મારી અંદર
એક અનોખી અવસ્થાનો વિકાસ થવા લાગ્યો. મેં મૌની સાધુ (લેખક) પ્રત્યે એક પદાર્થ
તરીકે જોવા માંડ્યું. એ બહારનું આવરણ કોઈ રીતે એટલું બધું અગત્યનું નહોતું
લાગતું. એ બેસતા, શ્વાસ લેતા અને એમની નસોમાં લોહી વહેતું. મનની આસપાસ
ભાતભાતના વિચારો તથા ભાવો ભમતા રહેતા-જેવી રીતે મધપૂડામાં પ્રવેશવા માટે
મધમાખીઓ કોશિશ કરે તેવી રીતે-પરંતુ નિસ્તબ્ધતા અથવા શાંતિને લીધે એમનું
આક્રમણ સફળ નહોતું બનતું.
મને ખબર હતી
કે મારી સાધનાની હવે પછીની ભૂમિકામાં હું બહારના દૃશ્ય જગતનું વિસ્મરણ કરી
બેસીશ. થોડાક મહિના પહેલાં એવા વિસ્મરણને લીધે મારી અંદર વહેતી ચેતનાનો અથવા
જીવનશક્તિનો અનુભવ કરવાનું મારે માટે અશક્ય બનેલું. પરંતુ હવે તો પરિસ્થિતિ
જુદી હતી. મને માહિતી હતી કે મારી અંદરની ચેતનાના પ્રવાહના ભાનને મારાથી
વધારે વખત માટે ભૂલી શકાય તેમ નહોતું.
બધું જ પસાર
થવાનું છે ને પસાર થઈ રહ્યું છે પરંતુ મારું અસ્તિત્વ છે અને રહેશે. હું નામ
તથા રૂપથી રહિત છું. દૃષ્ટા છું. હું છું. અસ્તિત્વ ધરાવું છું. એ અવસ્થા કોઈ
પણ પ્રકારના વિશિષ્ટ પ્રયત્ન વિના અનાયાસે જ અનુભવાય છે છતાં પણ મારે મારી
બુદ્ધિની મદદથી એને માટે પ્રખર પ્રયત્ન કરવો પડ્યો. અત્યાર સુધીની મારી
અવસ્થાને વિચારતાં ચેતનાના એ અવનવા અજ્ઞાત પ્રવાહોની શક્તિને ઝીલવાનું કામ
મારે માટે કઠિન હતું. એ પ્રવાહોમાં મારાથી સદાને માટે કેમ નહોતું રહેવાતું તે
મને સમજાયું. મારું બાહ્ય સ્વરૂપ અને ખાસ કરીને મારું મસ્તિષ્ક એને સહન કરવા
માટે તૈયાર નહોતું.
એટલા માટે
પરમ શાંતિના એ પ્રદેશમાંથી પાછા ફરવું પડ્યું. તો પણ એની આછીપાતળી અધૂરી
સ્મૃતિનો લોપ ના થઈ શક્યો. આત્મશક્તિના એ પ્રવાહની અને એની મનથી પારના
પ્રદેશની અનુભૂતિની એ સુખદ સબળ સ્મૃતિને લીધે જ એ અવસ્થાનું અક્ષરદેહમાં
આલેખન કરવાનું શક્ય બની શક્યું છે. એના વિના એનું વર્ણન કરવાનું કામ કઠિન
થાત. એને સંપૂર્ણપણે વર્ણવવાનું કાર્ય કઠિન હોવા છતાં પણ મન હું નથી એવા
જ્ઞાનને લીધે મને એને વર્ણવવાનું પરિબળ પ્રાપ્ત થાય છે. સાદી સરળ ભાષામાં
કહું તો, મારી વિચારશક્તિને બંધ થવાનો આદેશ આપું તો, અને વિચારશક્તિને બંધ
પડેલી જોઉં તો, જે એવો આદેશ આપે છે તે હું છું. એવી રીતે એ સમસ્યાનો ઉકેલ આવે
છે.
એ પછીના
દિવસોમાં રાત્રી દરમિયાન નિદ્રાવસ્થામાં મેં મારા સ્વરૂપને શોધવાનો પ્રયાસ
કર્યો. મને સમજાયું કે જાગૃતિ દશામાં કરાતા પ્રયાસ કરતાં મારો એ પ્રયાસ વધારે
કષ્ટસાધ્ય કે કપરો હતો. કારણ કે જાગૃતિ દિશામાં તો હું શરીર તથા મસ્તિષ્કથી
સ્વતંત્ર રીતે મારા મન પર કાબૂ કરી શકતો. નિદ્રામાં તો મારા સ્થૂળ શરીરની અને
મનની અવસ્થા જુદી જ થઈ જતી. એ અવસ્થા પર મારો અધિકાર નહોતો. એ વખતે મારાથી
કોઈ અનુમાન નહોતું કરી શકાતું કે મારા મનોરથની સિદ્ધિ કેવી રીતે કરી શકાશે.
