Mahabharat - India's greatest epic

महाभारत

A timeless creation of Sage Ved Vyas

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

Mahabharat

Principal stories of Mahabharat in Gujarati

  Mahabharata - Greates epic of India  
< BACK

Adi Parva

NEXT >

38. Sibling rivalry

 

Unity among members of house creates heaven and dissonance and discord creates hell. Pandavas and Kauravas were brothers yet Kauravas had ill feelings towards Pandavas. Being tolerant and compassionate, Pandavas used to take the bitter treatment of Kauravas lightly, which avoided direct fight between them.

Bhima was powerful of all Pandavas and used to defeat every Kaurava. As a result, Duryodhana decided to kill Bhima. He prepared a special place where he invited Pandavas. Duryodhana also orderded to prepare special food for Bhima, in which he mixed poison. After play when everybody got together, Duryodhana fed Bhima with the poisionus food. Bhima became unconscious. Duryodhana with the help of his brothers, tied Bhima and threw him in deep water. For hungry snakes in the water, it was a feast. But due to their bites Bhima's poison got nullified. He then caught and defeated all the snakes. The chief of snakes, then blessed him with nectar, drinking which Bhima got power equivalent to ten thousand elephants. Bhima safely returned to Hastinapur but with the passage of time, sibling rivalry continued to grow.

 

38. દુર્યોધનનો દુર્વ્યવહાર

 

ઘરમાં કે કુટુંબમાં થનારો અંદર અંદરનો ક્લેશ દુઃખનું, અશાંતિનું અને વિનાશનું કારણ થઇ પડે છે.

ઘરમાં કે કુટુંબમાં સંપ, સ્નેહ, સહયોગનું સામ્રાજ્ય પ્રવર્તતું હોય તો તે સ્વર્ગનું સર્જન અને વૈકુંઠવાસ જેવું વાતાવરણ ઉભું કરે છે. પૂર્વાવસ્થામાં શાંતિ અને આનંદ છવાઇ જાય છે. જ્યાં એવું નથી હોતું ત્યાં નરક નિર્માય છે. દુર્દિનનો દાવાનળ શરૂ થાય છે.

સંપથી સુખ તથા શક્તિ વધે છે. યશ, વૈભવ, વિજય મળે છે.

કુસંપ ક્લેશનું, અવનતિનું કારણ ઠરે છે.

'ઘર ફૂટયે ઘર જાય ' ની પેલી પરંપરાગત પ્રસિદ્ધ લોકોક્તિ પ્રમાણે ઘર કે કુટુંબમાં એકરાગ ના હોય અને એને બદલે પરસ્પર ઇર્ષા, કટુતા, દ્વેષ અને અહંકારનું વાતાવરણ પ્રવર્તતું હોય, સ્વાર્થને છૂટો દોર મળતો હોય, તો અશાંતિના અંકુરો ઊગી નીકળે છે.

સૂત્રો એકઠાં થઇને રજ્જૂને રચે છે ત્યારે પરમશક્તિશાળી બની જાય છે. પરંતુ વિકેન્દ્રિત બને છે કે છૂટાં પડે છે ત્યારે એમની શક્તિ આપોઆપ ઓછી થાય છે. રજ્જૂ બળવાન હાથીને પણ બાંધી શકે છે, કોસને ફેરવવાના કામમાં લાગે છે, પરંતુ એમાંથી છૂટું પડેલું સૂત્ર શક્તિ વગરનું બની જાય છે.

સૂર્યમંડળમાંથી છૂટું પડેલું કિરણ અને સુવિશાળ સાગરમાંથી અલગ થયેલું તરંગ કેટલુંક કામ કરી શકે ?

કૌરવો તથા પાંડવોના જીવનપ્રસંગો એની સાક્ષી પૂરે છે.

એમની અંદરનો કુસંપ અને વિદ્વેષ એક અથવા બીજા કારણે ઉત્તરોત્તર વધતો જ ગયો અને અંતે અસાધારણ અશાંતિનું કારણ બન્યો. એમાંથી યુદ્ધની ચિનગારી પેદા થઇને ઘોર, અતિઘોર સર્વસંહારક ઝેરજ્વાળા જાગી. બંનેને સદાને સારુ સહન કરવું ને સર્વનાશના ભોગ બનવું પડ્યું.

