રામચરિતમાનસ - વિહંગાવલોકન

 

Ramcharitmanas

 

Shri Yogeshwarji's comments on Tulsi Ramayan

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

અનસૂયાનો ઉપદેશ

(અરણ્યકાંડ)

 

અનસૂયાનો ઉપદેશ આજના સમયમાં કેટલાકને એકાંગી લાગશે. એમાં સ્ત્રીના ધર્મને વિચારીને સ્ત્રીએ પતિસેવા કરવી અને પવિત્ર, પતિપરાયણ, આદર્શ જીવન જીવવું એવો સંદેશ અપાયો છે. પરંતુ સ્ત્રી પ્રત્યેના પુરૂષના કર્તવ્ય કે ધર્મ વિશે એક અક્ષર પણ ઉચ્ચારવામાં આવ્યો નથી. જેમ સ્ત્રીનું પુરૂષ પ્રત્યે તેમ જ પુરૂષનું સ્ત્રી પ્રત્યે કર્તવ્ય હોય છે.

- શ્રી યોગેશ્વરજી

 

< Back | Aranya Kand | Next >

       

પ્રત્યેક પરિસ્થિતિને પરમાત્માની પ્રસાદી સમજીને પ્રત્યેક પરિસ્થિતિમાં શાંત ને પ્રસન્ન રહેવાની સાધના રામ જેવા કોઇક વિરલ પુરૂષવિશેષ જ કરી શકે. એવા પુરૂષો પ્રત્યેક પરિસ્થિતિમાંથી કોઇ ને કોઇ જીવનોપયોગી પદાર્થપાઠ પામી શકે. રામે કૈકૈયીને કહેલું કે તમે વનવાસનું વરદાન માગીને મારું કલ્યાણ જ કર્યું છે. વનમાં મને ઋષિવરોનાં દર્શનનો દેવદુર્લભ લાભ મળશે. કેવો અદભૂત અભિગમ ! એનું પરિણામ એમનાં વનવાસ દરમ્યાન દેખાયું. મહર્ષિ અત્રિ, અનસૂયા, શરભંગ, સુતીક્ષ્ણ, અગસ્ત્ય મુનિસરખા પરમ પ્રતાપી, પરમાત્મા પરાયણ સંતપુરૂષોનો એમને સુખદ સમાગમ થયો.

મહર્ષિ અત્રિનું દર્શન અતિશય આનંદદાયક ઠર્યું. એમનાં તપસ્વિની સહધર્મિણી સતી અનસૂયાએ સીતાને જે સદુપદેશ આપ્યો એ સવિશેષ ઉલ્લેખનીય છે. એ સદુપદેશ દ્વારા અનસૂયાએ સ્ત્રીના ધર્મોનું વર્ણન કરી બતાવ્યું.

'હે રાજકુમારી, પિતામાતા તથા ભાઇ સર્વે હિત કરનારાં છે પણ માપેલું ફળ દેનારા છે. પતિ અમાપ ફળ આપે છે. એવા પતિની સેવા ના કરનારી સ્ત્રી અધમ છે. ધીરજ, ધર્મ, મિત્ર તથા સ્ત્રી ચારેની પરિક્ષા વિપત્તિ વખતે થાય છે.

વૃદ્ધ, રોગી, મૂર્ખ, નિર્ધન, અંધ, બધિર, ક્રોધી, અતિશય દીન પતિનું પણ અપમાન કરવાથી સ્ત્રી યમપુરમાં જઇને પાર વિનાના દુઃખને પામે છે. સ્ત્રીને માટે એક જ ધર્મ, વ્રત, નિયમ છેઃ તન મન વચનથી પતિનાં ચરણોમાં પ્રેમ કરવાનો.

જે સ્ત્રી છળને છોડીને પતિવ્રતધર્મ પાળે છે તે વિના પરિશ્રમે જ પરમગતિને પામે છે.

જન્મથી જ અપવિત્ર સ્ત્રી પતિની સેવાથી સહેલાઇથી શુભ ગતિને મેળવી લે છે.'

અનસૂયાનો એ ઉપદેશ આજના સમયમાં કેટલાકને એકાંગી લાગશે. એમાં સ્ત્રીના ધર્મને વિચારીને સ્ત્રીએ પતિસેવા કરવી અને પવિત્ર, પતિપરાયણ, આદર્શ જીવન જીવવું એવો સંદેશ અપાયો છે. પરંતુ સ્ત્રી પ્રત્યેના પુરૂષના કર્તવ્ય કે ધર્મ વિશે એક અક્ષર પણ ઉચ્ચારવામાં આવ્યો નથી. જેમ સ્ત્રીનું પુરૂષ પ્રત્યે તેમ જ પુરૂષનું સ્ત્રી પ્રત્યે કર્તવ્ય હોય છે. એનો અંગૂલિનિર્દેશ સમુચિત લેખાત. પરંતુ એનો અંગૂલિનિર્દેશ નથી થયો. અત્રિ મુનિ દ્વારા રામને પુરૂષના સ્ત્રી પ્રત્યેના ધર્મકર્મનો ઉપદેશ અપાયો હોત તો એ ઉપદેશ અવસરને અનુરૂપ જ લાગત.

સ્ત્રી જન્મથી જ અપવિત્ર છે - सहज अपावनि नारि - એ વિધાન સ્ત્રીઓને આદર્શ ના લાગે તો નવાઇ પામવા જેવું નથી.

Shri Yogeshwarji

 

(From Shri Yogeshwarji's book entitled 'Ramcharitmanas')
 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer