શ્રી યોગેશ્વરજી રચિત

 

કાવ્યપુષ્પો

 

ગીતો, કવિતાઓ, બાળગીતો તથા માતૃઅંજલિ કાવ્યો

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

શ્રદ્ધાવાણી
     
   
< BACK

ગાંધી ગૌરવ

NEXT >

       

હતાશ નવ થાય જે વિપદવહ્નિથી ના ડરે
પ્રચંડ પ્રતિકૂળતા નીરખતાં રડે ના ચળે,
રહે સતત કાપતા પથ અસીમ ધૈર્યે સદા,
વરે વિજયને બને સફળ એ પ્રવાસી કદા.
 

ધૈર્ય હિંમત ઉત્સાહે શ્રદ્ધાથી ચાલવું રહ્યું,
પુરુષાર્થ થકી કૈંયે અશક્ય ના જગે કહ્યું.
સ્વતંત્રતા તણી સાચી ભાવના અધૂરી રહી,
ગાંધીની કલ્પના રાષ્ટ્રે મૂર્તિમંત બની નહીં.


સંક્રાન્તિકાળ યાત્રાનો જતો સત્વર આ વહી
પ્રવેશશે રસે ભીની સ્વર્ણકાળ મહી મહીં;
ભેદીને અભ્રને ઘોર સૂર્ય પૂર્ણ પ્રકાશતો
વિખેરી તેમ વિઘ્નોને સુખી દેશ દીસે થતો.

લેશ સંશય ના એમાં, ઈશ્વરી ક્રમ એ જ છે,
વિધાન વિધિનું એવું, ફળશે સ્વયમેવ એ.
એ જ ધ્યેયદિશામાં આ ક્રમથી દેશ જાય છે,
અહર્નિશ વળી ટૂંકુ દીર્ઘ અંતર થાય છે.

વિશ્વમાં પણ અંતે તો શાંતિનાં જ બળો થશે
વિજયી, સંપમુક્તિની સિતારી વાગતી હશે.
શાંતિની ઝંખના સૌની સ્વપ્નાં માનવનાં વળી
બલિદાન પ્રયાસો રહેશે આખરે ફળી.

જયકાર થશે અંતે વિશ્વે માનવતા તણો,
ધરિત્રીઅંતરે મીઠાં વહેશે હર્ષનિર્ઝરો.
ઊષા ઉગી ગઈ એની, નિરાશા ના હવે કશી,
તમિસ્ત્રથર તોડીને રહેશે સવિતા હસી.

*

અંધારના થર ચતુર્દિશ સ્વાર્થસ્પર્ધા
સંઘર્ષનાં કટુ નિશાન ભલે જણાય,
એકાદ વિપ્લવ વિનાશક થાય તોયે
આત્મા નહીં મધુર માનવનો હણાય.

 

ગાંધી ગયા પણ વિશિષ્ટ વળી પધારી
બીજા મહાપુરુષ વિશ્વ મહીં રહેશે,
રેલી પ્રકાશ પથ મંગલનો બતાવી
મંત્રો મહાન જનને સુખના કહેશે.

શ્રી યોગેશ્વરજી

-------

( શ્રી યોગેશ્વરજી કૃત 'ગાંધી ગૌરવ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer