શ્રી યોગેશ્વરજી રચિત

 

કાવ્યપુષ્પો

 

ગીતો, કવિતાઓ, બાળગીતો તથા માતૃઅંજલિ કાવ્યો

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

કસ્તૂરબાનો સાથ
     
   
< BACK

ગાંધી ગૌરવ

NEXT >

       

તારાં નેત્રો મદભર વળી ચંદ્રમાથીય ચારુ,
કેવું દીસે વદનકમળે સ્વર્ગ વૈકુંઠ ન્યારું;
વાણી કેવી મધુર મધુ શી શ્રી વળી અંગ કેરી
સ્પર્શે તારો સુખમય, ધરે સંગ સંજીવની શી !

દૃષ્ટિ મીઠી મધુમય વળી હાસ્ય ને પ્રેમવૃષ્ટિ,
મીઠું કેવું ચલન, સુખદા છેક સૌન્દર્યસૃષ્ટિ;
આનંદે આ અણુ અણુ ભર્યું દેહનું દિવ્ય તારું,
શું ના તારું મધુર, મધુતામૂર્તિ તું કોક ચારું.

મીઠાં સ્વપ્નો સ્મરણ મનનો મિષ્ટ તારાં સદાયે,
સાન્નિધ્યે છે સુખદ વિરહે પ્રેમપીયૂષ પાયે;
કૈવલ્યોથી વધુ સુખ ધરે કલ્પનામાંય ન્યારું,
શું ના તારું સુખદ, સુખને છાય તારી નિહાળું.

મીઠી કેવી સુભગ ક્ષણ એ આપણા આત્મ બેના
આ યાત્રામાં સુખદ ઠરવાને પુનર્યોગ પામ્યા;
આશંકા ના, ભય નવ, નહીં વેદનાયે કશીયે,
શું ના તારું મધુર, મધુયાત્રા થશે આ બધીયે.
*
યુવાનીમાં એવા વિવિધ પ્રકટે ભાવ મનમાં,
થયા ગાંધીનાયે મન પ્રકટ એ ભાવ ક્ષણમાં;
છતાં બંને એથી ભ્રમિતમન મોહાંધ ન થયા,
વિવેકીનાં હૈયાં કદી પણ તમિસ્ત્રે ભર રહ્યાં ?

સુસંસ્કારી બંને પદપદ રહ્યાં જાગ્રત ઘણાં,
વિસારી આદર્શો નવ કદી શક્યાં જીવન તણા,
રહ્યાં બંને કેરાં હૃદય સુખસંવાદ ધરતાં,
ધરે વીણા જેવા સુસ્વર સઘળા તાર મળતાં.

ગાંધી બોલ્યા પુનિત દિવસે એક કે દેહ કેરી
મારી માયા મધુર મમતા વાસનાને અનેરી,
શ્વાસોશ્વાસે સુમિરન તથા લોકસેવા કરીએ,
વર્ષો વીત્યાં બહુ વિષયમાં મિત્ર સાચાં બનીએ.
*
કસ્તૂરબાના સહકારથી એ
પાવિત્ર્યની પૂર્ણ કરી પ્રતિજ્ઞા;
સંક્રાન્તિનો એ દિન જિંદગીનો
થઈ રહ્યો પ્રેરક ભાવભીનો.

ચહો તમે તો મુજ સાથમાં રહો,
વસો ગમે ત્યાં સુખશાંતિથી કે;
સેવાપથે સંકટ છે અસંખ્ય,
થવું પડે કોદીક તો ફનાયે.

એવું સુણી કસ્તૂરબા વદ્યાં કે
સેવા મને દેશ તણી ગમે છે,
કંગાળ કે ક્લેશભર્યા જનોની
સમીપ મારું મનડું રમે છે.

સેવાપથે સંકટ ઘોર આવે
સમર્પવું સર્વ પડે છતાંયે
રહીશ સાથે જ સદા તમારી,
મૂકે નહીં મંદિરને પૂજારી.

દિવસને તજી રાત ક્યાં રહે,
સુમનને તજીને સુવાસ ક્યાં ?
વિધુ વિના રહે ચાંદની નહીં,
સરિત ક્યાં સરે સિંધુના વિના ?

શરણ વૃક્ષનું વલ્લરી તજે ?
પરમ તાપને છાંય ના ભજે ?
કિરણ સૂર્યને ક્યાં તજી ઠરે ?
વિધુ ધરા વિના ક્યાં કહો ફરે ?
*
તમારા સાન્નિધ્યે સુખપ્રદ થશે કષ્ટ સઘળાં
અનેરી શી સાર્થ મધુમય ક્ષણો જીવન તણી;
રહેવું સ્વર્ગે કે નરગ જગમાં જ્યાં પણ થશે
તમારા સંસર્ગે ત્રિભુવન જશે મંગલ બની.

સમર્પ્યું મારું મેં સકળ ચરણોમાં સુખદ આ,
રહી આત્મા કેરી અભિરુચિ વિયોગે નવ જરા;
નથી કોઈ તૃષ્ણા અવર સુખ-આશા મન મહીં,
તમારી છાયામાં સુખ સહુ ગયું શાશ્વત મળી.
*

જીવું તોય તમારી સાથે, મરણ તમારી છાંયે હો,
વિલગ થવું ના ગમે ઘડીયે વરસે લાખ વિપત્તિ છો !
જનતા મહીં જનાર્દન જોઈ શૂશ્રૂષા સ્નેહે કરવી,
તમને સેવીને એ સાથે પગલી જીવનમાં ભરવી.

ધન્ય ધન્ય એ સેવાવ્રતનાં ગ્રહનારાં કસ્તૂરબાને,
દેશ એમનો સમસ્ત વસુધા થાય સમુન્નત ના શાને ?
સેવાવ્રતધારી નિસ્વાર્થી સન્નારી પ્રકટે દેશે
બદ્ધ દેશ તે રહી શકે ના સુદીર્ઘકાળ લગી ક્લેશે.
*
તજી દીધી ભાર્યા પરમસુખ કે શ્રેય લભવા
અનેકોને કિન્તુ વિરલ ઘટના આ જગતની,
રહી સાથે બંને સતત જનસેવારત બન્યાં,
મનુષ્યોને માટે અમૃતરૂપ જ્યોતિર્મય થયાં.

ન વર્ષાવે પુષ્પો અમર મુનિયોગીન્દ્ર ક્યમ એ
અનોખા આત્માપે, નવ કવિ પ્રશસ્તિ ક્યમ કરે ?
યુગો વીતે તોયે સુખદ સ્મૃતિઓ ઉચ્ચ જનની
વિલાયે શે, કાળે કૃતિ અમર ના આત્મની હરે.
*
સૌભાગ્ય પામી ન શકી યશોધરા
રત્નાવલી વિષ્ણુપ્રિયા વળી જે
કસ્તૂરબાને પરિપૂર્ણ સાંપડ્યું
સામીપ્ય આજીવન નાથનું એ.

પુરાણ કોઈ ઋષિસ્ત્રી સમાન,
અર્ધાંગિની ઉચ્ચ યથાર્થનામા,
સેવી રહ્યાં એ સુખદુઃખદ્વંદ્વે
પ્રશાંતિથી રાષ્ટ્રતણા પિતાને.

શ્રી યોગેશ્વરજી

-------

( શ્રી યોગેશ્વરજી કૃત 'ગાંધી ગૌરવ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer