સાધકોને મુંઝવતા પ્રશ્નોનું માર્ગદર્શન

 

પ્રશ્નોત્તરી

 

Question & Answer on Religion and Spirituality

HOME | AUDIO | BOOKS | BHAJANS | BHAGAVAT | BHAGAVAD GITA | MAHABHARAT | RAMAYAN | UPANISHAD | YOG SUTRA | MORE

 

> Q & A : more >

જગત સુધારવાની ઈચ્છા

 

પ્રશ્ન: આખી દુનિયાને સુધારવાની ઈચ્છા થયા કરે છે, તો કેવી રીતે સુધારી નાખવી ?

ઉત્તર: દુનિયાને સુધારવાની ઈચ્છા થતી હોય, તો તેમાં કાંઈ ખોટું કામ નથી થઈ રહ્યું. તેવી ઈચ્છા સારી છે અથવા તો આવકારદાયક છે. પરંતુ મારી સલાહ માનતા હો, તો દુનિયાને સુધારવાનું મોટું કામ કરતાં પહેલાં તમારી જાતને જ સુધારી લો. એ રીતે તમે સંસારની વધારે સારી સેવા કરી શકશો.

પ્રશ્ન: પરંતુ મારી જાતને મેં સુધારેલી જ છે, મારામાં કોઈયે દુષણ નથી.

ઉત્તર: તમે કહો છો માટે જ કાંઈ એ વાતને માની ના લેવાય અને ધારો કે તમારી જાતનો સુધાર તમે કરી લીધો છે, તો પછી દુનિયાને સુધારવાની ઈચ્છા તમને શા માટે થયા કરે છે ? તમે જ્યાં છો ત્યાં, તથા જે કરો છો તે કરતા રહીને, દુનિયાને સુધારી રહ્યા છો, એવું શું તમને નથી લાગતું ? ફૂલ જ્યાં હોય છે, ત્યાં રહીને બગીચાની સેવા કરતું જ હોય છે.

પ્રશ્ન: પરંતુ દુનિયાની વિશેષ રૂપમાં સેવા કરવી હોય, કે નેતા થવું હોય, તો ?

ઉત્તર: તો પછી સૌથી પહેલાં તો એ નક્કી કરો કે એવી સેવા શા માટે કરવી છે, કે નેતા શા માટે થવું છે ? કીર્તિની કામનાથી, લક્ષ્મીની લાલસાથી, કે મોટાઈના મિથ્યા અહંકારથી ? તો એવી કોઈ લૌકિક લાલસાથી પ્રેરાયા હશો તો તમારી ઈચ્છા ભાગ્યે જ સફળ થઈ શકશે. સેવાની પાછળ સેવાની જ વૃત્તિ હોવી જોઈએ. એના બદલામાં તમને યશ મળે કે અપયશ, માન મળે કે અપમાન, ગરીબી મળે કે અમીરી, સુખ મળે કે દુ:ખ, અને સફળતા મળે કે નિષ્ફળતા તો પણ ફૂલાઈ જવાની કે નિરાશ બની જવાની વૃત્તિમાંથી બચવાની તૈયારી હોવી જોઈએ. જનતાને જનાર્દનનું રૂપ માનીને, તેને મદદરૂપ થવાની, તથા જીવનના છેલ્લા શ્વાસ સુધી મદદરૂપ થવાની તમારી ભાવના જોઈએ.

પ્રશ્ન: એવી ભાવના તો છે જ. અને નિ:સ્વાર્થ સેવાની વૃત્તિ પણ છે. તેથી તો હું કહું છું કે, આખી દુનિયાને હું સુધારી શકીશ !

ઉત્તર: દુનિયાને સુધારવી હશે તો માત્ર એટલી જ યોગ્યતાથી નહિ ચાલે. તે ઉપરાંત બીજી યોગ્યતા પણ જોઈએ. દુનિયામાં કેવી જાતનો સુધારો કરવો છે તેનો ચોક્કસ ખ્યાલ જોઈશે. તે સિવાય કેવળ 'સુધારો સુધારો' કર્યા કરવાથી કાંઈ જ નહિ વળે. કઈ જાતનો સુધારો તમે કરવા માંગો છો, તેની ચોક્કસ રૂપરેખા તમારી પાસે હોવી જોઈશે. તમે જાણો છો કે કેટલાક લોકો સુધારા સુધારાની બૂમો પાડ્યા કરે છે. પણ તે વિશેનો કોઈ સક્રિય ને પદ્ધતિસરનો કાર્યક્રમ રજૂ નથી કરી શકતા. શોરબકોર ભાગ્યે જ કામિયાબ નીવડે છે. એટલે તમે જો દુનિયાને સુધારવા માંગતા હો તો, કયી રીતે ને કેવી દિશામાં સુધારવા માગો છો, તે બરાબર સમજી લો.

પ્રશ્ન: ધારો કે એ પણ સમજી લીધું હોય તો ? તો તો સુધારો કરી શકાશે ને ?

ઉત્તર: તો પણ બરાબર સફળ નહિ થઈ શકાય. કેમ કે એક બીજી મહત્વની વસ્તુ હજુ બાકી રહે છે. તે એ કે, જે સુધારા તમે કરવા માંગો છો, તે માટેની યોગ્યતા પણ તમારે મેળવવી પડશે. તમે અંધકારને દૂર કરવા માંગો છો, પરંતુ તમારી પાસે પ્રકાશ છે ? કે તમે સ્વયં પ્રકાશરૂપ છો ? તમે પોતે જ અંધકારમાં અટવાતા હશો, તો બીજાને પ્રકાશનું દર્શન કેવી રીતે કરાવી શકશો ? જે પ્રકાશ તમે બીજાને આપવા માંગતા હો, તે તમે મેળવેલો હશે તો જ, ધારેલુ કામ થઈ શકશે. ને છેલ્લી વાત તો એ છે કે, ઈશ્વરની ઈચ્છા છે કે તમે સંસારને સુધારવાના કામમાં પડો ? જો એનો ઉત્તર હા માં મળતો હોય, તો તમે સફળ થઈ શકશો. નહિ તો તમારા મિથ્યાભિમાનથી જ જો તમે એ કામમાં પ્રવૃત્ત થયા હશો તો નિષ્ફળ જશો.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી કૃત 'ધર્મનો સાક્ષાત્કાર'માંથી)

 
 

 | Adhyatma| Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal |

 |  Articles | Autobiography | Letters | Lectures | Kavita | Poems | Q&A | Teachings | Writings |

| Calendar | E-books | GopiGeet | Shivmahimna Stotra | Vishnu Sahasranam | Ramana Maharshi | TirthYatra | YogAsana |

| ABOUT US | DISCLAIMER | FAQ | FEEDBACK | GLOSSARY | GUEST BOOK | LINKS | SITE MAP | WHAT'S NEW |

Copyright © Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA. All rights reserved.