|
પ્રશ્ન:
જીવનમુક્તિ એટલે શું
?
મુક્તિ શબ્દ તો સારી પેઠે પ્રચલિત છે. એ શબ્દનો અર્થ પણ જાણીતો છે. પરંતુ
જીવનમુક્તિ શબ્દ જરા નવા જેવો છે. એનો અર્થ સમજાવશો
?
ઉત્તર:
જીવનમુક્તિ શબ્દ વઘારે ભાગે જ્ઞાનમાર્ગના ગ્રંથોમાં વપરાયેલો છે અને એનો
અર્થ જીવતાં જ મુક્તિ અથવા તો જીવન દરમ્યાન મુક્તિ એવો થાય છે. એવી રીતે
જે પુરુષાર્થ કરીને, પોતાના જીવન દરમ્યાન, અથવા તો શરીરમાં જ મુક્તિનો
આનંદ મેળવી લે છે, તેને જીવનમુક્તિ કહેવામાં આવે છે. જીવનમુક્તિ એટલે
જીવન હોવા છતાં, જીવનના બંધનમાંથી મુક્ત.
પ્રશ્ન:
જીવનનાં બંધન કોને સમજવાં
?
ઉત્તર:
દેહાધ્યાસ, રાગ, દ્વેષ, અહંકાર, કામક્રોધાદિ વૃત્તિઓ, આસક્તિ અને મમતા, એ
બધા બંધન છે. જીવ એમાં બંધાયેલો છે અને એ બંધનોને લીધે સુખીદુ:ખી થયા કરે
છે. જન્મ ને મરણ, અથવા તો આવાગમનનું કારણ પણ એ બંધનો જ છે. એ બંધનો
અજ્ઞાનને લીધે જ પેદા થાય છે, વધે છે કે પરિપુષ્ટ બને છે. જ્ઞાનનો ઉદય
થતાં એમનો અંત આવે છે. એ જ્ઞાન એટલે બીજું કોઈ ભળતું જ્ઞાન નહિ, પરંતુ
આત્મજ્ઞાન, સ્વરૂપનું દર્શન, અથવા પરમાત્માનો સાક્ષાત્કાર. જેને એ
જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, અથવા તો પોતાની અંદર ને બહાર બધે જ રહેલા
પરમાત્માનો અપરોક્ષ અનુભવ થાય છે, તે બધી જ જાતનાં બંધનમાંથી મુક્તિ
મેળવીને, પરમ સુખ, પરમ શાંતિ ને પરમાનંદમાં પ્રતિષ્ઠિત થાય છે, એમ અનુભવી
પુરુષો કહી ગયા છે. એ અવસ્થાને જીવનમુક્તિની અવસ્થા કહેવામાં આવે છે.
પ્રશ્ન:
પરંતુ એવી અવસ્થાની પ્રાપ્તિ આ શરીરમાં શક્ય છે ખરી
?
લોકો તો કહે છે કે મુક્તિ શરીર છૂટ્યા પછી જ મળે છે.
ઉત્તર:
લોકો જે કહે છે તે સાચું નથી. બંધન અને મોક્ષ બંનેનો અનુભવ શરીર દ્વારા જ
થઈ શકે છે. ભારતીય સંસ્કૃતિનો એ સર્વમાન્ય સિદ્ધાંત છે. એટલે મુક્તિને
માટે જે પુરુષાર્થ કરવાનો છે, તે પુરુષાર્થ શરીરમાં રહીને જ કરવાનો છે,
અને મુક્તિને માટે પ્રારંભ પામેલા પુરુષાર્થની પૂર્ણાહુતિ પણ શરીરમાં જ
થવાની છે. એ વિશે કોઈ શંકા કે ભ્રમણા હોય તો તેને કાઢી નાખજો. શાસ્ત્રોના
આદેશોને ધ્યાનમાં રાખીને, હિંમતપૂર્વક આગળ વધો અને તમારી નબળાઈઓની સારી
ટક્કર ઝીલીને તેમને ખંખેરી કાઢો તો કશું જ અશક્ય કે મુશ્કેલ નથી. જે
ધારશો તે બધું જ કરી શકશો. તમારે કાંઈ નવેસરથી થોડું જ કરવાનું છે. યાદ
રાખજો કે તમારી ઈચ્છાશક્તિ મંદ હશે, ને પુરુષાર્થ પણ જો કાચો હશે, તો
તમારા લક્ષ્યની સિદ્ધિ તમે નહિ કરી શકો. બધું તમારે માટે અશક્ય જ રહેશે.
માટે ઊઠો, તૈયાર થાવ, ને બધી જાતની શંકાકુશંકાને કાઢી નાખો. |