એનો આશ્ચર્યકારક ખેદજનક સંપૂર્ણ ઇતિહાસ તો ક્રમે ક્રમે જોઇશું. અત્યારે તો એટલું જ સમજી લઇએ અને અંતરમાં અંકિત કરી દઇએ કે સ્વાર્થ, લાલસા, ઇર્ષા તથા કુસંપ વ્યક્તિગત રીતે તો દુઃખી કરે છે કે હાનિ પહોંચાડે જ છે પરંતુ એથી આગળ વધીને સુસમૃદ્ધ સમુન્નત પરમશક્તિશાળી સામ્રાજ્યોના પાયાઓને હચમચાવી મૂકે છે તથા તેમને જોતજોતામાં, કોઇની કલ્પનામાં પણ ના આવી શકે એવીરીતે જમીનદોસ્ત કરે છે. વરસોની મહામહેનતે તૈયાર કરાયલી મહામૂલી માનવસંસ્કૃતિને માટીમાં મેળવે છે.

મહાભારત કાળના પુરોગામી જેવા રામાયણકાળે પણ એ સનાતન સત્યનું દર્શન કરાવેલું અને મહાભારતનો સુપ્રસિદ્ધ ઇતિહાસ પણ એની પ્રતીતિ કરાવે છે.

પ્રાચીન ભારતનાં રામાયણ અને મહાભારત કાળનાં બે મહાન યુદ્ધો એની કરુણાતિકરુણ કથા સમાં છે. એમનામાંથી માનવ બોધપાઠ ગ્રહણ કરે તો સારું. માનવના મનનાં, ઘરનાં, કુટુંબનાં, ગામ કે નગરનાં અને દેશનાં તથા દેશ-પ્રદેશ વચ્ચેના રામાયણ-મહાભારત યુદ્ધનો અંત આવે. એ યુદ્ધ થાય જ નહીં.

મહાભારતમાં જણાવ્યું છે કે "વેદોક્ત સંસ્કારોને પામતા પાંડવો દિનપ્રતિદિન મોટા થવા લાગ્યા. વિવિધ પ્રકારના ભોગોને ભોગવવા લાગ્યા."

"એ કૌરવો સાથે સુખ, શાંતિ, આનંદપૂર્વક ક્રીડા કરતા અને એમની શક્તિ તથા વિશિષ્ટતાને લીધે સઘળી રમતોમાં જુદા તરી આવતા. દોડવામાં, તાકેલું લાવવામાં, જમવામાં અને ધૂળ ઉડાવવામાં ભીમસેન સઘળા ધૃતરાષ્ટ્ર પુત્રોને ચીસ પડાવતો. હર્ષમાં ખેલતા ધૃતરાષ્ટ્રપુત્રોને પકડી લઇને તે સંતાઇ જતો અને તેમને માથેથી પકડીને ટક્કર લડાવતો. એકસો એક મહાતેજસ્વી કૌરવકુમારોને એકલો જ સહેલાઇથી કબજે કરતો. તે મહાબળવાન તેમને વાળથી પકડીને નીચે પટકતો ત્યારે તેમનાં ઘૂંટણ, માથાં તથા ખભા છોલાઇ જતા. એ ચીસ પાડતા ધૃતરાષ્ટ્રપુત્રોને ધરતી પર ઘસડતો. કોઇક વાર જળક્રીડામાં દસ બાળકોને હાથથી પકડી લઇને પાણીમાં ડૂબકી મારતો અને તેઓ મરવા જેવા થઇ જતા ત્યારે જ છોડતો. તેઓ જ્યારે ઝાડ ઉપર ચઢીને ફળોને એકઠાં કરતા ત્યારે ભીમ પગની લાતથી ઝાડોને ધ્રુજાવી મૂકતો. એના પ્રબળ પાદપ્રહારથી વૃક્ષો ધણધણી ઊઠતાં એટલે તેના પર ચઢેલા કુમારો ફળ સાથે નીચે ગબડી પડતા. તે કુમારો ભીમસેનની સરસાઇ કરતા તોપણ કુસ્તીમાં, વેગમાં કે શિક્ષણમાં તેની બરાબરી કરી શકતા નહીં. તે ધૃતરાષ્ટ્રપુત્રોની સ્પર્ધા કરતો અને તેમને રંજાડતો, પણ તે બધું બાલબુદ્ધિથી જ થતું; દ્વેષને લીધે નહીં. ભીમસેનના એવા અતિ પ્રસિદ્ધ પરાક્રમને લીધે દુર્યોધન દુષ્ટભાવ બતાવવા લાગ્યો. મોહ અને અશ્વર્યને લીધે પાપોને જ જોયા કરનારા તે ધર્મવિહીનની બુદ્ધિ પાપી થઇ ગઇ. તે વિચારવા લાગ્યો કે ભીમ બલવાનોમાં શ્રેષ્ઠ છે તો એને છળથી પકડી લેવો જોઇએ. એ એકલો પણ અમારી સૌની સ્પર્ધા કરે છે. તે નગરના ઉદ્યાનમાં સૂતો હોય ત્યારે તેને અમે ગંગામાં નાંખી દઇશું પછી તેના નાના ભાઇ અર્જુનને તેમજ તેનાથી મોટા યુધિષ્ઠિરને બળાત્કારે બાંધીને કેદમાં પૂરીને અમે પૃથ્વીનું શાસન કરીશું."

