|
પ્રશ્ન:
મનોનાશ કોને કહેવાય
?
ઉત્તર:
મનોનાશ એવો શબ્દપ્રયોગ મોટે ભાગે જ્ઞાનમાર્ગમાં કરવામાં આવે છે. જ્ઞાની
પુરુષો કહે છે કે મનનો નાશ ના કરવામાં આવે ત્યાં સુધી કોઈ પણ મનુષ્યને
શાંતિ કે મુક્તિ નથી મળી શકતી. મન જ બંધન કે મોક્ષનું કારણ છે. એટલે એ
મનનો નાશ કરવા તરફ તે ખાસ ધ્યાન રાખે છે. તેથી જ જ્ઞાનમાર્ગના રસિકોની
અંદર મનોનાશ શબ્દ પ્રચલિત બન્યો છે.
પ્રશ્ન:
એવો મનોનાશ અથવા મનનો સંપૂર્ણ નાશ કે વિનાશ શું શક્ય છે
?
ઉત્તર:
તે જ પ્રશ્ન છે. જ્ઞાનીઓનું મન પણ સંપૂર્ણપણે મટી જતું કે નાશ પામતું
નથી. એક કે બીજા સ્વરૂપે તે કાયમ રહે જ છે, પરંતુ એવું ના હોત તો જ્ઞાની
પુરુષોના વ્યવહાર કાયમને માટે બંધ પડી જાત. અથવા તો ચાલત જ નહિ. કેમકે
વ્યવહારનું મુખ્ય સાધન મન છે. એના વિના ચિંતન, મનન, કે કશું જ ના સંભવી
શકે. જીવન જેવું કાંઈ રહે જ નહિ. પરંતુ વાસ્તવિકતા એથી ઉલટી છે.
સાક્ષાત્કારી, જ્ઞાની કે આત્મદર્શી પુરુષો પણ વ્યવહાર કરે છે. એ વ્યવહાર
અલિપ્ત ભાવે થાય છે એ સાચું છે. પરંતુ તેની પાછળ મન નથી એમ તો નહિ જ કહી
શકાય. એ મન પોતાના મૂળ સ્વરૂપ પરમાત્મામાં મળી ગયું હોવાથી અહંતા, મમતા
તથા રાગદ્વેષ વગરનું હોય છે એ સાચું છે. એવા મનને ચિન્મય કે ઈશ્વરમય પણ
કહી શકાય. તે કર્મબંધનનું કારણ કોઈ પણ સંજોગોમાં નથી બની શકતું. મલિન કે
વાસનાયુક્ત પણ નથી થઈ શકતું. તે સદાને માટે શાંત તથા કૃતકૃત્ય ને પ્રસન્ન
રહે છે. કોઈપણ પ્રકારનો ભેદભાવ એને નથી અડી શકતો છતાં પણ તે છે તો ખરું જ
એ વાત તો નિર્વિવાદ છે. એટલે એનો નાશ થાય છે એમ ના કહી શકાય.
પ્રશ્ન:
તો પછી શું કહી શકાય
?
ઉત્તર:
મનનો નાશ નથી થતો, પરંતુ મનના સ્વરૂપમાં આમૂલ ફેરફાર થઈ જાય છે. એની
મલિનતા મટી જાય છે, અસ્થિરતાનો અંત આવે છે, અને એ સર્વ પ્રકારે શાંત તથા
મુક્ત થાય છે. સમાધિદશામાં પણ મન જ્યારે શાંત થાય છે ત્યારે, સ્વરૂપનો
સાક્ષાત્કાર કરે છે. પરંતુ એ વખતે પણ એનો વિનાશ તો નથી જ થતો. એ રહે છે
તો ખરું જ, પણ આત્મદર્શન કરીને આત્માની સાથે એકાકાર બની જાય છે, એટલું જ.
વધારે સારા શબ્દોમાં કહીએ તો એ વખતે મનનો લય થાય છે. જાગૃતિ દશામાં આવ્યા
પછી એ જુદા જુદા સ્વરૂપે કામ કરવા માંડે છે. જો એનો નાશ જ થઈ જતો હોય, તો
એ કામ કેવી રીતે કરી શકે
?
તત્વજ્ઞાનની પરિભાષામાં વિચારીએ તો પણ, કોઈયે વસ્તુનો સંપૂર્ણપણે નાશ નથી
થતો. વસ્તુ પોતાની એક દશામાંથી બીજી દશામાં રૂપાંતર પામે છે, એટલું જ. જે
કાંઈ છે તે બધું એક પરમાત્માનું જ રૂપ છે. એટલે એનો નાશ થાય છે એમ માનીએ,
તો પરમાત્માનો જ નાશ થાય છે. એમ માનવું પડે. વેદાંત એવું નથી માનતું.
છતાં પણ મનોનાશ એવો શબ્દ-પ્રયોગ જ્ઞાનીઓ પણ કરી રહ્યા છે એ ઠીક નથી. ખરી
રીતે તેમાં સુધારો કરીને, મનોલય એવો પ્રયોગ કરવો જોઈએ.
પ્રશ્ન:
તમે કહ્યું તે મનોલયને સિદ્ધ કરવા માટે શું કરવું?
ઉત્તર:
મનનો લય કાંઈ એક બે દિવસમાં નથી થતો. તેને સિદ્ધ કરવા માટે તો ભારે
પરિશ્રમ કરવો પડે છે. વરસો સુધી જે નિયમિત રીતે અને ઉત્સાહપૂર્વક ધ્યાન
કે જપની સાધનાનો આધાર લે છે, તે કોઈ ધન્ય ઘડીએ કે ધન્ય દિવસે લયની દશાની
પ્રાપ્તિ કરે છે. એ દશામાં મન શાંત થઈ જાય છે. દેશ કે કાળનું ભાન ભૂલી
જવાય છે. શરીરનું ભાન પણ નથી રહેતું. એ દશા વધારે કે ઓછા વખતને માટે
પ્રાપ્ત થાય તો પણ ઊંડા સુખનો અનુભવ કરાવે છે.
પ્રશ્ન:
એ દશાની પ્રાપ્તિ માટે કોઈ ક્રમ છે ખરો
?
ઉત્તર:
ક્રમ કેમ ના હોય ?
કોઈપણ દશાની ઉપલબ્ધિ કંઈ એમ ને એમ નથી થતી. એની પાછળ વિકાસનો ચોક્કસ ક્રમ
રહેતો હોય છે. અંતિમ વિકાસ પણ એવા ક્રમવાર વિકાસના પરિણામરૂપે જ થતો હોય
છે. સૌથી પહેલા મનની શાંતિ થાય છે. અથવા તો કહો કે મન સદ્દગુણ, સદ્દવિચાર
ને સદ્દભાવથી સંપન્ન ને સાત્વિક બને છે. તે પછી મન ચંચળતા, વાસના, વિકાર,
અહંતા, તથા રાગદ્વેષમાંથી છૂટીને સ્થિર બને છે. આવું મન જ્યારે જપ, ધ્યાન
ને પ્રાર્થના જેવી અંતરંગ સાધનામાં જોડાય છે, ત્યારે સહેલાઈથી શાંત થાય
છે, એવું એકાગ્ર થયેલું મન છેવટે લય પામે છે. એટલે લયની પાછળ ચોક્કસ ક્રમ
હોય છે.
પ્રશ્ન:
ઈશ્વરદર્શન એ જ છે કે બીજું કાંઈ
?
ઉત્તર:
જ્ઞાનીનું ઈશ્વરદર્શન એ જ છે અને યોગીનું પણ. પરંતુ ભક્તનું જરા જુદું
હોય છે. ભક્ત સગુણ ઈશ્વરનું ધ્યાન કરે છે એટલે મનના લયની દશામાં તેને
ઈશ્વરના સગુણ સ્વરૂપનું દર્શન થાય છે. એવું દર્શન પ્રેમની પ્રબળતાને લીધે
તેને જાગૃતિદશા દરમ્યાન પણ થઈ શકે છે. એવું દર્શન ઘણા ભક્તોને થયેલું છે.
અને આજે પણ જે ધારે તેને થઈ શકે છે. એને માટે તીવ્ર પ્રેમ તથા તલસાટ અને
એકધારો પુરુષાર્થ જોઈએ. એવા પ્રેમ, તલસાટ ને પુરુષાર્થથી તમે પણ ઈશ્વરનું
દર્શન કરી શકો છો.
પ્રશ્ન:
એ દશામાં ચિત્તનું શું થયું હશે
?
ઉત્તર:
ચિત્ત સંકલ્પ ને વિકલ્પથી રહિત કે શાંત થાય છે. અને કોઈ વિરલ સંજોગોમાં
પોતાના મૂળ સ્વરૂપ પરમાત્મામાં મળી જાય છે. જ્યારે તે કેવળ શાંત થાય છે,
ત્યારે જડ સમાધિ થઈ એમ કહેવાય છે, ને જ્યારે તે મૂળ સ્વરૂપમાં મળી જાય
છે, ત્યારે ચેતન સમાધિની પ્રાપ્તિ થઈ એવું ગણાય છે. |