|
મહાભારતના શ્લોકોમાં
અગાઉ જણાવ્યા સિવાય બીજી રીતે પણ માહાત્મ્યનો નિર્દેશ કરવામાં આવ્યો
છે તે નિર્દેશ આ પ્રમાણે :
यत्र विष्णुकथा दिव्याः
श्रुतयश्र्च सनातना ।
तच्छ्रोतव्यं मनुष्येण परं
पदमिहेच्छता ॥
श्रूयतां
सिंहनादोङययमृषेस्तस्य महात्मनः ।
अष्टादृश पुराणानां
कर्तुर्वेदमहोदधेः ॥
જેમાં ભગવાન વિષ્ણુની દૈવી
કથાઓને વર્ણવવામાં આવી છે અને સનાતન શ્રુતિઓનું પ્રતિપાદન કરાયું છે તે
મહાભારતનું શ્રવણ આ લોકમાં જે મનુષ્ય પરમપદની ઇચ્છા રાખતો હોય તેણે કરવું
જોઇએ. અઢાર પુરાણોના રચયિતા જ્ઞાનના મહાસાગર સરખા મહર્ષિ વેદવ્યાસનો
સિંહનાદ સાંભળીને સદા મહાભારતનું શ્રવણ કરો.
धर्मशास्त्रमिदं
पुण्यमर्थशास्त्रमिदं परम ।
मोक्षशास्त्रमिदं प्रोकतं
व्यासेनामितबुद्धिना ॥
भारतं
सर्वशास्त्राणामुत्तमं भरतर्षभ ।
संप्रत्याचक्षते चेदं तथा
श्रोष्यन्ति चापरे ॥
અમાપ બુદ્ધિવાળા મહર્ષિ
વ્યાસે કહેલું આ મહાભારત પવિત્ર ધર્મશાસ્ત્ર છે, ઉત્તમ અર્થશાસ્ત્ર તથા
મોક્ષશાસ્ત્ર છે. હે ભરતશ્રેષ્ઠ, મહાભારત સર્વ શાસ્ત્રોમાં એવું ઉત્તમ
હોવાથી જ અત્યારે વિદ્વાનો એનો વાચન શ્રવણ લાભ લે છે અને ભવિષ્યમાં પણ
લેતા રહેશે. એને દેશકાળના બંધન નહીં નડે.
अनागतश्र्च मोक्षश्र्च
कृष्णद्वैपायन प्रभुः ।
संदर्भे भारतस्यास्य
कृतवान्धर्मकाम्यथा ॥
धर्मे चोर्थ च कामे च
मोक्षे च भरतर्षभ ।
यदिहास्ति तदन्यत्र
यन्नेहास्ति न कुत्रचित् ॥
દીર્ઘદૃષ્ટિવાળા
મોક્ષસ્વરૂપ મહર્ષિ વેદવ્યાસે આ મહાગ્રંથની રચના કેવળ ધર્મની કામનાથી
કરેલી છે. હે ભરતશ્રેષ્ઠ, ધર્મ અર્થ કામ તથા મોક્ષ એ ચતુર્વિધ પુરુષાર્થ
સંબંધમાં આ મહાભારતમાં જે કાંઇ કહ્યું છે તે જ બીજાં શાસ્ત્રોમાં કહેલું
છે. જે આમાં નથી કહ્યું તે બીજે ક્યાંય નથી કહ્યું.
एतत्पवित्रं
परममेतद्धर्मनिदर्शनम् ।
एतत्सर्वगुणोपेतं
श्रोतव्यं भूतिमिच्छता ॥
कायिकं वाचिकं चैव मनसा
समुपार्जितम् ।
तत्सर्वं नाशमायाति तमः
सूर्योदये यथा ॥
આ મહાભારત પરમપવિત્ર,
ધર્મને પ્રદર્શાવનારું, સર્વગુણસંપન્ન છે. કલ્યાણની આકાંક્ષાવાળા માનવે
એનું શ્રવણ કરવું. એના શ્રવણથી કાયિક, વાચિક, માનસિક સર્વ દોષો તથા અપરાધો
સૂર્યોદય થતાં અંધકાર નાશ પામે છે તેમ નાશ પામે છે.
यथा समुद्रो भगवान्यथा
मेरुर्महान गिरिः ।
उभौ ख्यातो रत्ननिधी तथा
भारतमुच्यते ॥
न तां स्वर्गगतिं प्राप्य
तपष्टिं प्राप्नोति मानवः ।
यां भुत्वैव
महापुण्यमितिहासमुपाश्नुते ॥
ઐશ્વર્યશાળી સમુદ્ર અને
મહાપર્વત મેરુ રત્નના ભંડાર તરીકે પ્રખ્યાત છે તેમ મહાભારત પણ રત્નનો
ભંડાર કહેવાય છે. મહાભારતના પરમપુણ્યશાળી ઇતિહાસના શ્રવણમનનથી જેવો સંતોષ
સાંપડે છે તેવો અસાધારણ સર્વોત્તમ સંતોષ સ્વર્ગની પ્રાપ્તિથી પણ નથી
સાંપડતો.
शरीरेण कृतं पापं वाचा च
मनसैव च ।
सर्वं संत्यजति क्षिप्रं
च इद शृणुयान्नरः ॥
भरतानां महज्जन्म
शृण्वतामनसूयताम् ।
नास्ति व्याधिलयं तेषां
परलोक भयं क्रुतः ॥
આ મહાભારતને સાંભળનાર
માનવ તન, મન તથા વાણીથી કરાતાં પાપકર્મોને તરત જ છોડી દે છે. જે માનવ
ઇર્ષારહિત બનીને ગુણગ્રાહકબુદ્ધિથી પ્રેરાઇને ભરતવંશીઓમાં મહાન ચરિત્રોને
સાંભળે છે તેને વ્યાધિનો ભય નથી રહેતો, તો પરલોકનો ભય તો હોય જ ક્યાંથી ?
इदं हि वेदैः समितिं
पवित्रमपि चोन्तमम् ।
श्राव्यं श्रुतिसिखं चैव
पावनं शीलवर्धनम् ॥
य इंद भारतं राजन्वाचकाय
प्रयच्छति ।
तेन सर्वामही दत्ता
भवेत्सागरमेखला ॥
આ મહાભારત વેદતુલ્ય છે,
ઉત્તમ પરમપવિત્ર, સાંભળવાયોગ્ય, કર્ણમધુર તથા શીલની અભિવૃદ્ધિ કરવાની
શક્તિવાળું છે. હે રાજન્, વાચનમનનની અભિરુચિવાળા માનવને જે આ મહાભારતનો
મહાગ્રંથ આપે છે તેણે સાગર સુધીની સમસ્ત પૃથ્વીને પ્રદાન કરી એવું સમજી
લેવું.
अष्टादृश पुराणानि
धर्मशास्त्राणि सर्वशः ।
वेदाः सांगास्तथैकत्र
भारतचैक्तः स्थितम् ॥
महत्त्वादभारवत्त्वाच्य
महाभारतमुच्यते ।
निरुत्तग्मस्य वो वेद
सर्वपापैः प्रमुच्यते ॥
એક તરફ અઢાર પુરાણો, સર્વ
ધર્મશાસ્ત્રો અને અંગો સહિત વેદો હોય તથા બીજી બાજુએ એકલું મહાભારત હોય
તોપણ તે બધાની બરાબરી કરી શકે છે. આ ગ્રંથ ખૂબ જ મહત્વવાળો અને
જ્ઞાનવિજ્ઞાનરૂપી અસાધારણ વજનવાળો હોવાથી મહાભારત તરીકે ઓળખાય છે. એના
રહસ્યને જાણનાર માનવ સર્વ પાપોમાંથી મુક્તિ મેળવે છે.
पुण्योङयमितिहासांख्यः
पवित्रं चेदमत्तमम ।
कृष्णेन मुनिना
विप्रनिर्मितं सत्यवादिना ॥
सर्वज्ञेन विधिज्ञेन
धर्मज्ञानवता सता ।
अतीन्द्रियेण शुचिना तपसा
भावितात्मना ॥
ऐश्वर्ये वर्तता
चैवसांख्ययोगवता तथा ।
नैकतंत्र विखुद्वेन
दृष्टवा दिव्येन चक्षुषा ॥
कीर्तिं प्रथयता लोके
पांडवानां महात्मनाम ।
अन्येषां क्षत्रियाणां च
भूरिद्रविणतेजसाम ॥
હે વિપ્ર, સત્યવાદી
દૈવજ્ઞ, ધર્મજ્ઞ, સત્પુરુષ, ઇન્દ્રયાતીત વસ્તુવિષયોને વિલોકનારા, પવિત્ર
તપથી વિશુદ્ધ થયેલા ચિત્તવાળા, ઐશ્વર્યશાળી, જ્ઞાન તથા યોગની નિષ્ઠાવાળા,
અસંખ્ય શાસ્ત્રોના જ્ઞાતા, અલૌકિક આર્ષદૃષ્ટિથી અવલોકીને મહાત્મા પાંડવોની
તથા અન્ય અસાધારણ પ્રતિભાસંપન્ન ક્ષત્રિયોની કીર્તિને જગતમાં સુપ્રસિદ્ધ
કરનારા, કૃષ્ણદ્વૈપાયન મહામુનિ વ્યાસે આ મહાભારતરૂપી પવિત્ર, પુણ્યમય,
ઉત્તમ ઇતિહાસગ્રંથને આલેખ્યો છે.
त्रिभिर्वषैलब्धिकामः
कृष्णद्वैपायने मुनिः ।
नित्योत्थितः शुचिः शक्तो
महाभारतमादितः ॥
तपो नियममास्थाय
कृतमेत-महर्षिणा ।
तस्मा-नियमसंयुक्तैः
श्रोतव्यं ब्राह्मणैकदम ॥
કૃષ્ણદ્વૈપાયન મુનિ ત્રણ
વરસના એકનિષ્ઠ પરિશ્રમ પછી આ મહાભારતને રચીને પવિત્ર શક્તિશાળી, સફળમનોરથ
થયા. એમણે મહાભારતની રચના તપ તથા નિયમપૂર્વક કરી માટે બ્રાહ્મણોએ એનું
શ્રવણ વિશેષ વ્રતનિયમોથી સંપન્ન થઇને કરવું જોઇએ.
इतिहासमिमं पुण्यं महार्थं
वेदसंमतम् ।
व्यासोक्त श्रूयते येन
कृत्वा ब्राह्मणमग्रतः ॥
स नरः सर्वकामांश्र्च
कीर्ति प्राप्येद शौनक ।
गच्छेत्परमिकां
सिद्धिमत्र मे नास्त संशयः ॥
હે શૌનક, જે માનવ મહર્ષિ
વ્યાસે કહેલા મહાન ઊંડા અર્થવાળા, વેદતુલ્ય આ પવિત્ર ઇતિહાસનું ઉત્તમ
બ્રાહ્મણ પાસેથી શ્રવણ કરે છે તે માનવ આ લોકમાં સર્વ કામનાઓની સિદ્ધિ કરી
કીર્તિને મેળવી, અંતે સર્વોત્તમ સિદ્ધિને પ્રાપ્ત કરે છે એમાં મને લેશ
સંશય નથી.
भारतं
सर्वशास्त्रामामुत्तमं भरतर्षभ ।
भारतात्प्राप्यते
मोक्षस्त्वमेतद् ब्रवामि तत् ॥
एवमेतन्महाराज नात्र
कार्या विचारणा ।
श्रद्धानेम वैभाव्यमेवमाह
गुरुमर्म ॥
હે ભરતશ્રેષ્ઠ, તને સત્ય
કહુ છું કે મહાભારત સઘળાં શાસ્ત્રોમાં ઉત્તમ છે. તેના ચિંતન-મનનથી મોક્ષની
પ્રાપ્તિ થાય છે. હે મહારાજ, મારું કથન તદ્દન વાસ્તવિક છે. યથાર્થ છે. એના
પર પુનર્વિચાર કરવા જેવો નથી. મારા ગુરુનો ઉપદેશ પણ એ જ છે કે મહાભારતનો
શ્રદ્ધાપૂર્વક લાભ લેવો જોઇએ.
भारतश्रवणे राजन् पारणे च
नृपोत्तम ।
सदा यत्नवा भाव्यं
श्रेयस्तु परमिच्छता ॥
आकर्ण्य भकत्या सततं
जयाख्यं भारतं प्रहत् ।
श्रीश्र्चकीर्तिस्तिथा
विद्या भवंति सहिताः सदा ॥
હે નૃપશ્રેષ્ઠ રાજન,
પરમકલ્યાણની ઇચ્છાવાળા પ્રત્યેક મહાભારતનું શ્રવણમનન કરવું. જયનામના
મહાભારતનું ભક્તિસહિત સતત શ્રવણમનન કરનારને લક્ષ્મી, કીર્તિ, વિદ્યાની સદા
પ્રાપ્તિ થાય છે.
|