|
પ્રશ્ન:
તમે પહેલા કહેલું કે હિમાલયમાં સમર્થ મહાપુરુષો વસે છે. તો તેમના દર્શનને
માટે શું કરવું જોઈએ
?
તેમના દર્શનનો લાભ અહીં બેઠે મળી શકે ખરો
?
ઉત્તર:
મળી શકે
- પરંતુ તેને માટે થોડીક યોગ્યતા જોઈએ.
પ્રશ્ન:
કેવા પ્રકારની યોગ્યતા
?
ઉત્તર:
સૌથી પહેલાં તો તેમના દર્શનની ઈચ્છા, ભૂખ, કે લગની જોઈએ. તેના વિના
દર્શનનો લાભ નહીં મળી શકે. એવા મહાપુરુષોનાં દર્શન જો તમે કેવળ કુતૂહલથી
પ્રેરાઈને કે શોખને ખાતર કરવા માંગતા હો, તો તેમાં તમે સફળ નહીં થઈ શકો.
સંશોધન કરવાની વ્રૃતિને સંતોષવા માંગતા હશો, તો તેમાં પણ સફળ નહીં થાવ.
એવા લોકોત્તર મહાપુરુષોના દર્શન તમારા જીવનની એક અનિવાર્ય આવશ્યકતા બની
જવી જોઈએ. અથવા કહો કે તમારા આત્માની તીવ્ર તરસ થવી જોઈએ. એવા
મહાપુરુષોના આશીર્વાદ કે માર્ગદર્શન માટે તમારી ઉત્કંઠા હોવી જોઈએ. તો જ
તેમનાં દર્શન થઈ શકે, અને તેમની પાસેથી ધાર્યો લાભ મળી શકે.
પ્રશ્ન:
તેમનાં દર્શન કરવાને માટે કોઈ જાતની સાધના છે ખરી
?
ઉત્તર:
ઉપર કહેલી લાયકાત એ બીજું કશું નથી પણ એક જાતની સાધના જ છે. તે ઉપરાંત
બીજી સાધના પણ છે. યોગદર્શનમાં કહેલું છે કે ભ્રુવોર્મધ્યે સિદ્ધદર્શનમ્
- એટલે કે બે ભ્રમરની વચ્ચેના ભાગમાં જે ધ્યાન કરે છે અને વૃત્તિને
કેન્દ્રિત કરે છે, તેને એવી પ્રક્રિયાને પરિણામે લાંબે વખતે સિદ્ધ
પુરુષોનું દર્શન થાય છે. સંસારમાં રહેતા સિદ્ધ કોટિના સંતોની સાથે તેવા
સાધકનો સંબંધ બંધાય છે, અને એમની સાથે પ્રત્યક્ષ પરિચયમાં આવીને એ
વાર્તાલાપ વગેરે કરે છે. પરંતુ એવી સાધના લાંબા વખત લગી ને ધીરજ તથા
ઉત્સાહપૂર્વક કરવી જોઈએ. તો જ તે ફળદાયક થઈ શકે. એકાદ બે દિવસના ધ્યાનથી
કાંઈ એવો દર્શનલાભ ન મળી શકે.
પ્રશ્ન:
જે ભક્ત હોય તેને એવા મહાપુરુષોનું દર્શન થઈ શકે ખરું કે
?
ઉત્તર:
જરૂર થઈ શકે. મહાપુરુષો એકલા યોગીને જ મળે છે, ને ભક્તને નથી મળતા, એવું
નથી. જે જે ચાહે તે તે સૌને તેમની પ્રાપ્તિ થઈ શકે છે.
પ્રશ્ન:
ભક્તોને તેમની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે
?
ઉત્તર:
ઈશ્વરની કૃપાથી. ઈશ્વર જ કૃપા કરીને એવા લોકોત્તર મહાપુરુષોની પ્રાપ્તિ
પોતાના સાચા ભક્તોને કરાવી દે છે. ભક્તો જ્યાં હોય ત્યાં તેવા મહાપુરુષો
આવી પહોંચે છે. અથવા તો ભક્તો પોતે કોઈ રીતે તેમની પાસે જઈ પહોંચે છે.
ગમે તે રીતે પણ તે બંનેનો મેળાપ થઈ જાય છે. ભક્તોનો બધો જ ભાર ભગવાન
સંભાળે છે. એ ન્યાયે આ બાબતમાં પણ ભગવાન જ એમના મદદકર્તા બને છે. ભક્તોએ
એ બાબતે વધારે ચિંતા કરવાની જરૂર નથી રહેતી.
પ્રશ્ન:
મહાપુરુષોના મેળાપને માટે શું કરવું
?
કોઈ ઉત્તમ કક્ષાના સમર્થ મહાપુરુષને મેળવવાની મને ઘણી ઈચ્છા છે. છતાં હજી
સુધી કોઈનું દર્શન નથી થયું. તો એવા કોઈ લોકોત્તર મહાપુરુષનું દર્શન મને
થશે કે નહિ થાય ?
ફૂલછાબમાં મહાપુરુષોના અનુભવોની વાતો વાંચીને મારા અંતરમાં એમના દર્શન
માટેની આતુરતા ઉત્પન્ન થઈ છે.
ઉત્તર:
તમારા અંતરમાં જો મહાપુરુષોને મળવાની આતુરતા ઉત્પન્ન થઈ હશે, તો મહાપુરુષ
તમને જરૂર મળશે. તે તો કૃપાળુ છે. તમારા પર કૃપા કરીને તે તમને જરૂર
દર્શન દેશે. અથવા તો ઈશ્વર પોતે તમારી ભાવનાને ઓળખી લઈને તેને સંતોષવા
માટે તેવા મહાપુરુષને તમારી પાસે મોકલી આપશે. તેની કૃપાથી તે તમને જરૂર
દર્શન આપશે. ફક્ત શરત એટલી છે કે તેમના દર્શનને માટેની ઈચ્છા કે આતુરતાને
તમે ટકાવી રાખજો. કેટલીકવાર ઈચ્છાનો ઉદય થાય છે, પરંતુ તે ઈચ્છા લાંબા
વખત સુધી ટકી શકતી નથી. વીજળીની પેઠે ચમકી તથા થોડાક વખત રહીને તે
અદ્રશ્ય થઈ જાય છે. મહાપુરુષના દર્શનને માટેની ઈચ્છાનું જ નહિ, પરંતુ બધા
પ્રકારની આત્મોન્નતિ માટેની ઈચ્છાનું એવું જ સમજી લેવાનું છે. તે
દીર્ધજીવી બની રહે એનું ખાસ ધ્યાન રાખવું.
પ્રશ્ન:
ઈચ્છાની ઉત્કટતા અને એ ઈચ્છાની લાંબા વખત સુધીની સ્થિરતા સિવાયના બીજા
કોઈ સાધનનો આધાર લેવાની જરૂર રહે છે ખરી
?
ઉત્તર:
બીજું સાધન પ્રાર્થનાનું છે અને એનો આધાર પણ લઈ શકાય છે. એ પ્રાર્થના
કેવળ એ દ્વારા થનારી કે વાણી દ્વારા વ્યક્ત થનારી પ્રાર્થના ન હોવી જોઈએ.
પરંતુ હૃદયના આવિર્ભાવ પામનારી ને રોમેરોમમાં ફરી વળનાર હોવી જોઈએ.
અંતરાત્માના અસ્ખલિત અવાજની જેમ એ બહાર પડતી હોવી જોઈએ. તો જ તે ફળી કે
ધારેલું કામ કરી શકે. લાંબા વખત લગી એવી પ્રાર્થનાનો આધાર લો તો તે
પ્રાર્થના ઈશ્વર સાંભળશે અને તમારા મનોરથ સફળ કરશે.
પ્રશ્ન:
તે ઉપરાંત બીજી કોઈ યોગ્યતાની આવશ્યકતા છે ખરી કે
?
ઉત્તર:
તે સિવાયની યોગ્યતા તરીકે તમારા ધાર્મિક સંસ્કારોને પ્રબળ બનાવવાની જરૂર
છે. તેને માટે સારા ગ્રંથોનું વાચન કરતા રહો. જપ કે ધ્યાનનો અભ્યાસ કરો.
આત્મનિરીક્ષણ કરીને આત્મશુદ્ધિ કરો. સત્વગુણને વધારો અને તમારી ઈચ્છા
પ્રમાણેના મહાપુરુષ તો જ્યારે મળે ત્યારે ખરા, પરંતુ ત્યાં સુધી જે કોઈ
પણ સારા સંતપુરુષ કે ભક્ત મળે તેમનો સમાગમ કરો કે લાભ ઊઠાવો. ઊંચી કોટીના
મહાપુરુષ ન મળે તો પણ, તમે હમણાં જે દશામાં છો તે દશામાં તો તમારું કામ
સાધારણ શ્રેણીના સંતપુરુષથી પણ ચાલી શકે છે. તો જે અવસર મળે તેનો લાભ
લઈને આગળ વધવાની તમન્ના રાખો. તો પોતાની જાતને જરૂર લાભ પહોંચાડી શકશો.
પ્રશ્ન:
એવા મહાપુરુષોના દર્શનનો લાભ મને મળી રહે એ માટે તમે આશીર્વાદ આપી શકશો
?
ઉત્તર:
મારા આશીર્વાદ તમને જરૂરી લાગતા હોય, તો તે આપવામાં કશો જ વાંધો નથી. તે
તો છે જ પરંતુ સાથે સાથે મારી તમને સલાહ પણ છે કે મહાપુરુષોના દર્શનની
વાતને ભૂલી ના જશો. ઈશ્વરના દર્શનને માટે પણ એવા જ, બલ્કે એથી યે વધારે,
તલપાપડ બનો. જે હેતુ મહાપુરુષોના દર્શનથી સિદ્ધ થાય છે, તેથી હજારો કે
લાખોગણો હેતુ ઈશ્વરના સાક્ષાત્કારથી સરી રહે છે. એ વાતને ભૂલી ન જશો. આ
જીવન ઈશ્વરના દર્શનને માટે તથા બીજાની સેવા માટે છે, અને શાંતિ એથી જ મળે
છે. મહાપુરુષના દર્શનની દશા તો એક વચગાળાની દશા છે, સાધના કે જીવનનું
સારસર્વસ્વ નથી, એ યાદ રાખો. |