શ્રી યોગેશ્વરજી રચિત

 

કાવ્યપુષ્પો

 

ગીતો, કવિતાઓ, બાળગીતો તથા માતૃઅંજલિ કાવ્યો

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

પંદરમી ઓગષ્ટ
     
   
< BACK

ગાંધી ગૌરવ

NEXT >

       

પંદરમી ઓગષ્ટ અનોખી ઓગણીસસો સુડતાલીસ,
સ્વાતંત્ર્ય મળ્યું ભારતને ને અનુકૂળ બન્યા જાણે ઈશ.
અસ્ત થઈ પરદેશી સત્તા ચમત્કાર અણમોલ થયો,
યુગો પછી દેવોના દેશે પ્રકટી મુક્તિસૂર્ય રહ્યો.

ઉલ્લાસે ભર જનતા સઘળી ઉત્સવ કરવાને લાગી,
અભિનવ અભિલાષાસ્વર છોડી સિતાર જનમનની વાગી.
યુગોયુગ લગી અમર રહો એ પંદરમી ઓગષ્ટ મહા,
સ્વાતંત્ર્ય રહો શાશ્વત તારું ભારત, પ્રકટો પૂર્ણ પ્રભા !

રહ્યો વસવસો કોઈ જનને સ્વતંત્રતા ના પૂર્ણ મળી,
અસ્તાચળ પર સૂર્ય પહોંચ્યો ધરતીને વિષછાંય ધરી.
ખંડિત કાયા થઈ દેશની ભેદભરી વીણા વાગી,
પ્રજાજનોએ સ્વપ્ને પણ ના આવી આઝાદી માગી.
*
ભૂલ ભારે, વદ્યા કોઈ સ્વીકારી ભાગલા કરી
દેશનેતા તણાં ચિત્ત અંતકાળ ગયાં ફરી.
સ્વતંત્રતા તણી સીતા વિદેશી પાસથી મળી
કિન્તુ અગ્નિપરીક્ષાને શકી ના જીરવી જરી.
અથવા વિધિનિર્ધાર્યું જે હશે તે બની ગયું
એવા મનનમાં મગ્ન મન કોઈકનું થયું.
*
ભાગલા થયા ભારતના પણ સંસ્કૃતિ અખંડ એક જ છે,
આત્મા કેમ શકે ભંગાઈ ? અવિભાજ્ય અવિનાશી એ.
એક જ રક્ત વહે છે સૌમાં એક જ જનનીનાં સૌ બાળ,
અલગ થવાથી જુદાં થાય ના પાણી જેમ કર્યાથી પાળ.

છત્ર હિમાલય સૌ પર ઢાળે ગાય જલધિ સંગીત રસાળ,
ભૌગોલિકતા મટે નહીં એ કર્યે વિભાજન બાહ્ય હજાર.
અમર રહો પંદરમી રેલો સંપ સ્નેહ સહકાર હવા,
પ્રેરિત કરો સદા માનવને રાષ્ટ્રકાજ કુરબાન થવા.

ભેદભાવની દીવાલ તૂટો મટો વેર મમતા જડતા;
પ્રાણ ધરો સૌરભ સર્વતણા દર્દ દૈન્યપંકે સડતા.

શ્રી યોગેશ્વરજી

-------

( શ્રી યોગેશ્વરજી કૃત 'ગાંધી ગૌરવ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer