|
Bal Gangadhar Tilak,
popularly known as Lokmanya Tilak had a great reverence for Mahabharat.
Expressing
his views about the importance of this epic, he wrote that 'Mahabharat
was poineer in providing inspiration to millions of Hindus including
great Sanskrit poet Kalidas. Incident of Mahabharat was extensively
used by war heros of Rajput kingdom. Even Bhagavad Gita, an imitable
source of knowledge and inspiration, is part of Mahabharat. It is a
high time to revive this ancient epic and use its lessons for the
unity of India. It has the capacity to bring about revolution in
people's mind and thoughts. Through the medium of schools, the stories
of Mahabharat should be taught to kids. Independence movement will get
a big thrust by its dissemination.'
|
|
એ મહાગ્રંથ વિશે શ્રી
લોકમાન્ય તિલક શું કહે છે તે જોઇએ. એ પંડિતપ્રવર મહાપુરુષ એની
ગુણવત્તાની અક્ષરદેહમાં અભિવ્યક્તિ કરતાં લખે છેઃ
"ઇતિહાસ અથવા તત્વજ્ઞાન
તરીકે અથવા પ્રાચીન શાસ્ત્રીય પરિભાષા મુજબ ઘર્મ, અર્થ, કામ ને મોક્ષ એ
ચારે પુરુષાર્થનું જ્ઞાન પ્રાપ્ત કરાવનાર તરીકે પણ આ ગ્રંથના જેટલાં વખાણ
કરીએ એટલાં ઓછા છે. ભારતભૂમિમાં ચારે તરફ જે હિંદુ સમાજ અથવા આર્યસમાજ
ફેલાયેલો છે તેના જીવાત્મા તરીકે આ ગ્રંથને ગણીએ તો તેમાં લેશ પણ
અતિશયોક્તિ નથી થતી. અમારામાંથી અનેક જાતના માણસો અનેક કારણોથી એનું
અધ્યાપન હજુ સુધી કરતા આવ્યા છે. કાલિદાસ જેવા કવિઓએ પોતાની અલૌકિક
કવિતાશક્તિને માટે જે કથાનકોને પ્રમાણભૂત ગણીને લીધાં છે તેમાંનાં પણ
કેટલાંક કથાનકો આ રત્નનિધિમાંનાં જ છે. ઉત્તર ભારતના ભાટોએ રજપૂતાનાના
રજપૂત વીરોની વીરતાને પાનો ચઢાવવા માટે આ જ ત્ર્યૈલોક્યચિંતામણિ મહાભારતનો
ઉપયોગ કર્યો છે. અને અર્વાચીન ધર્મશાસ્ત્રકારોએ તથા રાજનીતિજ્ઞોએ પણ ધર્મ,
નીતિ અને વ્યવહારનાં લોકોપયોગી પ્રમાણો તથા વચનો આ સર્વપયોગી ભંડારમાંથી
જ ઉદધૃત કરેલાં છે. તત્વજ્ઞાન તરફ જોઇએ તો એને માટે પણ બરાબર એ જ ન્યાય
લાગુ પડે છે. એટલે કે આ ગ્રંથને પાંચમો વેદ કહેવામાં આવે છે તે યોગ્ય જ
છે. વ્યાસે પોતે જ આ ગ્રંથ વિશે કહ્યું છે કે જે આની અંદર છે તે જ બધા
સાહિત્યમાં છે અને જે આની અંદર નથી તે ક્યાંય નથી, તે યોગ્ય જ છે. એમનું
એ કથન કાંઇ અતિશયોક્તિભર્યું નથી. ભારતવર્ષમાં નાનાં બાળકોનાં કોમળ
ચિત્તથી માંડીને અનુભવોથી ઘડાયેલા કે પાકટ બનેલા વૃદ્ધો સુધી સૌ કોઇ પર
જે ગ્રંથે આજ સુધી સચોટ અસર ઊભી કરી છે, તેના કર્તાનાં બુદ્ધિવૈભવ,
પ્રતિભા તથા સામર્થ્ય કેટલાં અલૌકિક હોવાં જોઇએ તે વિશેષ કહી બતાવવાની
જરૂર નથી. તદન અર્વાચીન કાળમાં, અર્થાત્ શ્રી શિવાજી મહારાજના સમયમાં જે
દેશોન્નતિ, રાષ્ટ્રોન્નતિ થયેલી, એમાં પણ એ જ ગ્રંથ કારણભૂત થયેલો છે.
પેશ્વાઇમાં પણ ધર્મ, વ્યવહાર ને રાજનીતિ શીખવવામાં અમારા મહારાષ્ટ્ર
પ્રાંત તરફ એ જ ગ્રંથનો ઉપયોગ કરવામાં આવેલો. ધર્મવિષયમાં સર્વસામાન્ય થઇ
ચૂકેલી શ્રીમદ્ ભગવદ્ ગીતા પણ મૂળ તો મહાભારતમાંની જ છે ને ? બારમી સદીના
અરસામાં જે ધર્મજાગૃતિ થયેલી તેમાં પણ તેનું જ ભાષાંતર કારણભૂત થયું હતું.
આથી રહી શકાય છે કે ભારતવર્ષમાં ઉન્નત પુરુષાર્થનાં બીજ હમેશાં કાયમ રાખી,
પ્રસંગાનુસાર તે બીજોમાંથી યોગ્ય અંકુર ઉત્પન્ન કરવાની બાબતમાં આ મહાભારત
નામક રાષ્ટ્રીય ગ્રંથ જ સંસ્કૃત અથવા પ્રાકૃત ભાષાંતર દ્વારા કારણભૂત થયો
છે."
"ભારત વર્ષમાં અત્યારે
જ્યારે એક તરફ રાષ્ટ્રીય એકતા પ્રાપ્ત કરવા માટે જેટલાં પણ સાધન મળી આવે
એટલાં ખોળી કાઢવાને તત્પર છીએ, ત્યારે બીજી તરફ અત્યંત અફસોસની વાત છે કે
જે રાષ્ટ્રીય ગ્રંથનો આજે સેંકડો હજારો વર્ષથી હિંદુઓ સમાજને સંગઠિત કરવા
પાછળ અત્યુત્તમ ઉપયોગ થતો આવેલો, એની આજના આપણા નવયુવાનો જ અવગણના કરી
રહ્યા છે. આવી સ્થિતિમાં આ તરફ કેટલાક સમયથી આ ગ્રંથના અનુવાદો તેમજ
સંક્ષિપ્ત ગદ્યપદ્ય ગ્રંથો એ જ હેતુથી પ્રસિદ્ધ થવા લાગ્યા છે કે જેથી
ઉપર્યુક્ત શોચનીય દશા કાંઇક અંશે દૂર થાય. પોતાના પૂર્વજોનાં વૈભવ, વીરતા,
ઉદાત્ત વિચાર તેમજ મહત્તા નવી પ્રજાના મનમાં યોગ્ય સમયે ઉતારાય : મહાભારત
જેવા રાષ્ટ્રીય ગ્રંથ પ્રત્યે એમના મનમાં આદરભાવ પેદા થાય : અને એ દ્વારા
એ પ્રજા પોતાનાં આચરણ સુધારીને દેશકલ્યાણ કરવાને તૈયાર થાય."
"તાત્પર્ય એ છે કે ઘણા
વિદ્વાન તથા દેશહિતૈષીઓનું ધ્યાન હવે આ તરફ દોરાયું છે કે સ્વરાજ્યના સમયે
નાનાં બાળકોને જેવી રીતે આ ગ્રંથની અને એમાંના પાત્રોની ઓળખાણ સહજમાં
કરાવાતી, તેવી રીતે આ સમયમાં પણ - અર્થાત્ જ્યારે સાર્વજનિક શિક્ષણ માટે
પાઠશાળાઓ સ્થપાઇ ચૂકી છે તેવા સમયમાં પણ, નાનાં બાળક સુધ્ધાંને આ ગ્રંથનો
સારી પેઠે પરિચય કરાવવો જોઇએ."
|