પરંતુ કેટલીક વાર જાગ્યા પછી મને પ્રતીતિ થતી કે નિદ્રાવસ્થા દરમિયાન મારું
અહં પૂર્ણપણે વિલીન નથી થતું. મારી અંતઃપ્રેરણા અથવા આત્માના શાંત અવાજ
દ્વારા મને સૂચવવામાં આવતું કે એનું નિરાકરણ સુયોગ્ય સમયે થઈ રહેશે. એટલા
માટે એ દિશામા અકાળે ઉતાવળ કરવાનો કશો અર્થ નહોતો.
*
એ પછી એક
અવસ્થા એવી આવી જ્યારે હું હોલથી દૂર રહેતો ને મહર્ષિને નહોતો જોતો ત્યારે પણ
એમની હાજરીનો અનુભવ કરતો. એ કેવી રીતે શક્ય બન્યું
?
મનની શાંત દશા દરમિયાન મેં એના રહસ્યને શોધવાનો પ્રયત્ન કરી જોયો. એ દશામાં
મને પ્રકાશનું કિરણ લાધે તેવી રીતે સત્ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ. મારા ગુરુદેવ
રમણ મહર્ષિ - જેને હું મંદિરના કોચ પર દરરોજ વિરાજમાન જોતો તે શરીર ન હતા. એ
તો જેની અંદર હું મારો સાક્ષાત્કાર કરી રહેલો તે નીરવતા અથવા શાંતિ પોતે હતા.
એ અનુભવજન્ય જ્ઞાનથી મને સત્વર શાંતિ સાંપડી, કારણ કે એ જ્ઞાન મગજનું નહોતું.
એ સ્વયં સત્ય હતું.
સત્યના
વર્ણનથી કોઈ વિશેષ હેતુ નથી સરતો. એવા વર્ણનથી કોઈ મહત્વની મદદ નથી મળતી.
સત્ય જીવાવું જોઈએ અને અનુભવાવું જોઈએ. એટલા માટે જેમણે સ્વયં સત્યનો
સાક્ષાત્કાર કરવાને બદલે માનસિક ખ્યાલો તથા માન્યતાઓના આધાર પર પુસ્તકોની
રચના કરી છે એવા લેખકોનાં પુસ્તકોમાં મને રસ ના પડ્યો. એવાં પુસ્તકો મને
નિર્જીવ અને નકામાં લાગ્યાં.
સત્ય જીવન
છે. સત્યને અને જીવનને કદી પણ છૂટાં પાડી શકાય નહીં. મને સ્પષ્ટ રીતે સમજાયું
કે જ્યાં જીવન નથી ત્યાં સત્ય પણ નથી હોઈ શકતું. એટલા માટે જ મેં મારા જૂના
સન્મિત્રો સમાં પુસ્તકોને છેવટની સલામ ભરી. એ મને અધિક મદદ નહોતાં કરવાનાં.
સાચા સ્વાનુભવથી સંપન્ન થોડાંક વિશિષ્ટ પુસ્તકો મારા સ્મૃતિપટ પર સચવાઈ
રહ્યાં. એ પુસ્તકો દ્વારા મારા સ્વાનુભવને સમર્થન મળવાથી, મેં મારી
નોંધપોથીમાં એમના પ્રત્યેની કૃતજ્ઞતાને પ્રકટ કરવા, એમનાં કેટલાંક અવતરણોને
ટાંક્યા પણ ખરાં. એ અવતરણોએ મને સુયોગ્ય સમયે સહાયતા પહોંચાડી છે તેમ બીજા
વાચકને પણ સહાયતા પહોંચાડી શકશે.
મધરાતના
સમયે મેં મારા ઓરડામાં પ્રવેશ કર્યો ત્યારે આશ્રમના પ્રાંગણના અંધારા પંથ પર
એક બિલાડી મારી પ્રતીક્ષા કરી રહેલી. હું એને નિયમિત રીતે મોટે ભાગે દૂધ-ભાત
ખવડાવતો તથા એના સફેદ રુંવાંટીવાળા શરીરે હાથ ફેરવતો. બીજાને જોઈને એ બિલાડી
દૂર દોડી જતી પરંતુ ફકત મારી સાથે જ એણે એવી આત્મીયતા કેળવેલી. પોતાની
કૃતજ્ઞતાને વ્યકત કરતાં એ મારા ઓરડાને ધ્યાનપૂર્વક તપાસતી અને રાતે મારી
આજુબાજુ અવારનવાર આવતા અણગમતા કરોળિયાઓનો નાશ નોતરતી. એવી રીતે અમારી વચ્ચે
સારી સંગીન મિત્રતા થયેલી.