|
પૂર્વસંસ્કાર |
|
જેમનાં સત્કર્મો
સમુદય પામ્યા હોય તેવા માણસો જ શ્રેયને માર્ગે વળે છે અને વળ્યા પછી તેને
વળગી રહે છે. આગળ ને આગળ વધે છે. તેવા માનવોને જ ધ્યાન કરવું ગમે છે,
નામજપનો આધાર લેવાનું પસંદ પડે છે, સ્વાધ્યાયની પ્રવૃતિઓમાં રસ લાગે છે.
તેઓ પોતાના જીવનના વિશોધન કે પરિશોધનને માટે પ્રયત્નો કરે છે. તેઓને
આચાર-વિચારની શુધ્ધિનો આગ્રહ રાખવાનું ગમે છે. આ તો પૂર્વસંસ્કારની વાત
છે, બધાને કાંઈ તેવું થતું નથી.
('આત્મસંયમયોગ' - પ્રવચન) |
|
પ્રેરણાસ્ત્રોત |
|
પ્રજાને પ્રેરણા
ક્યાંથી મળે છે? પ્રજા રાજકીય નેતાઓ પાસેથી, શાળા કે વિશ્વવિદ્યાલયના
અધ્યાપકો પાસેથી, ધર્માચાર્યો પાસેથી અને સાહિત્યમાંથી પ્રેરણા ગ્રહણ કરે
છે. જો આ બધા જ સ્ત્રોતો આદર્શ હોય, માનવતાથી મહેકતા હોય તો પ્રજા
તેમાંથી ઉત્તમ પ્રકારની પ્રેરણા પામી આગળ વધે છે. આજકાલ આ પ્રેરણાંના
ઝરણાંઓ સુકાઈ ગયેલા હોય તેવું દેખાય છે. પ્રજાને બેઠી કરવા, દેશને
શક્તિશાળી બનાવવા એ સ્ત્રોતોને માનવતાથી મહેકતા કરવાની આવશ્યકતા છે.
('આત્મસંયમયોગ' - પ્રવચન) |
|
પ્રોત્સાહન |
|
કોઈ આપણું બગાડતું
હોય કે ના બગાડતું હોય પણ આપણને કોઈના પ્રત્યે દ્વેષ ન થવો જોઈએ. આપણે
કોઈનું બુરું ન કરીએ અને કોઈ બુરું કરતું હોય તેને સહયોગ ન પ્રદાન કરીએ.
આપણે કોઈની પ્રશસ્તિ ન કરી શકીએ પણ કોઈ કોઈની નિંદા કરતું હોય તો આપણે
એને સમર્થન ન આપીએ. આપણે કોઈ સત્કર્મ ન કરી શકીએ પણ કોઈ સત્કર્મ કરતું
હોય તેના માર્ગમાં ન આવીએ અને તેને પ્રોત્સાહન પ્રદાન કરીએ. જીવનમાં આપણે
આટલું પણ કરી શકીએ તો ઘણું છે.
('આત્મસંયમયોગ' - પ્રવચન) |
|
પ્રાર્થના |
|
પરમાત્માની
પરમકૃપાને અનુભવવા પ્રાર્થના જેવું સીધું, સરળ, સરસ અને સચોટ સાધન બીજું
કોઇ જ નથી. જો નિયમિત સમજપૂર્વક રીતે પ્રાર્થનાનો આધાર લઇએ તો બીજી કોઇ
સાધનાની આવશ્યકતા નહીં રહે. એ એક જ સાધનથી આત્મવિકાસના પાવન પથ પર પ્રયાણ
કરી આગળ વધી શકીએ અને પૂર્ણતાને પામી શકીએ.
(પ્રાર્થના સાધના છે) |
|
પ્રકાશ |
|
અંધકારનો અંત આણવા
અંધકારનો વિરોધ કરવાની, અંધકારની આલોચના કરવાની કે એની સામે વિદ્રોહ
જગાવવાની આવશ્યક્તા નથી હોતી : આવશ્યક્તા અને એકમાત્ર અનિવાર્ય આવશ્યક્તા
હોય છે પ્રકાશને પ્રકટાવવાની.
(રમણ મહર્ષિ - જીવન અને કાર્ય) |
|
પ્રેમ |
|
પ્રેમ પ્રકટાવો,
ઈશ્વર તો એની મેળે આવશે. તે આવ્યા વિના રહી શકશે નહીં. કમળ ખીલે એટલે
ભ્રમર તો આપોઆપ આવે. તેમને કાંઈ બોલાવવા પડે નહિ.
(હિમાલયના પત્રો) |
|
-------
પ્રેમ કોઈ રીતે
બંધનકારક થતો જ નથી. જે બાંધે છે એટલે કે ગુલામની જેમ પરવશ કરી પોતાની
સત્તા ચલાવે છે તે પ્રેમ નથી. તે તો મોહ છે. પ્રેમ તો હંમેશાં મુક્તિદાતા
છે, બંધનથી ઉન્મુકત કરનાર છે.
(હિમાલયના પત્રો) |
|
|