"તેણે જલવિહારને માટે ભાતભાતનાં ભવનો તૈયાર કરાવ્યાં. સર્વ કામપદાર્થોથી ભરપૂર બીજાં અનેકવિધ ઘરોને બનાવડાવ્યાં. ગંગાના તીર ઉપર આવેલા સ્થાનમાં થોડું જલમાં ને થોડું સ્થલમાં એવું ઉદક ક્રીડન નામે ક્રીડાગૃહ કરાવ્યું. ત્યાં રસોઇકાર્યમાં કુશળ કારીગરોએ અસંખ્ય સુંદર વાનગીઓને તૈયાર કરી. તેણે પાંડવોને ત્યાં જઇને જલક્રીડા કરવાનું આમંત્રણ આપ્યું. યુધિષ્ઠિરે એનો સ્વીકાર કર્યો. તે પછી રથોમાં તેમ જ ઉત્તમ હાથીઓ પર બેસીને  કૌરવો પાંડવો સાથે નગરની બહાર નીકળ્યા. ઉદ્યાનવન પાસે પહોંચીને તેમણે મહાજનોને વિદાય કર્યા. પછી સિંહો જેમ પર્વતની ગુફામાં પ્રવેશે તેમ તે વીરોએ તે ઉદ્યાનમાં પ્રવેશ કર્યો. ફુવારાઓ તેમ જ સંચારમાર્ગોથી શોભતા, રાજસેવકોએ સાફ કરેલા, ચિત્રિત બનાવેલા ઉદ્યાનને સૌ જોવા લાગ્યા. છલોછલ ભરેલાં જલાશયો અને કમળોથી ઢંકાયેલું તેનું પાણી શોભી રહ્યું હતું. ઋતુઋતુનાં પુષ્પોથી ધરતી છવાઇ ગઇ હતી. સૌ એની અંદર ગયા, અને ત્યાંના વિવિધ પદાર્થોને ભોગવવા લાગ્યાં. તેઓ એકબીજાનાં મોંમાં ખાવાના પદાર્થ મૂકવા લાગ્યા. તે વખતે ભીમસેનને મારી નાખવાની ઇચ્છાથી દુર્યોધને ખાવાના પદાર્થમાં કાલકૂટ વિષને ભેળવ્યુ. અંતરમાં અસ્ત્રા જેવો ને વાણીમાં અમૃત જેવો દુર્યોધન જાતે ઊઠયો ને ભીમસેનને ભાઇ તથા મિત્રની જેમ ઘણો આગ્રહ કરીને ઝેર ભેળવેલા પદાર્થોને ખવડાવવા લાગ્યો. તેમાં રહેલા દોષને ના જાણવાથી ભીમ તે ખોરાકને પ્રસન્નતાથી ખાઇ ગયો. દુર્યોધન મનમાં હસીને પોતાને સફળ મનોરથ માનવા લાગ્યો. તે પછી પાંડવો અને કૌરવો પ્રસન્ન મને જલક્રીડા કરવા લાગ્યા. જલક્રીડા પૂરી થતાં તેમણે વસ્ત્રો અને અલંકારોને ધારણ કર્યા. વિહાર કરીને વીરો થાકી ગયા એટલે સૂર્યાસ્ત થતાં તેમણે તે વિહારગૃહોમાં જ રહેવાનું પસંદ કર્યું. તે વખતે વ્યાયામથી અધિક થાકેલો ભીમ જલક્રીડા માટે આવેલા કુમારોને બહાર મૂકી ગયો અને પોતે તે જ સ્થળમાં આવીને સૂઇ ગયો. થાકી ગયેલો, મદોન્મત્ત બનેલો અને સર્વાંગે વિષ વ્યાપેલો ભીમ ઠંડો પવન લાગતાં જડ જેવો થઇ ગયો. પછી દુર્યોધને પોતે તે મરેલા જેવા ભીમને લતાઓની રસીઓથી બાંધ્યો અને તે જ જગ્યાએથી પાણીમાં ગબડાવી મૂક્યો."

