|
(દોહરો)
ભક્તિ યોગના શ્રવણથી લક્ષ્મણ સુખ પામી
રહ્યો રામના ચરણમાં નેહથકી નામી.
જ્ઞાન તથા વૈરાગ્યની વાત કહેતાં એમ
વીત્યા થોડા દિવસ ત્યાં પ્રવાહની જેમ.
*
શૂપર્ણખા રાવણની બેન નાગિણીસમી દારુણનેમ
આવી પંચવટી સ્થળમાં બની વિકળ જેવી ક્ષણમાં.
પિતાપુત્ર કોઇ પણ હોય પુરૂષ મનોહર જોતાં કોય,
વિકળ બને અધમ સ્ત્રીજન રોક્યું ના રોકાયે મન.
રુચિર રુપને એ ધારી સ્મિત કરતાં બોલી નારી,
પ્રભુ પાસ જઇ મુગ્ધ બની પ્રકટ કરીને પ્રીતિ ઘણી.
તમારા સમો પુરુષ ન ક્યાંય, મારી મળે ન જગમાં છાંય,
યોગ રચ્યો વિધિએ કેવો વિરલ છતાં ચોક્કસ જેવો.
ત્રિભુવનમાં મેં શોધ કરી મારે યોગ્ય શક્યું ન મળી
કુંવારી રહી એથી હું, પ્રસન્ન તમને પેખી છું.
તમને જોઇ મન માન્યું, અવસર આ અનુપમ જાણું.
બોલ્યા અખિલ જગતના તાત, અવિવાહિત મુજ નાનો ભ્રાત;
ત્યારે લક્ષ્મણ પાસ ગઇ, લક્ષ્મણે મધુર વાણ કહી.
હું તો એમનો ક્ષુલ્લક દાસ પરાધીન છું પડેલ પાશ,
તેથી મળશે તને ન સુખ સુંદરી થશે ઉલટું દુઃખ.
(દોહરો)
કોશલપુરના રાજ છે પ્રભુ સમર્થ પોતે,
શોભે સઘળું તેમને જે કરતાં હો તે.
*
દાસ ચહે સુખ ભિક્ષુક માન વ્યસની ધન યશ લોભી મહાન,
ઇચ્છે શુભ ગતિ વ્યભિચારી, ફળને ચાર અહંકારી.
નભને દોહી ચાહે દૂધ એ સૌ જનને કહ્યા અબુધ
અસંભવ બને સંભવ કેમ, લોહ બને કેમ કરી હેમ?
આવી નારી રઘુવર પાસ, લક્ષ્મણ પાસ પાઠવી ખાસ;
કહ્યું લક્ષ્મણે જે નિર્લજ્જ થશે તે તને વરવા સજ્જ.
ત્યારે રઘુવર પાસ ગઇ રૂપ ભયંકર ધરી ફરી;
સીતાને જોઇ ભયભીત સૂચન રામે કર્યું સપ્રીત.
(દોહરો)
શૂર્પણખાને લક્ષ્મણે નાક કાનથી હીન
કરી પછી લંકેશને પડકાર સમી દીન.
|