સાધકોને મુંઝવતા પ્રશ્નોનું માર્ગદર્શન

 

પ્રશ્નોત્તરી

 

Question & Answer on Religion and Spirituality

HOME | AUDIO | BOOKS | BHAJANS | BHAGAVAT | BHAGAVAD GITA | MAHABHARAT | RAMAYAN | UPANISHAD | YOG SUTRA | MORE

 

> Q & A : more >

મંત્રદ્રષ્ટા એટલે શું ?

 

પ્રશ્ન: ઋષિઓને મંત્રદ્રષ્ટા કહેવામાં આવે છે તેનું કારણ શું ? તેની પાછળ કોઈ વિશેષ રહસ્ય છે ખરું ? કે પછી માત્ર કહેવાને ખાતર જ એવું કહેવામાં આવે છે ?

ઉત્તર: ઋષિઓને માટે જે મંત્રદ્રષ્ટા શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે, તે કેવળ કરવાને ખાતર નથી કરવામાં આવતો પરંતુ તેની પાછળ ઊંડુ રહસ્ય રહેલું છે. એ રહસ્યના આધાર પર જ એમને મંત્રદ્રષ્ટા કહેવામાં આવે છે. મંત્રદષ્ટા શબ્દ ભારે સન્માનસૂચક છે, અને એક પ્રકારની અસાધારણ આધ્યાત્મિક વિકાસની અવસ્થાનો પરિચાયક છે.

પ્રશ્ન: એટલે દરેક ઋષિઓને માટે મંત્રદ્રષ્ટા શબ્દનો પ્રયોગ ન કરી શકાય એવું ખરું ?

ઉત્તર: હા. એવું જ છે. ઋષિઓ અનેક હોઈ શકે. પરંતુ મંત્રદ્રષ્ટા ઋષિ કોઈક જ હોય. મંત્રદ્રષ્ટા ઋષિ થવું કોઈ રમત વાત નથી. એક તો આધ્યાત્મિક ઉન્નતિના શિખર પર પહોંચીને ઋષિપદ પર પ્રતિષ્ઠિત થવું જ મુશ્કેલ છે. ત્યાં વળી મંત્રદ્રષ્ટા ઋષિ થવાનું કામ તો કેટલું બધું મુશ્કેલ હોય, તે તમે સહેલાઈથી સમજી શકશો.

પ્રશ્ન: ઋષિ અને મંત્રદ્રષ્ટા ઋષિ વચ્ચે શો ફેર છે ?

ઉત્તર: બંને છે તો ઋષિ જ. પરંતુ એમનામાં અનુભવની દૃષ્ટિએ ફેર પડે છે.

પ્રશ્ન: એટલે ?

ઉત્તર: સાધક જ્યારે શરીરભાન ભૂલીને સંપ્રજ્ઞાત સમાધિમાં પ્રવેશ કરે છે, ત્યારે સૂક્ષ્મ મનની મદદથી એ સમાધિમાં એને અનેક પ્રકારના અનુભવ થાય છે. દરેક સાધકને એક જ પ્રકારના અનુભવ નથી થતાં, પરંતુ અનુભવો થાય છે એ એક હકીકત છે. એ અનુભવ મન ને બુદ્ધિની પારના પ્રદેશોમાંથી આવતા હોય છે અને એને એક પ્રકારનો અવર્ણનીય આનંદ અને ઉત્સાહ પૂરો પાડે છે. એને લીધે એની સાધનાજન્ય શ્રદ્ધા વધી જાય છે, અને એનું આત્મબળ બળવત્તર બને છે. એવા લોકોત્તર, અપાર્થિવ અનુભવોમાં એક વિશેષ અનુભવ જુદા જુદા અદ્રષ્ટ અથવા અશ્રુતપૂર્વ મંત્રોની પ્રાપ્તિનો છે. જે મંત્રનો પરિચય પણ ના હોય એવા, તદ્દન નવા જ પ્રકારના મંત્રો સમાધિની એ અવસ્થામાં આવી મળે છે. સાધક એને સાંભળે છે. એથી આહલાદ પામે છે, અને બળ મેળવે છે. ને મંત્રનો જપ એ પોતે કરી શકે છે, અથવા બીજા કોઈને એ મંત્રની દીક્ષા આપી શકે છે. મંત્રને સાધક કે ઋષિએ પેદા નથી કર્યો. ફક્ત જોયો કે સાંભળ્યો કે શોધી કાઢ્યો છે. એટલા માટે તે સાધક કે ઋષિને મંત્રદ્રષ્ટા કહેવામાં આવે છે. દ્રષ્ટા એટલે જોનાર. જે છે કે હતું તેનું દર્શન કરનાર.

પ્રશ્ન: સમાધિદશા દરમિયાન મંત્રો જોવાય છે કે સંભળાય છે ?

ઉત્તર: જોવાય છે અને સંભળાય છે પણ ખરા. કોઈ વાર તે લખેલા જ વાંચી શકાય છે ને કોઈ વાર તેના ધ્વની કર્ણે અથડાય છે.

પ્રશ્ન: એકલા મંત્રો જ સંભળાય છે કે તેમને આપનાર કે સંભળાવનાર કોઈ મહાપુરુષ પણ દેખાય છે ?

ઉત્તર: એ બાબતમાં કોઈ એક સરખો, સર્વસામાન્ય નિયમ નથી પ્રવર્તતો. કોઈ વાર મંત્રો એકલા જ સંભળાય છે, તો કોઈ વાર એમનું પ્રદાન કરનાર મહાપુરુષ પણ દેખાય છે.

પ્રશ્ન: એ મંત્રોનો ઉપયોગ શો ?

ઉત્તર: મંત્રોના પ્રદાતા મહાપુરુષો જ કેટલીકવાર એ મંત્રોના પ્રયોગ કે ઉપયોગની માહિતી આપતા હોય છે. તેમની સૂચના પ્રમાણે તે મંત્રોનો ઉપયોગ થઈ શકે છે. જપ કે અનુષ્ઠાન માટે એ મંત્રનો ઉપયોગ કરીને, મોટો લાભ મેળવી શકાય છે. એમના પ્રયોગથી ઊંડી શાંતિ મળે છે. આત્મિક વિકાસના માર્ગમાં એ મંત્રો ભારે મદદરૂપ થઈ રહે છે. એ મંત્રો લોકોત્તર મહાપુરુષોની પાસેથી આવતા હોઈને એમની અંદર અસાધારણ શક્તિ હોય છે. કોઈ બડભાગી સાધકોને જ એવા મંત્રો મળી શકે છે. એ માટે સાધનાના ક્ષેત્રમાં ઘણી સારી પ્રગતિ કરવી જોઈએ.

પ્રશ્ન: એવા મંત્રદ્રષ્ટા ઋષિઓ અત્યારે હશે ખરા ?

ઉત્તર: કોઈ પણ કાળે હોઈ શકે છે તેમ અત્યારે પણ છે. એવા મહાપુરુષો હંમેશા થતા જ આવ્યા છે. તમે ધારો તો તમે પણ, ઉચિત સાધના કરીને એવા ઋષિ થઈ શકો છો. તેને માટેની યોગ્યતા તમે પણ મેળવી શકો છો. મહાનતાનું મંગલ મંદિર સૌ કોઈને માટે ઉઘાડું છે. એ મંદિરમાં સૌ કોઈ પ્રવેશ કરી શકે છે. ગમે તે નર કે નારી, પછી તેનો વાસ ભલેને ગમે તે દેશમાં હોય, આધ્યાત્મિક અનુભવોને દેશ ને કાળના બંધન નથી નડતાં. જાતિ કે અવસ્થાનાં પણ નહિ. માટે ઊંચા અનુભવો મેળવવા હોય તો સાઘના કરો, ને સતત સાધના કરો. એકલી વાતોથી કાંઈ નહિ વળે.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી કૃત 'ધર્મનો સાક્ષાત્કાર'માંથી)

 
 

 | Adhyatma| Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal |

 |  Articles | Autobiography | Letters | Lectures | Kavita | Poems | Q&A | Teachings | Writings |

| Calendar | E-books | GopiGeet | Shivmahimna Stotra | Vishnu Sahasranam | Ramana Maharshi | TirthYatra | YogAsana |

| ABOUT US | DISCLAIMER | FAQ | FEEDBACK | GLOSSARY | GUEST BOOK | LINKS | SITE MAP | WHAT'S NEW |

Copyright © Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA. All rights reserved.