"બેભાન થયેલો ભીમ જલને તળિયે પહોંચ્યો ત્યાં નાગભવનમાં તેણે નાગકુમારોને છૂંદી નાંખ્યા એટલે ભયંકર વિષવાળા, મોટી દાઢવાળા અને બળતા ઝેરવાળા અનેક નાગોએ ટોળે વળીને ભીમને ડંખ દીધા એટલે સ્થિર થયેલું કાલકૂટ વિષ સર્પના વહેતા વિષથી ઊતરી ગયું. તે દાઢવાળા સર્પોના દાંતો તેના મર્મભાગ ઉપર પડયા હતા તોપણ તેની વિશાલ છાતીની દૃઢતાને લીધે તેની ચામડીને પણ ભેદી શક્યા નહોતા. ઝેર ઊતરવાથી ભીમ જાગી ગયો. તેણે સર્વ બંધનોને છેદી નાંખ્યા. અને તે સર્વ સર્પોને પકડીને પછાડવા લાગ્યો. કેટલાક સર્પો ભયભીત થઇને ભાગી છૂટયા. બાકીના સૌ વાસુકિ નાગ પાસે દોડી ગયા. તેઓ સર્પરાજ વાસુકિને કહેવા લાગ્યા કે કોઇએ આ માણસને બાંધીને પાણીમાં ધકેલી દીધો હતો. અમને લાગે છે કે તે વિષ પી ગયો છે. અમે એને નિશ્ચેષ્ટ અવસ્થામાં જોયો હતો. અમે એને ડસ્યા એટલે એ જાગી ઊઠયો અને ભાનમાં આવી ગયો. પછી નાગોની સાથે વાસુકિ ત્યાં આવ્યો. પ્રખર પરાક્રમવાળા મહાબાહુ ભીમને જોવા લાગ્યો. કુન્તીના માતામહ આર્યક નામના નાગરાજે પણ તેને જોયો. તેણે તેને ગાઢ આલિંગન કર્યું. વાસુકિ પણ તેના ઉપર પ્રસન્ન થયો. પાંડુપુત્ર ભીમ વાસુકિના આદેશથી કુંડમાના અમૃતને પીવા લાગ્યો. એના પાનથી સહસ્ત્ર હાથીનું બળ મળતું. ભીમ એ રીતે આઠ કુંડાં ગટગટાવી ગયો. પછી નાગોએ આપેલા દિવ્ય શયનમાં સુખપૂર્વક સૂઇ ગયો."

કૌરવો તથા પાંડવો રથો, હાથીઓ, ઘોડાઓ અને અન્ય અનેક વાહનોમાં બેસીને ભીમ વિના હસ્તિનાપુર જવા નીકળ્યા. કેટલાકે ભીમ આગળ ગયો છે એવું માની લીધું.

હસ્તિનાપુરમાં પહોંચ્યા પછી ભીમને ના જોવાથી તેમના દુઃખનો ને સંશયનો પાર રહ્યો નહીં.

કુંતી પણ દુઃખમાં ડૂબી ગઇ. એણે વિદુરને કહ્યું કે ભીમ સદા દુર્યોધનની આંખમાં ખૂંચી રહ્યો છે. દુર્યોધન દુષ્ટબુદ્ધિ, ક્રુર, ક્ષુદ્ર, રાજ્યલોભી ને નિર્લજ્જ છે. એણે ભીમને મારી નાખ્યો હશે ? મારું મન એના વિચારથી બહાવરું બન્યું છે ને કાળજું બળી રહ્યું છે.

વિદૂરે એને આશ્વાસન આપ્યું.

આઠમા દિવસે ભીમ જાગ્યો ત્યારે અમૃતરસનું પાચન થવાથી અજોડ બળવાળો બની ગયેલો.

સર્પોએ એને આશીર્વાદ આપતાં જણાવ્યું કે તું દસ હજાર હાથીના જેવો બળવાન બનશે ને યુદ્ધમાં અજય રહેશે.

અનેક અલૌકિક અલંકારોથી અલંકૃત થઇને એમની અનુજ્ઞા મેળવીને ભીમ એમની સક્રિય સહાયથી છેવટે હસ્તિનાપુરમાં આવ્યો ત્યારે સૌને શાંતિ થઇ.

ભીમે સૌને પોતાની આપવીતી કહી સંભળાવી. યુધિષ્ઠિરે સૌને શાંત અને સાવધાન રહેવાની સલાહ આપી.

પરંતુ દુર્યોધન તો પાંડવોને પજવવા કૃતનિશ્ચય હતો. એણે થોડા વખત પછી યુધિષ્ઠિરના પ્રિય સારથિનો નાશ કરાવ્યો. વળી ભીમને ભોજનમાં નવું, તીક્ષ્ણ, જલદ કાલકૂટ વિષ અપાવ્યું. પાંડવોને યુયુત્સુ દ્વારા તેની માહિતી મળી.

ભીમ પોતાની અપવાદરૂપ અનંત શક્તિથી તે વિષને કોઇ પણ પ્રકારના નુકસાન કે વિકાર વિના પચાવી ગયો. એ વિષ એનો વાળ પણ વાંકો ના કરી શક્યું.

દુર્યોધન, કર્ણ તથા શકુનિ બીજા કૌરવોની સાથે મળીને પાંડવોને હાનિ પહોંચાડવા અને હણવા પ્રયત્નો કરતા રહેતા પરંતુ સફળ નહોતા થતા. તેમના મનની મુરાદ મનમાં જ રહી જતી. પાંડવોની અજબ રીતે રક્ષા થતી. એ બધું જાણીને પાંડવોને દુઃખની તેમજ ક્રોધની લાગણી થઇ આવતી, પરંતુ વિદુરની સલાહને અનુસરીને તે પોતાના પ્રતિકૂળ મનોભાવોને પ્રગટ કર્યા સિવાય શાંત જ રહેતા.

દુર્યોધનાદિ કૌરવોના કાયમ માટેના દુર્વ્યવહારને લીધે કુટુંબમાં કટુતા, કલેશ અથવા વૈમનસ્યનાં વિનાશબીજ વવાયલાં. તે એમનું આગળનું કાર્ય કર્યે જતાં.

રાજા ધૃતરાષ્ટ્રે તેમના શિક્ષણ માટે કૃપાચાર્યને નિયુક્ત કર્યા.

દુર્યોધનનો દુર્બુદ્ધિયુક્ત દુર્વ્યવહાર દિનપ્રતિદિન વધતો જ ગયો. મહાભારતના મહાગ્રંથની મદદથી એનું ક્રમિક અવલોકન કરી શકાશે.

 

(From Shri Yogeshwarji's book entitled 'Mahabharat Na Moti')

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer