારા અનુભવ પછી મને સમજાયું કે હું વિચાર કરવાના મુખ્ય સાધન જેવા મનથી અલગ થઈ શકું તેમ છું અને મારી ચેતનાનો અથવા મારા વાસ્તવિક વ્યક્તિત્વનો કદી નાશ નથી થઈ શકતો. મન વિચારરહિત બની ગયું હોવા છતાં જીવનનો પવિત્ર પ્રવાહ કોઈ પણ પ્રકારના વિક્ષેપ વિના વહી રહેલો. એના પરથી મારી પ્રતીતિ થઈ કે અહંભાવનો પ્રવાહ  વિચાર કરતાં સ્વતંત્ર છે અને તોપણ વિચારની પ્રત્યેક પ્રક્રિયાનો પ્રાદુર્ભાવ એની અંદરથી અથવા એને લીધે જ થતો હોય છે.

રમણ મહર્ષિની સુખદ સંનિધિમાં સાંપડતી કેટલીક ઉચ્ચ કોટિની સ્વાનુભૂતિઓમાંની એ એક હતી.

વરસો પહેલાં મને સૂચવવામાં આવ્યું કે મનને જ્યાં સુધી સંપૂર્ણપણે શાંત કરવામાં નથી આવતું ત્યાં સુધી પ્રકાશનું કિરણ નથી મળતું. તે પછીથી મેં કાંઈક વેદના અને અચોક્કસતાની લાગણી સાથે એ દિશામાં મારા અપાર પ્રયત્નો ચાલુ કર્યા. એ વખતે મારે માટે મનની પારનો પ્રદેશ અપરિચિત, ગુપ્ત અને શૂન્ય જેવો હતો. રમણ મહર્ષિની રહસ્યમયી મદદથી જેનું ભાન કે જ્ઞાન થયું તે આત્મચેતનાનો અનુભવ મારે માટે એ વખતે કોસો દૂર હતો. મનની સાથે કામ લેવાની પહેલાંની પદ્ધતિને પેલી ભયંકર પરિસ્થિતિ સાથે સરખાવી શકાય જે પરિસ્થિતિમાં એક વ્યક્તિ પાસે ખૂબ જ ગરમ થયેલી ઈલેક્ટ્રિક મોટર હોય છે અને એ મોટરને ઠંડી પાડવાની કે બંધ કરવાની સ્વીચની એને માહિતી નથી હોતી. સામાન્ય માનવ પણ જ્યારે ધારે ત્યારે પોતાના વિચાર કરવાના યંત્રને અથવા મનને રોકી શકે છે ખરો ?  માણસ જેના પર કાબૂ ના કરી શકે એવા યંત્રનો ઉપયોગ કરે છે ખરો ? માનવ જાતિ શું કરી રહી છે ?

આપણી પાસે મનની જે અતિશય સૂક્ષ્મ અને અગત્યની શક્તિ છે એનું નિયંત્રણ આત્મસાક્ષાત્કાર કરતાં પહેલાં કઠિન થઈ પડે છે. એની, એને શાંત કરવાની, સ્વીચની માહિતી બધાને નથી મળતી. એ મન આપણને મોટે ભાગે આડમાર્ગે લઈ જાય છે તથા ભ્રાંત બનાવે છે. પરંતુ આપણા વાસ્તવિક સ્વરૂપથી કશું અજ્ઞાત નથી હોતું. એના પવિત્ર અપાર્થિવ પ્રકાશનાં શરૂઆતનાં કિરણોની મદદથી મને એ રહસ્યમય સ્વીચ પર કાબુ મળ્યો. એને લીધે મારી શંકાશીલતા અને અનિશ્ચિતતાનો અંત આવ્યો.

*

મારી આંખ ઊઘડી એટલે મેં આશ્રમના જળાશયનું ચાંદનીચર્ચિત શ્વેત પાણી જોયું. મારી ઉપર અનંત આકાશમાં શ્વેતરંગી વાદળાં સરી રહેલાં. એમની પાછળથી વચ્ચે વચ્ચે ચંદ્ર પ્રકાશી રહેલો. મારા બહારના સ્થૂળ કર્ણ ધુવડના દૂરદૂરના શબ્દોને સાંભળવા લાગ્યા. પરંતુ એ બધું મારી આત્મચેતનાની બહાર હતું. મને ખબર હતી કે મારી સ્થૂળ કાયા બાહ્ય જગતના સંપર્કમાં હોવા છતાં અંદરખાને તો એમાં સાચા અહંનું શાંત વર્ચસ્વ હતું. એ નીરવતા અથવા શાંતિના બદલામાં મને કોઈ વિશ્વનો વૈભવ આપે તો પણ હું ના સ્વીકારું. ઈન્દ્રિયોની દુનિયા ડોલી ઊઠે છે તો પણ એનો પાયો અક્ષય રહે છે એની મને માહિતી હતી. એ શાંતિ અપેક્ષારહિત હતી. સૌથી સ્વતંત્ર હતી. એ મારી આત્મચેતનામાં અવતરવા લાગી એટલે હું જેને મારું માનતો હતો તેનો અંત આવ્યો. એ આત્મ-ચેતનાને અવલોકવાનું કાર્ય એકદમ અશકય લાગ્યું, કારણ કે એ અવસ્થામાં એના સિવાય બીજાનું અસ્તિત્વ નહોતું દેખાતું.

એ અલૌકિક અવસ્થાને વર્ણવવા અથવા આલેખવા માટે અવારનવાર ડૂબવા અથવા અવગાહન કરવા જેવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે એ પ્રયોગ બરાબર નથી લાગતો, કારણ કે એ શબ્દપ્રયોગ કોઈક જુદી વસ્તુનો અને કોઇક અજ્ઞાત વસ્તુમાં પ્રવેશનો નિર્દેશ કરે છે. પરંતુ સાધકને થતો સ્વાનુભવ છેક જ જુદો હોય છે. સાધક એ વખતે શાંતિસ્વરૂપ જ હોય છે અને બીજું કશું નથી હોતો. એનાં બધાં જ આવરણ હઠી જાય છે અને કેવળ સારતત્વ શેષ રહે છે.

 

(શ્રી યોગેશ્વરજી કૃત 'રમણ મહર્ષિની સુખદ સંનિધિમાં'થી)

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer