|
અગસ્ત્ય મુનિના શિષ્ય સુજાણ સુતીક્ષ્ણ નામે રતિ ભગવાન,
મન ક્રમ વચન રામપદ સેવક સ્વપ્ને સેવે કોઇ દેવ ન.
પ્રભુ આગમન સુણી સાનંદ કરી મનોરથ આર્ત અનંત
દોડ્યા કરતાં પ્રેમવિચાર મારા સમ શઠ કોણ કરાળ?
દીનબંધુ લક્ષ્મણની સાથ મળશે મને ભરીને બાથ?
મુજમાં વિરતિ ભક્તિ ના જ્ઞાન, દ્રઢ વિશ્વાસ પ્રેમ ના પ્રાણ.
યોગ જપ યજ્ઞ ના સત્સંગ, ચરણકમળમાં ના દ્રઢ રંગ;
જેને નથી અન્ય આધાર કરુણાનિધાન કરતાં પાર.
(દોહરો)
પ્રતિજ્ઞા સુણી એમની એક એમની ટેક
અપનાવીને પાળતા શરણાગતને નેક.
*
બનશે સફળ આજ મુજ લોચન પેખી મુખપંકજ ભવમોચન;
પૂરણ પ્રેમમગ્ન મુનિ જ્ઞાની દશા જાય ના મધુર વખાણી.
દિશા તથા પ્રદિશાનું ભાન રહ્યું નહીં પોતાનું જ્ઞાન;
આગળ પાછળ ચાલ્યા જાય, નૃત્ય કરીને પ્રભુગુણ ગાય.
પ્રેમભક્તિને પ્રાપ્ત કરી, પેખી રહ્યા પ્રસન્ન હરિ;
ભવભયભંજન શ્રીરઘુરાય પ્રગટ્યા પ્રેમે અંતરમાંહ્ય.
પ્રભુદર્શન પામી ઉરમાં મુનિ બેઠા સ્થિર ત્યાં વનમાં;
પાસ પહોંચ્યા ત્યારે રામ દેવોને અવિચલ આરામ.
(દોહરો)
જાગ્યા મુનિ ન જગાડતાં પામી સુખ ધ્યાને,
પ્રગટ્યા રામ ચતુર્ભૂજ રૂપ ધરી પ્રાણે.
*
મણિ વિણ સર્પ જેમ અકળાય વ્યાકુળ બન્યા તેમ મુનિરાય;
લક્ષ્મણ સીતા સાથે રામ જોયા આગળ ત્યાં સુખધામ.
પડ્યા પદે રેલી અનુરાગ મુનિવર પ્રેમમગન બડભાગ;
પકડી ભેટ્યા પ્રેમથકી રામ એમને અંતરથી.
સુવર્ણદ્રુમને વૃક્ષ તમાલ ભેટ્યું જાણે હોય રસાલ
રહ્યા રામ એવા સોહી મન જોતાં જ રહ્યું મોહી.
નિર્નિમેષ નેને મુનિ એ જોવા લાગ્યા રઘુવરને
ચિત્રાંકિત આકૃતિની જેમ પામી પ્રભુની પૂરણ રે'મ.
(દોહરો)
ચરણસ્પર્શ મુનિએ કર્યો ધૈર્ય પછી ધારી,
આશ્રમમાં લાવી કરી પૂજા સત્કારી.
|