|
મુનિએ કહ્યું સાંભળો નાથ, સ્તુતિ કેમ કરું અજ્ઞ અભાગ;
મહિમા અમિત બુદ્ધિ મુજ અલ્પ, અનુભૂતિ વળી છેક જ સ્વલ્પ.
રવિ સન્મુખ દુર્બળ ખદ્યોત ઝાંખી દીપકકેરી જ્યોત
મહિમા દિવ્ય તમારો તેમ, બુદ્ધિ મારી પહોંચે કેમ?
નીલકમળસમ શ્યામ શરીર, જટામુકુટ ધાર્યા મુનિ ચીર,
કર શારચાપ કમર તૂણીર, નમું નિરંતર શ્રી રઘુવર.
મોહવિપિન દહનાર કૃશાનુ, સંતકમળ કાનનના ભાનુ,
નિશિચરકરિમંડળ મૃગરાજ, રક્ષો અમને ભવખગબાજ.
અરુણ કમળસમ નયન સુવેશ, સીતાનયન ચકોરનિશેશ;
હરઉરમાનસ બાલમરાલ, નયન રામ ઉરબાહુ વિશાળ.
સંશય સર્પગ્રસન ઉરગાદ, શમન સુકર્કશતર્કવિષાદ;
ભવભંજન રંજન સૂર યૂથ, રક્ષો અમને કૃપાવરૂથ.
નિર્ગુણ સગુણ વિષમ સમરૂપ, જ્ઞાનગિરાગોતીત અનૂપ;
અમલ અખિલ અનવદ્ય અપાર, નમન રામ ભંજન ભવભાર.
ભક્ત કલ્પદ્રુમ આત્મારામ, હરતા ક્રોધ લોભ મદ કામ;
અતિ નાગર ભવસાગરસેતુ રક્ષો નિત દિનકર કુળકેતુ.
અતુલિત યશપ્રતાપ બળધામ, કલિમલ વિપુલ વિભંજનનામ
ધર્મકવચ નર્મદ ગુણગ્રામ, કલ્યાણ કરો રઘુપતિ રામ.
વિરજ તમે વ્યાપક, અવિનાશ સૌના હૃદયે કરતા વાસ;
તોપણ લક્ષ્મી સીતા સંગ વસો ઉરે રેલી રસગંગ.
નિર્ગુણ સગુણ તમોને જાણે ભલેને અંતર્યામી માને,
કોશલપતિ રાજીવનયન કરો હૃદય મુજ દિવ્ય અયન.
(દોહરો)
સ્વામી મારા રામ ને હું રઘુવરનો દાસ,
ટળે નહીં અભિમાન એ સ્વપ્ને પણ વિશ્વાસ.
મુનિના વચન સુણી પ્રસન્ન રામ વદ્યા,
ઇચ્છાનુસાર પ્રેમથી માગો વર હમણાં.
મુનિ બોલ્યા મુજને નથી સમજ માગવાની,
જાણું સત્યાસત્યને ના હું અજ્ઞાની.
ભક્તોને સુખકર તમે રઘુનંદન રસરૂપ,
આપો સમજો યોગ્ય તે મુજને હે જગભૂપ !
જ્ઞાન ભક્તિ વૈરાગ્ય ને ગુણ વિવેક વિજ્ઞાન
રઘુવરે કહ્યું, પામતાં બનો સદાય નિધાન.
મુનિ બોલ્યા માંગુ હવે મનગમતું વરદાન,
કરો પ્રદાન કૃપા કરી ધન્ય થાય કે પ્રાણ.
અનુજ જાનકી સહ પ્રભો ધનુષ બાણધર રામ
હૃદયગગન મારા વસો ઇન્દુ જેમ નિષ્કામ.
|