શ્રી યોગેશ્વરજી રચિત

 

કાવ્યપુષ્પો

 

ગીતો, કવિતાઓ, બાળગીતો તથા માતૃઅંજલિ કાવ્યો

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

કાલી મંદિરમાં
     
   
< BACK

ગાંધી ગૌરવ

NEXT >

       

કાલીમંદિરમાં ગાંધી પ્રવેશ્યા પ્રેમભાવથી
દિવ્યદર્શનની આશે કિન્તુ નૈરાશ્ય સાંપડ્યું,
બલિદાન તણાં ભેળાં બકરાં માર્ગમાં મળ્યા
નિહાળી મંદિરે ધારા રક્તની એમની અહા,

કાળજું ક્લેશથી કંપ્યું દિલદર્દ વધી ગયું,
રોમરોમ રડી ઊઠ્યાં, ચિત્ત ઉદ્વિગ્ન શું થયું.

માંગ્લયમૂર્તિ જગની જનની જણાયે
કારુણ્યમાર્દવ તણી પ્રતિમા અનેરી
હિંસા પંસદ ન કરે કદી સ્વપ્નમાં તે
પાવિત્ર્યથી સભર પ્રેમમયી ન ચાહે

આરાધના મલિન શોણિતથી છલેલી,
માગે નહીં પશુતણું બલિદાન દેવી.
અજ્ઞાનની પિશુનતા મમતા અહંની
દેવી ઘટે ચરણમાં બલિ નિત્ય એના;

એથી અનુગ્રહ કરી કરુણા વહાવે;
દેહાત્મભાવ પશુ અર્પિત જે કરી દે
પ્રેમાર્દ્ર અંતર થકી પદપંકજોમાં
સાર્થક્ય તે પરમ જીવનનું લભી લે.

પ્રાણ પીડિત પોકારી ઊઠ્યો હિંસા વિલોકતાં :
ધર્મ કે ભક્તિના નામે હિંસા આવી ઘટે નહીં;
નથી આ ધર્મ અજ્ઞોનો અતિઘોર અધર્મ હા,
બનતાં જીવહત્યાથી દેવદેવી પ્રસન્ન ના.

તથાગત તણી આવી ઘટના યાદ એમને
પરંતુ એટલી શક્તિ સમર્પણ તણી શકી
પ્રકટી નવ આત્મામાં એટલે પ્રાર્થના મહીં
વહાવી ઊર્મિ હૈયાની ચાલ્યા મંદિરદ્વારથી.

નિર્દોષ આત્મનાં એવાં અપાતાં બલિદાન કૈં
આજેય ધર્મને નામે લૂંટશોષણ પાપનાં
તાંડવો કપરાં ચાલે અનર્થોની પરંપરા,
શમાવો જગદંબા, એ કરો શુદ્ધ વસુંધરા !

શ્રી યોગેશ્વરજી

-------

( શ્રી યોગેશ્વરજી કૃત 'ગાંધી ગૌરવ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer